માત્ર શરીર નહીં, મન પણ સ્વસ્થ થશે યિન યોગથી

29 November, 2023 08:20 AM IST  |  Mumbai | Ruchita Shah

ચાઇનીઝ મેરિડિયન સિસ્ટમ પર આધારિત યોગના આ પ્રકાર વિશે લોકો ખાસ જાણતા નથી અને જે જાણે છે એમાં ઘણી ભ્રમણાઓ પણ છે. સૂક્ષ્મ શરીર પર કામ કરતા અને દરેક રોગ માટે ઉપયોગી તેમ જ દરેક વ્યક્તિ કરી શકે એવા યિન યોગની વિશેષતા અને ઉપયોગિતા પર આજે ચર્ચા કરીએ

સામાન્ય રીતે તમે હઠયોગમાં કોઈ આસન કરો તો તમારું ફોકસ સ્નાયુઓ પર હોય. સ્નાયુઓ સ્ટ્રેચ થાય છે; જ્યારે યિન યોગમાં ફોકસ ઊર્જાના સ્રોત પર, લિગામેન્ટ્સ, ટેન્ડેન, ફેશિયા, જેવા કનેક્ટિવ ટિશ્યુઝ પર અને બોન્સ પર હોય છે. (ઍનલિસ પિઅર્સ)

યોગના ક્ષેત્રમાં સતત નવા અને ક્રીએટિવ કંઈક બદલાવો આવતા રહ્યા છે. ઉત્ક્રાંતિ એ માનવ સ્વભાવ છે અને ઉત્ક્રાંતિને જ કારણે વિકાસ અથવા તો વિનાશની યાત્રા અકબંધ રહી છે. જોકે યોગની પરંપરામાં છેલ્લાં થોડાંક વર્ષોમાં યિન યોગના અભ્યાસુ વધી રહ્યા છે. ચીન જેનો બેઝ મનાય છે અને ચીનનો ઊર્જાનો બહુ જ જાણીતો કન્સેપ્ટ ‘યિન’ અને ‘યાંગ’ના પાયા પર આસનોનો અભ્યાસ જોડાયેલો છે એ યોગના પ્રકાર પર આજે આપણે ચર્ચા કરીશું. યિન યોગ કેટલો પ્રાચીન છે અને એનાં મૂળિયાં ક્યાંનાં છે એ વિશે ઍનલિસ પિઅર્સ કહે છે, ‘પ્રકૃતિ સાથે હાર્મનીમાં જીવવાનું સૂચન કરતી દાઓઇસ્ટ ફિલોસૉફી સાથે યિન યોગ જોડાયેલું છે. ચાઇનીઝ મેડિસિન મુજબ પ્રકૃતિનાં પાંચ તત્ત્વ અર્થ, મેટલ, વૉટર, વુડ અને ફાયર, મેરિડિયન સિસ્ટમ અને ‘યિન’ અને ‘યાંગ’ જેવા કન્સેપ્ટ યિન યોગ સાથે જોડાયેલા છે. આજે જે યિન યોગનો અભ્યાસ પ્રચલિત છે એ પૉલ ગ્રીલે દ્વારા પૉપ્યુલર થયો.

ચારેય બાજુ ધનાધન યોગના પ્રકારોનો મારો ચાલ્યો છે. નહીં-નહીં, ધનાધન યોગ એ કોઈ નવો પ્રકાર નથી પણ ઍરોબિક્સ, ઝુમ્બા જેવા ઝડપથી થતા અને આસનોમાં પણ સ્પીડ અને ટ્રાન્ઝિશન આધારિત ફ્લોવાળાં યોગાસનોને ધનાધન ન કહેવું તો શું કહેવું? જોકે આ પ્રવાહ વચ્ચે યિન યોગ તમને થોડુંક જુદુ પડતું લાગશે, કારણ કે યિન યોગ તમને ઠહરાવ આપે છે. તમને અટકાવીને અંદરની હલચલોને અનુભવવાની તક આપતો પ્રકાર છે. સ્લો છે, પણ બોરિંગ નથી એ એના પ્રૅક્ટિકલ અભ્યાસ પછી તમને પણ લાગશે. જોકે ઑથેન્ટિક યિન યોગના અભ્યાસ માટે તમારા યોગશિક્ષક અથવા તો ઇન્સ્ટ્રક્ટરનું જ્ઞાન અને ગાઇડ કરવાની કળા બરાબર હોય એ મહત્ત્વનું છે. છેલ્લાં તેર વર્ષથી યિન યોગમાં લોકોને ગાઇડ કરી રહેલા સર્ટિફાઇડ યિન યોગ સ્પેશ્યલાઇઝ્ડ અને ટેરા એસેન્શિયલ ઑઇલ ઍડ્વોકેટ ઍનલિસ પિઅર્સ પાસેથી યિન યોગ શું છે, એ કઈ રીતે કામ કરે છે અને એના કેવા લાભ હોઈ શકે એ વિષય પર ચર્ચા કરીએ.

