દિલની વાત ઇમોજિસથી કહી રહ્યા છો?

17 July, 2024 12:25 PM IST  |  Mumbai | Laxmi Vanita

જવાબ જો હા હોય તો પણ જરાય ચિંતા નહીં કરો. દુનિયાના ૫૭ ટકા લોકો ઇમોજી વિનાના ચૅટિંગને અધૂરું માને છે. આજે ‘વર્લ્ડ ઇમોજી ડે’ નિમિત્તે આપણી ફીલિંગ્સનું રિફ્લેક્શન બની રહેલાં પીળા રંગનાં હસતાં, રડતાં, ગુસ્સો કરતાં ઇમોજિસ સાથે જોડાયેલી કેટલીક વાતો જાણીએ.

પ્રતીકાત્મક તસવીર

નાના, પીળા રંગના જુદા-જુદા એક્સપ્રેશન દર્શાવતા ગોળ ચહેરાઓ જોઈને ક્યુટ ફીલિંગ્સ આવી જતી હોય છે. ફ્રિજ પર મૅગ્નેટના રૂપમાં, સ્કૂલ બૅગ્સમાં કી-ચેઇનના રૂપમાં, બુક્સ પર સ્ટિકરના રૂપમાં અને ઇન્સ્ટા, વૉટ્સઍપ, ફેસબુક, ઈ-મેઇલ, મેસેજમાં તમારા મૂડના પ્રતિનિધિઓના આ પીળા ચહેરાઓ બધાના મનની વાત રજૂ કરે છે. બિલ્યન ઇમોજિસનો કમ્યુનિકેશનમાં દરરોજ ઉપયોગ થાય છે. ૨૦૨૨માં ભાષા ઍપ ‘ડ્યુ લિંગો’ના સર્વે મુજબ વિશ્વના ૫૭ ટકા લોકો ઇમોજી વગર કમ્યુનિકેશનને અધૂરું માને છે. એટલે આજે ઇમોજી એક વૈકલ્પિક ભાષા બની રહી છે અને તમે ઇમોજીનો ઉપયોગ ન કરી રહ્યા હો તો લોકો કદાચ તમને ઇનહ્યુમનની શ્રેણીમાં જ મૂકે.

૯૦ના દાયકામાં એટલે કે ઇન્ટરનેટની શરૂઆતના દિવસોમાં વિદ્યાર્થીઓ કમ્યુનિકેટ કરવા માટે બુલેટિન બોર્ડનો ઉપયોગ કરતા હતા. ૧૯૮૨માં અમેરિકાની કાર્નેગી-મેલન યુનિવર્સિટીના પ્રોફેસર સ્કૉટ ફાલ્મૅને વિદ્યાર્થીઓને ચિહ્ન દ્વારા સ્માઇલીનો ઉપયોગ કરવાનું કહ્યું જેથી ખ્યાલ આવે કે તેમનો મેસેજ ગંભીર છે કે ફની. આમ ઇમોટિકોનની શરૂઆત થઈ. ૧૯૯૯માં ઇમોટિકોન યુનિવર્સિટીની દુનિયાથી બહાર નીકળીને જપાનની ડોકોમો કંપનીમાં પહોંચ્યાં. આ કંપનીના આર્ટિસ્ટ શિગીટાકા કારિટાને ૧૭૬ જેટલા પિક્ચર કૅરૅકટર ક્રીએટ કરવાનું કહેવામાં આવ્યું. આ પિક્ચર કૅરૅક્ટરને આપણે ઇમોજી કહીએ છીએ જે જપાનમાં તો તરત જ હિટ થયાં હતાં. વિશ્વમાં ઇમોજીને હિટ થતાં વર્ષો લાગી ગયાં. ૨૦૧૩માં ઑસ્ટ્રેલિયન ઇમોજી ઇતિહાસકાર જેરેમી બર્જે ઇમોજી માટે ઇમોજિપીડિયા શરૂ કર્યું. ૨૦૧૪માં તેમણે જ ‘વર્લ્ડ ઇમોજી ડે’ની ઉજવણીની શરૂઆત કરી અને આજે આપણે બધા જ એની ભવ્ય ઉજવણીમાં સામેલ છીએ. આજે આ જ વર્લ્ડ ઇમોજી ડે નિમિત્તે ઇમોજીના ઉપયોગ માટે લોકોનું એક્સાઇટમેન્ટ કેમ ચરમસીમા પર હોય છે એ વિશે વાત કરીએ.

