30 March, 2024 12:11 PM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નેગેટિવ અને પૉઝિટિવ છેડા ભેગા મળીને એક સ્વસ્થ મજબૂત બૉન્ડ બનાવે એવું વિજ્ઞાન આપણે સૌ જાણીએ છીએ. વિરોધી ગુણોવાળા લોકો એકબીજાથી આકર્ષાય એ ઘટના સામાન્ય છે, પણ મોટા ભાગે આ વિરોધી લિંગ સુધી જ સીમિત છે. એક છોકરાનું એક છોકરી પ્રત્યે શારીરિક રીતે આકર્ષિત થવું કે એથી ઊલટું થવું સામાન્ય છે અને સ્વસ્થ પણ છે, પણ આ તથ્ય ફક્ત શારીરિક આકર્ષણ બાબતે જ ખરું સાબિત થયું છે. વાત જ્યારે ફિઝિકલ અટ્રૅક્શનની હોય ત્યારે આકર્ષણ પેદા થવા પૂરતું ઑપોઝિટ અટ્રૅક્ટ્સ કારગર છે. તાજેતરમાં થયેલા રિલેશનશિપ પરના પાંચ વર્ષ લાંબા સંશોધનનું તારણ બતાવે છે કે હકીકતમાં તો આપણે એવી વ્યક્તિઓ સાથે લાંબો સમય ટકી શકીએ છીએ જેમનામાં આપણા જેવા વિચારો-ગુણો અને આપણા વ્યક્તિત્વને કૉમ્પ્લિમેન્ટ્સ કરતી બાબતો હોય. આવા કુલ મળીને લગભગ ૮૩ ટકાથી ૮૯ ટકા ગુણો મળે ત્યારે આપણે એક સુખી સહજીવન જીવી શકીએ એવું વિજ્ઞાન કહે છે. સામાન્ય રીતે ઑપોઝિટ અટ્રૅક્ટ્સ’ જેવા નિયમના આધારે એવું મનાય છે કે વ્યક્તિત્વનો વિરોધાભાસ લગ્નજીવનમાં બન્નેને ચુંબકની જેમ જોડી રાખશે, પણ હવે આ ધારણા ખોટી પડી રહી છે. સંશોધનો કહે છે કે એકબીજા વચ્ચે ગુણો અને વિચારોની સમાનતા જ ઉત્તમ સહજીવન આપી શકે છે. કદાચ એટલે જ આપણી સંસ્કૃતિમાં પણ કુંડળી મેળવતી વખતે ૩૬માંથી ૩૬ ગુણ મળે એવી અપેક્ષા રખાય છે. આપણે ત્યાં લગ્ન માટે કુંડળી મેળવવામાં આવે છે ત્યારે બન્નેના ૩૬માંથી ૩૬ ગુણ મળે એવી અપેક્ષા રખાય છે અને જો આવું થાય તો એ જોડી ‘ઉત્તમ યુગલ’ બનશે એવું ભાખવામાં આવે છે.
એકદમ વિરોધાભાસ હોય તો ઘર્ષણ જ થાય
આપણી આસપાસ એવા કેટલાય લોકો હોય છે જેમાં એક શરમાળ હોય અને એક વાચાળ, એક શાંત હોય અને બીજાના નાકે ગુસ્સો રહેતો હોય; આમ છતાં આવું યુગલ એક ઉત્તમ યુગલ બની રહે છે એમ જણાવતાં સાઇકોલૉજિસ્ટ સૃષ્ટિ અગ્રવાલ કહે છે, ‘આવું યુગલ બનવા એક-બે વાતોનો નજીવો વિરોધાભાસ જ ઠીક હોય છે. તદ્દન વિરોધી વ્યક્તિત્વ એટલે સંઘર્ષ. તમારા જીવનમાં દરેક તબક્કે બે મત હશે અને દરેક વખતે એ બમણી ઊર્જા માગી લેશે કોઈ એક નિર્ણય પર આવવા! ખાસ કરીને થૉટ પૅટર્ન જ અલગ હોય તો શું કરવાનું? એક યુગલના જીવન વિશેના વિચારો, પરિવાર વિશેના વિચારો, સામાજિક અને રાજકીય વિચારો અને બાળકોને ઉછેરવા વિશેના વિચારો જેવા પાયાકીય વિચારો સરખા હોય તો ઘરમાં નાની-નાની બાબતોએ સંઘર્ષ ન ઊભો થાય. આવું ન થાય ત્યારે એકાદ વ્યક્તિના ભોગે ભોગ આપવાનું વધી જાય છે અને પછી ‘અમે તો બાળકો માટે સાથે રહીએ છીએ’ જેવી વાતો કરીને લગ્નજીવન ઢસડાતું રહે છે. સાથે રહેવાનું હોય ત્યારે જીવન સરળ બને એ આપણું ધ્યેય હોય છે એટલે બન્નેમાં સરખામણી હોવી ખૂબ જ જરૂરી છે. ઘણી વાર એવું પણ બને છે કે એક ફિટનેસ-ફ્રીક હોય અને બીજો આ બાબતે ભયંકર આળસ ધરાવે, પણ તેને પોતાના પાર્ટનરનું ફિટ હોવું ખૂબ જ ગમી જતું હોય. આવાં યુગલો એક રીતે વિરોધી હોવા છતાં વૈચારિક રીતે એક રીતની સમાનતા ધરાવે છે અને સારું યુગલ બને છે. મૂળ તો બન્નેની સમજદારીના છેડા ક્યાંક ને ક્યાંક સહમતીને અડે એ જરૂરી છે. બે લોકો સાથે જીવે છે ત્યારે બે અલગ-અલગ લોકો જ છે એ હકીકત ન ભૂલવી જોઈએ. ‘દો જિસ્મ એક જાન’ કન્સેપ્ટ હવે જૂનો થયો છે ત્યારે જો કશુંક જજ કરીને ચાલવું હોય ત્યારે એકબીજામાં કઈ-કઈ બાબતે સમાનતા છે એના આધારે જ નક્કી કરી શકાય કે અહીં લાંબું ટકાશે કે નહીં’
