13 January, 2023 05:17 PM IST | Mumbai | Harsh Desai
સૌથી સસ્તી કૅબ કે ફ્લાઇટ ટિકિટ બુક કરવા શું કરવું?
પૈસા બચાવવા હોય તો ડિસ્કાઉન્ટ ક્યાં મળે છે એ અલગ-અલગ ઍપ્લિકેશન્સ પર ચેક કર્યા કરવાને બદલે કમ્પૅરિઝન આપતી આવી ઍપ્લિકેશન્સ તમારા પૈસા અને સમય બન્ને બચાવશે.
પૈસા બચાવવા હોય તો ક્યાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે એની ફિરાકમાં સતત રહેવું જ પડે. એટલે જ આજે લોકો એક વસ્તુ ખરીદવા પહેલાં એની કિંમત કયા પ્લૅટફૉર્મ પર કેટલી છે અને કયાં કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અથવા તો ઑફર આવવાની છે કે નહીં જેવી બાબતો પર નજર રાખતો હોય છે. કોઈ પણ વ્યક્તિ આજે સો રૂપિયા પણ બચતા હોય તો એ બચાવવા માગે છે. આજે હરીફાઈ એટલી વધી ગઈ છે કે ઑનલાઇન શૉપિંગમાં ઘણીબધી ઑફર્સ આવતી હોય છે. હોટેલથી લઈને ફ્લાઇટથી લઈને કૅબ બુકિંગ માટે પણ ઘણી ઍપ્સ ઉપલબ્ધ છે, પરંતુ દરેક પર જુદી-જુદી ઑફર હોય છે. કઈ ઍપ પર કઈ ઑફર ચાલે છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. આ માટે વિવિધ ઍપ્સ ઓપન કરીને ચેક કરવું પડે છે. જોકે આ માટે કેટલીક ઍપ્સ પણ આવે છે જેની મદદથી દરેક ઍપ્લિકેશન પર મૉનિટર કરવા કરતાં એનો ઉપયોગ કરવાથી વિવિધ ઍપ્લિકેશન પર જે-તે પ્રોડક્ટ અથવા તો સર્વિસ કેટલામાં પડે છે એ જાણી શકાય છે. આ માટે વિવિધ કૅટેગરી માટે વિવિધ ઍપ્લિકેશન પર એક નજર કરીએ.
ફ્લાઇટ માટે સ્કાયસ્કૅનર
ઇન્ડિયામાં હવે ઍરટ્રાવેલ કરવું હોય તો ફ્લાઇટ એટલી મોંઘી નથી રહી. જોકે એ માટે ચોક્કસ સમયે બુકિંગ કરાવવું જરૂરી રહે છે. ફ્લાઇટ બુક કરવા માટે ઘણા સર્વિસ પ્રોવાઇડર છે, પરંતુ એમાં સૌથી સસ્તી ટિકિટ કોણ આપે છે એ જોવા માટે પણ ઍપ્સ ઉપલબ્ધ છે. આ માટે સૌથી પહેલી ઍપ્લિકેશન છે સ્કાયસ્કૅનર. સ્કાયસ્કૅનરની મદદથી જ્યાંથી લઈને જ્યાં સુધીની ફ્લાઇટ જોઈતી હોય એને બુક કરી શકાય છે. આ ફ્લાઇટ સર્ચ કર્યા બાદ સૌથી બેસ્ટ ફ્લાઇટ કઈ છે અને સૌથી સસ્તી ફ્લાઇટ કઈ છે અને એ બન્ને વચ્ચે કેટલા રૂપિયાનો ફરક છે એ પણ જાણી શકાશે. એ જાણ્યા બાદ કયા સર્વિસ પ્રોવાઇડરનો ઉપયોગ કરવો એ પણ જાણી શકાય છે. મેકમાયટ્રિપ અને યાત્રાડૉટકૉમ અને ગોઆઇબીબો જેવા વિવિધ સર્વિસ પ્રોવાઇડર્સમાંથી કોણ વધુ સસ્તી ફ્લાઇટ આપે છે એ જોઈને ટિકિટ બુક કરી શકાય છે. આ સાથે જ ગૂગલ ફ્લાઇટનો પણ ઉપયોગ કરી શકાય છે. ગુગલ ફ્લાઇટ એક અદ્ભુત ઑપ્શન છે. જો યુઝરે ક્યાં જવું છે એ નક્કી ન કર્યું હોય તો ગૂગલ ફ્લાઇટમાં જઈને જ્યાંની ફ્લાઇટ લેવી હોય ત્યાંનું ઍરપોર્ટ સિલેક્ટ કરીને ક્યાંની ટિકિટ સસ્તી છે એ જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે મુંબઈથી ક્યાંની ફ્લાઇટ જે-તે સમયે સસ્તી છે એ જોઈને ત્યાંની ટિકિટ બુક કરી શકાય છે. હાલમાં જપાનની ટિકિટ સસ્તી છે, પરંતુ ત્યાંથી રિટર્ન થતી વખતે નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ હોવો જરૂરી છે. આ સાથે જ ફ્લિપકાર્ટની ફ્લાઇટ બુક સર્વિસ પર પણ ઘણી વાર સારી ઑફર મળી રહે છે.
