14 April, 2023 05:08 PM IST | Mumbai | Harsh Desai
પ્રતીકાત્મક તસવીર
પોતાને ટેક્નૉસ્માર્ટ ગણતા ઘણા લોકો દરેક લેટેસ્ટ અપડેટની જેમ 5G પાછળ પણ ઘેલા થાય છે. જોકે શું અત્યારે આ નેટવર્ક એટલું અફૉર્ડેબલ છે? હજીયે દરેક ખૂણે 5G નેટવર્કની જાળ નથી પથરાઈ ત્યારે વારંવાર નેટવર્ક એરર માટે તૈયાર રહેવું પડશે. વળી એનાથી ઝટપટ ડેટા વપરાતો હોવાથી એક નવો ખર્ચ લઈને આવશે. એવામાં 5Gમાં અપગ્રેડ થવાનું હોય તો સ્પીડના ફાયદાની સાથે બીજી કઈ મુશ્કેલીઓ માટે તૈયાર રહેવું પડશે એ જાણીએ
5Gને લઈને ખૂબ જ હોહા થઈ રહી છે. દરેક જણ કહી રહ્યું છે કે 5G દ્વારા ડિજિટલ વર્લ્ડમાં ભારત એક સ્ટેપ આગળ વધી રહ્યું છે. ઇન્ટરનેટની સ્પીડ એટલી બધી વધી ગઈ છે કે દુનિયા હવે આંગળીના ટેરવે આવી ગઈ છે. જોકે આ દુનિયાને આંગળીના ટેરવે લાવવી પણ સહેલું નથી. એ માટે યુઝરે ઘણી કિંમત ચૂકવવી પડે છે. યુઝર્સે કિંમત ચૂકવવાની સાથે એ માટે પ્રૉપર ડિવાઇસ પણ લેવું પડે છે. 5Gમાં એક સેકન્ડમાં આટલા જીબીની સ્પીડ આવશે અને આટલી મોટી ફાઇલ એક મિનિટની અંદર સેન્ડ થઈ જશે એમ કહેવામાં આવે છે, પરંતુ એનો ઉપયોગ કરવો એટલો સરળ નથી. 5G જેટલું સારું લાગી રહ્યું છે એના માઇનસ પૉઇન્ટ પણ એટલા જ છે. જોકે આજે આપણે યુઝર્સને 5Gની સુવિધા મળશે કે નહીં, મળશે તો એને તે ખરીદી શકશે કે નહીં અને જો ખરીદી શકશે તો પણ એની પાસે એનો ઉપયોગ કરવા માટેનું ગૅજેટ યોગ્ય હશે કે નહીં એ વિશે માહિતી જોઈએ.
5G હોવા છતાં ડેટા વગરના રહેશે યુઝર્સ
5G જોરદાર સ્પીડ આપે છે અને એથી ડેટા પણ એટલા જ જરૂરી છે. સૌથી પહેલાં તો 5Gનો ઉપયોગ કરવા માટે ખૂબ જ પૈસા ચૂકવવા પડે છે. એ પૈસા ચૂકવ્યા બાદ પણ રોજના ચોક્કસ જીબીનો જ ઉપયોગ કરવા મળશે. ઇન્ટરનેટની સ્પીડ જેટલી વધુ એટલો જલદી ડેટા લોડ થશે. હવે યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ જેવી ઍપ્લિકેશન ઓપન કરવાની સાથે જ એમાં ઑટોમૅટિકલી વિડિયો લોડ થઈ જશે અને ઑટોમૅટિકલી એ પ્લે પણ થઈ જાય છે. આ કારણસર ડેટા એટલા જલદી પૂરા થઈ જશે કે એ માટે વધુ રકમ ચૂકવી હશે તો પણ યુઝર્સ પાસે રાત સુધીમાં ડેટા નહીં રહે. આથી ના ઘર કા ના ઘાટ કા જેવી સ્થિતિ થાય એના કરતાં 4Gનો ઉપયોગ કરવો વધુ સારો છે. જો 5Gનો ઉપયોગ કરવો જ હોય તો સૌથી પહેલાં દરેક ઍપ્લિકેશનમાં ઑટોમૅટિક પ્રિવ્યુ બંધ કરી દેવું. એમાં ઍમેઝૉન પ્રાઇમ અને નેટફ્લિક્સ જેવી સર્વિસનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ ઇન્સ્ટાગ્રામ જેવી ઍપ્લિકેશનમાં લો-ડેટાનો ઉપયોગ કરવો. આમ કરવાથી ઑટોમૅટિક વિડિયો લોડિંગ બંધ થઈ જશે અને ડેટા બચાવી શકાશે. જોકે આમ છતાં હાલમાં ઇન્ડિયામાં 5Gમાં ડાઉનલોડિંગ સ્પીડ વધુ છે, પરંતુ અપલોડિંગ સ્પીડ એટલી ખાસ નથી. આથી કોઈ ડેટા સેન્ડ કરતી વખતે હજી પણ 5Gમાં રાહ જોવી પડી રહી છે.
