26 May, 2023 05:22 PM IST | Mumbai | Harsh Desai
પ્રતીકાત્મક તસવીર
ગૂગલ બાર્ડમાં જો એમ પૂછવામાં આવે કે હાલમાં ગૂગલ દ્વારા કઈ નવી સેવાઓ શરૂ કરવામાં આવી છે. તો એ સર્ચ કરીને યુઝર્સની સામે ઑપ્શન્સ આપશે અને યુઝર્સને પસંદગીની મોકળાશ આપે છે. ચૅટ જીપીટી માત્ર જવાબ આપે છે
આજે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે અને એમાં પણ હવે ચૅટજીપીટી અને ગૂગલ બાર્ડને કારણે એનો ઉપયોગ વધુ થવા લાગ્યો છે. ચૅટજીપીટી ફ્રી અને પેઇડ એમ બે વર્ઝનમાં છે. ફ્રી વર્ઝનમાં લિમિટેડ સર્ચ કરી શકાય છે. જોકે એની સામે ગૂગલે ફ્રીમાં અનલિમિટેડ સર્ચનો ઑપ્શન આપ્યો છે. આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી સર્ચ
અથવા તો કંઈ પણ કામ કરવું ખૂબ જ સહેલું અને સરળ બન્યું છે. ગૂગલ ફ્રીમાં તો સર્વિસ આપે છે, પરંતુ એનો મતલબ એ નથી કે એ નૉર્મલ સેવા જ આપે છે. ગૂગલ બાર્ડ ફ્રી હોવા છતાં એટલું ઍડ્વાન્સ છે કે એમાં જે કરી શકાય એ હજી સુધી ચૅટજીપીટી પણ નથી કરી શકતું. તો આજે એના વિશે થોડી માહિતી જોઈએ.
ઇન્ટરનેટ સર્ચ
અત્યાર સુધી ચૅટજીપીટીમાં ફક્ત સવાલોના જવાબ મળતા હતા. જોકે હવે ગૂગલ બાર્ડ આવી ગયા બાદ એમાં પણ સર્ચનો ઑપ્શન આપવામાં આવ્યો છે. ગૂગલ બાર્ડમાં એમ પૂછવામાં
આવે કે હાલમાં ગૂગલ દ્વારા કંઈ નવી સેવાઓ શરૂ કરવામાં આવી છે. તો એ ગૂગલ પર સર્ચ કરીને યુઝર્સની સામે ઑપ્શન્સ પણ આપી શકે છે. ચૅટજીપીટીમાં ડાયરેક્ટ જવાબ આપવામાં આવે છે, પરંતુ ગૂગલ બાર્ડમાં સર્ચ પણ કરી શકાય છે.
વૉઇસ ઇનપુટ
ચૅટજીપીટીમાં યુઝર્સ ફક્ત લખીને સવાલોના જવાબ માગી શકે છે. જોકે ગૂગલ બાર્ડમાં ૧૮૦ દેશોમાં ઉપલબ્ધ છે અને એમાં વૉઇસ ઇનપુટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે હાલમાં લિમિટેડ લૅન્ગ્વેજનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ એમાં થોડા સમય બાદ ભાષાઓ ઉમેરવામાં આવશે. વૉઇસ ઇનપુટ એટલે કે લખવાની જગ્યાએ યુઝર્સ ડાયરેક્ટ બોલીને બાર્ડને સવાલો પૂછી શકે છે. એના કારણે ઘણો સમય બચી શકે છે.
ચૅટ એક્સપોર્ટ
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સાથે કરેલી વાતચીતને અંતે સેવ કરવી હોય તો એ ચૅટજીપીટીમાં ઉપલબ્ધ નથી. જોકે ગૂગલ બાર્ડમાં એ ચૅટને સીધી ડૉક્યુમેન્ટમાં એક્સપોર્ટ અથવા તો ઈ-મેઇલ કરી શકાય છે. ગૂગલ ડૉક્સમાં આ ડૉક્યુમેન્ટ બની જશે અને યુઝર ઇચ્છા થાય ત્યારે એનો ઉપયોગ કરી શકે છે. આ માટે સર્ચ બારની નીચે જ એક્સપોર્ટનો ઑપ્શન આપવામાં આવ્યો છે.
