10 March, 2023 05:42 PM IST | Mumbai | Harsh Desai
પ્રતીકાત્મક તસવીર
ઇન્સ્ટન્ટ મેસેજનો ઉપયોગ આજે ખૂબ જ વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે. આજે એક પછી એક નવી ઍપ્લિકેશન બની રહી છે, પરંતુ ઍપલ દ્વારા પણ તેમની એક ઍપ્લિકેશન છે જેનો ઉપયોગ કરી શકાય છે. આ ઍપ્લિકેશન મેસેજમાં જ છે, પરંતુ એનો આઇમેસેજ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. આ આઇમેસેજ ફક્ત આઇફોન વચ્ચે જ ઉપયોગ કરી શકાય છે. જોકે હવે એનો વિન્ડોઝ પ્લૅટફૉર્મ પર પણ ઉપયોગ કરી શકાશે. આ આઇમેસેજમાં ઘણાં ફીચર્સ છે જેનો ઉપયોગ સામાન્ય લોકો નથી કરતા. આ ઍપ્લિકેશનમાં વૉટ્સઍપ અને ટેલિગ્રામ જેવાં ફીચર્સ છે, પરંતુ એ ઍપ્લિકેશન કરતાં આમાં વધુ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આવાં જ કેટલાંક ફીચર્સ પર નજર નાખીએ.
ડ્રૅગ ઍન્ડ ડ્રૉપ
આઇમેસેજ કે પછી ટેક્સ્ટ મેસેજ કોઈમાં પણ આ ડ્રૅગ ઍન્ડ ડ્રૉપનો ઉપયોગ કરી શકાય છે. ડ્રૅગ ઍન્ડ ડ્રૉપ એટલે કે કોઈ પણ વસ્તુને કૉપી અને પેસ્ટ કરવાની જરૂર નથી. એક કન્વર્ઝેશનમાંના ડેટા પછી એ ટેક્સ્ટ હોય, ફોટો હોય, વિડિયો હોય કે લિન્ક કે અન્ય કોઈ ફાઇલ જ કેમ ન હોય. એને ક્લિક કરી રાખી અન્ય આંગળીની મદદથી એ કન્વર્ઝેશન બૉક્સમાંથી બૅક થઈ અન્ય ચૅટ ઓપન કરતાં એમાં એ ઑટોમૅટિક આવી જશે. આથી કૉપી અને પેસ્ટ કરવા કરતાં ડ્રૅગ ઍન્ડ ડ્રૉપ વધુ સરળ અને સ્પીડમાં થઈ શકે છે.
ઇફેક્ટ સાથે મેસેજ
આ ફીચર ફક્ત અને ફક્ત આઇમેસેજમાં જ ઉપયોગ કરી શકાશે. આ ફીચરમાં મેસેજને ઇફેક્ટની સાથે સેન્ડ કરી શકાય છે. આઇમેસેજમાં સ્લૅમ, લાઉડ, જેન્ટલ અને ઇન્વિઝિબલ લિન્ક તરીકેની ઇફેક્ટ છે. આ ઇફેક્ટને આઇમેસેજમાં કરતાં એ અલગ-અલગ રીતે સામેની વ્યક્તિના ફોનમાં દેખાશે. આ સાથે જ બર્થ-ડે અને ન્યુ યર વિશ કરતી વખતે બલૂન અને ફાયરક્રૅકર્સની ઇફેક્ટ્સ જોવા મળશે. આ માટે યુઝર્સે ટાઇપ સેક્શનમાં મેસેજ ટાઇપ કર્યા બાદ સેન્ડ બટનને દબાવી રાખવાનું રહેશે. ત્યાર બાદ એક નવી વિન્ડો ઓપન થશે અને એમાં ઇફેક્ટને પસંદ કરીને એ સેન્ડ કરી શકાય છે. સાદા ટેક્સ્ટ મેસેજમાં આ ઇફેક્ટને પસંદ કરી મોકલવામાં આવતાં ટેક્સ્ટ મેસેજમાં એ ઇફેક્ટ દેખાશે નહીં, પરંતુ એ ઇફેક્ટ સાથે મેસેજ મોકલવામાં આવ્યો છે એમાં લખાઈને આવશે.
