16 December, 2022 05:13 PM IST | Mumbai | Harsh Desai
વોઇચર પોર્ટેબલ મૅગ્નેટિક વાયરલેસ પાવર બૅન્ક
શિયાળો શરૂ થઈ ગયો છે અને એથી જ હિલ સ્ટેશન ખાસ કરીને શિમલા અને મનાલી તરફ લોકો દોટ મૂકી રહ્યા છે. ટ્રાવેલિંગની સીઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ આ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ખાસ કરીને ગૅજેટ્સને લઈને. ટ્રાવેલિંગ દરમ્યાન આજે કોઈ પણ વ્યક્તિ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે અઢળક ફોટો અને વિડિયો શૂટ કરે છે, કારણ કે રીલ્સ પણ બનાવવાની હોય છે. જોકે આ માટે મોબાઇલ અથવા તો કૅમેરાની જરૂર પડે એ તો ખરું, પરંતુ એ સાથે જ પાવર બૅન્કની પણ ખાસ જરૂર પડે છે. શિયાળામાં ટેમ્પરેચર માઇનસમાં જતાં ગૅજેટ્સની બૅટરી નૉર્મલ ટેમ્પરેચરમાં જેટલું બૅકઅપ આપે છે એટલું નથી આપતી. પરિણામે એ જલદી ઊતરે છે. ફોટો ક્લિક કરવા માટે પણ બૅટરીની જરૂર પડે છે. જોકે ફોનને ચાર્જ કરવા માટે હવે લોકો પાવર બૅન્ક તો રાખે છે, પરંતુ તેમને કેબલથી ખૂબ જ કંટાળો આવે છે. આથી કેટલીક મૅગ્નેટિક વાયરલેસ પાવર બૅન્ક વિશે ચર્ચા કરીએ. આ પાવર બૅન્ક વાયરલેસ તો ચાર્જ કરે છે, પરંતુ એ ફોન સાથે ચિટકીને રહે છે જેથી પૉકેટમાં મૂકી હોય કે પછી આમ-તેમ થાય તો પણ એ પાવર બૅન્ક મોબાઇલ સાથે ચિટકી રહે અને ચાર્જ કરતી રહે.
ઍપલ મેગસેફ બૅટરી પૅક
અન્ય કંપની પર ભરોસો ન હોય અને ફક્ત ઍપલની જ પ્રોડક્ટનો ઉપયોગ કરનારા માટે ઍપલ દ્વારા મેગસેફ બૅટરી પૅક લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ પાવર બૅન્કની કિંમત ખૂબ જ વધુ એટલે કે ૧૨,૧૦૦ રૂપિયા છે. આ બૅટરી પૅકમાં પણ ફર્મવેર આવે છે જેને અપડેટ કરવાનું હોય છે. એ અપડેટ થતાં બૅટરી પણ સૉફ્ટવેર પર કામ કરશે. બૅટરી ગરમ થઈ જાય તો એ ઑટોમૅટિકલી ચાર્જ કરવાનું બંધ કરી દેશે. તેમ જ એને ફોન સાથે કનેક્ટ રાખવામાં આવે અને ફોનને ચાર્જમાં મૂકવામાં આવે તો ફોનની સાથે બૅટરી પણ ચાર્જ થશે. આ બૅટરીની કૅપેસિટી ઍપલ દ્વારા એમની વેબસાઇટ પર નથી જણાવવામાં આવી, પરંતુ એ અંદાજે 1460 mAhની આસપાસ છે. આટલી ઓછી કૅપેસિટી માટે બાર હજાર રૂપિયા ખર્ચવા થોડું વધુ કહી શકાય.
બેલ્કિન ક્વિક ચાર્જ મૅગ્નેટિક વાયરલેસ પાવર બૅન્ક
આ પાવર બૅન્કની કિંમત ઍમૅઝૉન પ્રાઇમ પર ૩૮૦૦ રૂપિયા છે. આ પાવર બૅન્ક વાયરલેસ ચાર્જ થતા દરેક મોબાઇલને ચાર્જ કરી શકે છે. એની બૅટરી કૅપેસિટી 2500 mAh છે. આ પાવર બૅન્ક એકદમ સ્લિમ અને પાવરફુલ છે. એ ઝડપથી મોબાઇલને ચાર્જ કરી શકે છે. જોકે એની ડાઉનસાઇડ એ છે કે એની બૅટરી કૅપેસિટી ખૂબ જ ઓછી છે. આથી નૉર્મલ બૅટરીને એ ચાર્જ કરી શકે છે, પરંતુ ઍન્ડ્રૉઇડમાં આવતી જમ્બો બૅટરીને પણ એ પૂરી રીતે ચાર્જ નથી કરી શકતી. બૅટરી ચાર્જ કરવાના ઑલ્ટરનેટ તરીકે નહીં, પરંતુ ફક્ત ઇમર્જન્સી ચાર્જ માટે આ પાવર બૅન્કનો ઉપયોગ કરી શકાય છે.
વોઇચર પોર્ટેબલ મૅગ્નેટિક વાયરલેસ પાવર બૅન્ક
વોઇચર પાવર બૅન્કમાં 5000 mAhનું બૅટરી બૅકઅપ છે. વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરતાં ગૅજેટ્સમાં આ પાવર બૅન્કનો ઉપયોગ કરી શકાય છે. 5 Aનો ઇન્પુટ કરન્ટ અને 2 Aનો આઉટપુટ કરન્ટ આપતી આ પાવર બૅન્કને ચાર્જ થતાં ફક્ત બે કલાકનો સમય લાગે છે. આ સાથે જ એ મોબાઇલને પણ ઝડપથી ચાર્જ કરે છે. આ પાવર બૅન્કમાં કેટલું બૅકઅપ છે એ માટે ઇન્ડિકેટર પણ આપ્યું છે. આ પાવર બૅન્કની કિંમત ફ્લિપકાર્ટ પર ૪૮૯૯ રૂપિયા છે.
સ્ટફકૂલ PB9018W મૅગ્નેટિક પાવર બૅન્ક
સ્ટફકૂલની પાવર બૅન્કની કૅપેસિટી 10000 mAhની છે. આ પહેલી મેડ ઇન ઇન્ડિયા પાવર બૅન્ક છે જેની કિંમત ૪૯૯૦ રૂપિયા છે. આ પાવર બૅન્ક બ્લુ, વાઇટ અને ગ્રે ત્રણ કલરમાં છે. કેબલથી ચાર્જ કરવામાં આવે તો આઇફોન 14ને બે વાર ચાર્જ કરી શકાશે. વાયરલેસ ચાર્જનો ઉપયોગ કરવામાં આવે તો દોઢ વાર આઇફોન 14ને ચાર્જ કરી શકાશે. આ પાવર બૅન્ક ખૂબ જ ઝડપથી ડિવાઇસને ચાર્જ કરે છે. 15 Wનું આઉટપુટ આપે છે જેથી મોબાઇલ પણ સ્પીડમાં ચાર્જ થશે. ઍરપૉડ્સ પ્રો અને ઍરપૉડ્સ થર્ડ જનરેશનને પણ આ પાવર બૅન્ક દ્વારા ચાર્જ કરી શકાશે. કેબલ દ્વારા આ પાવર બૅન્ક એના કરતાં પણ વધુ સ્પીડમાં ચાર્જ કરી શકે છે. ટાઇપ સી કેબલ દ્વારા આઇફોન 14 પ્રો મૅક્સની પચાસ ટકા બૅટરી ફક્ત ૩૦ મિનિટમાં ચાર્જ કરી શકાશે.