22 March, 2023 04:56 PM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
ટ્રાય ઇટ ગરમીના દિવસોમાં તડકામાં રખડવાનું બહુ થતું હોય ત્યારે ડીહાઇડ્રેશનથી બચવા ટ્રાવેલિંગ દરમ્યાન આ વરુણ મુદ્રા અથવા તો જળમુદ્રા કરી શકાય. કનિષ્ઠિકાના અગ્ર ભાગને અંગૂઠાના અગ્ર ભાગથી સ્પર્શ કરો.
તમને ખબર છે કે દરરોજ તમે લગભગ ૧૦થી ૧૨ કપ જેટલું પાણી માત્ર શ્વસનક્રિયા દરમ્યાન શરીરની બહાર ફેંકો છો. પાણીને કારણે ઘણો કચરો શરીરમાંથી ફ્લશઆઉટ થઈ જાય છે એટલે કિડની અને લિવરનો વર્કલોડ ઓછો કરવામાં પણ પાણી ઉપયોગી છે. આપણું શરીર ૭૦ ટકા પાણીનું બનેલું છે. શરીરમાં રહેલું રક્ત ૯૦ ટકા પાણીથી બનેલું છે. શરીરની કાર્યપ્રણાલી વ્યવસ્થિત ચાલે અને તમે ઓવરઑલ હેલ્ધી ફીલ કરો એ માટે પણ પાણી ખૂબ મહત્ત્વનું છે. શરીરના ઉષ્ણતામાનનું નિયમન કરવાથી લઈને આંખ, નાક અને મોઢાના ટિશ્યુઝ, સાંધાઓમાં લુબ્રિકન્ટનું કામ પાણી કરે છે. શરીરના એક-એક કોષ સુધી પોષક તત્ત્વો અને ઑક્સિજનને પહોંચાડવાનું કામ પણ પાણીને કારણે સંભવ બને છે. જે પણ આહાર લઈએ છીએ એનાં પોષક તત્ત્વો પાણીને કારણે શરીર ઍબ્સોર્બ કરી શકે છે. એટલું જ નહીં, સ્કિન ક્વૉલિટીને મેઇન્ટેન રાખવાથી લઈને વેઇટલૉસ અને વિવિધ ઍન્ટિબૉડીઝ તૈયાર કરવામાં પણ પાણીનો મહત્ત્વનો રોલ છે આપણા શરીરમાં. આપણા ટેસ્ટ-બડ્સ તો જ કામ કરે જો જીભમાં લાળ સ્વરૂપે પાણીની હાજરી હોય. મેડિકલ સાયન્સની જેમ જ યોગ, આયુર્વેદ અને આપણાં પ્રાચીન શાસ્ત્રોમાં પણ જળતત્ત્વનું અદકેરું મહત્ત્વ દર્શાવાયું છે. દરેક દૃષ્ટિએ પાણી મહત્ત્વનું છે અને એટલે જ આજે વર્લ્ડ વૉટર ડે નિમિત્તે એ જાણવાની કોશિશ કરીએ કે પાણીના ગુણોને એન્હાન્સ કરવામાં, પાણીમાંથી મૅક્સિમમ લાભ લેવા માટે યોગને માધ્યમ તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ કે નહીં એ જાણવાના પ્રયાસ કરીએ આજે.
