સલમાન ખાનની જેમ તમે પણ લગ્ન કરવા માટે ગભરાઓ છો? તો તમને હોઈ શકે આ ફોબિયા

04 July, 2024 10:16 AM IST  |  Mumbai | Heena Patel

ગૅમોફોબિયાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

દરેક વખત લગ્નની વાત આવે ત્યારે મનમાં લડ્ડુ ફૂટે એવું નથી. ઘણા એવા લોકો પણ હોય છે જેમને લગ્નના નામથી પરસેવો છૂટી જાય. આને જ ગૅમોફોબિયા કહેવાય. તાજેતરમાં જ સલીમ ખાને તેમના દીકરા સલમાન ખાને હજી સુધી લગ્ન કેમ નથી કર્યાં એને લઇને એક ઇન્ટરવ્યુમાં વાતચીત કરી હતી. એ પછીથી ગૅમોફોબિયાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ગૅમોફોબિયા ધરાવતી વ્યક્તિને લાંબા ગાળાની રિલેશનશિપમાં આગળ વધવાનો અને કમિટમેન્ટ આપવાનો ડર લાગતો હોય છે. નવાઈ એ છે કે આ ભય લાગતો હોવા છતાં તેઓ મનથી તો ઝંખતા જ હોય છે કે તેમનો કોઈ જીવનસાથી હોય.

કોઈ પણ પિતા એવું ઇચ્છે કે ઉંમરલાયક થયા પછી તેમનાં સંતાનો લગ્ન કરીને જીવનમાં ઠરીઠામ થાય. એવી જ રીતે સલીમ ખાનને પણ એવી ઇચ્છા છે કે તેમનો દીકરો સલમાન ખાન લાઇફમાં સેટલ થઈ જાય, પણ ૫૮ વર્ષની ઉંમરે પણ સલમાન ખાને હજી લગ્નને લઈને કોઈ નિર્ણય લીધો નથી. લોકો અવારનવાર સલમાનને પ્રશ્નો પૂછતા રહેતા હોય છે કે તેણે હજી સુધી લગ્ન કેમ નથી કર્યાં. એવામાં સલીમ ખાનનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તેઓ સલમાન કેમ લગ્નથી દૂર ભાગી રહ્યો છે એનો જવાબ આપતાં કહે છે કે સલમાનનો સ્વભાવ ખૂબ સરળ છે એટલે તે જલદી કોઈનાથી પણ આકર્ષિત થઈ જાય છે, પણ લગ્ન કરવાની હિંમત નથી કરી શકતો કારણ કે તેને ભય છે કે કદાચ એ યુવતી તેનું ઘર નહીં સંભાળી શકે; સલમાન એવી યુવતીને જીવનસાથી બનાવવા ઇચ્છે છે જે પરિવાર માટે સમર્પિત હોય; સલમાનને તેની મમ્મી જેવી જ યુવતી જોઈએ છે જે પોતાના પતિ અને પરિવાર માટે પ્રતિબદ્ધ રહે; આજના જમાનામાં એવી યુવતી ક્યાં મળશે જે ઘર સંભાળે, બાળકોને ઉછેરે, તેમને હોમવર્ક કરાવે; પરિવારને બાંધીને રાખે એવી યુવતી સલમાનને જોઈએ છે.

સલીમ ખાનના આ વિડિયો સાથે જ ગૅમોફોબિયાને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે અગાઉ સલમાન ખાન કહી ચૂક્યો છે, ‘મારા જીવનમાં ઘણી મહિલાઓ આવી છે અને મને છોડીને જતી રહી છે. મને તો ક્યારેક એમ લાગે છે કે મારો જ કોઈ વાંક છે. મારા જીવનમાં અનેક ગર્લફ્રેન્ડ્સ આવી છે. શરૂઆતમાં એક, બે, ત્રણ છોડીને જાય તો તમને એમ લાગે કે વાંક તેમનો હતો; પણ બધી જ છોડીને જાય તો પછી ધીમે-ધીમે ખબર પડવા લાગે કે વાંક તમારો જ છે. બની શકે કે તેમના મનમાં એવો ભય હોય કે હું તેમને જીવનમાં ખુશી નહીં આપી શકું.’

ગૅમોફોબિયા એટલે શું?

