03 December, 2023 02:15 PM IST | Mumbai | Aashutosh Desai
પ્રતિકાત્મક તસવીર
ભારત સરકાર તરફથી હમણાં થોડા દિવસ પહેલાં કહેવામાં આવ્યું કે ભારત હવે પોતાની ‘સ્પેસ ફોર્સ’ તૈયાર કરશે! આ નિવેદન આપણા માટે નવું જરૂર હશે, પરંતુ સ્પેસ ફોર્સ શબ્દ નવો નથી. ખરુંને? ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકી પ્રમુખ હતા અને તેઓ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે આ શબ્દ સાથે બંને દેશના લીડર્સનું એક નિવેદન આવ્યું હતું, યાદ છે? ટ્રમ્પ અને મોદીએ સહિયારું નિવેદન આપ્યું હતું કે અમેરિકા સ્પેસ ફોર્સ સ્થાપવામાં ભારતની મદદ લેશે અને ભારતને પોતાની સ્પેસ ફોર્સ તૈયાર કરવામાં પણ મદદ કરશે. એ વાતને પણ પાંચ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે, પરંતુ કેન્દ્ર સરકારે હવે પોતાનો નિર્ણય જાહેર કરી દીધો છે કે ભારત પોતાની સ્પેસ ફોર્સ તૈયાર કરવા જઈ રહ્યું છે!
સ્પેસફોર્સની જરૂરિયાત શા માટે?
સ્પેસ ફોર્સ જેવો કોઈ વિચાર જન્મ્યો ક્યાંથી? એ બનાવવાની જરૂરિયાત શાથી ઊભી થઈ અને હાલમાં કયા-કયા દેશ પાસે પોતાની સ્પેસ ફોર્સ છે? તો સ્પેસ ફોર્સ જેવી કોઈક વિન્ગ આર્મ્ડ ફોર્સનો હિસ્સો હોવી જોઈએ એ વિચારનાં મૂળિયાં કદાચ ૧૯૮૨ની સાલમાં જ રોપાઈ ચૂક્યાં હતાં. કહાની કંઈક એવી છે કે ૧૯૮૨ની સાલમાં રશિયાએ ‘કૉસ્મૉસ ૧૪૦૮’ નામનું એક સ્પાય સૅટેલાઇટ અંતરીક્ષમાં તરતું મૂક્યું હતું, પણ કૉસ્મૉસ લૉન્ચ થયું અને એનાં બે જ વર્ષ બાદ એ કામ કરતું બંધ થઈ ગયું. એ દિવસથી રશિયાનું એ સૅટેલાઇટ અંતરીક્ષમાં બિનજરૂરી તરતું રહ્યું હતું. છેક હમણાં નવેમ્બર ૨૦૨૧માં રશિયાએ એક ઍન્ટિ-સૅટેલાઇટ મિસાઇલ લૉન્ચ કરીને પોતાનું જ એ બંધ પડેલું સ્પાય સૅટેલાઇટ તોડી પાડ્યું હતું. હવે રશિયાએ લીધેલા આ પગલાને કારણે બન્યું એવું કે નષ્ટ થયેલા એ સૅટેલાઇટના ટુકડાઓ જે અંદાજે દોઢ હજાર જેટલા હતા એ અંતરીક્ષમાં તરવા માંડ્યા અને એ બીજાં સૅટેલાઇટ્સ અને આંતરરાષ્ટ્રીય સ્પેસ-સ્ટેશન માટે અત્યંત જોખમી થઈ પડ્યા.
એવું પણ નથી કે આવું કરનારો રશિયા પહેલો દેશ છે. આ પહેલાં ચીન ૨૦૦૭માં અને અમેરિકા ૨૦૦૮માં આ જ રીતે પોતાનાં સૅટેલાઇટ અને ઍન્ટિ-સૅટેલાઇટ મિસાઇલ દ્વારા નષ્ટ કરી ચૂક્યાં છે. જોકે જ્યારે રશિયાએ આ પગલું ભર્યું ત્યારે એની ઍક્શનની વિશ્વભરના અનેક દેશોએ ખૂબ આલોચના કરી, કારણ કે આ રીતે તૂટેલા સૅટેલાઇટના ભંગારના ટુકડા કોઈ પણ જાતના નિયંત્રણ વિના અંતરીક્ષમાં તરતા રહે તો એ ગમે ત્યારે કોઈ પણ યાન સાથે ટકરાઈ શકે અને એને કારણે કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકે. જોકે આવા મોટા જોખમ વિશે બધા જાણતા હોવા છતાં મોટી મુશ્કેલી એ હતી કે ચીન, અમેરિકા કે રશિયાને કોઈ રોકી શકે એમ નહોતું, કારણ કે અંતરીક્ષ બાબતે હજી વિશ્વમાં એવા કોઈ મજબૂત કાયદા જ ઘડાયા નથી. રશિયા બેઝિઝક એમ કહી જ શકે છે કે તેમણે પોતાનું જ સૅટેલાઇટ તોડી પાડ્યું છે, જેમાં કોઈ બીજા દેશને શું કામ વાંધો હોવો જોઈએ. એક દૃષ્ટિએ તેમની વાત ખોટી પણ નથી. જોકે વિશ્વને હવે એ સમજાઈ ચૂક્યું હતું કે રશિયાનું આ પગલું એક ‘આઇ ઓપનર’ છે. આજે જો રશિયા ઍન્ટિ-સૅટેલાઇટ મિસાઇલ દ્વારા પોતાના સૅટેલાઇટને નષ્ટ કરી શકે છે તો આવતી કાલે કોઈ પણ દેશ કોઈ બીજા દેશનું સૅટેલાઇટ પણ આ રીતે નષ્ટ કરી જ શકે. એટલું જ નહીં, જો એમ થાય અને જે-તે દેશ એમ કહી દે કે ભૂલમાં ખોટું સૅટેલાઇટ તૂટી ગયું તો નુકસાની ભોગવનાર દેશ તેની સામે કંઈ જ કરી પણ નહીં શકે, કારણ કે એ ભૂલમાં તોડી પાડ્યું કે જાણીજોઈને એ સાબિત કરવું જ મહામુશ્કેલ છે. વળી એ અંગે કોઈ એવા કડક કાયદા પણ હજી સુધી અસ્તિત્વમાં નથી.
એનો ઉપયોગ શું છે?
સામાન્ય રીતે સૅટેલાઇટ્સનો ઉપયોગ કમ્યુનિકેશન માટે થતો હોય છે. જેમ કે ટેલિફોન સેવા, ઇન્ટરનેટ, નેવિગેશન, ટેલિવિઝન બ્રૉડકાસ્ટ વગેરે. એ સિવાય સૅટેલાઇટ્સનો બીજો મોટો ઉપયોગ થાય છે પૂર્વાનુમાન માટે. પૃથ્વીના કયા ખૂણે કઈ રીતના ફેરફારો થઈ રહ્યા છે, મોસમમાં કઈ રીતનો બદલાવ થઈ રહ્યો છે વગેરે તમામ વિશે આવા સૅટેલાઇટ્સ સાથેના જોડાણને કારણે સતત કમ્યુનિકેટ થતું રહે છે.