પર્સનલ એક્સપ્રેશન

ઇમોજી તમારું વ્યક્તિત્વ નક્કી કરતાં હોય છે. જો તમે શાહરુખ ખાનને ફૉલો કરતા હો તો તમને ખ્યાલ આવશે કે તેના ટ્વીટમાં હાર્ટ ઇમોજી સૌથી વધારે ઉપયોગ થયેલું ઇમોજી છે. એવી ઘણી સેલિબ્રિટીઝ છે જેમની પોસ્ટ પરથી તેમના મૂડનો ખ્યાલ આવી જતો હોય છે. પંદર વર્ષથી સાઇકોલૉજિસ્ટ અને લાઇફ કોચ તરીકે પ્રૅક્ટિસ કરતાં મયૂરિકા દાસ ઇમોજી અને મૂડ વિશે કહે છે, ‘આજે કમ્યુનિકેશનને પૂરું કરવા માટે ઇમોજી પૂર્ણવિરામની ગરજ સારે છે. કાં તો કહી શકાય કે ઇમોજી તમારાં ઇમોશન વ્યક્ત કરે છે અને તમે શબ્દો સાથે ઇમોજીનો ઉપયોગ ન કરો તો લોકો કંઈક બીજું જ વિચારે. જ્યારે શબ્દો વગર, માનો કે વખાણ કરવા કિસ ઇમોજી મોકલો તો એવું લાગશે કે વ્યક્તિ મેસેજમાં આવીને બોલી રહી છે. આપણી પાસે સમયનો અભાવ છે એટલે આપણે ઇમોજીથી વાત ટૂંકમાં પતાવીએ છીએ. પ્લસ ઇમોજી બહુ જ અસરકારક છે, કારણ કે એ પરિસ્થિતિને માઇલ્ડ બનાવી દે છે. કોઈને બર્થ-ડે પર ઘણાંબધાં ઇમોજી મોકલો તો એ વ્યક્તિમાં ખુશીની લાગણી ટ્રિગર થાય છે. એક ઉદાહરણ આપું, ફ્રેન્ડને મેસેજ કરો છો કે આજે આપણે મળવાનું છે અને સાથે હાથ જોડતું ઇમોજી મોકલો એટલે તેને પરિસ્થિતિ ગંભીર લાગે; પરંતુ તેની સાથે ફૂલનું ઇમોજી પણ મોકલો તો એ એકદમ જુદો મૂડ કમ્યુનિકેટ કરે.’

 ક્યારેક ઇમોજીનું ખોટું અર્થઘટન પણ થઈ શકે છે. એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જેમ કે ચાકુ, બૉમ્બના ઇમોજીનો અર્થ ખોટો થઈ શકે છે કારણ કે એ ચિહ્નો જ ખતરો અને ધમકી દર્શાવતાં હોય છે. મયૂરિકા કહે છે, ‘તમારો ઇરાદો મજાક કરવાનો હોય તો પણ એનો અર્થ જુદો નીકળી શકે છે. આજની જનરેશન સૌથી વધારે ઇમોજીનો ઉપયોગ કરે છે, જ્યારે પહેલાંની પેઢીઓ ઓછો કરે છે.’