રૂરલ એરિયા માટે 5G નથી
રૂરલ એરિયામાં રહેનાર લોકો માટે 5G સર્વિસ નથી. 5G સર્વિસ માટે દરેક જગ્યાએ નવાં નેટવર્ક ઊભાં કરવાં પડે છે. હજી જિયો અને ઍરટેલ રૂરલ એરિયામાં 4Gના નેટવર્ક લઈને પહોંચ્યાં છે ત્યાં હવે દરેક જગ્યાએ 5Gનું નેટવર્ક નાખવું સહેલું નથી. મોટા ભાગની કંપનીઓ, એમાં જિયોનો પણ સમાવેશ થાય છે, તેઓ સૌથી પહેલાં મેટ્રોમાં અને ત્યાર બાદ અર્બન વિસ્તારમાં જ 5Gનાં નેટવર્ક ઊભાં કરી રહી છે. તેમને પણ ખબર છે કે અર્બનમાં રહેતા લોકો જ 5G માટે વધુ પૈસા ખર્ચી શકે એમ છે. આથી રૂરલ એરિયામાં તેઓ સૌથી છેલ્લે અને બની શકે કે તેઓ ત્યાં નેટવર્ક ન પણ નાખે. નાખ્યા તો પણ રૂરલ એરિયામાં 5G માટે વધુ પૈસા ચૂકવવા માટે લોકો તૈયાર છે કે કેમ એ પણ એક સવાલ છે. આથી મોટા ભાગના રૂરલ એરિયામાં લોકો 5G નહીં, પરંતુ 4Gનો જ ઉપયોગ કરશે.
આ પણ વાંચો : બાળકોનો સ્ક્રીન ટાઇમ અને કન્ટેન્ટ ફિક્સ કરવા આટલું ધ્યાનમાં રાખો
બજેટ 5G સ્માર્ટફોનથી દૂર રહેવું
આજે દરેક કંપની 5G ફોન લૉન્ચ કરી રહી છે. દુનિયાભરની કંપની ભલે ગમે એ કહેતી હોય, પરંતુ 5G ટેક્નૉલૉજી સસ્તી નથી. આ માટે મોબાઇલ બનાવવા માટે પણ ચોક્કસ ચિપ અને ટેક્નૉલૉજીનો ઉપયોગ થાય છે. બજેટ ફોન જે 4G હોય, એ જ કિંમતમાં 5G ફોન આપવામાં આવે ત્યારે એમાં ક્વૉલિટી સાથે છેડખાની થઈ હોય એ ચોક્કસ છે. બજેટ 5G ફોનમાં પ્રોસેસરની ચિપ અને કૅમેરા સેન્સર જેવી દરેક વસ્તુમાં ક્વૉલિટી સાથે છેડખાની કરવામાં આવે છે. પરિણામે જ્યારે પણ 5Gનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે મોબાઇલ વધુ જલદી ગરમ થાય છે. મોબાઇલ સતત ગરમ થતાં મધર બોર્ડથી લઈને પ્રોસસર અને મોબાઇલની સ્પીડ અને બૅટરી દરેક વસ્તુ પર ફરક પડે છે. પરિણામે મોબાઇલની લાઇફ ઓછી થઈ જાય છે અને બે વર્ષમાં સ્માર્ટફોન ફોન પણ નથી રહેતો.
યુઝર્સના માથે વધુ એક ખર્ચો
મોટા ભાગના યુઝર્સ પાસે 5G ફોન નથી. ઇન્ડિયામાં દર વર્ષે નવો મોબાઇલ ખરીદી શકે એવા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે. મોટા ભાગના યુઝર્સ પાસે આજે 4G ફોન છે. આથી નવી ટેક્નૉલૉજી કહો કે પછી હાઈ સ્પીડ ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે યુઝર્સે 5G ફોન ખરીદવો આવશ્યક છે. ઘણા લોકો દેખાદેખીમાં 5G ફોન પણ ખરીદી લેવાનું નક્કી કરે છે, ભલે તેઓ ખરીદવાને સક્ષમ હોય કે નહીં. આવું કરવાની જરૂર નથી, કારણ કે 5G ફોન હોવો કે ન હોવાથી કોઈ ફરક નથી પડતો. મોટા ભાગની કંપની 5G હોવી આવશ્યક છે એવું કહી યુઝર્સને નવા મોબાઇલનો ખર્ચ કરવા તરફ ધકેલે છે, પરંતુ ખરેખર એની હાલમાં કોઈ જરૂરિયાત નથી. 4G જે રીતે ભારતભરમાં ખૂણેખૂણામાં પહોંચ્યું છે એ રીતે 5G ન પહોંચે ત્યાં સુધી અને 5Gની ખરેખર જરૂર છે કે નહીં એની જાણ ન થાય ત્યાં સુધી નવો મોબાઇલ ખરીદવાની જરૂર નથી.
નેટવર્ક એરર
5G હાલમાં દરેક જગ્યાએ નથી પહોંચ્યું. જે પણ યુઝર 5Gનો ઉપયોગ કરે છે એ જેવો એની રેન્જમાંથી બહાર જાય ત્યારે 4Gનું નેટવર્ક પડે છે. આ નેટવર્ક જ્યારે શિફ્ટ થાય છે ત્યારે નેટવર્ક એરર આવે છે. ચાલુ ફોનમાં નેટવર્ક શિફ્ટ થાય ત્યારે કૉલ ડ્રૉપ થઈ જાય છે. ડેટાનો ઉપયોગ કરતા હોય તો એ બંધ થઈ જાય છે. આથી કન્ટિન્યુઅસ નેટવર્ક નથી મળતું. પરિણામે નેટવર્ક સર્ચ કરવા માટે મોબાઇલ વધુ ફંક્શનનો ઉપયોગ કરે છે અને પરિણામે બૅટરી વધુ જલદી ડ્રેઇન થાય છે.