સ્પેસમાં કચરો
મુશ્કેલી એ છે કે વિશ્વ આખું અંતરીક્ષને એક વેરાન મેદાન સમજી રહ્યું છે, પણ વાસ્તવમાં એવું છે નહીં. પૃથ્વીથી થોડા કિલોમીટર જ ઉપર આપણે જઈએ તો આજે લગભગ ૭,૫૦૦ જેટલાં સૅટેલાઇટ્સ પૃથ્વીની સતત પ્રદક્ષિણા કરી રહ્યાં છે. એટલું જ નહીં, આ બધાં જ તરી રહેલાં સૅટેલાઇટ્સની ભ્રમણગતિ જાણીને દિમાગ ચકરાવે ચડે એમ છે. ૭,૫૦૦ સૅટેલાઇટ્સ કલાકના ૧૭,૦૦૦ માઇલ કરતાંય વધુ ઝડપે દરેક દિશાથી તરી રહ્યાં છે. સાદી ભાષામાં કહીએ તો એમ સમજોને કે એક વિશાળ મેદાનમાં હજારો ખેલાડીઓ અત્યંત ઝડપે કોઈ પણ દિશાથી કોઈ પણ દિશા તરફ સતત દોડી રહ્યા છે. દરેક યાન જેમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ-સ્ટેશન સહિત પોતાની ભ્રમણકક્ષામાં જળવાઈ રહેવા માટે આટલી ઝડપે તરવું જ પડે છે. આ ઝડપ એટલી છે કે દરેક સૅટેલાઇટ એક દિવસમાં પૃથ્વીનાં અંદાજે ૧૬ ચક્કર લગાવે છે.
હવે વિચાર કરો કે આટલી ઝડપે બધીયે દિશાઓથી ઊડતાં સૅટેલાઇટ્સ સાથે બીજાં બગડેલાં સૅટેલાઇટ્સ કે નષ્ટ કરાયેલાં સૅટેલાઇટ્સનો કચરો પણ જો ઊડતો રહે તો એ કોઈ સાથે અથડાઈ જવાની શક્યતા કેટલી વધી જાય, કારણ કે અંતરીક્ષને વિશ્વ જે વેરાન મેદાન સમું સમજે છે એવું વાસ્તવમાં હવે રહ્યું નથી. સામાન્ય રીતે નષ્ટ થયેલાં કે બગડી ગયેલાં સૅટેલાઇટ્સના કચરાને સતત ટ્રૅક કરવામાં આવતો હોય છે. જોકે જ્યારે રશિયાએ પોતાનું જ સ્પાય સૅટેલાઇટ નષ્ટ કર્યું ત્યારે એનો કચરો ટ્રૅક પણ થઈ શક્યો નહીં અને એ સૅટેલાઇટનો કચરો આંતરરાષ્ટ્રીય સ્પેસ-સ્ટેશનની ભ્રમણકક્ષાની એટલી નજીક આવી ગયો કે દર ૯૩ મિનિટે મિશન કન્ટ્રોલ રેડિયો પર એ સંદેશો મોકલી રહ્યું હતું કે તમે ફરી કચરાની નજીકથી પસાર થઈ રહ્યા છો.
સ્પેસ ફોર્સ
આર્મ્ડ ફોર્સની અલાયદી વિન્ગ એટલે આ વિન્ગ સશસ્ત્ર દળ તરીકે અંતરીક્ષમાં જશે એવું તમે ધારતા હોય તો કહીએ કે તમારી ધારણા ખોટી છે. સામાન્ય ભાષામાં સમજીએ તો કંઈક એમ કહી શકાય કે જે રીતે પૃથ્વી પર સાઇબર સિક્યૉરિટી ફોર્સ સંભવિત સાઇબર અટૅક પર નજર રાખે છે જેથી આખીયે સિસ્ટમને સુરક્ષિત રાખી શકાય. એ જ રીતે આ વિન્ગ એક વૉચડૉગ તરીકે કામ કરી રહી છે અને એ ઑબ્ઝર્વેશન સૅટેલાઇટથી લઈને સંદેશવાહક એવાં તમામ સૅટેલાઇટ્સ પર નજર તો રાખી જ રહી છે, સાથે જ એની સુરક્ષા પણ કરી રહી છે.
ધારો કે પોતાના દેશના સૅટેલાઇટની નજીક તેમને કોઈ જોખમ જણાય તો તરત આ ફોર્સ ઍક્શનમાં આવે અને જે-તે સંભવિત જોખમને નષ્ટ કરે. પછી એ ઍન્ટિ-સૅટેલાઇટ મિસાઇલ પણ હોઈ શકે કે કોઈ બીજું સૅટેલાઇટ પણ હોઈ શકે.
