વર્ષનાં જાણ્યાં-અજાણ્યાં ટેક ફીચર્સ

30 December, 2022 05:06 PM IST  |  Mumbai | Harsh Desai

૨૦૨૨નું વર્ષ ખૂબ ઉતાર-ચડાવથી ભરેલું રહ્યું છે. આ વર્ષમાં ટેક્નૉલૉજી હોય કે સોશ્યલ મીડિયા, ઘણી રિમાર્કેબલ ઇવેન્ટ્સ જોવા મળી છે.

પ્રતીકાત્મક તસવીર

૨૦૨૨ના વર્ષનો અંત આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ ૨૦૨૩ની નવી શરૂઆત પણ થઈ રહી છે. ૨૦૨૨નું વર્ષ ખૂબ ઉતાર-ચડાવથી ભરેલું રહ્યું છે. આ વર્ષમાં ટેક્નૉલૉજી હોય કે સોશ્યલ મીડિયા, ઘણી રિમાર્કેબલ ઇવેન્ટ્સ જોવા મળી છે. સૌથી મેજર ઇવેન્ટ ઇલૉન મસ્ક દ્વારા ટ્વિટર ખરીદી લેવામાં આવ્યું એને કહી શકાય. જોકે આ સિવાય પણ ટેક વર્લ્ડમાં ઘણું જોવા મળ્યું છે. કેટલાંક નવાં ફીચર ખૂબ જ હાઇલાઇટ થયાં છે, તો કેટલાંક ફીચર એવાં પણ છે જેને અન્ડરલાઇન કરવામાં આવ્યાં છે અથવા તો એમ કહી શકાય કે એ એટલાં ચર્ચામાં નથી રહ્યાં. ૨૦૨૨ના વર્ષની આવી જ કેટલીક ટેક્નૉલૉજીને લગતાં ફીચર્સ વિશે ચર્ચા કરીએ :

વૉટ્સઍપ

વૉટ્સઍપ દ્વારા આ વર્ષે ઘણાં મેજર ફીચર્સ રિલીઝ કરવામાં આવ્યાં છે. આ ફીચર્સ એક્સક્લુઝિવ વૉટ્સઍપનાં જ છે એવું નથી, એમાંનાં ઘણાં ફીચર્સ અન્ય પ્લૅટફૉર્મ પર પહેલેથી હતાં. જોકે વૉટ્સઍપ દ્વારા આ વર્ષે એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યાં છે. એમાં મુખ્ય ફીચર્સની વાત કરીએ તો ઑનલાઇન સ્ટેટસને હાઇડ કરવું. આ સ્ટેટસ હાઇડ કરવાથી ઘણા નકામા લોકોથી દૂર રહી શકાય છે.

આ સાથે જ પોતાને જ મેસેજ કરવાનું ફીચર પણ ઍડ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી જરૂરી મેસેજને પોતાને જ ટેક્સ્ટ કરીને એને સાચવી શકાય છે. ફોટો અપલોડ ક્વૉલિટી, કમ્યુનિટી ફીચર અને વૉટ્સઍપ પોલની સાથે કૉલ લિન્ક દ્વારા વિડિયો-કૉલ ઇન્વાઇટ મોકલવું પણ છે. ગ્રુપ-કૉલિંગ ચાલી રહ્યું હોય અને અન્ય વ્યક્તિને એમાં ઍડ કરવો હોય તો આ લિન્કનો ઉપયોગ કરી શકાય છે. આ લિન્ક દ્વારા ટોટલ ૩૨ મેમ્બર્સ વચ્ચે કૉલ થઈ શકે છે.

