07 April, 2023 06:09 PM IST | Mumbai | Harsh Desai
પ્રતિકાત્મક તસવીર
એ વાત જરાય નવી નથી કે બાળકો ગૅજેટ્સ સાથે જેટલો સમય ગાળે છે એમાં મર્યાદા મુકાવી જોઈએ. સ્ક્રીન ટાઇમને કન્ટ્રોલ કરવા હવે ટેક્નૉલૉજી સપોર્ટ કરે છે. સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મના સેટિંગમાં પણ ચેન્જ કરશો તો તમારું બાળક શું જુએ છે એ કન્ટેન્ટને પણ તમે કન્ટ્રોલ કરી શકશો. આ બધું કઈ રીતે કરાય એ જાણી લો
ઍપલના સીઈઓ ટિમ કુક દ્વારા હાલમાં જ બાળકો માટે સ્ક્રીન ટાઇમ રાખવા માટે પેરન્ટ્સને વિનંતી કરવામાં આવી છે. વધુપડતા ગૅજેટ્સના ઉપયોગની આડઅસર બાળકો પર પડે છે. તેઓ ન શીખવાનું શીખે છે અને વાયલન્સને પણ અડૅપ્ટ કરતાં થઈ જાય છે. આ સાથે જ તેમનાં ટૅન્ટ્રમ પણ વધી જાય છે. આ સિવાય પણ એની ઘણી અસર પડે છે, પરંતુ સૌથી પહેલાં બાળકનો સ્વભાવ બદલાતો જોવા મળે છે. આ જ કારણ છે કે પેરન્ટ્સ તેમના માટે સ્ક્રીન ટાઇમ ફિક્સ કરે એ જરૂરી છે.
બાળકોની ઉંમર મુજબ તેમના માટે સ્ક્રીન ટાઇમ રાખવો જોઈએ. અઢાર મહિના સુધીના બાળક માટે ફક્ત વિડિયો કૉલ પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. ૧૮-૨૪ મહિના માટેના બાળક માટે રોજનો વધુમાં વધુ એક કલાક, બે-પાંચ વર્ષના બાળક માટે દોઢ કલાક અને છથી ૧૮ વર્ષના બાળક માટે વધુમાં વધુ ચાર કલાકનો સ્ક્રીન ટાઇમ યોગ્ય માનવામાં આવે છે. આ સ્ક્રીન ટાઇમમાં પણ તેમને લાયક અને તેમને જીવનમાં ઉપયોગી બને એવી કન્ટેન્ટ દેખાડવી જોઈએ.
સ્ક્રીન ટાઇમ ઑન કેવી રીતે?
મોટા ભાગે બાળક માટે અલગથી ફોન રાખવામાં આવે છે, પરંતુ જો ન હોય તો પણ જ્યારે બાળકને ફોન આપવામાં આવે ત્યારે સ્ક્રીન ટાઇમ ઑન કરીને આપવો. આઇફોન અથવા તો આઇપૅડમાં આ માટે સેટિંગ્સમાં જવું અને ત્યાર બાદ સ્ક્રીન ટાઇમમાં જવું. અહીં સૌથી પહેલાં તો દિવસમાં કેટલા કલાક મોબાઇલનો ઉપયોગ થાય છે અને સૌથી વધુ કઈ ઍપ્લિકેશનનો ઉપયોગ થાય છે એની માહિતી મળશે. ત્યાર બાદ સ્ક્રીન ટાઇમ ઑન કરી દેવો. સ્ક્રીન ટાઇમ ઑન કરવા માટે પણ ઘણા ઑપ્શન આપવામાં આવ્યા છે, જેમ કે ડાઉનટાઇમ, ઍપ્સ લિમિટ, કમ્યુનિકેશન લિમિટ, કન્ટેન્ટ અને પ્રાઇવસી રિસ્ટ્રિક્શન. ડાઉનટાઇમમાં સમય પહેલેથી ફિક્સ કરી દીધો હોવાથી એ સમયે સ્ક્રીન ટાઇમ એટલે કે ડાઉનટાઇમ શરૂ થઈ જશે અને યુઝરે જેટલી અપ્રૂવ કરી હશે એ જ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે. જો એક પણ ઍપ્લિકેશનને અપ્રૂવ ન કરી હોય તો બાળક મોબાઇલનો ઉપયોગ નહીં કરી શકે. આ સાથે જ કઈ ઍપ્લિકેશનનો ઉપયોગ કેટલા સમય માટે કરવો એ પણ ઍપ્સ લિમિટમાં જઈને નક્કી કરી દેવું. કમ્યુનિકેશન લિમિટમાં ફોન-નંબર સેવ હોય એટલી જ વ્યક્તિના ફોન આવે એ પ્રકારનું સેટિંગ પણ કરી શકાય છે. ઍન્ડ્રૉઇડ ડિવાઇસમાં પણ આ જ પ્રકારનું સેટિંગ હોય છે, પરંતુ એને ઑન કરવા માટે સેટિંગ્સમાં જઈને ડિજિટલ વેલ બીઇંગમાં જઈને ઑન કરવાનું રહેશે. ઍન્ડ્રૉઇડમાં પેરન્ટલ પ્રોફાઇલ પણ આવે છે. એ પ્રોફાઇલ ઍડ કરી પેરન્ટ્સ પોતાના મોબાઇલમાં ઍપ્લિકેશન ડાઉનલોડ કરીને દરેક વસ્તુ પર કન્ટ્રોલ કરી શકાય છે. વેબસાઇટ ઓપન કરવા માટેથી લઈને કઈ ઉંમર સુધીની કન્ટેન્ટ જોઈ શકાય અને કેવી ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય દરેક વસ્તુનો કન્ટ્રોલ પેરન્ટ્સ આ ઍપ્લિકેશન દ્વારા રાખી શકે છે એટલું જ નહીં, તેઓ વેબ હિસ્ટરી પણ જોઈ શકે છે.
