ગાળો અને અશ્લીલ દૃશ્યોથી ટીનેજર્સમાં વિકૃતિ આવી શકે

23 December, 2024 09:04 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

વેબ-શોમાં કે પછી ઑનલાઇન જે કન્ટેન્ટ છે એની અસર ટીનેજર્સ પર પડતી જ હોય છે અને એ કન્ટેન્ટ બાળકના માનસમાં વિકૃતિ લાવવાનું કામ કરે છે

પ્રતીકાત્મક તસવીર

વેલ એજ્યુકેટેડ એવા એક જૈન કપલને હમણાં મળવાનું થયું. કપલમાં વાઇફને લાગતું હતું કે તેના હસબન્ડ છેલ્લા થોડા સમયથી ઇન્ટિમેટ રિલેશનશિપ દરમ્યાન વાયલન્ટ બને છે. તેણે પોતાના હસબન્ડ સાથે પણ વાત કરી હતી, પણ હસબન્ડને એવું લાગતું નહોતું. વાઇફનું કહેવું હતું કે હસબન્ડને તેણે અમુક પુરાવાઓ આપ્યા, પણ હસબન્ડ એ વાત સ્વીકારવા તૈયાર નહોતા. મીટિંગ દરમ્યાન વાઇફે પોતાનું તારણ આપતાં કહ્યું કે કોવિડના લૉકડાઉન પછી હસબન્ડને વેબ-સિરીઝ જોવાની બહુ આદત પડી છે જેને લીધે તેમના સ્વભાવમાં આ ચેન્જ જોવા મળ્યો છે. વાઇફનું તારણ ખોટું નહોતું. વેબ-શોમાં આવતી ગાળો અને અશ્લીલ દૃશ્યોની અસર વ્યક્તિના સ્વભાવ પર જોવા મળે જ છે અને એ અનેક કિસ્સાઓમાં પ્રૂવ પણ થયું છે. વાતચીત દરમ્યાન એક મુદ્દો એવો નીકળ્યો જેની ચર્ચા મહત્ત્વની બની રહે છે.

વાઇફનું કહેવું હતું કે વેબ-શોનો મુખ્ય વિષય જુદો હોય તો પણ એમાં કોઈ ને કોઈ રીતે ઍડલ્ટ કન્ટેન્ટ આવી જતું હોય છે. પર્સનલ લાઇફમાં વાઇફને એ ઍડલ્ટ કન્ટેન્ટથી પ્રૉબ્લેમ નહોતો, પણ તેને ટેન્શન એ વાતનું હતું કે જે વેબ-સિરીઝનું ઍડલ્ટ કન્ટેન્ટ જોઈને તેને શોક લાગતો હતો એ જ વેબ-શો તેનાં દસ અને બાર વર્ષનાં બાળકો પણ જોતાં હતાં અને પછી એ શોની સ્ટોરી વિશે નૉર્મલ રીતે વાત પણ કરતાં, જેને લીધે મમ્મીને ખબર પડતી કે તેનાં બાળકો પણ એ શો જુએ છે. વાઇફનું કહેવું હતું કે વેબ-શોના ઍડલ્ટ કન્ટેન્ટ પછી જો હસબન્ડના સ્વભાવમાં કે તેની ઇન્ટિમેટ લાઇફમાં ફરક આવતો હોય તો બાળક પર એની અસર નહીં થતી હોય અને ધારો કે એ થતી હોય તો એ અસર કેવી રીતે તેના સ્વભાવમાંથી બહાર આવતી હશે?

એક જાગૃત મમ્મી તરીકે તેની આ મૂંઝવણ બહુ સાચી અને અગત્યની હતી. માણસ જ્યારે સામાજિક પ્રાણી છે ત્યારે તે આંખ આડા કાન કરી લેશે તો નહીં ચાલે. વેબ-શોમાં કે પછી ઑનલાઇન જે કન્ટેન્ટ છે એની અસર ટીનેજર્સ પર પડતી જ હોય છે અને એ કન્ટેન્ટ બાળકના માનસમાં વિકૃતિ લાવવાનું કામ કરે છે. મનમાં આવેલી આ વિકૃતિ કોઈ ને કોઈ રીતે બહાર આવવાની સંભાવના ભારોભાર છે. જોકે એમાં કલ્ચર અને પરિવારની રહેણીકરણી પણ મહત્ત્વનો ભાગ ભજવે છે તો સાથોસાથ બાળકની સંગતમાં બીજાં કેવાં બાળકો છે એ પણ મહત્ત્વનું બને છે અને એટલે હું કહીશ કે બાળક શું જુએ છે એ જ નહીં, પછી તે કેવા લોકોની સાથે રહે છે એ પણ જોતા રહેવું મહત્ત્વનું છે.

sex and relationships relationships life and style columnists