સંક્ષિપ્તમાં આર્ટિકલ
ગૂગલ બાર્ડમાં એક ઑપ્શન એવો છે જે કોઈ પણ આર્ટિકલ જે લાંબો હોય એનો સાર શું છે એ જાણી શકાય છે. ઉદાહરણ તરીકે ૨,૦૦૦ની નોટ બંધ થવાની છે એ માટે કોઈ વેબસાઇટ પર ખૂબ જ ડીટેલમાં આર્ટિકલ લખવામાં આવ્યો છે. આ આર્ટિકલને ખૂબ જ ઓછા શબ્દોમાં સમજવા માટે એ લિન્ક કૉપી કરી ગૂગલ બાર્ડમાં એ પેસ્ટ કરીને કમાન્ડ આપવાનો રહેશે કે Could you write the summary of this article? આ કમાન્ડ આપતાં અને લિન્ક સાથે પેસ્ટ કરી હોવાથી એનો સાર શું છે એ ગૂગલ જણાવી દેશે.
મલ્ટિપલ રિસ્પૉન્સ
ગૂગલ બાર્ડમાં જો કોઈ વસ્તુ પૂછવામાં આવી હોય તો એનો જવાબ પણ વિવિધ રિસ્પૉન્સ દ્વારા આપવામાં આવે છે. પહેલો જવાબ જે રીતે લખવામાં આવ્યો હોય એ પસંદ ન હોય તો બીજું વર્ઝન પસંદ કરતાં એ જ વાતને અન્ય વાક્યરચનામાં લખવામાં આવી હોય છે. આમ ગૂગલ બાર્ડ દ્વારા ત્રણ ડ્રાફ્ટ આપવામાં આવે છે અને એમાંથી એક રિસ્પૉન્સને પસંદ કરવાનો હોય છે.
ટ્રિપ પ્લાન કરવી
કોઈ ટ્રિપ પ્લાન કરવી હોય તો એ માટે કઈ-કઈ જગ્યાએ જવું એ સર્ચ કરવા માટે ગૂગલ પર ઘણો સમય પસાર કરવો પડે છે. જોકે ગૂગલ બાર્ડની મદદથી એ હવે ખૂબ જ સરળ થઈ ગયું છે. ફક્ત બે મિનિટની અંદર ઘણીબધી જગ્યા વિશે માહિતી મેળવી શકાય છે. એ માહિતી પણ નામ, થોડી હિસ્ટરી અને ફોટોની સાથે. ઉદાહરણ તરીકે કેદારનાથની મુસાફરી દરમ્યાન અન્ય કઈ જગ્યાની મુલાકાત કરી શકાય એ વિશે જાણવું હોય તો કમાન્ડ આપવો પડશે કે I am planning a trip to Kedarnath. What are the lesser known places I should visit? આટલું લખતાં ગૂગલ બાર્ડ જાણી અને અજાણી બન્ને જગ્યાનાં નામ આપી દેશે. આ કમાન્ડ આપતાં ગૂગલ બાર્ડ દ્વારા જાણીતી જગ્યામાં ગાંધી સરોવર, ભૈરવનાથ ટેમ્પલ, ફાટા, સોનપ્રયાગ અને ગૌરીકુંડની સાથે અજાણી જગ્યામાં વાસુકિ તાલ, રુદ્ર કેવ અને શંકરાચાર્ય સમાધિનું નામ સજેસ્ટ કરશે. ગૂગલ બાર્ડને જે જગ્યાનું નામ આપ્યું હોય તો એ એની આસપાસના થોડા કિલોમીટરમાં જે જગ્યા હશે એ જ નામ સજેસ્ટ કરશે. એવું નહીં કે ૧૦૦ કિલોમીટર દૂર આવેલી જગ્યાનું નામ સજેસ્ટ કરશે.