22 March, 2024 07:55 AM IST | Mumbai | Harsh Desai
પ્રતીકાત્મક તસવીર
ઍન્ડ્રૉઇડ ફોનમાં ઘણી વાર ઍપ્લિકેશન ક્રૅશ થઈ જતી હોય છે. કામના સમયે આવું થયું તો ઘણી વાર ખૂબ જ ફ્રર્સ્ટ્રેશન આવે છે. ઘણા સ્માર્ટફોનમાં ઍપ્લિકેશન ફ્રીઝ થઈ જાય છે તો ઘણી ઍપ્લિકેશન ક્રૅશ થઈ જતી હોય છે. આ ઇશ્યુ જો ઍપ્લિકેશનમાં આવતો હોય તો એને સૉલ્વ કરી શકાય છે, જેના માટે કૅશ ક્લિયર કરવું, ઍપ્લિકેશન ફરી ઇન્સ્ટૉલ કરવી અને ફૅક્ટરી રીસેટ કરવા જેવા ઘણા ઑપ્શન છે તો એ વિશે જોઈએ.
ઍપ્લિકેશન ક્રૅશ કેમ થાય છે? | ઘણી વાર ઍપ્લિકેશન પોતે જણાવી દે છે કે કેમ એ ક્રૅશ થઈ રહી છે. ઘણી વાર મોબાઇલમાં સ્ટોરેજ ન હોય અથવા તો ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન હોય ત્યારે જો ઍપ્લિકેશન ક્રૅશ થાય તો એ વિશે જાણકારી આપવામાં આવે છે. જોકે એ સિવાય જ્યારે ઍપ્લિકેશન ક્રૅશ થાય અથવા તો ફ્રીઝ થાય તો એ માટે સ્માર્ટફોન ગરમ થતો હોય એ બની શકે છે. નવી સોફ્ટવેર અપડેટ આવી હોય અને એમાં કોઈ સમસ્યા હોય તો પણ એવું બની શકે છે. આ સાથે જ કોઈ નવી ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરી હોય અને એ મોબાઇલના સૉફ્ટવેરમાં પ્રૉબ્લેમ કરી રહી હોય તો પણ એવું થઈ શકે છે.
કૅશ ક્લિયર અને સ્ટોરેજ ચેક કરવા
મોટા ભાગે ઍપ્લિકેશનના કૅશ ડેટા ક્લિયર કરતાંની સાથે જ ઍપ્લિકેશન ખૂબ જ સરળતાથી ફરી ચાલુ થઈ જાય છે. આ માટે સેટિંગ્સમાં ઍપ્લિકેશનમાં જે-તે ઍપ્લિકેશનમાં જઈને એના કેશ ડેટા ક્લિયર કરવા. તેમ જ અન્ય ડેટા પણ ક્લિયર કરતાની સાથે ઍપ્લિકેશન લોડ ઓછો લેશે અને એ ફરી ઝડપથી પર્ફોર્મ કરતી થઈ જશે. આ સાથે જ મોબાઇલનો સ્ટોરેજ ડેટા પણ ચેક કરવો. જો સ્ટોરેજ ૮૦ ટકાથી વધુ ફુલ હશે તો મોબાઇલના પર્ફોર્મન્સ પર એની અસર પડવાનું શરૂ થઈ જાય છે. આ માટે જરૂરી ન હોય એવી ફાઇલને ડિલીટ કરવી. આ માટે જરૂરી ન હોય એવી ઍપ્લિકેશનને પણ ડિલીટ કરી શકાય છે. આમ કરતાંની સાથે જ ઍપ્લિકેશન ફ્રીઝ થવાનું અને ક્રૅશ થવાનું બંધ થઈ જશે.
ઍપ્લિકેશનની પરમિશન | ડેટા અને કૅશ ક્લિયર કર્યા બાદ પણ જો આ પ્રૉબ્લેમ રહે તો ઍપ્લિકેશન માટે જેટલી પરવાનગી આપવામાં આવી હોય એ દરેકને વારાફરતી ચાલુ હોય તો બંધ અને બંધ હોય તો ચાલુ કરીને ચેક કરી લેવી. જો પરવાનગી ન આપવામાં આવી હોય તો પણ ઍપ્લિકેશન કામ કરવું જોઈએ એ રીતે પર્ફોર્મ નહીં કરે. આથી જરૂરી પરવાનગી આપવી કે નહીં એ પણ એક વાર ચેક કરી લેવું.