આ પણ વાંચો: ઍન્ડ્રૉઇડ ફોનમાં કીબોર્ડ ગાયબ થઈ જાય તો એને કેવી રીતે લાવવું?
પિન કન્વર્ઝેશન
વૉટ્સઍપ અને અન્ય ઍપની જેમ મેસેજમાં પણ કોઈ પણ કન્વર્ઝેશનને પિન કરી શકાય છે. આથી ઍડ્વર્ટાઇઝમેન્ટ માટે આવતા ટેક્સ્ટ અથવા તો ઓટીપી વગેરે જેવા મેસેજની વચ્ચે પણ યુઝર માટે જરૂરી હોય એ ટેક્સ્ટને પિન કરી શકાય છે. આ પીન કરવામાં આવેલા દરેક કન્વર્ઝેશન મેસેજ ઍપને ઓપન કરતાં સૌથી પહેલાં એ દેખાશે.
લોકેશન શૅરિંગ
અન્ય મેસેજિંગ ઍપની જેમ આઇમેસેજમાં પણ લોકેશન શૅર કરી શકાય છે. આ લોકેશન સિક્યૉરલી જે-તે યુઝર્સ સાથે જ શૅર કરી શકાય છે. આ લોકેશન કેવી રીતે શૅર કરવું એ પણ નક્કી કરી શકાય છે. ઍપ્લિકેશનનો ઉપયોગ જ્યારે કરતા હોય ત્યારે જ લોકેશન શૅર કરવું કે પછી હંમેશાં માટે લોકેશન શૅર કરવાનો પણ ઑપ્શન આપવામાં આવે છે. આ સાથે જ જરૂર પડ્યે એને બંધ પણ કરી શકાય છે.
એડિટ મેસેજ
વૉટ્સઍપમાં જે રીતે મેસેજ ચેન્જ કરી શકાય છે એ જ રીતે આઇમેસેજમાં પણ મોકલેલા મેસેજને એડિટ અને અન્ડુ કરી શકાય છે. એક વાર મોકલેલા મેસેજને પંદર મિનિટની અંદર પાંચ વાર એડિટ કરી શકાય છે. ઘણા મેસેજને વારંવાર એડિટ કરવાની પરવાનગી નથી આપવામાં આવતી, પરંતુ એને પાંચ વાર કરી શકાય છે. જોકે ઓરિજિનલ મેસેજની જગ્યાએ આ મેસેજ બદલાતાં એને એડિટ કરવામાં આવ્યો છે એ દેખાઈ આવે છે, પરંતુ ઓરિજિનલ શું હતો એ જાણી નથી શકાતું. આ સાથે જ મેસેજને અન્ડુ એટલે કે મોકલેલા મેસેજને ડિલીટ કરી શકાય છે.
અન્ય ફીચર્સ
આ ટેક્સ્ટ મેસેજને એક વાર ડિલીટ કર્યા બાદ ફરી એને મેળવી શકાય છે. આ માટે મેસેજમાં ઉપર ડાબી બાજુ ફિલ્ટર હોય છે એના પર ક્લિક કર્યા બાદ રીસન્ટ્લી ડિલીટ પર ક્લિક કરતાં એમાં ડિલીટ કરેલા મેસેજ મળી આવશે. આ સાથે જ કોઈ પણ મેસેજને અનરીડ કરી શકાય છે, જેથી મહત્ત્વના મેસેજને યાદ રાખી શકાય. આ સાથે જ કન્વર્ઝેશનમાં કોઈ પણ સ્પેસિફિક મેસેજને સિલેક્ટ કરીને પણ જવાબ આપી શકાય છે.