સરળ ભાષામાં કહીએ તો

કોઈ પણ આસન હોય એને ત્રણથી પાંચ મિનિટ અને વ્યક્તિની ક્ષમતા પ્રમાણેનો સમય હોલ્ડ કરી રાખવાનો, આસનમાં સ્થિર રહેવાનો અભ્યાસ એટલે યિન યોગ. આ પ્રચલિત વ્યાખ્યા છે. પરંતુ એમાં પણ કેટલીક ટેક્નિકાલિટી છે, જેની વાત કરતાં ઍનેલિસ એટલે કે ઍની કહે છે, ‘આસન તમે કેવી રીતે કરો છો એ યિન યોગમાં મહત્ત્વનું છે. સામાન્ય રીતે તમે હઠયોગમાં કોઈ આસન કરો તો તમારું ફોકસ સ્નાયુઓ પર હોય. સ્નાયુઓ સ્ટ્રેચ થાય છે, જ્યારે યિન યોગમાં ફોકસ ઊર્જાના સ્રોત પર, લિગામેન્ટ્સ, ટેન્ડેન, ફેશિયા, જેવા કનેક્ટિવ ટિશ્યુઝ પર અને બોન્સ પર હોય છે. ચાઇનીઝ મેરિડિયન સિસ્ટમ પ્રમાણે ઊર્જાના વહનમાં આ કનેક્ટિવ ટિશ્યુઝ મહત્ત્વની ભૂમિકા પર હોય છે. તેમને સ્ટ્રૉન્ગ કરીને ‘ચી’ એટલે કે ઊર્જાનું વહન મેરિડિઅન્સ એટલે કે એનર્જી ચૅનલ્સમાં વધુ બહેતર રીતે થાય એવા પ્રયાસ થતા હોય છે. યિન યોગમાં ત્રણ મુખ્ય બાબત પર ધ્યાન આપવાનું હોય છે. કોઈ પણ આસનમાં તમારું શરીર પ્રતિકાર કરે એ પહેલાં જ અટકી જઈને એમાં સ્થિર થઈ જવાનું. શરીર સાથે બળજબરી કરવાનું યિન યોગમાં પ્રિફર નથી કરાતું. પરંતુ પોઝમાં આવ્યા પછી એમાં સ્થિર રહેવા માટે વધારાના પ્રયાસ કરવામાં આવે છે. તમે જો જો, કોઈ પણ સરળ પોઝમાં પણ જો સ્થિર રહેવાનું હશે તો એક વિશિષ્ટ અનુભવ થશે. યોગસૂત્રનો ‘સ્થિરમ્ સુખમ્ આસનમ્’નો કન્સેપ્ટ બહુ જ પ્રૅક્ટિકલી યિન યોગમાં ફૉલો થાય છે.’