સ્ટ્રીમિંગ ઍપ્લિકેશન
મોટા ભાગે યુઝર બાળકને યુટ્યુબ અથવા અન્ય કોઈ ઍપ્લિકેશન શરૂ કરીને આપી દે છે અને બાળક જોતું રહે છે. જોકે બાળકો હવે એટલાં હોશિયાર થઈ ગયાં છે કે તેઓ પોતે વિડિયો ચેન્જ કરી શકે છે. આથી તેમને જોવાલાયક વિડિયો ન હોય એ વિડિયો પણ બાળકની નજર સામે આવી જાય છે. તેમ જ માઇક્રોફોનનો ઉપયોગ કરીને સર્ચ કરવામાં આવે ત્યારે પણ આવી ઘણી ભૂલો થાય છે. બાળક ધારો કે ‘નાડી દોષ’ ફિલ્મ સર્ચ કરવા માટે બોલે અને બાળક નાનું હોવાથી એનું પ્રનન્સિએશન ક્લિયર ન હોવાથી ઊંધું સમજી બેસે છે. આ સમયે યુટ્યુબ બાળકને ‘નાડી દોષ’ ફિલ્મની ક્લિપની જગ્યાએ નાગા એટલે કે ન્યુડ વિડિયો દેખાડે છે. આથી હંમેશાં બાળકને મોબાઇલ આપતાં પહેલાં કન્ટેન્ટ અપ્રોપિએટ આવે કે નહીં એ ચેક કરી લેવું. આ માટે યુટ્યુબ આપતાં પહેલાં પ્રોફાઇલમાં જઈ સેટિંગ્સમાં જઈ જનરલમાં જઈને રિસ્ટ્રિક્શન મોડ ઑન કરી દેવો. આથી ન્યુડ વિડિયોઝ અને કન્ટેન્ટથી બાળકને દૂર રાખી શકાય. તેમ જ મોબાઇલમાં સ્પેસનો ઇશ્યુ ન હોય તો યુટ્યુબ કિડ્સ ઍપ્લિકેશન ડાઉનલોડ કરી એ બાળકને આપવી. ડિઝની+હૉટસ્ટારમાં પણ ઍડલ્ટ કન્ટેન્ટ આવે છે એટલે કે ઘણી એવી ફિલ્મો હોય છે જેમાં સેક્સ સીન અથવા તો ફાઇટ હોય. આ માટે બાળકને આપતાં પહેલાં માય સ્પેસમાં જઈને ત્યાંથી કિડ્સ પ્રોફાઇલ પસંદ કર્યા બાદ એ બાળકને આપવું. પ્રાઇમ વિડિયો જ્યારે ઓપન કરવામાં આવે ત્યારે જ એમાં સેટિંગ્સને પસંદ કરતાં ઉપર મિડલમાં યુઝરના પ્રોફાઇલનું નામ હશે. આ નામ પર પસંદ કરીને ત્યાં કિડ્સ સિલેક્ટ કરી દેવું. નેટફ્લિક્સમાં કોઈ પણ પ્રોફાઇલ હોય એમાં કૅટેગરીમાં જોઈને કિડ્સ અને ફૅમિલી પસંદ કરતાં તેમને લાયક વિડિયોઝ જ દેખાશે. દરેક સ્ટ્રીમિંગ સર્વિસ કિડ્સ માટે અલગથી કન્ટેન્ટની પ્રોફાઇલ રાખે છે જેથી બાળકને તેના લાયક જ પ્રોગ્રામ મળે. આ માટે હંમેશાં બાળકને ગૅજેટ્સ આપતાં પહેલાં તેમને લાયક પ્રોફાઇલ પસંદ કર્યા બાદ આપવું, નહીં કે તેમના લાયક પ્રોગ્રામને સર્ચ કરીને આપવું; કારણ કે એમ કરવાથી નેક્સ્ટ વિડિયો કોઈ પણ હોઈ શકે છે.