17 November, 2023 09:44 PM IST | Mumbai | Harsh Desai
આઇફોનનું બૅકઅપ એક્સટર્નલ હાર્ડ ડ્રાઇવમાં કેવી રીતે લેશો?
આઇફોનમાં સંપૂર્ણ બૅકઅપ લેવા માટેની ફક્ત બે જ રીત છે. પહેલી રીત આઇક્લાઉડ પર અને બીજી રીતમાં ફોટો કૉપી કરવા.
બૅન્ક દ્વારા ક્રેડિટ કાર્ડ પર જ્યારથી સ્કીમ આપવામાં આવી છે ત્યારથી આઇફોન યુઝર્સની સંખ્યા વધી રહી છે. આ આઇફોન યુઝર્સ પહેલાં ઍન્ડ્રૉઇડ યુઝર્સ હતા. ઍન્ડ્રૉઇડમાં બૅકઅપ લેવું સરળ છે, પરંતુ આઇફોનમાં એટલું જ મુશ્કેલ છે. આઇફોન આજે મિનિમમ કૅપેસિટી 128 GBમાં આવે છે. આ મિનિમમ કૅપેસિટી ફુલ થઈ જાય ત્યારે એનું બૅકઅપ લઈને ડેટા ડિલીટ કરવો જરૂરી બને છે. આઇફોન યુઝર્સ માટે બૅકઅપ લેવા ઘણાં પરિબળો કામ કરે છે. એમાં સૌથી પહેલાં તો યુઝર્સ પાસે આઇટ્યુન્સ હોવું જરૂરી છે. જોકે આઇટ્યુન્સ હોવા છતાં પણ યુઝર્સને બૅકઅપ લેવામાં મુશ્કેલી થાય છે. આ માટેનું કારણ છે લૅપટૉપની હાર્ડ ડ્રાઇવની કૅપેસિટી.
બૅકઅપ કેવી રીતે લઈ શકાય?
આઇફોનમાં બૅકઅપ લેવા માટેની ત્રણ રીત છે. જોકે સંપૂર્ણ બૅકઅપ લેવા માટેની ફક્ત બે જ રીત છે. પહેલી રીત આઇક્લાઉડ પર. યુઝર આઇક્લાઉડ પર બૅકઅપ લઈ શકે છે. જોકે આ માટે ફક્ત પાંચ જીબી જ ફ્રી હોય છે. 128 જીબીના ફોન માટે પાંચ જીબી ખૂબ જ ઓછી છે. આથી યુઝરે તેના આઇફોનની કૅપિસિટી મુજબ વધુ જીબી માટે પૈસા ખર્ચવા પડે છે. બીજી રીત છે ફોટો કૉપી કરવા. યુઝર માટે ડેટા ખાલી કરવા માટે સૌથી બેસ્ટ ઑપ્શન ફોટોનું બૅકઅપ લઈને એને ડિલીટ કરવાનો છે. આ માટે વિન્ડોઝ લૅપટૉપમાં આઇફોનને કેબલ સાથે કનેક્ટ કરી માય કમ્પ્યુટર અથવા તો ધીસ પીસીમાં જઈને ઍપલ આઇફોન પર ક્લિક કરી એમાં જેટલા પણ ફોટો દેખાય એને કમ્પ્યુટર અથવા તો લૅપટૉપ પર કૉપી કરવા. જોકે અહીં ધ્યાન રાખવું કે ફોનમાં જેટલા જીબી સ્પેસ અવેલેબલ હશે એટલી જ કૅપેસિટીના ફોટો એકસાથે કૉપી થશે. એનાથી વધુ કૉપી કરવા જશો તો એમાં એરર આવશે. આથી ફોટો અને વિડિયો દરેક એકસાથે કોપી નહીં કરવા. જોકે આ ઑપ્શનમાં ફોટો અને વિડિયો સિવાય કોઈ પણ વસ્તુનું બૅકઅપ નહીં આવે. ત્રીજો ઑપ્શન છે આઇટ્યુન્સનો. આઇટ્યુન્સમાં બૅકઅપ લેવાથી દરેક વસ્તુનું બૅકઅપ આવી જશે.
આઇટ્યુન્સમાં બૅકઅપ લેવામાં શું પ્રૉબ્લેમ આવી શકે?
