PK Rosy: જાણો મલયાલમ સિનેમાની એ પ્રતિભાશાળી અભિનેત્રી વિશે જેની યાદમાં આજે ગૂગલે બનાવ્યું છે ડૂડલ

10 February, 2023 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેરળના તિરુવનંતપુરમમાં 1903માં જન્મેલા રોઝીએ નાની ઉંમરમાં જ અભિનયનો શોખ કેળવ્યો હતો. વિગથાકુમારન ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ વર્ષ 1928માં તેમને ખૂબ નામના મળી હતી

તસવીર સૌજન્ય: ગૂગલ

ગૂગલે શુક્રવારે મલયાલમ સિનેમાનાં પ્રથમ મહિલા અભિનેત્રી અને પ્રથમ દલિત અભિનેત્રી પીકે રોઝી (PK Rosy)ને તેમની 120મી જન્મજયંતિ નિમિત્તે ડૂડલ સમર્પિત કર્યું છે. આ ડૂડલ (Google Doodle)ને ગુલાબના ફૂલો અને ફિલ્મની રીલ્સથી સજાવવામાં આવ્યું છે. પીકે રોઝી પ્રથમ અભિનેત્રી હતાં, જેમણે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

પ્રથમ ફિલ્મનો ઊગ્ર વિરોધ

કેરળના તિરુવનંતપુરમમાં 1903માં જન્મેલા રોઝીએ નાની ઉંમરમાં જ અભિનયનો શોખ કેળવ્યો હતો. વિગથાકુમારન (The Lost Child) ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ વર્ષ 1928માં તેમને ખૂબ નામના મળી હતી. તેઓ પોતે દલિત સમાજના હતાં અને ફિલ્મમાં તેમણે ઉચ્ચ જાતિની મહિલાની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તેમણે ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

ફિલ્મમાં એક સીન હતો, જેમાં પુરુષ અભિનેતા તેમના વાળમાં રહેલા ફૂલને કિસ કરે છે. આ દ્રશ્ય જોઈને લોકો ગુસ્સે થઈ ગયા અને તેમનું ઘર પણ સળગાવી દીધું હતું. આટલું જ નહીં, રોઝીને રાજ્ય છોડવાની પણ ફરજ પડી હતી. એવું કહેવાય છે કે તેઓ લારીમાં તમિલનાડુ ભાગી ગયા હતા, જ્યાં તેમણે તે જ લારીના ડ્રાઈવર સાથે લગ્ન કર્યા અને `રાજમ્મા` તરીકે સ્થાયી થયા.

એક માહિતી એવી પણ છે કે તેમણે યુવાનીમાં ઘાસ કાપવાનું ઘણું કામ કર્યું હતું, પરંતુ જેની પાસે પ્રતિભા હોય તેને લાંબા સમય સુધી દબાવી ન શકાય. રોઝી તેનું ઉત્તમ ઉદાહરણ છે. તે ઘાસ કાપતા હોવા છતાં તેમની અંદરનો એક કલાકાર તેમને વારંવાર અટકાવતો રહ્યો. દરમિયાન તેમના કાકાએ તેમને આ ક્ષેત્રમાં આગળ વધવાનું પ્રોત્સાહન આપ્યું, ત્યાર બાદ તેમને સંગીત અને અભિનયનું શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો: ‘ધ રોમૅન્ટિક્સ’નું ન્યુ યૉર્ક, લૉસ ઍન્જલસ અને મુંબઈમાં સેલિબ્રેશન

તેમની ટૂંકી કારકિર્દી હોવા છતાં, રોઝીએ ઘણી સીમાઓ તોડી નાખી હતી, ખાસ કરીને એવા સમયમાં જ્યારે મહિલાઓ માટે આર્ટ્સમાં જવું ખરાબ માનવામાં આવતું હતું. તેમના જીવનકાળ દરમિયાન સિનેમામાં તેમના યોગદાન માટે તેમની કદી પ્રશંસા કરવામાં આવી ન હતી, પરંતુ તેમની વાર્તા હજુ પણ ઘણા લોકો માટે એક મહાન પ્રેરણા છે.

tech news technology news google Regional Cinema News