અનઇન્સ્ટૉલ ઍપ્સ અપડેટ્સ | સ્માર્ટફોનની કંપનીમાંથી જે ઍપ્લિકેશન આવતી હોય એમાં જો આ પ્રૉબ્લેમ આવે ત્યારે જ આનો ઉપયોગ કરી શકાય છે. ઘણી વાર એવું બને છે કે જબરદસ્તીથી અપડેટ કરવામાં આવી હોય એટલે કે મોબાઇલને સપોર્ટ ન કરતી હોય એમ છતાં અપડેટ કરવામાં આવે તો ઍપ્લિકેશને ધારેલું કામ નથી કરતું. આ સમયે સેટિંગ્સમાં જઈને અનઇન્સ્ટૉલ ઍપ્સ અપડેટ્સને ડિલીટ કરવી. આ ડિલીટ કર્યા બાદ જો ઍપ ફરી યોગ્ય રીતે શરૂ થઈ ગઈ હોય તો એને ફરી પ્લે સ્ટોરમાંથી જ અપડેટ કરવી. આ માટે થર્ડ પાર્ટી સૉફ્ટવેર અથવા તો બહારથી ડાઉનલોડ કરેલી ઍપ્લિકેશનનો ઉપયોગ ન કરવો. કંપનીની ઍપ્લિકેશન ન હોય અને અન્ય ઍપ્લિકેશન હોય તો એને ડિલીટ કરીને ફરીથી પ્લે સ્ટોરમાંથી જ ડાઉનલોડ કરવાનો આગ્રહ રાખવો. આ કરવાથી જે-તે મોબાઇલ અને એને ઑપરેટિંગ સિસ્ટમને સુસંગત હોય એ જ ઍપ્લિકેશન ડાઉનલોડ થશે.
સેફ મોડમાં ચેક કરવું | તમામ પદ્ધતિનો ઉપયોગ કર્યા પછી પણ જો ઍપ ક્રૅશ બંધ ન થતી હોય અથવા તો ફ્રીઝ થઈ જતી હોય તો એ માટે મોબાઇલને સેફ મોડમાં ચાલુ કરવો. આના માટે સૌથી પહેલાં મોબાઇલ બંધ કરવો. ત્યાર બાદ પાવર બટન અને વૉલ્યુમ ડાઉન બટન બન્ને સાથે દબાવીને મોબાઇલ શરૂ કરવો. આ મોબાઇલ સેફ મોડમાં શરૂ થયા બાદ જે ઍપ્લિકેશન ક્રૅશ થતી હોય એ વારંવાર ચેક કરવી. સેફ મોડમાં ફક્ત ફર્સ્ટ-પાર્ટી ઍપ્લિકેશન જ ચાલશે એટલે કે ફોનમાં પહેલેથી ઇન્સ્ટૉલ થઈને આવતી ઍપ્લિકેશન. જો એ ઍપ્લિકેશન સેફ મોડમાં ચાલતી હોય તો પ્રૉબ્લેમ કોઈ થર્ડ પાર્ટી ઍપ્લિકેશનમાં છે એ સમજી લેવું.
ડિલીટ થર્ડ પાર્ટી ઍપ્લિકેશન | ઍન્ડ્રૉઇડમાં ઘણી વાર કોઈ ઍડ આવી હોય અને એના પર ક્લિક કરતાંની સાથે જ ઍપ્લિકેશન ડાઉનલોડ થઈ જતી હોય છે. ઘણી વાર આ થર્ડ પાર્ટી ઍપ્લિકેશન ડાઉનલોડ થવાથી એ મોબાઇલની ઑપરેટિંગ સિસ્ટમને કરપ્ટ કરે છે અને એના કારણે ઍપ્લિકેશન કે મોબાઇલ જોઈએ એવા પર્ફોર્મ નથી કરતા. આ માટે છેલ્લે જે ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરી હોય એને કાઢવી. આ માટે સેટિંગ્સના ઍપ્લિકેશન મૅનેજરમાં જઈને ચેક કરવું, કારણ કે ઘણી ઍપ્લિકેશન એવી ઇન્સ્ટૉલ થઈ ગઈ હોય છે જેના આઇકન પણ નથી હોતા. આ ઍપ્લિકેશન ડિલીટ કર્યા બાદ બની શકે કે મોબાઇલ ફરી સારું પર્ફોર્મ કરતો થઈ જાય.
રીસેટ ફોન | તમામ ઑપ્શન કોશિશ કર્યા બાદ પણ જો ઍપ્લિકેશન ક્રૅશ થતી રહે અથવા તો ફ્રીઝ હોય તો એ માટે છેલ્લો ઑપ્શન રીસેટ ફોન છે. મોબાઇલ રીસેટ કરતાં પહેલાં ડેટાનું બૅકઅપ લઈ લેવું. આ બૅકઅપ લેતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે ઍપ્લિકેશનનું બૅકઅપ લેવામાં નહીં આવે. ઍપ્લિકેશન કરપ્ટ હોવાથી એ ડેટા ફરી કરપ્ટ થઈ શકે છે. આથી ઍપ્સનું બૅકઅપ ન લેવું. ત્યાર બાદ રીસેટ કરવાથી ઍપ્લિકેશન જરૂર શરૂ થઈ જશે.