09 February, 2023 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજે વહેલી સવારે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર ડાઉન (Twitter Down) થઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે બુધવાર રાતથી ટ્વિટર યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આટલું જ નહીં, ટ્વીટ કરવા પર કેટલાક યુઝર્સને એવો પણ મેસેજ આવ્યો છે કે તમે દૈનિક મર્યાદા વટાવી દીધી છે.
યુઝર્સને ટ્વિટર પર ટ્વીટ કરવા, મેસેજિંગ કરવા, પ્લેટફોર્મ પર નવા એકાઉન્ટ બનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આટલું જ નહીં, કેટલાક યુઝર્સને નવો મેસેજ મોકલવા પર પૉપ અપ મેસેજ આવ્યો હતો કે તમે ડેઇલી લિમિટ વટાવી દીધી છે.
યુઝર્સને આ સમસ્યા એવા સમયે આવી છે, જ્યારે ઇલોન મસ્ક (Elon Musk)ની કંપની ટ્વિટરએ સબસ્ક્રિપ્શન સર્વિસ શરૂ કરી છે. આ હેઠળ, સબસ્ક્રિપ્શન લેવા પર, વપરાશકર્તાઓ 4000 અક્ષરો સુધીની ટ્વીટ પોસ્ટ કરી શકે છે. કંપનીએ ટ્વીટ કર્યું કે “ટ્વિટર અપેક્ષા મુજબ કામ કરી રહ્યું નથી. તકલીફ બદલ માફ કરશો. અમે આનાથી વાકેફ છીએ, અમે તેને દૂર કરવા માટે કામ કરી રહ્યા છીએ.” કંપનીએ કહ્યું, “ચિંતા ન કરશો, ટ્વિટર હજુ પણ ટ્વિટર જ છે.”
આટલું જ નહીં, કેટલાક યુઝર્સે ફરિયાદ કરી કે TweetDeck પણ કામ કરી રહ્યું નથી. TweetDeck એ Twitter એકાઉન્ટ્સ જોવા માટેનું ડેશબોર્ડ છે. TweetDeck પર લોગિન કરવામાં પણ યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કંપનીએ લૉન્ચ કરી નવી સર્વિસ
ટ્વિટરે ભારતમાં ટ્વિટર બ્લુ લૉન્ચ કર્યું છે. ટ્વિટર બ્લુ એક પેઇડ સર્વિસ છે. આ સર્વિસ એક્ટિવ કર્યા બાદ યુઝર્સ ૪૦૦0 અક્ષરોનું ટ્વીટ પણ કરી શકે છે. આ સર્વિસ માટે મોબાઈલ પર ટ્વિટરનો ઉપયોગ કરનારા ભારતીય ટ્વિટર યુઝર્સે એક મહિના માટે 900 રૂપિયાનો ખર્ચ ઉઠાવવો પડશે, જ્યારે ટ્વિટરના વેબ યુઝર્સે આ સેવા માટે દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડશે.
આ પણ વાંચો: ગૂગલ ચેટજીપીટી સાથે સ્પર્ધા કરવા તૈયાર, ટૂંક સમયમાં લોન્ચ કરશે આ AI ટૂલ
જોકે, ટ્વિટરે યુઝર્સને વાર્ષિક પ્લાન પણ ઑફર કર્યો છે. આખા વર્ષ દરમિયાન ટ્વિટર બ્લુની સેવાનો લાભ લેવા માટે ભારતીય યુઝર્સને 6800 રૂપિયાનો પ્લાન પણ ઑફર કરવામાં આવ્યો છે. ઇલોન મસ્કે ગયા વર્ષે જ ટ્વિટર બ્લુની પેઇડ સર્વિસ વિશે માહિતી આપી હતી. ટ્વિટર બ્લુ ભારત પહેલાં ઘણા દેશોમાં શરૂ કરવામાં આવ્યું છે.