ફેશિયા અને યિન યોગ

શરીરની સ્થિરતા ધીમે-ધીમે શ્વાસને પણ પ્રભાવિત કરતી હોય છે. ઍની કહે છે, ‘શરીર સાથે લડ્યા વિના જ્યારે તમે કોઈ પોઝમાં આવો છો ત્યારે સ્થિરતાની આવરદા વધે છે. બીજું, આ અભ્યાસમાં તમારે શ્વાસ ઊંડા અને પેટના નીચલા ભાગમાંથી લેવાના છે, જેને ચાઇનીઝ મેડિસિન અંતર્ગત ડેન ટેન બ્રેથ કહેવાય છે. નાભિ અને એની નીચેનો ભાગ શરીરનો એન્ગેજ રહે એ રીતે શ્વાસ લેવાય ત્યારે ઊર્જાના મુખ્ય સ્રોત સાથે તમે જોડાઓ છો. ધીમે-ધીમે તમારા શરીર સાથે માઇન્ડ અને શ્વાસ પણ ધીમા અને સ્થિર થવા માંડે છે. આજકાલ યોગમાં રીસ્ટોરેટિવ યોગનો પ્રકાર પણ પૉપ્યુલર છે, જેને ઘણા લોકો યિન યોગ જ માને છે. જોકે યિન યોગ અલગ છે, કારણ કે એમાં તમારા શરીરના ટેન્શન હળવું કરવાના ઉદ્દેશ્ય કરતાં શરીરને ઊર્જાના વહન માટે અનુકૂળ બનાવવાનો પ્રયાસ વિશેષ રૂપે કરવામાં આવે છે. હઠ અને વિનયાસા યોગમાં સ્નાયુઓને કૉન્ટ્રૅક્ટ કરવામાં આવે છે અને એનાથી એની સ્ટ્રેંગ્થ વધારાય છે, જ્યારે યિન યોગમાં સ્નાયુઓને રિલૅક્સ કરાય છે. સ્નાયુઓ કરતાં પણ આગળ કહ્યું એમ કનેક્ટિવ ટિશ્યુઝને ઍક્શનમાં લાવવાનો યિન યોગનો ગોલ છે; જેને કારણે વ્યક્તિનું હલનચલન બહેતર થાય, સાંધાઓ મજબૂત થાય, ફ્રેશનેસ વધે. થાક ઊતરે. આપણા શરીરમાં ચામડી અને સ્નાયુઓ વચ્ચે એક પાતળો પડદા જેવો પદાર્થ છે જેને આપણે ફેશિયા કહીએ છીએ. શરીરની નેવું ટકા નસો, ઊર્જાવાહિનીઓ પણ આ ફેશિયામાં પૂરી થઈ જાય. મેમરી પણ ફેશિયામાં રીસ્ટોર થાય. તમારા બધા જ અનુભવો, સ્ટ્રેસ, નેગેટિવ ઇમોશન્સ ફેશિયા સાથે જોડાયેલા છે. હવે વૈજ્ઞાનિકો એના પર ચર્ચા પણ કરતા થયા છે ત્યારે બહુ જ સરળ લાગતી યિન યોગની પ્રૅક્ટિસ ફેશિયા પર કામ કરે છે. એ જ કારણ છે કે યિન યોગનો એક પોઝ પણ જો પ્રૉપર અટેન્શન અને પ્રૉપર ઇન્ટેન્શન સાથે થાય તો એ એક જુદો જ ઇલેક્ટ્રિકલ સ્પાર્કનો અનુભવ કરાવે છે. ઇમોશનલ અને ફિઝિકલ બૅલૅન્સ લાવે છે.’

કોણ કરી શકે?

આટલાં વખાણ સાંભળ્યા પછી તમને પણ યિન યોગ કરવાની ચટપટી જાગી હોઈ શકે છે. યિન યોગ દરેક ઉંમર, દરેક અવસ્થાના અને દરેક મેડિકલ કન્ડિશન ધરાવતા લોકો કરી શકે. ઍની કહે છે, ‘લગભગ ચોવીસ જેટલા પોઝ યિન યોગમાં છે જેના પોઝ હઠયોગ સાથે મળતા આવે છે, પરંતુ નામ જુદાં છે. જેમ કે પશ્ચિમોત્તાનાસનને યિન યોગમાં ‘કૅટરપિલર પોઝ’ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એ કરવાની રીત વ્યક્તિએ-વ્યક્તિએ બદલાય છે. એટલે જ યિન યોગ કરવા માટે તમારે ફ્લેક્સિબલ હોવું જરૂરી છે. તમે તમારા શરીરની ક્ષમતાને ઓળંગો એ પહેલાં જ અટકી જવાનું એ એનો કોર પ્રિન્સિપલ છે. એટલે ભલે પશ્ચિમોત્તાનાસનમાં તમે જમીન પર પગ લાંબા કરીને બન્ને હાથથી પગના અંગૂઠાને સ્પર્શવાની સ્ટ્રગલ કરતા હો પરંતુ યિન યોગમાં તમે કૅટરપિલર પોઝ પ્રૉપ્સની મદદથી માત્ર ગરદન ઝુકાવીને માથા પર ઊભું બોલસ્ટર ટાઇપનો તકિયો મૂકીને પણ કરી શકો. અહીં પોઝની સાથે તમારી અવેરનેસ મહત્ત્વની છે. અવેરનેસ માટે સ્થિરતા મહત્ત્વની છે.’

તમે સપાટીથી શરૂ કરો અને પછી ધીમે-ધીમે તમારું શરીર જ તમને ઊંડાણમાં લઈ જવાનું ગાઇડન્સ આપશે એને ફૉલો કરો એ યિન યોગનો કન્સેપ્ટ છે. યિન યોગ તમને તમારા શરીરથી પરિચિત કરે છે અને શરીર દ્વારા અપાતાં સિગ્નલ્સ પ્રત્યે સભાન કરે છે. માત્ર ફિઝિકલ લેવલે નહીં, પણ ઇમોશનલ લેવલ પર પણ. આજે જ્યારે સાઇકોસોમૅટિક એટલે કે મનના રોગોને કારણે શરીરમાં અવતરેલી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે યિન યોગનો અભ્યાસ બહુ જ અદ્ભુત સ્તર પર ફિઝિકલ અને ઇમોશનલ બૉડીને મેઇન્ટેન કરવામાં મદદરૂપ થઈ શકે છે.

yoga health tips life and style columnists ruchita shah