મિસકમ્યુનિકેશનના પરિણામ

ઇન્ટરનેટ પર રિસર્ચ કરીએ તો કમ્યુનિકેશનની દુનિયામાં ઍગ્રીમેન્ટ, અપ્રૂવલ, કન્ફર્મેશન માટે ઓકેનો સિમ્બૉલ જે થમ્સ-અપ છે એ સૌથી વધારે વપરાય છે. થમ્સ-અપના આ ઇમોજીએ કૅનેડાના ખેડૂતને ૬૧,૦૦૦ અમેરિકન ડૉલર ચૂકવવાની ફરજ પાડી. વાત એમ બની કે આ ખેડૂતે સામેની પાર્ટીને મેસેજમાં વાતચીત પર થમ્સ-અપ આપ્યો. સામેની વ્યક્તિએ થમ્સ-અપને  કૉન્ટ્રૅક્ટ માટે પાર્ટીએ મંજૂરી આપી દીધી છે એમ સમજી લીધું અને કામ પૂરું કર્યું. જોકે ખેડૂતે આ વાત નકારી અને કેસ કોર્ટમાં પહોંચ્યો. માત્ર એક સાઇનને સહમતી ન ગણાય એવી ખેડૂતની દલીલ કોર્ટે નકારી અને કોર્ટે પણ થમ્સ-અપના ઇમોજીનો અર્થ કૉન્ટ્રૅક્ટ સ્વીકારી લેવાયો છે એવો જ કર્યો.  એવું નથી કે વિદેશમાં જ આવું થઈ રહ્યું છે, ભારતમાં પણ દિલ્હીના વકીલે ‘મિડલ-ફિંગર’ ઇમોજીને ભારતીય સંસ્કૃતિમાં અભદ્ર માનવામાં આવે છે તેથી એને હટાવવાની માગ કરતાં વૉટ્સઍપ પર કેસ ફાઇલ કર્યો હતો. તામિલનાડુમાં પણ ઇમોજીને લઈને કોર્ટમાં કેસ થઈ ચૂક્યો છે. વૉટ્સઍપ ગ્રુપમાં કોઈએ ‘ટિયર ઑફ જૉય ઇમોજી’નો ઉપયોગ કર્યો, જેને હૅરૅસમેન્ટ માનવામાં આવ્યું. જોકે કોર્ટે આ મુદ્દા પર સમજદારી દાખવવાનો ચુકાદો આપ્યો. શક્ય છે કે કદાચ ભવિષ્યમાં ઇમોજીના અર્થઘટન માટે ડિક્શનરી પ્રકાશિત કરવી પડે જેથી બધા લોકો એના જુદા- જુદા અર્થને સમજીને ગેરસમજ દૂર કરી શકે.

માર્કેટિંગની દુનિયા બદલાઈ

પર્સનલ કમ્યુનિકેશનની વાત કરીએ ત્યારે વાતનું વતેસર અને અર્થનો અનર્થ થઈ શકે છે, પરંતુ શું આ જ વાત પ્રોફેશનલ કમ્યુનિકેશનમાં પણ થાય છે કે પછી ત્યાં આ ઇમોજી બહુ અસરકારક છે અને ઇચ્છનીય પરિણામની ચાવી બની રહ્યાં છે? તો એવાં રિસર્ચ થયાં છે જ્યાં ઇમોજીએ બહુ જ પૉઝિટિવ પરિણામ આપ્યાં છે. જેમ કે વર્ષ ૨૦૧૯માં જાણીતી કંપની અડોબ દ્વારા સૌપ્રથમ ‘ઇમોજી ટ્રેન્ડ રિપોર્ટ’ પ્રકાશિત થયો હતો. એ મુજબ ૧૦૦૦ ઇમોજી યુઝર્સનો સર્વે કરવામાં આવ્યો હતો. એમાં જાણવા મળ્યું કે ૪૪ ટકા લોકોએ જે જાહેરાતમાં ઇમોજીનો ઉપયોગ થયો હતો એ પ્રોડક્ટ ખરીદી. આ અભ્યાસ પ્રમાણે એવું પણ કહેવામાં આવ્યું કે જે લોકો ઇમોજીનો ઉપયોગ કરે તેમને અન્ય લોકો ફ્રેન્ડ્લી અને અપ્રોચેબલ માને છે. આ સર્વેના તારણ પછી માર્કેટિંગની દુનિયામાં ઇમોજી હીરો બની ગયાં. ફેસબુક રિસર્ચમાં પણ કંઈક આવું જ પરિણામ આવ્યું. બ્રિટિશ માર્કેટિંગ કંપનીએ ફેસબુક પર ઇમોજીના ઉપયોગને લઈને સર્વે કર્યો એમાં જાણવા મળ્યું, જે ફેસબુક પોસ્ટમાં ઇમોજી હોય એમાં ૫૭ ટકા લાઇક્સ, ૩૩ ટકા કમેન્ટ્સ અને ૩૩ ટકા શૅરિંગનો વધારો થયો. એવી જ રીતે વર્ડસ્ટ્રીમ-ઑનલાઇન ઍડ્વર્ટાઇઝિંગ કંપનીએ ભૂતપૂર્વ ટ્વિટર અને આજના ઍક્સ પર રિસર્ચ કર્યું. એ મુજબ પોસ્ટમાં એક ઇમોજીની હાજરી ૨૫.૪ ટકા એન્ગેજમેન્ટ રેટ વધારી શકે છે એટલે કે લોકોનું ધ્યાન ખેંચી શકે છે એવું તારણ મળ્યું. આ બધામાં ઇન્સ્ટાગ્રામ કેમ પાછળ રહી જાય તો એના પર પણ અમેરિકાની સોશ્યલ મીડિયા ઍનૅલિટિક કંપનીએ રિસર્ચ કર્યું. એના અહેવાલ મુજબ ઇન્સ્ટા પર ઇમોજી સાથે પોસ્ટ કરનારા લોકોની ઇમોજી વગરની પોસ્ટ કરનારની સરખામણીમાં ૪૭. ૭ ટકા લોકો સાથે વાતચીત વધે છે.

