Google Doodle: ગણતંત્ર દિવસના અવસરે ગૂગલે શૅર કર્યું ભારતની છબી દર્શાવતું ડૂડલ

26 January, 2023 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડૂડલ આર્ટવર્ક હાથથી કાપેલા કાગળમાંથી જટિલ રીતે બનાવવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિવસની પરેડની ઝલક ડૂડલમાં સામેલ કરવામાં આવી છે

તસવીર સૌજન્ય: ગૂગલ

ભારતમાં આજે 74મો ગણતંત્ર દિવસ (Republic Day) ઊજવાઈ રહ્યો છે. આ ખાસ અવસર પર ગૂગલે ડૂડલ (Google Doodle) દ્વારા દેશવાસીઓ માટે આજનો દિવસ વધુ ખાસ બનાવ્યો છે. આજનું ડૂડલ અમદાવાદ, ગુજરાતના કલાકાર `પાર્થ કોઠેકર`નું છે. ખાસ વાત એ છે કે આ ડૂડલ હાથથી કાપેલા કાગળની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાનારી ઝાંખીનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

ડૂડલ આર્ટવર્ક હાથથી કાપેલા કાગળમાંથી જટિલ રીતે બનાવવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિવસની પરેડની ઝલક ડૂડલમાં સામેલ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન ઈન્ડિયા ગેટ, CRPF માર્ચિંગ ટીમ અને મોટરસાઈકલ સવાર ટુકડીને તેમાં સામેલ કરવામાં આવી છે. ગૂગલે યુટ્યુબ પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે કાગળ કાપીને આ ડૂડલ તૈયાર કરવામાં આવ્યું છે. કલાકાર પાર્થ કહે છે કે તેને તૈયાર કરવામાં 4 દિવસનો સમય લાગ્યો હતો. તેણે દરરોજ છ કલાક કામ કર્યું હતું. એટલે કે આ આર્ટવર્કને બનતા કુલ ૨૪ કલાકનો સમય લાગ્યો હતો.

વર્ષ 1950માં આ દિવસે, ભારતે બંધારણને અપનાવીને પોતાને એક સાર્વભૌમ, લોકશાહી અને પ્રજાસત્તાક દેશ જાહેર કર્યો. ભારતે 1947માં બ્રિટિશ સામ્રાજ્યથી તેની સ્વતંત્રતા મેળવી અને તેના પછી તરત જ તેનું બંધારણ તૈયાર કરવાનું શરૂ કર્યું. ભારતની બંધારણ સભાને બંધારણના દસ્તાવેજની ચર્ચા, સુધારણા અને બહાલી આપવામાં બે વર્ષ લાગ્યા અને જ્યારે તેને અપનાવવામાં આવ્યું ત્યારે ભારત સૌથી લાંબુ લેખિત બંધારણ ધરાવતો દેશ બન્યો. આ દસ્તાવેજને અપનાવવાથી લોકશાહીનો માર્ગ મોકળો થયો અને ભારતીય નાગરિકોને તેમના પ્રતિનિધિઓ પસંદ કરવાનો અધિકાર મળ્યો.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સાથે બૉર્ડર વિવાદ પર કર્ણાટકે લીગલ ટીમની રોજની ફી ૫૯.૯ લાખ નક્કી કરી

આજે, આ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સવારે 10.30 કલાકે ફરજ પથ પરથી નિકળતી પરેડની સલામી લેશે. પરેડની કમાન્ડ પરેડ કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ, અતિ વિશેષ સેવા મેડલ, સેકન્ડ જનરેશન આર્મી ઑફિસર કરશે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રને સંબોધનમાં કહ્યું હતું કે, “અમે બાબાસાહેબ આંબેડકરની અપેક્ષાઓ પર ઘણી હદ સુધી ખરા ઉતર્યા છીએ. ગાંધીજીના આદર્શો હજુ સિદ્ધ થવાના બાકી છે.”

national news republic day india google tech news