સ્માર્ટફોનથી સૂર્યગ્રહણનો ફોટો લેશો તો થશે આ મોટું નુકસાન! NASAએ આપી ચેતવણી

06 April, 2024 01:20 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

NASA On Solar Eclipse: આ મહિને આઠ એપ્રિલના રોજ સૂર્યગ્રહણ છે

પ્રતીકાત્મક તસવીર

સૂર્યગ્રહણ (Solar Eclipse) અથવા ચંદ્રગ્રહણ (Lunar Eclipse) દરમિયાન, ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો તેમના કેમેરા અથવા ફોનમાં કેપ્ચર કરે છે. જો તમે પણ આવું કરો છો તો આ સમાચાર તમારા માટે છે.

આ મહિને આઠ એપ્રિલના રોજ સૂર્યગ્રહણ (Solar Eclipse) થઈ રહ્યું છે, પરંતુ તે માત્ર કેટલાક દેશોમાં જ દેખાશે. આ સૂર્યગ્રહણ ભારત (India) અને એશિયા (Asia)માં દેખાશે નહીં. અનેક લોકો આ સૂર્યગ્રહણને જોવા ઉત્સાહિત હોય છે અને તેને કૅમેરામાં કેદ કરવાની કોશિશ પણ કરે છે. ઘણા લોકો સૂર્યગ્રહણના ફોટા લેવા માટે તેમના સ્માર્ટફોન કેમેરાનો ઉપયોગ કરે છે. જો તમે પણ આવું કરવાનું વિચારી રહ્યા છો તો આવું ન કરો, કારણ કે આવું કરવું તમારા સ્માર્ટ ફોન માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી તમારા મોબાઈલ કેમેરાને નુકસાન થઈ શકે છે. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન – નાસા (National Aeronautics and Space Administration - NASA)એ લોકોને ચેતવણી આપી છે કે તેઓ સૂર્યગ્રહણના સીધા ફોટા લેવા માટે સ્માર્ટફોન કેમેરાનો ઉપયોગ ન કરે.

સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) જે હવે એક્સ (X) તરીકે ઓળખાય છે તેના પર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નાસાએ કહ્યું કે, સૂર્યને સીધા કેમેરામાં કેદ કરવાથી સ્માર્ટફોનના સેન્સરને નુકસાન (NASA On Solar Eclipse) થઈ શકે છે. જો તમે ફોનમાં કોઈપણ લેન્સનો ઉપયોગ કરીને સૂર્યગ્રહણના ફોટા લઈ રહ્યા છો તો ખતરો વધુ વધી જાય છે. ગ્રહણના ફોટોગ્રાફ્સ લેવા માટે ખાસ ફિલ્ટર્સની જરૂર પડશે જેનો ઉપયોગ કોઈપણ કેમેરા માટે થાય છે. જો તમે તમારા ફોનમાંથી ફોટો લેવા માંગતા હો, તો ગ્રહણની તસવીર લેતી વખતે તમારા ફોનના લેન્સની સામે ગ્રહણ જોવાના ચશ્મા મૂકવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

નાસાએ એ પણ જણાવ્યું છે કે, તમે તમારા સ્માર્ટફોનને નુકસાન પહોંચાડ્યા વિના ગ્રહણના ફોટા કેવી રીતે લઈ શકો છો.

સ્માર્ટફોન કેમેરાને નુકસાન પહોંચાડ્યા વિના ગ્રહણનો ફોટો કઈ રીતે લેવો?

૧. સૌથી પહેલા તમારી આંખો અને કેમેરાની સુરક્ષાનું ધ્યાન રાખો. સૂર્યગ્રહણ દરમિયાન તમારા સ્માર્ટફોન કેમેરાને સુરક્ષિત રાખવા માટે ખાસ ફિલ્ટર્સનો ઉપયોગ કરો.

૨. સારા ફોટો માટે મોંઘા કેમેરાની જરૂર નથી, ફોટોગ્રાફીનું કૌશલ્ય વધુ મહત્વનું છે. તસવીરો અસ્પષ્ટ ન થાય તેની ખાતરી કરવા માટે, કેમેરાને સ્ટેન્ડ પર મૂકો અને ટાઈમરનો ઉપયોગ કરો.

૩. ગ્રહણના દિવસ પહેલા, તમારા સ્માર્ટફોન કેમેરા વડે ફોટા ક્લિક કરવાની પ્રેક્ટિસ કરો.

૪. લાઇટિંગ અનુસાર કેમેરા સેટિંગ એડજસ્ટ કરો. તમે અલગ-અલગ શટર સ્પીડ અને અપર્ચર અજમાવી શકો છો.

તમને જણાવી દઈએ કે, આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આઠ એપ્રિલના રોજ થવાનું છે. ભારતીય સમય અનુસાર આ સૂર્યગ્રહણ રાત્રે ૯.૧૨ વાગ્યે શરૂ થશે અને મોડી રાત્રે ૨.૨૨ વાગ્યા સુધી ચાલશે.

nasa tech news technology news national news india life and style