11 May, 2024 09:51 AM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સમાચાર તાજા છે. નોકિયાએ 3210નું મૉડલ ફરી માર્કેટમાં લૉન્ચ કર્યું છે. ‘ડિજિટલ ડીટૉક્સ’ કરવા માગતા લોકો માટે આ ફોન આશીર્વાદ સમાન છે. જોકે કંપનીએ યુટ્યુબનું ફીચર આમાં રાખ્યું છે જેથી લોકો ‘ડિજિટલ ડીટૉક્સ’ કરી રહ્યા હોય છતાં બોર ન થાય. તમને જાણીને નવાઈ લાગી શકે છે, પણ આ અત્યારનો નવો ટ્રેન્ડ છે. એક તરફ વધુ ને વધુ ઍડ્વાન્સ સ્માર્ટફોન લૉન્ચ થઈ રહ્યા છે ત્યારે એની સામે માર્કેટમાં એવી કંપનીઓ પણ છે જે બાકાયદા ‘ડમ્બ ફોન’ અને ‘બોરિંગ ફોન’ તરીકે જૂના જમાનાના સાદા ફોનને રીલૉન્ચ કરી રહી છે અને એને ખરીદનારો એક નવો વર્ગ પણ છે. આવા બોરિંગ ફોન બનાવતી કંપનીના સ્પોક્સપર્સન એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘અમે આજની પેઢી સાથે વાત કરી ત્યારે અમને રિયલાઇઝ થયું કે પોતાની પાસે રહેલા સ્માર્ટફોનને કારણે આ પેઢીને ડિસ્ટ્રૅક્ટ થવાની આદત પડી ગઈ છે, પરંતુ એ પછીયે તેઓ સંપૂર્ણ ફોન વિનાના રહેવા નથી માગતા. આવા લોકો ‘ધ બોરિંગ ફોન’ પાસે રાખીને વાસ્તવિક જીવન સાથે વધુ તાલમેલ સાધી શકશે અને કનેક્ટેડ પણ રહી શકશે.’
આજે નૅશનલ ટેક્નૉલૉજી ડે છે જેની શરૂઆત દેશના વિકાસમાં ટેક્નૉલૉજીનો સદુપયોગ કરવાના આશયથી થઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે સ્માર્ટફોનની વકરી રહેલી દુનિયામાં ટેક્નૉલૉજીના અતિરેકે લોકોને શારીરિક, માનસિક અને સામાજિક રીતે હાનિ પહોંચાડવાનું શરૂ કર્યું છે અને એટલે જ ફરી એક વાર બોરિંગ અને ડમ્બ ફોન તરફ દુનિયાનો અમુક વર્ગ વળી રહ્યો છે ત્યારે મળીએ કેટલાક એવા લોકોને જેઓ સ્માર્ટફોન કરતાં પોતે વધુ સ્માર્ટ છે અને એનો સાચો ઉપયોગ કરવાનું પણ જાણે છે.
નો ફેસબુક, નો ઇન્સ્ટાગ્રામ, નો ટ્વિટર - ફોન પણ આખા દિવસમાં વધુમાં વધુ દોઢ કલાક વાપરવાનો: ઋષભ મોતા
મૂળ ડોમ્બિવલીનો ઋષભ મોતા HR કન્સલ્ટન્ટ અને કરીઅર-કોચ તરીકે સક્રિય છે. એક પણ પ્રકારના સોશ્યલ મીડિયા અકાઉન્ટ તેણે રાખ્યા નથી. કરીઅર સાથે સંકળાયેલી ‘લિન્ક્ડઇન’ ઍપ તે વાપરે છે, એ પણ આખા દિવસમાં દોઢ કલાક ફોન વાપરવાનો હોય એમાં જ વાપરવાનું. કલાકો ને કલાકો એક પછી એક રીલ્સ સ્વાઇપ કરતા જવાની એ વાત આ યુવાનને હજમ જ નથી થતી. પોતાનો અનુભવ શૅર કરતાં ઋષભ કહે છે, ‘સોશ્યલ મીડિયા નવું-નવું આવ્યું ત્યારે મેં પણ અકાઉન્ટ બનાવેલું. ફેસબુક અને ટ્વિટર પર મારું અકાઉન્ટ હતું જ, પણ પછી જે રીતે એ લોકો પર હાવી થઈ રહ્યું છે એવું દેખાવા માંડ્યું એટલે કૉન્શિયસ કૉલ લીધો અને નક્કી કર્યું કે હું આ ભીડનો હિસ્સો નહીં બનું. હું સોશ્યલ મીડિયા પર ડિપેન્ડન્ટ થાઉં એ પહેલાં જ એમાંથી છટકી ગયો. બેશક, હું લિન્ક્ડઇન પર છું. જોકે એ મારી કરીઅરની જરૂરિયાત છે. એમાં મારે થોડાક ઍક્ટિવ રહેવું જ પડે એમ છે. બેશક, આખા દિવસમાં હું દોઢ કલાકથી વધારે ફોન નથી વાપરતો. એમાં લિન્ક્ડઇન આવી ગયું, ફોન અને ટેક્સ્ટ મેસેજ પણ આવી ગયા. ફોનમાં વૉટ્સઍપ છે, પરંતુ ભાગ્યે જ હું એ ખોલતો હોઉં છું. વર્ષો પહેલાં મેં એક બુક વાંચેલી, ‘ડિજિટલ મિનિમલિઝમ’. બહુ જ સુંદર પુસ્તક છે અને તક મળે તો જરૂર વાંચજો. આ પુસ્તકમાં ઑથર વૈજ્ઞાનિક સર્વેક્ષણોના આધારે આપણી એકાગ્રતામાં કેવો દુકાળ પડ્યો છે એના આંકડાની ચર્ચા કરે છે. બ્રેઇન પર આ સ્ક્રીન-ટાઇમની કેવી નકારાત્મક અસર પડે છે એની ચર્ચા કરે છે. તમે રિયલ અને રીલનો ભેદ ભૂલી જાઓ અને તમારી જાતથી પણ તમે ડિસકનેક્ટ થઈ જાઓ એનાથી ખરાબ શું હોય? સવારે ઊઠ્યા પછી અને રાતે સૂતાં પહેલાં બે કલાક ફોન નહીં વાપરવાનો. હું જે રૂમમાં સૂઉં એ રૂમમાં ફોન નહીં રાખવાનો. સોશ્યલ મીડિયા તમને દુનિયામાં શું ચાલી રહ્યું છે એનાથી અવગત રાખે છે એવું કેટલાક લોકો દલીલમાં કહેતા હોય છે. મારે પૂછવું છે કે તમારે આટલી માહિતીની જરૂર શું છે? ઓવર-ઇન્ફર્મેશન તમારી ક્રીએટિવિટીને ખતમ કરી નાખે અને માઇન્ડને બ્લૉક કરી નાખે એનું શું? તમે સ્ક્રીન પર ચોંટેલા રહો છે અને તમને સ્ક્રીન પર ચોંટેલા રાખવા માટે એ કન્ટેન્ટ-ક્રીએટરોને પૈસા મળે છે. સોશ્યલ મીડિયા લોકોની મેન્ટલ હેલ્થ સાથે રમી રહ્યું છે. આજથી દસ વર્ષ પહેલાં વ્યક્તિનો અટેન્શન-સ્પાન પંદર સેકન્ડ હતો, જે આજે આઠ સેકન્ડ પર છે. આવનારા સમયમાં એ બે સેકન્ડ થઈ જશે. એ તમારી લાઇફને બરબાદ કરવાની દિશામાં લઈ જઈ રહ્યું છે.’
એક પણ નકામો મેસેજ કર્યો તો ફોનમાંથી નહીં, જીવનમાંથી બ્લૉક કરી દઈશ: કિશોર મર્ચન્ટ
આવા કડક શબ્દો સાથે કોઈએ સ્પષ્ટતા કરી હોય એટલે સ્વાભાવિક છે કે કામનો મેસેજ કરવા માટે પણ લોકો સો વાર વિચારે. જોકે એ પછીયે સાઉથ મુંબઈમાં રહેતા કિશોર મર્ચન્ટને નકામા મેસેજ આવ્યા છે અને તેમણે બાકાયદા એ લોકોને પોતાના કૉન્ટૅક્ટ-લિસ્ટમાંથી અલવિદા કહી દીધું છે. સંગીતને સમર્પિત અને જૂનાં ગીતોનું ડિજિટાઇઝેશન કરી રહેલા કિશોરભાઈએ હજી એક વર્ષ પહેલાં જ સ્માર્ટફોન લીધો છે. તેઓ કહે છે, ‘ટેક્નૉલૉજીનો ઉપયોગ શું અને દુરુપયોગ શું એ ભેદ જ લોકો ભૂલી ગયા છે. મને આટલાં વર્ષ સુધી સ્માર્ટફોનની જરૂર જ નહોતી અને મોબાઇલ વગર પણ મારું કામ ચાલતું. ઊલટાનું મને બહુ જ નિરાંત લાગતી હતી, પરંતુ અત્યારે મારાં મમ્મીની તબિયત નાદુરસ્ત રહે છે એટલે તેઓ તરત જ મારા સુધી પહોંચી શકે એ આશયથી ફોન લીધો છે. મ્યુઝિકને કારણે હું ફેસબુક પર લોકો સાથે જોડાયેલો રહેવા માટે જાઉં છું પણ એ ઉપયોગ પણ લિમિટેડ છે. વૉટ્સઍપ પર પણ માત્ર કામ પૂરતું રહેવાનું. મારી પાસે જૂની-જૂની ડિસ્ક, રેકૉર્ડ અને કૅસેટ્સ છે. લોકો પોતાનું કોઈક કલેક્શન લઈને આવે તો તેમને હું ડિજિટાઇઝ કરીને પેન-ડ્રાઇવમાં આપી દઉં. આ મને ટેક્નૉલૉજીનો પ્લસ પૉઇન્ટ લાગે છે તો સાથે એ પણ કહેવું પડે કે પહેલાં જે રેકૉર્ડ્સ અને કૅસેટ્સમાં સાઉન્ડની ક્વૉલિટી જળવાયેલી રહેતી હતી એ ડિજિટાઇઝેશનમાં નથી લાગતી. બીજી બાજુ એની લાઇફ પણ ઓછી છે. કઈ હાર્ડ ડ્રાઇવ ક્યારે નકામી થઈ જાય અને ડેટા લૉસ થઈ જાય એ પણ કહેવાય નહીં એવી વાત છે. ટેક્નૉલૉજીનો પ્રમાણસર ઉપયોગ કરો તો એ વરદાન છે, પરંતુ આજે લોકો એમ કરી નથી રહ્યા. ચોવીસ કલાક લોકો ફોનમાં હોય છે અને આખી દુનિયા એ જ દિશામાં છે એટલે આનાથી મોટો અને ખરાબ અભિશાપ એકેય નથી.’