અદ્ભુત પરિણામ
છેલ્લાં ૪૫ વર્ષથી સંસ્થા સાથે જોડાયેલા કૈવલ્યધામ ઇન્સ્ટિટ્યૂટ મુંબઈના જૉઇન્ટ ડિરેક્ટર રવિ દીક્ષિત કહે છે, ‘પંચમહાભૂતોથી આપણા અસ્તિત્વનું સર્જન થયું છે અને એટલે જ આપણી પ્રાચીન પદ્ધતિમાં તત્ત્વોના બેઝિસ પર ઇલાજ થતો હતો અને આજે પણ થાય છે. નાડી જોઈને તમારા જલતત્ત્વનું પ્રમાણ કહી આપે એવા નિષ્ણાતો છે આપણે ત્યાં. પ્લસ, યોગ તો ૧૦૦ ટકા જલતત્ત્વના બૅલૅન્સ માટે કામ કરે છે. વ્યક્તિમાં જો પાણીનું પ્રમાણ વધારે હોય કોઈ પણ કારણસર તો યોગ થેરપીના માધ્યમે સૂર્યભેદન, ભસ્ત્રીકા, અગ્નિસાર જેવા અભ્યાસ કરીને જલતત્ત્વ જો વધુ હોય તો ઘટાડી શકાય. તો સામે કોઈક વ્યક્તિ ડીહાઇડ્રેટેડ હોય જે અત્યારે ઉનાળામાં વધુ બનતી બાબત છે તેમને ચંદ્રભેદી પ્રાણાયામ, શીતલી, શીતકારી પ્રાણાયામ કરાવો તો વૉટર એલિમેન્ટ બૅલૅન્સ થશે. અફકોર્સ, પાણીનું રિપ્લેસમેન્ટ નથી આ અભ્યાસો. પૂરતા પ્રમાણમાં પાણી પીતા હો અને પછી પણ શરીરમાં કોઈ સમસ્યા રહેતી હોય તો યોગાભ્યાસ તમને મદદ કરે છે.’
જળતત્ત્વ એવું છે જેને તમે તમારી પાંચેય ઇન્દ્રિયોથી સમગ્રતા સાથે અનુભવી શકો છો. નદી, નાળાં, ઝરણાં, દરિયાનાં પાણીનો નાદ તમે સાંભળી શકો છો, એને જોઈ શકો છો, પાણીની એક જુદા જ પ્રકારની ગંધ વિવિધ જળસ્રોતમાં તમે સૂંઘી શકો છો, તેનો સ્પર્શ કરી શકો છો અને એનો સ્વાદ પણ માણી શકો છો. જળની બીજી એક ગુણવત્તા છે એની ફ્લેક્સિબિલિટી, એની બદલાતા રહેવાની પ્રકૃતિ, એનાં વિવિધ સ્વરૂપ. ઠંડું, ગરમ, સ્ટ્રૉન્ગ અને છતાં સૉફ્ટ. તેની આ લવચિકતાના ગુણ, ગો વિથ ધ ફ્લોની ક્વૉલિટીને યોગના માધ્યમથી આપણામાં કલ્ટિવેટ કરવાની ખૂબ જરૂર હોય છે. રવિ દીક્ષિત કહે છે, ‘યોગ એ એવું વિજ્ઞાન છે જે તમારામાં સંતુલન લાવે છે. તમે જ્યારે જળતત્ત્વ પર ફોકસ કરીને ધ્યાનનો અભ્યાસ કરો છો અને પોતાની અંદર રહેલા જળનો અનુભવ કરતાં-કરતાં પાણી જેવા બનવાની દિશામાં ફોકસ કરી શકાય. જેનો કોઈ રંગ નથી અને છતાં દરેક રંગમાં ભળી જાય છે, દરેક આકારમાં ભળી જાય છે અને છતાં એનું પોતાનું મહત્ત્વ અકબંધ રહે છે. પાણી જેવા બનવું એ હૅપીનેસનો મુખ્ય મંત્ર છે.’