આઇટ્યુન્સમાં બૅકઅપ લેવા માટે સૌથી પહેલાં લેટેસ્ટ વર્ઝન અપડેટ હોવાની સાથે લૅપટૉપ અથવા તો કમ્પ્યુટરમાં આઇફોનની જેટલી કૅપેસિટી હોય એટલી કૅપેસિટીની જગ્યા હોવી પણ જરૂરી છે. આજના લૅપટૉપમાં એસએસડી હાર્ડ ડ્રાઇવ આવે છે. આ એસએસડી હાર્ડ ડ્રાઇવની સ્પીડ વધુ હોય છે, પરંતુ એ મોંઘી હોવાથી એની કૅપેસિટી ખૂબ જ ઓછી હોય છે. આજકાલ લૅપટૉપમાં 128 જીબી અથવા તો 256 જીબી હોય છે. 256 જીબી હોય તો પણ એમાં વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમની સાથે જરૂરી સૉફ્ટવેર અને અન્ય ડેટાની જગ્યા રોકાતી હોય છે. આથી યુઝર્સને બૅકઅપ લેવા માટે જરૂરી સ્પેસ નથી મળતી. આ કારણસર આઇટ્યુન્સમાં બૅકઅપ લઈ શકાશે નહીં.
એક્સટર્નલ હાર્ડ ડ્રાઇવમાં કેવી રીતે બૅકઅપ લેશો?
લૅપટૉપમાં હાર્ડ ડ્રાઇવ ઓછી હોય તો એનું બૅકઅપ એક્સટર્નલ હાર્ડ ડ્રાઇવમાં લઈ શકાય છે. આઇટ્યુન્સમાં બાયડિફૉલ્ટ બૅકઅપ સિસ્ટમના ડ્રાઇવમાં થતું હોય છે. આ માટે વિન્ડોઝ 10 અને ત્યાર બાદના વર્ઝનમાં c:\Username\Apple\MobileSync વર્ઝન હશે. એ પહેલાંના વર્ઝનમાં c:\User\Username\AppData\Roaming\Apple Computer\MobileSync હશે. આ જગ્યાએથી MobileSync ફોલ્ટરને કૉપી કરવું. ત્યાર બાદ એક્સટર્નલ ડ્રાઇવ ઓપન કરવી. એ ડ્રાઇવમાં ફોલ્ડર બનાવવું. જેમ કે Harsh iPhone Backup. ત્યાર બાદ આ ફોલ્ડરમાં MobileSyncને પેસ્ટ કરવું. જો આ એક્સટર્નલ ડ્રાઇવ H હશે તો એનો પાથ H:\Harsh iPhone Backup\MobileSync બનશે. ત્યાર બાદ સિસ્ટમ કૉપીમાં MobileSync ફોલ્ડરને ઓપન કરી એમાં Back Upને Old Back Up નામ આપવું. ત્યાર બાદ કમાન્ડ પ્રોમ્પ્ટને ઓપન કરવું. આ ઓપન કર્યા બાદ ત્યાં MkLink /J ‘c:\Username\Apple\MobileSync\Backup’ ‘H:\Harsh iPhone Backup\MobileSync\Backup’ લખીને એન્ટર કરવું. જો દરેક પ્રોસેસ બરાબર કરી હશે તો લિન્ક ક્રીએટેડ એવું લખાઈને આવશે. જો ન થયું તો સિસ્ટમ ફોલ્ડરનું નામ ચેન્જ કરવાનું રહી ગયું હોય તો એ બની શકે છે. ત્યાર બાદ આઇટ્યુન્સ ઓપન કરીને આઇફોનનું બૅકઅપ લઈ લેવું. પ્રોસેસ સેમ રહેશે, પરંતુ એ સિસ્ટમ ફોલ્ડરની જગ્યાએ એક્સટર્નલ હાર્ડ ડ્રાઇવમાં સેવ થશે. સિસ્ટમ ફોલ્ડરના BackUp ફોલ્ડરની ઉપર એક આઇકન આવી ગયો હશે. આ આઇકન આવી ગયો હોય એટલે પ્રોસેસ કમ્પ્લિટ સમજવી.
એક્સટર્નલ હાર્ડ ડ્રાઇવમાં બૅકઅપ લેવાના ફાયદા
એક્સટર્નલ હાર્ડ ડ્રાઇવમાં બૅકઅપ લેવાના ફાયદા ઘણા છે. સૌથી પહેલાં તો બૅકઅપ ન આવતું હોય એ આવી શકે છે તેમ જ લૅપટૉપમાં ડેટાનું બૅકઅપ લેવાથી બૅકઅપની સ્ટોરેજ યુઝ નથી થતી. આથી યુઝર્સ લૅપટૉપની સ્ટોરેજનો ઉપયોગ અન્ય વસ્તુ માટે કરી શકે છે. આ સાથે જ લૅપટૉપમાં સ્પેસ હશે તો લૅપટૉપ ગરમ નહીં થાય અને પ્રોસેસ પણ સ્પીડમાં થશે. યુઝરે એક્સટર્નલ હાર્ડ ડ્રાઇવમાં બૅકઅપ લીધું હોવાથી એના ડેટા પણ સેફ અને સિક્યૉર રહેશે.