ઍપલ

ઍપલ દ્વારા આ વર્ષે આઇફોન 14 અને નવી આઇવૉચ સિરીઝ સાથે આઇઓએસ 16 પણ રિલીઝ કરવામાં આવી છે. આ નવી ઑપરેટિંગ સિસ્ટમમાં ઘણાં ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્રૅશ ડિટેક્શનથી લઈને સૅટેલાઇટ કૉલિંગ જેવાં ઘણાં ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે સૌથી ઉપયોગી એવું મેડિકેશન રિમાઇન્ડર ફીચર એટલું હાઇલાઇટ નથી થયું. આ ફીચર ખૂબ વ્યસ્ત રહેતા લોકો અને વૃદ્ધો માટે ખૂબ ઉપયોગી છે. આઇફોન અને આઇવૉચ બન્નેની હેલ્થ ઍપ્લિકેશનમાં આ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચર સમય-સમયે દવા લેવાનું યાદ કરાવે છે. લાંબા સમય સુધી લેવામાં આવતી દવા માટે આ ફીચર ખૂબ ઉપયોગી છે. આ માટે દવાનું નામ અને એ કૅપ્સ્યૂલ છે, ટૅબ્લેટ કે લિક્વિડ પણ ઍડ કરી શકાય છે. એટલું જ નહીં, એનો કલર પણ ઍડ કરી શકાય છે. આથી જ્યારે દવા લેવાનું યાદ કરાવવામાં આવે ત્યારે એ દવાના નામ સાથે કલર પણ દેખાશે. આ સાથે જ ઍડિશનલ ડિટેઇલ ઍડ કરવી હોય તો કૅમેરા ફીચરનો પણ ઉપયોગ કરી શકાય છે જેની મદદથી દવા પર લખવામાં આવેલી ઍડિશનલ ડિટેઇલનો પણ સમાવેશ આ ઍપ્લિકેશનમાં માહિતી માટે ઍડ કરી શકાય. આ સાથે જ ઍપલનું એક અન્ય ફીચર છે ડોર ડિટેક્શન. આ ફીચર વિશે કોઈ વાત પણ નથી કરી રહ્યું અને કોઈ એનો ઉપયોગ પણ નથી કરી રહ્યું. આ ફીચર લાઇટ ડિટેક્શન ઍન્ડ રેન્જિંગનો ઉપયોગ કરીને દીવાલ પર દરવાજો ક્યાં છે અને એનાથી યુઝર કેટલો દૂર છે એ જણાવી શકે છે. એટલું જ નહીં, એ ખુલ્લો છે કે નહીં એ પણ જણાવી દેશે. આ ફીચરનો સમાવેશ એસિસિબિલિટીમાં કરવામાં આવ્યો છે. એટલે કે શારીરિક રીતે અક્ષમ હોય એવી વ્યક્તિઓ માટે જે ફીચર્સ આપવામાં આવ્યાં છે એમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી જ લોકોનું ધ્યાન એના પર નથી ગયું, પરંતુ આ ફીચરનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે અને એ એકદમ કૂલ પણ છે.

ઇન્સ્ટાગ્રામ

ઇન્સ્ટાગ્રામ દ્વારા આ વર્ષે એનું અત્યાર સુધીનું સૌથી યુઝલેસ ફીચર નોટ્સને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. આ નોટ્સ ડાયરેક્ટ મેસેજ સેક્શનમાં જોવા મળી રહ્યું છે. જોકે આ સાથે જ ઇન્સ્ટાગ્રામ દ્વારા કેટલાંક જરૂરી ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એમાંનું એક ફીચર્સ પ્રોફેશનલ અકાઉન્ટ માટે છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ એના અકાઉન્ટને પ્રોફેશનલ બનાવી શકે છે અને એ પણ એક પણ ચાર્જ વગર. આ ફીચર છે શેડ્યુલ પોસ્ટ. કોઈ પણ વ્યક્તિ હવે તેમની પોસ્ટને શેડ્યુલ કરી શકે છે અને એ પણ ૭૫ દિવસ સુધી. કોઈ વ્યક્તિ વેકેશન પર જવાનું હોય અને એના પેજ અથવા તો પ્રોફાઇલની રીચ ઓછી ન થઈ જાય એ માટે તે હવે પહેલેથી જ પોસ્ટને શેડ્યુલ કરી શકે છે. રીલ્સથી લઈને પોસ્ટ દરેક વસ્તુ ઍડ્વાન્સમાં થઈ શકે છે. આ સાથે જ બીજું ફીચર્સ છે ડ્યુલ. રીલ્સ બનાવતી વખતે હવે એક નહીં, પરંતુ એક જ સમયે બન્ને કૅમેરાનો ઉપયોગ કરી શકાય છે. કન્ટેન્ટ ક્રીએટર્સ માટે આ ફીચર્સ ખૂબ કામનું છે. તેઓ બૅક કૅમેરા વડે જ્યારે લોકેશન કે કોઈ પ્રોડક્ટ પર ફોકસ કરી રહ્યા હોય અને કૉમેન્ટરી આપી રહ્યા હોય ત્યારે હવે તેમના ફેસને પણ લોકો જોઈ શકે છે. આ ફીચરને નૉર્મલ વ્યક્તિ પણ યુઝ કરી શકે છે.

life and style columnists technology news tech news harsh desai