લાંબુંલચક વાંચવાનું ન ગમતું હોય તો હવે ચૅટજીપીટી તમારું સ્ટડી વર્ક કરી આપશે સરળ

03 November, 2023 02:43 PM IST  |  Mumbai | Harsh Desai

ચૅટજીપીટીના પીડીએફ ઍક્સેસ ઍનૅલિસિસ ઍન્ડ ઑટોમૅટિક ટૂલની મદદથી લાંબા ટેક્સ્ટ વાંચવાની પણ જરૂર નથી અને ચોક્કસ ટૉપિક પર અસાઇનમેન્ટ બનાવી શકાશે

પ્રતીકાત્મક તસવીર

ચૅટજીપીટીએ હાલમાં જ કેટલાંક નવાં ફીચર લૉન્ચ કર્યાં છે. આ ફીચર દરેકને કામ આવી શકે છે, પરંતુ ખાસ કરીને સ્ટુડન્ટ્સ માટે ખૂબ જ ઉપયોગમાં આવી શકે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દિવસે-દિવસે ખૂબ જ આગળ વધી રહ્યું છે. એનો ઉપયોગ જેટલો સ્માર્ટ્લી કરવામાં આવે એટલું એ ફાયદાકરક છે અને ઇફેક્ટિવ પણ છે. જોકે ચૅટજીપીટી ફક્ત કૉપી અને પેસ્ટ માટે નહીં, એની ક્રીએટિવિટી માટે પણ જાણીતું છે. ચૅટજીપીટી જેવા ઘણા ઑપ્શન છે જેમ કે ગૂગલ બાર્ડ. જોકે ચૅટજીપીટી જેવું ઍક્યુરેટ નથી અને ચૅટજીપીટી સતત ઇમ્પ્રૂવ પણ થઈ રહ્યું છે. પહેલાં જે કામ ફક્ત મનુષ્ય કરી શકતા હતા એ કામ હવે ચૅટજીપીટી થોડી સેકન્ડમાં કરીને દેખાડે છે. ચૅટજીપીટી જ્યારે લૉન્ચ કરવામાં આવ્યું ત્યારે એની પાસે દુનિયાની વિવિધ સૌથી મુશ્કેલ પરીક્ષાની પણ ટેસ્ટ લેવામાં આવી હતી અને મોટા ભાગનું રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું હતું. ચૅટજીપીટી હ્યુમન માઇન્ડની જેમ વિચારી શકે છે અને એ પણ થોડી જ સેકન્ડ્સમાં, જેના માટે મનુષ્યને કલાકો લાગી શકે છે.

શેમાં એનો ઉપયોગ થાય?

ચૅટજીપીટી એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પર કામ કરતું પ્લૅટફૉર્મ છે. ઓપનએઆઇ દ્વારા એને ૨૦૨૨ના નવેમ્બરમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારથી એ ખૂબ જ ફેમસ થયું છે. ચૅટજીપીટી 4 વર્ઝન માર્ચમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ હાલમાં પ્રીમિયમ યુઝર્સ માટે છે અને ફ્રી યુઝર્સ માટે ચૅટજીપીટી 3.5 છે. ચૅટજીપીટી ઇન્સ્ટાગ્રામની કૅપ્શનથી લઈને નિબંધ પણ લખે છે. ફિલ્મની સ્ક્રિપ્ટથી લઈને કવિતા પણ લખી શકે છે. મ્યુઝિકલ નોટ્સથી લઈને સ્ટોરી પણ લખી શકે છે. જોકે હવે સ્ટુડન્ટ્સ માટે ખૂબ જ જરૂરી એવું ફીચર ચૅટજીપીટીમાં આવી રહ્યું છે. ટૂંકમાં ચૅટજીપીટી હવે દરેક વસ્તુ કરી શકે છે જે હ્યુમન માઇન્ડ વિચારી શકે. આ માટે ચોક્કસ કમાન્ડ આપવા જરૂરી છે.