ઘણું શીખવા જેવું
આપણા શરીરમાં રહેલાં ૭ ચક્રમાંથી સ્વાધિષ્ઠાન ચક્ર સાથે જળતત્ત્વ સંકળાયેલું છે. ઇન્ડિયન યોગ અસોસિએશન, કૈવલ્યધામમાં ઍકૅડેમિક્સ અને ટ્રેઇનિંગના ચીફ ઍડ્વાઇઝર અને ઍક્ટ યોગના સ્થાપક ડૉ. ગણેશ રાવ કહે છે, ‘ગુણની દૃષ્ટિએ જોઈએ તો પાણીમાં રજસ અને તમસ એ ગુણો મુખ્ય હોય છે. એમાં ચંચળતા પણ છે અને એ અટકી જાય અથવા સંગ્રહિત થાય ત્યારે એમાં તમને ઠહેરાવ પણ દેખાશે. પાંચ તત્ત્વમાં જે તત્ત્વ વધુ સૂક્ષ્મ હોય એની તીવ્રતા વધારે હોય. જેમ કે પૃથ્વી તત્ત્વ વધારે ગ્રોસ છે તો એની અસર થાય એના કરતાં જળતત્ત્વ થોડું સૂક્ષ્મ છે, અગ્નિ જળથી પણ સૂક્ષ્મ છે, વાયુ અગ્નિથી પણ સૂક્ષ્મ છે અને આકાશ એ વાયુથી પણ વધુ સટલ તત્ત્વ છે. એ દૃષ્ટિએ પણ જળતત્ત્વ વધુ પ્રભાવશાળી છે. યોગાભ્યાસમાં જળતત્ત્વ સંતુલિત હોય તો એની ફ્લુઇડિટી એટલે કે પ્રવાહિતા સહજ આવે. અમુક લોકોને તમે આસન કરતા જોયા હોય તો દેખાશે કે ખૂબ જ લયબદ્ધતા સાથે પાણીની લહેરની જેમ તેમના આસનમાં પ્રવાહિતા હોય છે. પાણીમાં ઍડ્જસ્ટમેન્ટના ગુણ છે, એને પોતાનો રસ્તો શોધતાં આવડે છે, દરેક માહોલમાં પોતાની જગ્યા બનાવતાં આવડે છે. આ બધી જ ક્વૉલિટીને યોગ દરમ્યાન તમે ધ્યાનમાં લઈ શકો છો.’
ઊર્જાવાન બનાવો તમારા પાણીને
પાણી પર આપણા શબ્દોની અને વિચારોની બહુ ઘેરી અસર પડતી હોય છે અને એવા અઢળક વૈજ્ઞાનિક પ્રયોગો થયા છે જેમાં મંત્રોચ્ચાર પછી પાણીનું મૉલેક્યુલ સ્ટ્રક્ચર બદલાયું હોય. આપણે ત્યાં અભિમંત્રિત પાણી પીવાથી રોગ નાશ થાય અથવા અમુક મંત્રોચ્ચારથી ચાર્જ થયેલું પાણી છાંટવાથી બેશુદ્ધ વ્યક્તિ ભાનમાં આવી હોય એવા કિસ્સા પ્રાચીન પરંપરામાં પ્રચલિત હતા. આજે પણ ઘણે ઠેકાણે પાણીને ચાર્જ કરીને એનો દવાની જેમ ઉપયોગ કરવામાં આવે છે. યોગનિષ્ણાત ડૉ. ગણેશ રાવ કહે છે, ‘માત્ર તમારી સામે રહેલા ગ્લાસ કે માટલાના વૉટરને જ તમે મંત્રથી ચાર્જ કરી શકો કે વિચારોથી અભિમંત્રિત કરી શકો એવું નથી, પરંતુ તમારી અંદર જે ૭૦ ટકા પાણી છે એના પર ફોકસ કરો તો પણ તમે અકલ્પનીય પરિણામ લાવી શકો છો. પાણીના અનેક પ્રકાર છે. એક જ જગ્યાએ સંગ્રહિત થયેલું પાણી હોય એના કરતાં પહાડો પરથી વહેતા ઝરણાનું પાણી વધુ ચાર્જ્ડ હોય છે. જે પાત્રમાં પાણી હોય એ પાત્રની, એ ધાતુની, એ જમીનની ક્વૉલિટી પણ પકડી લે છે. ઊર્જાનું બહુ જ ઉત્તમ કક્ષાનું સંગ્રહક હોય છે પાણી. તાંબાના લોટાના પાણીમાં તાંબાના ગુણ હોય, માટીના માટલામાં રહેલા પાણીમાં પૃથ્વીતત્ત્વની ક્વૉલિટી હોય અને પ્લાસ્ટિકની બૉટલમાં રહેલું પાણી પ્લાસ્ટિકની ક્વૉલિટી આપશે. એટલે જ પ્લાસ્ટિકમાં પાણી ન પીવાનું કહેવામાં આવે છે. આંખો બંધ કરીને શરીરમાં રહેલા જળતત્ત્વ પર ફોકસ કરીને શુભ ભાવના, રોગરહિત થવાની દૃઢતા જેવા અનેક ભાવો કેળવીને જાતને પ્રાણિક હીલિંગની જેમ જ ઉપયોગમાં લઈ શકાય છે.’