વધુ સમાનતા બોરિંગ લાઇફની ઉત્તેજક
ઘણાં યુગલો એકબીજાથી વિરુદ્ધ હોવાને લીધે સતત કંઈક શીખતાં રહે છે અને એવું તેમને ગમતું રહે છે. અહીં નવું શીખવાની બાબતે બન્ને એક હોય છે. એકને ફિલ્મો ગમે અને બીજાને સમાચાર તો બન્ને એકબીજાના વિચારોની આપ-લે કરીને પોતે અપડેટેડ રહે છે એવું પણ બને છે. એક ફિક્શન પસંદ કરે અને એક નૉન-ફિક્શન, એકને નેચર ગમે અને બીજાને મટીરિયલિસ્ટિક લાઇફ તો બન્ને પોતપોતાની મજા માણીને એકબીજાને ન ગમે એવી વાતોમાં પણ સમજદારીપૂર્વક સાથે રહીને એક સ્વસ્થ સંબંધ જીવતાં હોય છે એમ જણાવતાં સૃષ્ટિ અગ્રવાલ કહે છે, ‘હા, શોખની બાબતે આવું થાય ત્યારે જીવનમાં થોડી તાજગી અને નવીનતા રહે છે. આગળ કહ્યું એમ સાવ જ પાયાકીય બાબતોમાં વિરોધાભાસ ન હોવો જોઈએ. ત્યાં તો એક મત જ ચાલે. સાવ જ સરખા બધી જ રીતે હોય ત્યારે નવાપણું, તાજગી કે ફ્રેશનેસ મિસ થાય છે અને એક સમય પછીની પાર્ટનરશિપ કંટાળાજનક બની જવાની શક્યતા રહે છે.’
ક્યાંક વિરોધાભાસ, ક્યાંક સમાનતા બન્ને જરૂરી છે
આપણાથી વિરુદ્ધ વિચારો ધરાવતા લોકો તરફ આપણે આકર્ષાઈએ છીએ એ કલ્પના અસત્ય છે એવું જણાવતાં સાઇકોલૉજિસ્ટ ડૉ. મેઘા જોશી કહે છે, ‘હા, આવું થતું હોય છે એમાં ના નહીં, પણ સંશોધનો કહે છે કે જ્યારે તમારે લાંબા ગાળાના સંબંધમાં રહેવાનું હોય છે ત્યારે એક એવી વ્યક્તિ સાથે રહેવું જોઈએ જેની સાથે તમારી સમાન રુચિઓ હોય. આવા સંબંધો પરિપૂર્ણ હોય છે અને લાંબા ગાળાના મજબૂત સંબંધનું નિર્માણ કરે છે. વિરુદ્ધ ગુણો મોટા ભાગે જાતીય રીતે વધુ આકર્ષે છે. એને લીધે તે વ્યક્તિ સાથે આપણી સારી પટશે એવું આપણે તરત જ ધારી લઈએ. આપણાથી વિરોધી વ્યક્તિત્વવાળા લોકો સાથે ડેટિંગમાં સંઘર્ષ થવાની શક્યતા ઘણી વધારે હોય છે. ઘણી વાર ડેટિંગ દરમિયાન જ તેમનું સત્ય બહાર આવી જાય છે. એમાંથી જોકે શીખવા ઘણું મળે છે. આપણે લોકો રોમૅન્ટિક ફિલ્મો જોઈને મોટા થયા હોઈએ ત્યારે એમાં જોવા મળતું કૉમ્બિનેશન આપણને ફૅન્ટસાઇઝ કરવા લાગે. એક સીધીસાદી છોકરી એક દુષ્ટ છોકરા તરફ આકર્ષાય અને બન્નેને પ્રેમ થઈ જાય એવું જોવા મળે, પણ આવું હકીકતમાં બને ત્યારે એક સમય પછી બન્ને માટે કે એકાદ માટે સંઘર્ષ વધી જાય છે.’
ગમા-અણગમા અને મહત્ત્વાકાંક્ષાની બાબતમાં જ્યારે ખૂબ જ મોટો ભેદ હોય ત્યારે એ સંબંધને સાચવવામાં વધુ મુશ્કેલીઓ આવે છે એવું જણાવતાં ડૉ. મેઘા જોશી કહે છે, ‘ધારો કે એક જણ બહુ મહત્ત્વાકાંક્ષી છે અને ઊંચી મહત્ત્વાકાંક્ષાઓ ધરાવે છે અને બીજો સાવ જ બેફિકર છે અથવા બન્નેની નૈતિકતામાં ધરમૂળથી જ ફેર છે. આવા સમયે બન્ને એક મત પર કઈ રીતે આવશે? એકને તો પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા સતત મથવું પડશે ત્યારે બીજાનો સપોર્ટ લેવા તેને સતત ઝઝૂમવું પડશે. આવો સંબંધ ટકશે નહીં એની સંભાવના બહુ વધુ છે. શરૂઆતમાં વિરોધી વ્યક્તિત્વ અપીલ કરી શકે છે, કારણ કે એને લીધે તે વ્યક્તિ તાજી અને રસપ્રદ લાગતી હોય છે; પણ એક સમયે સમાનતાની ગેરહાજરીમાં આવા સંબંધો દમ તોડી દે છે.’