કોણે કહ્યું વૉટ્સઍપ જીવનજરૂરિયાત છે? મને જુઓ, એના વિનાય સરસ છે જિંદગી: રાકેશ પંચાલ
કાંદિવલીમાં રહેતા અને ફૅબ્રિકના બિઝનેસ સાથે સંકળાયેલા રાકેશ પંચાલ લાંબા અંતરની દોડના રનર પણ છે. આ વર્ષે જૂનમાં સાઉથ આફ્રિકામાં યોજાનારી કૉમરેડ્સ રનમાં ભાગ લેવા માટે તેઓ ત્રીજી વાર જવાના છે. કૉમરેડ્સ રન એટલે નેવું કિલોમીટરની મૅરથૉન. ફૅમિલી, ફ્રેન્ડ્સ અને ફિટનેસ માટે રાકેશભાઈ પાસે ટાઇમની કોઈ કમી નથી અને એનું બહુ જ સ્પષ્ટ કારણ છે, સોશ્યલ મીડિયા સાથેની કટ્ટી. યસ, તેમના ફોનમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સઍપ જેવી એકેય ઍપ્લિકેશન નહીં મળે. તેમને કોઈક જરૂરી મેસેજ કરવો છે તો લોકો ટેક્સ્ટ-મેસેજથી તેમના સંપર્કમાં રહે છે અને કોઈએ જો તેમને કોઈ કામનો ફોટો કે વિડિયો મોકલવો છે તો ઈ-મેઇલ મોકલવાની. રાકેશભાઈ કહે છે, ‘શરૂઆતમાં લોકો કહેતા કે આમ ન ચાલે; જિંદગી અટકી જશે, કામ અટકી જશે. હકીકતમાં જોશો તો આમાંનું કંઈ જ થયું નથી. કંઈ જ અટક્યું નથી. અત્યારે હું બાવન વર્ષનો છું અને હજી ઘણાં કામ બાકી છે. હા, નિવૃત્ત થયા પછી કોઈ કામ નહીં હોય અને મને મન થયું તો કદાચ સોશ્યલ મીડિયા પર જાઉં. જુવાન લોકો માટે તો સોશ્યલ મીડિયા છે જ નહીં હકીકતમાં. હું પરિવાર સાથે સમય પસાર કરું છું. દરરોજ સવારે રન પર જાઉં છું. પૂરતી ઊંઘ લઉં છું. મિત્રો સાથે પિકનિક પણ કરું છું અને સાથે બિઝનેસ પણ કરું છું. મારી પાસે સમય નથી એવું કહેવાનો મારે ક્યારેય સમય જ નથી આવ્યો, કારણ કે સમયનો સદુપયોગ કરતાં મને આવડે છે. આજે તમે ટ્રેન કે બસમાં જુઓ કે હવે તો ઘરમાં પણ જુઓ, જેટલા લોકો બેઠા હશે એ બધા જ ફોનમાં હશે. સો લોકોમાંથી બે-પાંચ લોકો એવા હશે જેઓ ફોન ઉપરાંતની કોઈ ઍક્ટિવિટી કરતા હોય. આ આપણે ત્યાંની સૅડ રિયલિટી બનતી જાય છે.’
નૅશનલ ટેક્નૉલૉજી ડે કઈ ખુશીમાં?
૧૯૯૮માં આજની તારીખે એટલે કે મે મહિનાની ૧૧ તારીખે ભારતે પહેલી વાર રાજસ્થાનના પોખરણમાં ન્યુક્લિયર ટેસ્ટ કરી એ નિમિત્તે એ સમયના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ નૅશનલ ટેક્નૉલૉજી ડેની ઉજવણીની શરૂઆત કરી હતી. વિજ્ઞાન અને ટેક્નૉલૉજી તરફ આજની યુવાપેઢીનો રસ વધે અને એન્જિનિયરિંગ, મૅથેમૅટિક્સ અને ઇનોવેશનની દિશામાં કારકિર્દી બનાવવા તેઓ ઉત્સુક થાય અને દેશના વિકાસમાં અગ્રણી ભૂમિકા ભજવે એ ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી શરૂ થઈ હતી.