નેગેટિવિટી અને ટ્રોલિંગથી દૂર રહેવા બેસ્ટ વૉટ્સઍપ ચૅનલ

22 September, 2023 02:30 PM IST  |  Mumbai | Harsh Desai

આ ફીચરથી તમે પસંદીદા ટૉપિક વિશે તમામ માહિતી મેળવી શકશો અને એ પણ પ્રાઇવસી કૉમ્પ્રોમાઇઝ કર્યા વગર

પ્રતીકાત્મક તસવીર

વૉટ્સઍપ દ્વારા હાલમાં જ એનું નવું ફીચર એટલે કે ચૅનલ શરૂ કરવામાં આવી છે. આ ચૅનલ એક રીતે જોવા જઈએ તો યુઝર્સ સાથે સતત કનેક્ટ રહેવાનો એક રસ્તો છે. આ ચૅનલ ખાસ કરીને સેલિબ્રિટીઝ, પૉલિટિશ્યન અથવા તો કંપનીઓ એટલે કે બિઝનેસ કરનારાઓ માટે છે. આ ચૅનલ દ્વારા તેઓ સતત યુઝર્સ સાથે કનેક્ટ થઈ શકે છે તેમ જ યુઝર્સ પણ તેમની પસંદીદા વ્યક્તિ અથવા તો ટૉપિક સાથે સતત જોડાઈ શકે છે. આ માટે વૉટ્સઍપ પર ગ્રુપ અને બ્રૉડકાસ્ટ દ્વારા પણ જોડાઈ શકાતું હતું, પરંતુ એમ છતાં ચૅનલને લૉન્ચ કરવામાં આવી છે.

ચૅનલની કેમ જરૂર પડી?

ચૅનલ ફીચર વૉટ્સઍપ પર હાલમાં આવ્યું છે, પરંતુ ટેલિગ્રામ પર એ ઘણા સમયથી હતું. જોકે વૉટ્સઍપ પર ચૅનલ ફીચર નહોતું આપવામાં આવ્યું અને એનું સૌથી મહત્ત્વનું કારણ પ્રાઇવસી હતી. વૉટ્સઍપ પર બ્રૉડકાસ્ટ અથવા તો ગ્રુપમાં યુઝર્સે પોતાનો નંબર શૅર કરવો પડે છે તેમ જ જે-તે વ્યક્તિનો નંબર પણ શૅર થાય છે. આથી સેલિબ્રિટીઝ એનો ઉપયોગ કરવાનું ટાળતી હતી. આથી વૉટ્સઍપની જગ્યાએ તેઓ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને એક્સનો ઉપયોગ કરતા હતા. જોકે વૉટ્સઍપ હવે દરેક વસ્તુ એક જ જગ્યાએ આપવા માગે છે. આથી તેમણે ચૅનલની શરૂઆત કરી છે.

ઉપયોગ કોણ કરી રહ્યું છે?

ચૅનલની શરૂઆત થતાં જ અક્ષયકુમાર, કૅટરિના કૈફ અને ઇન્ડિયન ક્રિકેટ ટીમ જેવી ઘણી સેલિબ્રિટીઝ અને ઑર્ગેનાઇઝેશન દ્વારા ચૅનલ શરૂ કરવામાં આવી હતી. હાલમાં કેટરિનાના સૌથી વધુ ૮.૪ મિલ્યન ફૉલોઅર્સ છે, જ્યારે અક્ષયકુમારના ચાર મિલ્યન ફૉલોઅર્સ છે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ પણ આ ચૅનલ શરૂ કરી છે અને ૨૪ કલાકમાં તેમના ૧.૭ મિલ્યન ફૉલોઅર્સ થઈ ગયા હતા અને એ સતત દર સેકન્ડે વધી રહ્યા છે. આથી હાલમાં પબ્લિક ફીગર અને કંપનીઓ તેમના ફૅન્સ અને લોકો સાથે કનેક્ટ થવા માટે ચૅનલનો ઉપયોગ કરી રહ્યાં છે.

કેવી રીતે શોધશો ચૅનલ?