સરળ ભાષામાં કહીએ તો ગૅમોફોબિયા એટલે કમિટમેન્ટ આપવાનો કે લગ્ન કરવાનો ભય. આ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપતાં સાઇકોલૉજિસ્ટ જિ​નિષા ભટ્ટ કહે છે, ‘તમે રિલેશનશિપમાં જાઓ પણ પછી જ્યારે એ સિરિયસ થવા માંડે ત્યારે તમે એનો અંત લાવી દો કે પછી પાર્ટનર તમારી સાથે ફ્યુચરને લઈને ઇમ્પોર્ટન્ટ ડિસકશન કરે ત્યારે તમને ઍન્ગ્ઝાયટી થઈ જાય કે પછી મૅરેજને લઈને હંમેશાં તમે નેગેટિવલી વિચારો તો આ બધી કેટલીક કૉમન સાઇન્સ છે જે ગૅમોફોબિયા ઇન્ડિકેટ કરે છે. આમાં એવું નથી કે તેમને રિલેશનશિપમાં નથી રહેવું, પણ ત્યાં સુધી જ રહેવું છે જ્યાં સુધી એ વધુ સિરિયસ ન બને કે જ્યાં સુધી તેમને કોઈ કમિટમેન્ટ ન આપવું પડે. આવું કરવા પાછળ તેમનાં ઘણાં કારણો હોઈ શકે, જેમ કે તેમને એવું હોય કે આજકાલ કોઈ રિલેશન વધુ ટકતાં નથી તો મારે એટલોબધો ટાઇમ અને એનર્જી શું કામ વેસ્ટ કરવાં? મનમાં એવો ડર હોય કે વધુપડતો ઇમોશનલી ઇન્વૉલ્વ થઈ જઈશ તો આગળ જતાં મારો પાર્ટનર મને મનદુઃખ પહોંચાડી શકે છે, મને છોડીને જઈ શકે, મારો વિશ્વાસ તોડીને જઈ શકે. એવું પણ બને કે તમને તમારા પર સેલ્ફ-ડાઉટ હોય કે પછી લો સેલ્ફ-એસ્ટીમ હોય.’

આ કારણો જવાબદાર

કોઈ વ્યક્તિને ગૅમોફોબિયા છે તો એની પાછળનાં કયાં વિવિધ કારણો હોઈ શકે એ વિશે વાત કરતાં કાઉન્સેલર ઍન્ડ સાઇકોથેરપિસ્ટ દીપલ મહેતા કહે છે, ‘આનાં બે મેઇન રીઝન છે. એક તો પાસ્ટ એક્સ્પીરિયન્સિસ એટલે કે ભૂતકાળમાં થયેલો એવો કોઈ કડવો અનુભવ જેમ કે બાળપણમાં તમે તમારાં મમ્મી-પપ્પા વચ્ચે થતા ઝઘડાઓ જોયા હોય, ઘરેલુ હિંસા જોઈ હોય, તમારું બ્રેકઅપ કે ડિવૉર્સ થયા હોય, તમારો પાર્ટનર તમને છોડીને જતો રહ્યો હોય, રિલેશનશિપમાં તમારી સાથે વિશ્વાસઘાત થયો હોય. ગૅમોફોબિયાનું બીજું કારણ જિનેટિક પણ હોઈ શકે એટલે કે એ એક જનરેશનથી બીજી જનરેશનમાં પાસ થતો રહે જેમ કે પ્રેગ્નન્સી દરમિયાન કોઈ એવો અનુભવ થયો હોય તો એની અસર બાળક પણ પર પડી શકે છે.’

કઈ રીતે ભય દૂર કરી શકાય?

