ઍન્ડ્રૉઇડ ફોનમાં કીબોર્ડ ગાયબ થઈ જાય તો એને કેવી રીતે લાવવું?

03 March, 2023 01:48 PM IST  |  Mumbai | Harsh Desai

લેટેસ્ટ અપડેટ નવાં ફીચર્સ લઈને આવે છે, પરંતુ એમાં ઇશ્યુ પણ હોય છે આથી ઘણી વાર ઍપ્લિકેશનને ડાઉનગ્રેડ કરવાથી પણ આ ઇશ્યુને સૉલ્વ કરી શકાય છે

પ્રતીકાત્મક તસવીર

સ્માર્ટફોનમાં આજે મોટા ભાગનાં તમામ કામ થતાં હોય છે. બિઝનેસથી લઈને ઑફિસ મીટિંગ કે એજન્ડા ડિસ્કશનથી લઈને ફ્રેન્ડ્સ સાથે ચૅટિંગ કે અન્ય કોઈ કારણોસર પણ કીબોર્ડનો ઉપયોગ વધુ થાય છે. આજે સ્માર્ટફોનના કીબોર્ડમાં પણ ઘણાં ફીચર્સ આવતાં હોય છે, જેવાં કે ઑટો સ્પેલિંગ કરેક્શન, વર્ડ સજેશન, વૉઇસ ટુ ટાઇપિંગ અથવા તો કીબોર્ડના ફોન્ટ ચેન્જ કરવા વગેરે. આ તમામ માટે ફોનના પ્રોસેસરનો ઉપયોગ થતો હોય છે અને ઘણી વાર આ પ્રોસેસ ફોન પર લોડ પાડતી હોય છે. આથી વધુપડતો લોડ પડતો હોવાથી ઘણી વાર ઍન્ડ્રૉઇડમાં કીબોર્ડ ગાયબ થઈ જાય છે. વૉટ્સઍપ ઓપન કરતાં પણ ચૅટ બૉક્સને સિલેક્ટ કરવા છતાં પણ એમાં કીબોર્ડ નથી આવતું. મોટા ભાગે આ સ્માર્ટફોનને રીસ્ટાર્ટ કરવાથી ઇશ્યુ સૉલ્વ થઈ જાય છે. જોકે એમ ન થાય તો નીચેની પ્રોસેસ કરવાથી એ જરૂર સૉલ્વ થઈ જશે.

કીબોર્ડ અપડેટ કરવું | ઘણી વાર સ્માર્ટફોનની મુખ્ય અપડેટની સાથે કીબોર્ડ જેવા અન્ય ફીચર્સ માટેની અપડેટ અલગથી આવતી હોય છે. આથી કીબોર્ડની ઍપ્લિકેશન અપટુડેટ છે કે નહીં એ ચેક કરી લેવું. જો ફોનમાં ગૂગલ બોર્ડ ઇન્સ્ટૉલ કર્યું હોય તો એની અપડેટ અલગથી આવતી હોય છે. આ રીતે જ જો ગ્રામર માટે ગ્રામર્લી કીબોર્ડ ઇન્સ્ટૉલ કર્યું હોય તો પણ એની અપડેટ અલગથી આવતી હોવાથી એને સતત અપટુડેટ રાખવું જોઈએ. આ સાથે જ ફોનના સેટિંગ્સમાં લૅન્ગ્વેજમાં જઈને કીબોર્ડમાં ડિફૉલ્ટ કીબોર્ડ કયું છે અને એ અપટુડેટ છે કે નહીં એ ચેક કરવું.

ફોર્સ સ્ટૉપ અને ક્લિયર કૅશ | કીબોર્ડ અપટુડેટ હોય અને ત્યાર બાદ પણ જો એ ન આવે તો સેટિંગ્સમાં જઈને ઍપ્લિકેશનમાં જઈને ઑલ ઍપ્સ પર ક્લિક કર્યા બાદ કીબોર્ડ શોધવું. આ કીબોર્ડ પર ક્લિક કરી ત્યાર બાદ એને ફોર્સ સ્ટૉપ કરવું. ફોર્સ સ્ટૉપ કર્યા બાદ ફરી કીબોર્ડ ઓપન કરવું. જો તો પણ ન થાય તો એ કીબોર્ડમાં નીચે સ્ટોરેજનો ઑપ્શન હશે એના પર ક્લિક કરીને ક્લિયર કૅશ અને ક્લિયર ડેટા પર ક્લિક કરવું. ત્યાર બાદ ફોનને રીસ્ટાર્ટ કરીને ફરી એક વાર ચેક કરી જોવું.

ડાઉનગ્રેડ અપડેટ | બની શકે મોબાઇલની લેટેસ્ટ ઑપરેટિંગ સિસ્ટમ અને કીબોર્ડની લેટેસ્ટ અપડેટ એકબીજા સાથે મૅચ ન કરતાં હોય. આ સમયે કીબોર્ડની લેટેસ્ટ અપડેટ કાઢીને એને ડાઉનગ્રેડ એટલે કે એ પહેલાં જે વર્ઝન હતું એ નાખવાથી આ ઇશ્યુ સૉલ્વ થઈ જશે. ગૂગલ બોર્ડનો ઉપયોગ કરતાં હો તો ઍન્ડ્રૉઇડ માટે .apk ફાઇલ સરળતાથી ગૂગલ પર મળી શકે છે. આથી ઘણી વાર ડાઉનગ્રેડ કરવાથી પણ ઇશ્યુ સૉલ્વ થઈ શકે છે.

રીસેટ ડિવાઇસ | જો ફોનની ઑપરેટિંગ સિસ્ટમ અપટુડેટ હોય. કીબોર્ડની અપડેટ પણ અપટુડેટ હોય અને જો કોઈ બીટા પ્રોગ્રામમાં એનરોલમેન્ટ પણ ન હોય અને એમ છતાં કીબોર્ડ ન આવે તો પછી છેલ્લો ઑપ્શન ફોનને રીસેટ કરવાનો રહેશે. આ રીસેટ કર્યા બાદ ડેટાનું બૅકઅપ હશે તો એને ફરી રીસ્ટોર કરી શકાશે અને ન લીધું હોય તો પહેલાં એ લઈ લેવું. જોકે રીસેટ કર્યા બાદ આ ઇશ્યુ જરૂર સૉલ્વ થઈ જશે.

life and style columnists technology news harsh desai