આઇફોન બનશે વધુ પર્સનલ

09 June, 2023 03:55 PM IST  |  Mumbai | Harsh Desai

નવી ઑપરેટિંગ સિસ્ટમમાં હવે યુઝર તેમની પસંદની ડિઝાઇન અને સ્ટાઇલની મદદથી ફોનનો યુઝરઇન્ટરફેસ ચેન્જ કરી શકશે : મેસેજ અને ફોટોમાં નવા ફીચરની સાથે રોજિંદી લાઇફને શબ્દમાં ઉતારનાર વ્યક્તિ માટે જર્નલ ઍપનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

ઍપલ દ્વારા હાલમાં જ વર્લ્ડ વાઇડ ડેવલપર કૉન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં તેમણે ઘણાં ગૅજેટ્સની સાથે આઇફોનની નવી ઑપરેટિંગ સિસ્ટમ આઇઓએસ 17ની પણ જાહેરાત કરી હતી. આ નવી ઑપરેટિંગ સિસ્ટમમાં તેમણે ઘણાં નવાં ઇમ્પ્રૂવમેન્ટ્સ કર્યાં છે. તેમણે પ્રાઇવસી અને સિક્યૉરિટીની સાથે આ નવી ઑપરેટિંગ સિસ્ટમમાં યુઝર્સને વધુ પર્સનલાઇઝ કરવાનો પાવર આપ્યો છે. યુઝરને શું જોઈએ છે અને કેવો લુક જોઈએ છે એ માટે તેમણે વધુ મહત્ત્વ આપ્યું છે. ઍપલે એની ફોટો ઍપમાં ખૂબ જ ઇમ્પ્રૂવમેન્ટ કર્યું છે. અત્યાર સુધી ફોટો આલબમમાં ફક્ત વ્યક્તિના ફોટોનું જ આલબમ બનતું હતું, પરંતુ હવે કૅટ અને ડૉગ્સનું પણ આલબમ બનશે. જોકે આ સિવાય મેજર અપડેટ શું છે એ વિશે જોઈએ.

કૉન્ટૅક્ટ પોસ્ટર

ઍપલ દ્વારા આઇફોન યુઝર પોતાના પર આવતા ફોનને કેવી રીતે એક્સ્પીરિયન્સ કરવા માગે છે એ માટેની મેજર અપડેટ આપવામાં આવી છે. હવે કોઈ પણ વ્યક્તિ ફોન કરે તો તેનું નામ કેવી રીતે દેખાય તેમ જ ફોટો કેવો હોવો જોઈએ અને ફૉન્ટ સાઇઝ કેટલી અને કઈ સ્ટાઇલની હોવી જોઈએ એ બધું યુઝર હવે પોતાની રીતે કસ્ટમાઇઝ કરી શકશે. આ ફક્ત નૉર્મલ કૉલ્સ માટે જ નહીં, પરંતુ વૉટ્સઍપ અને ફેસબુક જેવી થર્ડ પાર્ટી ઍપ્લિકેશન્સના કૉલ માટે પણ કરી શકાશે. આ સાથે જ વૉઇસ મેઇલ્સમાં પણ અપડેટ આપવામાં આવી છે. વૉઇસ મેઇલ્સનો ઇન્ડિયામાં ખૂબ જ ઓછો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જે લોકો કરે છે તેમના માટે આ ફીચર કામનું છે. કોઈ પણ વ્યક્તિએ વૉઇસ મેઇલ કર્યો હોય તો એ કૉલની ટ્રાન્સ્ક્રિપ્ટ ઑટોમૅટિક સ્ક્રીન પર જોઈ શકાશે. જોકે જે કૉલ્સને સ્પૅમ કૉલ્સમાં ઍડ કરવામાં આવ્યા હોય એની ટ્રાન્સ્ક્રિપ્ટને નહીં જોઈ શકાય. તેમ જ આ ફીચર એકદમ સિક્યૉર પણ છે.