ગૅમોફોબિયાના એક કેસને લઈને પોતાના અનુભવ શૅર કરતાં દીપલ મહેતા કહે છે, ‘મારી પાસે એક યુવક આવ્યો હતો. તે બે વર્ષથી એક યુવતી સાથે રિલેશનશિપમાં હતો. જોકે લગ્નની વાત આવી ત્યારે તે ટાળવા લાગ્યો. સ્વાભાવિક છે કે રિલેશનશિપમાં એક સમય પછી પાર્ટનર તમારી પાસેથી કમિટમેન્ટ માગે. યુવતીનું કહેવું હતું કે આપણે લાઇફમાં સેટલ થઈ ચૂક્યાં છીએ તો હવે પરણી જવું જોઈએ. બીજી બાજુ યુવક લગ્ન માટે વધુ સમય માગી રહ્યો હતો. તેણે પહેલાં એવું બહાનું આપ્યું કે હું હજી લાઇફમાં કમ્પ્લીટ્લી સેટલ થયો નથી. એ પછી તે એમ કહેવા લાગ્યો કે મારા પેરન્ટ્સ આ રિલેશનને ઍક્સેપ્ટ નહીં કરે એટલે આપણે રિલેશનશિપનો અંત લાવી દેવો જોઈએ. તો ઍઝ અ થેરપિસ્ટ અમે જાણવાનો પ્રયત્ન કરીએ કે વ્યક્તિ લગ્ન ન કરવા માટેનાં જે કારણો આપી રહ્યો છે એ કેટલાં સાચાં છે. જો એ ખોટાં છે તો એવી કઈ વસ્તુ છે જે તેને લગ્ન કરવા માટે રોકી રહી છે? ઘણા કેસમાં વ્યક્તિને ખબર જ ન હોય કે તેને ફોબિયા છે. ગૅમોફોબિયાના કેસમાં અમે તેની સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીએ કે તેના મનમાં લગ્નને લઈને જે ભય પેદા થયો એ કેવી રીતે થયો. અમે તેના મનમાં જે ડર છે એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. અમે તેને સક્સેસફુલ મૅરેજનાં એક્ઝામ્પલ આપીએ. તેના પરિવારમાં કોઈનું સફળ લગ્નજીવન હોય તો એને ઑબ્ઝર્વ કરવાનું કહીએ એ બધી વસ્તુને લઈને અમે કાઉન્સેલિંગ આપીએ જેથી તેઓ તેમના ભયમાંથી બહાર નીકળી શકે.’

પાર્ટનરને ગૅમોફોબિયા હોય તો?

ઇન કેસ જો કોઈ ગૅમોફોબિયાથી પીડાતી વ્યક્તિ સાથે રિલેશનશિપમાં હોય તો એવા સમયે તેણે શું કરવું જોઈએ એ વિશે માર્ગદર્શન આપતાં જિનિષા ભટ્ટ કહે છે, ‘જનરલી જેમને ગૅમોફોબિયા હોય એ લોકો એમ વિચારે કે હું લગ્ન અને કમિટમેન્ટ આપવાથી દૂર રહીને મારા ઇમોશનલ વેલબીઇંગને પ્રોટેક્ટ કરી રહ્યો છું. એટલે આમાં તેમનો જે પાર્ટનર હોય તેને વધારે સફર કરવું પડે છે. તો આવા કેસમાં સૌથી પહેલાં તો તમારે તમારા પાર્ટનર સાથે ડિસ્કસ કરવું જોઈએ કે શું તે કમિટેડ થવા ઇચ્છે છે? જો એને કોઈ ઇશ્યુઝ આવી રહ્યા છે તો શું તે એના પર કામ કરવા ઇચ્છે છે? જો તેને એના પર કામ જ ન કરવું હોય તો તમારે તેનાથી દૂર થઈ જવું જોઈએ, કારણ કે ‌તેના અને તમારા એન્ડ-ગોલ્સ ખૂબ અલગ છે. તમારી લગ્ન કરીને ફૅમિલી બનાવવાની ઇચ્છા હોય પણ તેને ફક્ત એવા રિલેશનમાં રહેવું હોય જ્યાં કોઈ કમિટમેન્ટ ન આપવું પડે. જો એ વ્યક્તિને લાગતું હોય કે તેને આગળ વધવાની ઇચ્છા છે પણ મનમાં એવી અમુક વસ્તુ છે જે તેને લગ્ન કરતાં કે કમિટમેન્ટ આપતાં રોકી રહી છે તો તમે તેની સાથે હેલ્ધી કમ્યુનિકેશન કરો જેથી તેમને તમારી રિલેશનશિપમાં કૉન્ફિડન્સ વધુ આવે અને ફિયર ઓછો થાય. તમને એવું લાગતું હોય તો તમે સાઇકોલૉજિસ્ટની હેલ્પ લઈ શકો જે તમારા પાર્ટનરની થૉટ-પ્રોસેસને ચેન્જ કરવામાં મદદ કરે.’

life and style relationships sex and relationships columnists