ચૅનલ શોધવી સરળ છે, પરંતુ એ ક્યાંથી કરવું એ જાણવું જરૂર છે. આ માટે સૌથી પહેલાં વૉટ્સઍપની ઍપને પ્લેસ્ટોર અથવા તો ઍપસ્ટોરમાંથી અપડેટ કરવી. અપડેટ કર્યા બાદ લેટેસ્ટ વૉટ્સઍપ વર્ઝનને ઓપન કરવું. ત્યાર બાદ સ્ટેટ્સ અપડેટ્સના ટૅબમાં જવું. આ ટૅબમાં એકદમ નીચે સ્ક્રૉલ કરતાં તમામ સ્ટેટ્સની નીચે ચૅનલની ટૅબ આપવામાં આવી છે. ત્યાં ફાઇન્ડ ચૅનલ પર ક્લિક કરતાં એક નવું ટૅબ ઓપન થશે. આ ટૅબમાં ઑલ, મોસ્ટ ઍક્ટિવ, પૉપ્યુલર અને ન્યુ એમ ટૅબ હશે. એમાંથી ચૅનલ શોધી શકાય છે અથવા તો સીધું સર્ચ ફીલ્ડમાં નામ લખીને જે-તે ચૅનલ શોધી શકાય છે. આ સાથે જ આ લાઇનમાં છેલ્લે ઇન્ડિયા લખેલું હશે. એના પર ક્લિક કરતાં દરેક દેશનું નામ ઓપન થશે. આથી જે-તે દેશને પસંદ કરીને એ દેશની વ્યક્તિ અથવા તો કંપનીની ચૅનલને શોધી શકાય છે. ભારતના યુઝર્સ માટે બાય ડિફૉલ્ટ ઇન્ડિયા પસંદ કરવામાં આવ્યું છે.

કેમ વૉટ્સઍપ ચૅનલનો ઉપયોગ કરવો જોઈએ?

વૉટ્સઍપ ચૅનલ જૂનમાં રિલીઝ કરવામાં આવી હતી, પરંતુ ભારતમાં એ હાલમાં આવી છે. વૉટ્સઍપ ચૅનલનો ઉપયોગ કરવા માટે સૌથી મોટો ફાયદો એની પ્રાઇવસી છે. આ માટે યુઝર્સે તેમનો નંબર શૅર કરવાની જરૂર નથી હોતી. કોઈ પણ ગ્રુપમાં યુઝર હોય તો અન્ય યુઝર પણ એ નંબર જોઈ શકે છે. જોકે ચૅનલમાં હવે એવું નથી. ચૅનલમાં કોણ-કોણ છે એની જાણ અન્ય યુઝરને નહીં રહે એટલે કે પ્રાઇવસી જળવાઈ રહેશે. આ સાથે જ ધારો કે કોઈ સેલિબ્રિટીઝે કંઈ પણ શૅર કર્યું હોય તો એના પર લાઇક અથવા તો સ્માઇલી જેવાં રીઍક્શન આપી શકાય છે. આ સિવાય યુઝર્સ કોઈ કમેન્ટ કે કંઈ પણ નહીં કરી શકે. આથી કોઈ ટ્રોલ થવાનો ડર નહીં.

કોણ બનાવી શકે છે ચૅનલ?

વૉટ્સઍપ ચૅનલ હાલમાં દરેક માટે ઉપલબ્ધ નથી. એને લૉન્ચ જરૂર કરવામાં આવી છે, પરંતુ એ દરેક વ્યક્તિ નથી બનાવી શકતી. આ માટે કંપનીએ વેઇટલિસ્ટ બનાવ્યું છે. કૉમન પબ્લિક માટે એને લૉન્ચ કરે એ પહેલાં એમાં થોડા બદલાવ કરવામાં આવશે. જેમ કે હાલમાં વૉટ્સઍપ ચૅનલમાં કોઈ પણ અપડેટ ૩૦ દિવસ સુધી રહે છે. ત્યાર બાદ એ ડેટા ઑટોમૅટિક ડિલીટ થઈ જશે. આ ડેટા ૩૦ દિવસ સુધી રાખવા કે વધુ દિવસ સુધી એ માટે રિસર્ચ કરવામાં આવશે. વળી આ ચૅનલ એન્ડ-ટૂ-એન્ડ ઇક્રિપ્શન નથી, કારણ કે એનો ટાર્ગેટ વધુ ને વધુ લોકો સુધી પહોંચવાનો છે. આ ચૅનલને કોણ ફૉલો કરી શકે અને કોણ નહીં એની પસંદ પણ ચૅનલ ઍડ્મિનના હાથમાં હશે. આ તમામ ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે અને ત્યાર બાદ ચૅનલ બનાવવાની શરૂઆત થશે. જોકે હાલમાં પણ ચૅનલ બનાવવાનો ઑપ્શન આપ્યો જરૂર છે. આ માટે અપડેટ્સ અને સ્ટેટ્સ ટૅબમાં નીચે ચૅનલનો ઑપ્શન આપ્યો છે. એની બાજુમાં પ્લસની નિશાની છે. એના પર ક્લિક કરીને ચૅનલ બનાવી શકાય છે. લકી યુઝર્સને ચૅનલ બનાવવાનો ચાન્સ મળી શકે છે. બાકી યુઝર્સે એ માટે રાહ જોવી રહી.

પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ પણ આ ચૅનલ શરૂ કરી છે અને ૨૪ કલાકમાં તેમના ૧.૭ મિલ્યન ફૉલોઅર્સ થઈ ગયા હતા અને એ સતત દર સેકન્ડે વધી રહ્યા છે. કૅટરિનાના ૮.૪ મિલ્યન અને અક્ષય કુમારના ૪ મિલ્યન ફૉલોઅર્સ છે.

whatsapp technology news life and style columnists harsh desai