પીડીએફ, ડૉક્યુમેન્ટ ઍક્સેસ

ચૅટજીપીટીમાં હવે પીડીએફ એટલે કે ડૉક્યુમેન્ટ્સનો ઍક્સેસ પણ આપવામાં આવી રહ્યો છે. ચૅટજીપીટી 4 યુઝર્સ હવે ફાઇલ અપલોડ કરી શકશે અને એમાંથી ટેક્સ્ટને કૉપી કરી શકશે. અત્યાર સુધી એવું હતું કે ચૅટજીપીટી પોતે લખીને આપતું હતું. જોકે હવે એ અન્ય દ્વારા લખવામાં આવેલી વસ્તુને પણ ઍક્સેસ કરી શકશે. આથી સ્ટુડન્ટ્સ માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. અસાઇનમેન્ટ લખવા માટે વિવિધ પીડીએફમાંથી જે-તે ડેટા કોપી કરીને એ તમામનો ઉપયોગ કરીને ફરીથી નવેસરનું અસાઇનમેન્ટ બનાવી શકાય છે.

ઍનૅલિસિસ - ઑટોમૅટિક ટૂલ

ચૅટજીપીટી 4ના આ ટૂલની મદદથી યુઝર્સ માટે સમયનો બચાવ કરવાનું પણ શક્ય બની ગયું છે. ખાસ કરીને સ્ટુડન્ટ્સ માટે. ચૅટજીપીટી પીડીએફને ઍક્સેસ કરી શકતું હોવાથી હવે એમાંથી પણ સરળતાથી અસાઇનમેન્ટ બનાવી શકાય છે. સ્ટુડન્ટ હવે ખૂબ જ મોટી પીડીએફને અપલોડ કરી એમાંથી ચોક્કસ મુદ્દા પર અસાઇનમેન્ટ બનાવી શકાય છે. ઉદાહરણ તરીકે એક બુકની પીડીએફ હોય અને એમાંથી એક ચોક્કસ ચૅપ્ટર પર જ અસાઇનમેન્ટ બનાવવું હોય તો સ્ટુડન્ટ્સ હવે એને અપલોડ કરીને ચૅટજીપીટી 4 દ્વારા એનું સરળતાથી અસાઇનમેન્ટ બનાવી શકે છે. અગાઉ ન્યુ યૉર્ક યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીએ અસાઇનમેન્ટ માટે સ્ટુડન્ટ્સ પર ચૅટજીપીટીનો ઉપયોગ કરવા પર બૅન મૂકી દીધો હતો. જોકે હવે આ જ ભવિષ્ય છે. એથી ઘણી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સને ચૅટજીપીટીનો ઉપયોગ કરવા દે છે.

પ્રીમિયમ યુઝર એટલે શું?

ચૅટજીપીટીનાં બે વર્ઝન છે. ફ્રી વર્ઝન ચૅટજીપીટી 3.5નો ઉપયોગ કરે છે. આ વર્ઝન પાસે ચોક્કસ દિવસ પહેલાંની જ માહિતી હોય છે. જોકે ચૅટજીપીટી 4એ પ્રીમિયમ યુઝર માટે છે. આ વર્ઝનમાં એકદમ અપટુડેટ માહિતી મળે છે. ચૅટજીપીટી પ્રીમિયમ યુઝરે એક મહિના માટે ૨૦ ડૉલર એટલે કે અંદાજે ૧૬૦૦ રૂપિયા ખર્ચ કરવા પડશે. પીડીએફ ઍનૅલિસિટ અને ઑટોમૅટિક ટૂલ હાલમાં બીટા વર્ઝનમાં છે અને એ સૌથી પહેલાં પ્રીમિયમ યુઝરને માટે ઉપલબ્ધ થશે. બની શકે થોડા સમય બાદ ફ્રી વર્ઝન માટે પણ ઉપલબ્ધ કરવામાં આવે અથવા તો લિમિટેડ ઍક્સેસ આપવામાં આવે.

એક બુકની પીડીએફમાંથી ચોક્કસ ચૅપ્ટર પર જ અસાઇનમેન્ટ બનાવવું હોય તો સ્ટુડન્ટ્સ હવે એને અપલોડ કરીને ચૅટજીપીટી 4 દ્વારા એનું સરળતાથી અસાઇનમેન્ટ બનાવી શકે છે. 

tech news technology news life and style columnists harsh desai