આ પણ વાંચો : કૉન્ટૅક્ટ ઍપ એક, કામ અનેક
હોટેલ માટે ટ્રિવાગો
ટ્રાવેલ દરમ્યાન અથવા તો સ્ટેકેશન માટે હોટેલ ખૂબ જ જરૂરી છે. કઈ સારી હોટલ છે અને એ કઈ ઍપ્લિકેશન પર સસ્તામાં પડે છે એ માટે પણ કેટલીક ઍપ્લિકેશન છે. આ માટે ટ્રિવાગો ઍપ્લિકેશનનો ઉપયોગ કરવો જોઈએ. ટ્રિવાગો પર જે-તે જગ્યાની હોટેલ સર્ચ કર્યા બાદ મેકમાયટ્રિપ અને ગોઆઇબીબો જેવી ઘણી જગ્યા પર સર્ચ કરીને સૌથી ઓછી કિંમત કંઈ ઍપ પર છે એ દેખાડશે. આથી ત્યાંથી એ હોટેલ બુક કરી શકાય છે. આ સાથે જ જો કોઈ ક્રેડિટ કાર્ડની ઑફર હોય અને નસીબ હોય તો એ પણ મળી શકે છે. ટ્રિવાગો બાદ ગૂગલ ફ્લાઇટની જેમ ગૂગલ હોટેલ પણ સૌથી સારો ઑપ્શન છે. ગૂગલ હોટેલમાં સૌથી બેસ્ટ ઑપ્શન છે મૅપ પર જોઈને કઈ હોટેલની કેટલી કિંમત છે એ જાણી શકાય છે. આથી બે ડેસ્ટિનેશન વચ્ચે કેટલું અંતર
છે એ પણ જોઈ શકાય છે અને આસપાસનો એરિયા હૅપનિંગ છે કે નહીં એ પણ જાણી શકાય છે. આ તમામ વસ્તુ ચેક કર્યા બાદ હોટેલ ફાઇનલ કર્યા બાદ કેટલા રૂપિયા છે અને ઑફર છે કે નહીં એ પણ જાણી શકાય છે.
કૅબ બુકિંગ માટે કૅબ કમ્પેર
મુંબઈ જેવા શહેરમાં સૌથી મુશ્કેલ પ્રશ્ન ટ્રાન્સપોર્ટેશનનો છે. મુંબઈ લોકલ, મેટ્રો, મોનો, બસ અને ઑટો હોવા છતાં પણ ટ્રાન્સપોર્ટેશન માટે ઘણી મુશ્કેલી પડે છે. આ તમામ ટ્રાન્સપોર્ટેશનના મોડ હોવા છતાં કૅબ પણ એટલી જ ઉપયોગમાં લેવામાં આવે છે. આ કૅબના બુકિંગ માટે ઓલા, ઉબર અને રૅપિડો જેવી ઘણી ઍપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે આ માટે દરેક ઍપ્લિકેશન વારંવાર ઓપન કરીને બુક કરવામાં ઘણો સમય નીકળી જાય છે. આથી કૅબ કમ્પૅર ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને ઓલા અને ઉબર જેવા પ્લૅટફૉર્મ પર કઈ કાર અથવા તો બાઇક અથવા તો ઑટો સસ્તી પડે છે એ જાણી શકાય છે. જોકે આ માટે પહેલાં કૅબ કમ્પૅરમાં ઓલા અને ઉબર જેવી ઍપ્લિકેશન માટે લૉગ-ઇન કરવું જરૂરી બનશે. એ લૉગ-ઇન કર્યા બાદ જ આ ઍપ્લિકેશનમાં પ્રાઇસ કમ્પૅર કરી શકાશે.