મેસેજ ઍપ

આ ઍપ્લિકેશનને વધુ સ્માર્ટ બનાવવામાં આવી છે. આ ઍપ્લિકેશનમાં હવે યુઝર કોઈ પણ ફોટો અથવા તો વિડિયોમાંથી કોઈ ઑબ્જેક્ટને પસંદ કરીને એને સ્ટિકર તરીકે સેન્ડ કરી શકે છે. તેમ જ આ સ્ટિકરને નવી-નવી ઇફેક્ટ પણ આપી શકે છે એટલું જ નહીં, આ બનાવેલા સ્ટિકરને કીબોર્ડમાં આપેલા એક સેક્શનમાં સેવ પણ કરી શકાશે જેથી એ સ્ટિકરનો જરૂર પડ્યે વારંવાર ઉપયોગ કરી શકાય. આ સાથે જ ઑડિયો મેસેજ કરવામાં આવ્યો હોય તો એ મેસેજને ટ્રાન્સ્ક્રિપ્ટ ફીચર દ્વારા વાંચી શકાય છે અથવા તો એને સાંભળી પણ શકાશે. આ સાથે જ સૌથી મોટું ફીચર છે ચેક ઇન. આ ચેક ઇન ફીચરની મદદથી યુઝર તેનાં જે-તે ડેસ્ટિનેશન પર પહોંચી ગયો કે નહીં એને તેના પસંદીદા વ્યક્તિ દ્વારા શૅર કરી શકશે. આ ચેક ઇન ફીચરમાં ડિવાઇસ લોકેશન, બૅટરી પર્સન્ટેજ અને નેટવર્ક કેવું છે એ માહિતી મોકલી શકાશે. આ માહિતીની મદદથી ઘરે બેઠેલી વ્યક્તિ તેની નિકટની વ્યક્તિ કેવી પરિસ્થિતિમાં છે અને તેની પાસે બૅટરી છે કે નહીં અને કવરેજ છે કે નહીં એની માહિતી મેળવી શકે છે જેથી વધુ ચિંતા ન રહે.

નેમ ડ્રૉપ

ઍપલે તેના તમામ ડિવાઇસમાં ઍર ડ્રૉપ ફીચર આપ્યું છે. આ ફીચરની મદદથી ફોટો અને વિડિયોની સાથે ડૉક્યુમેન્ટ્સ કે કંઈ પણ એક ડિવાઇસથી અન્ય ઍપલ ડિવાઇસમાં સેન્ડ કરી શકે છે. જોકે અત્યાર સુધી કૉન્ટૅક્ટને ટેક્સ્ટ મેસેજ અથવા તો આઇમેસેજ દ્વારા જ શૅર કરી શકાતો હતો. હવે એની જગ્યાએ નેમ ડ્રૉપ ફીચર આપવામાં આવ્યું છે. એક યુઝર હવે તેના ડિવાઇસમાં રહેલા કૉન્ટૅક્ટને નેમડ્રૉપ દ્વારા સીધો શૅર કરી શકે છે.

સ્ટૅન્ડ બાય ડિસ્પ્લે

સ્ટૅન્ડ બાય ડિસ્પ્લેનો ઉપયોગ આઇફોન જ્યારે ચાર્જિંગમાં હશે ત્યારે જ કરી શકાશે. આ ફીચરની મદદથી આઇફોન જ્યારે ચાર્જમાં હશે ત્યારે યુઝર દ્વારા સેટ કરવામાં આવેલી ડિસ્પ્લે જોઈ શકાશે. ઉદાહરણ તરીકે સ્ટૅન્ડ બાય ડિસ્પ્લેમાં ક્લૉક, કૅલેન્ડર, લાઇવ ઍક્ટિવિટી અને નોટિફિકેશન જેવી અન્ય વસ્તુને સિલેક્ટ કરવામાં આવી હોય તો એ જોઈ શકાશે. આ માટે નવી-નવી સ્ટાઇલ અને ડિઝાઇનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે એટલું જ નહીં, સ્ટૅન્ડ બાય ડિસ્પ્લેમાં યુઝર તેના ફેવરિટ ફોટોને પણ રાખી શકે છે. એથી ફોન જ્યારે ચાર્જમાં હોય ત્યારે એ ફોટોફ્રેમનું પણ કામ કરી શકે છે. કિચનમાં, બેડરૂમમાં વગેરે સમયે જ્યારે ફોન હાથમાં ન હોય ત્યારે આ ફીચર ખૂબ કામ આવી શકે છે.

જર્નલ

ઍપલ દ્વારા તેમના ડિવાઇસમાં હવે જર્નલ ઍપ્લિકેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચર રોજેરોજ પોતાની લાઇફને શબ્દોમાં ઉતારનાર લોકો માટે બનાવવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર તેમનાં ઇમોશન્સને ચોક્કસ સમયે શબ્દોમાં ઉતારી એને સેવ કરી શકે છે. તેમ જ કોઈ ટ્રિપ પર ગયા હોય અને તેમની કોઈ ફેવરિટ મોમેન્ટ હોય તો એ ફોટોને પણ આ જર્નલમાં સેવ કરી એ સમયની ફીલિંગ્સને ફોટો અને શબ્દોમાં ઉતારી સેવ કરી શકાય છે. આ તમામ ડેટા સિક્યૉર રહેશે અને એને ઍપલ દ્વારા ઍક્સેસ નહીં કરી શકાય.

iphone apple technology news tech news harsh desai columnists