તો શું આ જ કારણ હોઈ શકે કે સેલિબ્રિટીઝ, ઇન્ફ્લુઅન્સર કે જેન-ઝીની કોઈ પણ પોસ્ટ ઇમોજી વગરની નથી હોતી. વિશ્વ વિખ્યાત ક્રિકેટર વિરાટ કોહલીની પોસ્ટમાં સૌથી વધારે ફ્લેક્સ્ડ બાઇસેપ્સનો ઉપયોગ થયેલો છે. માનસતા પર ઇમોજીની અસર પર અભ્યાસોના સચોટ અહેવાલો હજી સુધી આવ્યા નથી. ઇમોજી પર પૉઝિટિવ કિસ્સાઓ વધારે જાણવા મળ્યા છે. આમ છતાં અમુક સેટિંગમાં ઇમોજી ઇમ્મૅચ્યોરિટીની નિશાની છે. જેમ કે નોકરી માટેના બાયોડેટા, રિસર્ચ પ્રપોઝલ કે કાયદાકીય ડૉક્યુમેન્ટ્સમાં એનો ઉપયોગ હજી શરૂ નથી થયો. વિશ્વમાં અમુક કેસ બની ગયા છે જ્યાં ઇમોજીના ઉપયોગે વ્યક્તિને કોર્ટ સુધી પહોંચાડી દીધી છે. સમય જોતાં એવું લાગે છે કે ધીરે-ધીરે કદાચ ઔપચારિક અને અનૌપચારિક ભાષામાં ઇમોજી સેતુ બની જશે ખરાં!

કયા દેશમાં કયાં ઇમોજી સૌથી વધારે વપરાય?

એક અભ્યાસ પ્રમાણે ભારત અને નેપાલમાં પ્રણામ એટલે બે હાથ જોડતું ઇમોજી સૌથી વધારે વપરાય છે. થાઇલૅન્ડ, મ્યાનમાર, તાઇવાન, ફિલિપીન્સ, પાકિસ્તાનમાં રેડ હાર્ટ અને સાઉથ કોરિયામાં પિન્ક હાર્ટ સૌથી વધારે વપરાતું ઇમોજી છે. નાના-નાના દેશો જેમ કે ભુતાન, સિંગાપોર, ન્યુ ઝીલૅન્ડ, કમ્બોડિયામાં લોકો તેમના દેશના ફ્લૅગ-રાષ્ટ્રધ્વજનું ઇમોજી સૌથી વધારે વાપરે છે. જોકે વિશ્વમાં સૌથી વધારે ટિયર ઑફ જૉય ઇમોજીનો ઉપયોગ થાય છે. 

tech news technology news life and style columnists