એની પાછળનું એક મુખ્ય કારણ એ છે કે હવેના સમયમાં જ્યારે જૈવિક યુદ્ધની શક્યતાઓ પણ નકારી શકાય એમ નથી ત્યારે પૂરેપૂરી શક્યતા છે કે જો કોઈ બે દેશ કે મહાસત્તાઓ વચ્ચે વિગ્રહ સર્જાય તો તેઓ જે-તે દેશનાં સૅટેલાઇટ્સ પર ઍન્ટિ-સૅટેલાઇટ મિસાઇલ લૉન્ચ કરીને ધ્વસ્ત કરવાનો પ્રયત્ન કરે અને ધારો કે એમ થાય તો જે-તે દેશ અનેક આયામો પર જાણે આંધળો જ બની જાય; કારણ કે એ દેશ જીપીએસ સિસ્ટમથી લઈને ઇન્ટરનેટ, બ્રૉડકાસ્ટ વગેરે બધું જ અચાનક ગુમાવી બેસે. એટલું જ નહીં, એવું પણ બને કે કોઈ દેશ બીજા દેશનાં સૅટેલાઇટ્સ નષ્ટ નહીં કરીને એને બંધ કરી દે અથવા હૅક કરી દે અને ત્યાર બાદ એ સૅટેલાઇટનો ઉપયોગ સૅટેલાઇટધારક દેશની જ વિરુદ્ધમાં કરે.
હાલ ચોરીછૂપી ગણો કે જાહેરમાં, પણ ત્રણ દેશો પાસે પોતાની સ્પેસ ફોર્સ છે - ચીન, રશિયા અને અમેરિકા. એમાં ચીને હજી સુધી ઑફિશ્યલી એવી જાહેરાત નથી કરી કે એની પાસે પોતાની સ્પેસ ફોર્સ છે, પરંતુ વિશ્વ આખું જાણે છે કે આ ત્રણ દેશો પોતાની સ્પેસ ફોર્સ ધરાવે છે. એમાં અમેરિકાએ થોડા સમય પહેલાં નૉર્થ કોરિયા નજીક પોતાની સ્પેસ ફોર્સ તહેનાત કરીને વૉચડૉગ તરીકે ઉત્તર કોરિયાની તમામ ગતિવિધિઓ પર નજર પણ રાખી હતી. એટલું જ નહીં, રશિયા જ્યારે યુક્રેન પર ચડાઈ કરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે પણ રશિયાની ગતિવિધિ પર આ જ રીતે નજર રાખવાનો પ્રયત્ન થયો હતો. હવે ભારતે પણ પોતાનું સ્થાન આ લીગમાં બનાવવાનું નક્કી કર્યું છે.
પાકિસ્તાન અને ચીન જેવા પાડોશી દેશો હોય અને એમ છતાં જ્યારે આપણે રોજેરોજ પ્રગતિનાં નવાં શિખરો સર કરી રહ્યા હોઈએ ત્યારે ચોક્કસ જ એવી શક્યતા રહે કે ભારતની પ્રગતિથી પાડોશી સહિત અનેક બીજા દેશોના પેટમાં પણ ગરમ સીસું રેડાતું હશે. એવા સમયે જરૂરી છે કે આર્મી, નેવી અને ઍરફોર્સ જેવી બાહોશ અને અત્યાધુનિક આર્મ્ડ ફોર્સ સાથે હવે ભારત અંતરીક્ષ ક્ષેત્રે પણ પોતાની સુરક્ષા વિશે વિચારે અને એ તરફ કોઈ ઠોસ પગલાં ભરે, જેની શરૂઆત આ સ્પેસ ફોર્સ બનાવવાની જાહેરાત સાથે થઈ ચૂકી છે.