22 February, 2023 03:53 PM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
કેટલી સરળ વાત છેને આ? આજ સુધી કેટલાય લોકોએ કહી હશે તમને પરંતુ આવું થતું નથીને? અમુક તો એવા સંજોગો હોય કે ધારીએ, ઇચ્છીએ કે પ્રયાસ કરીએ તોય વિચારોમાં નકારાત્મકતા આવી જતી હોય છે. આજે ‘વર્લ્ડ થિન્કિંગ ડે’ નિમિત્તે યોગ તમને પૉઝિટિવ થિન્કિંગમાં કેવી રીતે મદદ કરી શકે એ વિશે વાત કરીએ
દુનિયાના ૧૫૦ દેશોની લગભગ એક કરોડ યુવતીઓ દ્વારા ‘ગર્લ ગાઇડ અને ગર્લ સ્કાઉટ’ બૅનર હેઠળ તમામ પ્રકારની ઇક્વૉલિટીનો પ્રચાર અને પ્રસાર કરવાના આશયથી એક અભિયાન શરૂ કરાયું હતું. આ અભિયાન દ્વારા જ ૧૯૨૬માં લોકો આ વિશે એ માટે ‘વર્લ્ડ થિન્કિંગ ડે’ની ઉજવણી કરે છે. ૧૫૦ દેશો આજના દિવસને ‘વર્લ્ડ થિન્કિંગ ડે’ તરીકે સેલિબ્રેટ કરે છે. યસ, વિચારવાનો દિવસ. જોકે સાચું કહેજો કે તમે ઇચ્છો કે ન ઇચ્છો, વિચાર કર્યા વિના તમે રહી શકો છો? યોગની દુનિયામાં અને આજકાલ ખૂબ પ્રચલિત થઈ રહેલી વિવિધ એનર્જી હીલિંગ પદ્ધતિઓમાં થિન્કિંગનું ખૂબ મહત્ત્વ અંકાયું છે. વિચાર એ કોઈ જડ વસ્તુ નહીં પણ જીવંત વસ્તુ છે. સનાતન અને યોગની પરંપરામાં અગ્રણી નામ ગણાતા પ્રખર યોગી શ્રી શિવાનંદ સ્વામી કહેતા કે વિચાર લિવિંગ ફોર્સ છે. યસ, વિચાર જીવંત ઊર્જા છે. વિચારને તરંગો સાથે તો આપણે બોલચાલની ભાષામાં પણ સરખાવીએ છીએ, પરંતુ યોગી અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો પણ વિચાર એ ફ્રીક્વન્સી છે. બ્રહ્માંડમાં બધું જ એક ફ્રીક્વન્સીના આધારે ચાલે છે અને આ ફ્રીક્વન્સી જીવંત ઑબ્જેક્ટ છે. તમે અને તમારું જીવન એ વિચારોનો જ પરિપાક છે. સીક્રેટ, પાવર, મૅજિક જેવાં પુસ્તકોમાં ઑથર રૉન્ડા બાયર્ને વિચારોમાં રહેલી શક્તિના કલ્પનાતીત પુરાવા આપી દીધા છે અને આજે પૉઝિટિવ થિન્કિંગની દુનિયા અદ્ભુત રીતે વિકસી છે ત્યારે મહર્ષિ પતંજલિ તો ઘણા અંશે માનસશાસ્ત્રના ઍડ્વાન્સ ગ્રંથ સમાન છે. મૉડર્ન યોગમાં જેને ફાઉન્ડેશન મનાય છે એવા શ્રી પાતંજલ યોગસૂત્ર એટલે યોગના સૌથી પ્રૉમિનન્ટ ગ્રંથની શરૂઆત જ મહર્ષિ પતંજલિ, ‘યોગ ચિત્તવૃત્તિ નિરોધ’ વાક્યથી કરે છે. ૧૯૫ સોનેરી સૂત્રોના આ ગ્રંથમાં બીજા જ સૂત્રમાં યોગનું ધ્યેય અથવા તો યોગના લક્ષ્યની ચર્ચા છે. ચિત્તની વૃત્તિઓને સમાપ્ત કરવી. એટલે શું? મનને વિચારોની પરંપરામાંથી બહાર કાઢવું. મનની વિચારરહિત અવસ્થાને પામવી. હજી વધુ સમજવું હોય તો મનને સમાપ્ત કરવું. બહુ જ સરળ છે સમજવું કે જો વિચાર ન હોય તો મન જ ન હોય. મનનું હોવું એ વિચારોને આધીન છે. યોગ થકી મહર્ષિ પતંજલિ સ્ટેપ અહેડ વાત કરે છે અને વિચારોનો જ ખાત્મો બોલાવવાની દિશા ચીંધે છે. પરંતુ જ્યાં સુધી વિચારરહિત ન થઈ શકાય ત્યાં સુધી શુભ વિચારોમાં મન રમ્ય રહે અને આપણા વિચારોની એ પૉઝિટિવ એનર્જી આપણા જીવનને પણ હકારાત્મકતાથી ભરી દે તો કેવું? યોગથી એ શક્ય છે? શું કરવાથી આપણી અદંર પૉઝિટિવ થિન્કિંગને વધારી શકાય એ દિશામાં આજે વાત કરીએ.
બહુ મોટો આધાર?
છેલ્લાં ચાલીસ વર્ષથી યોગ, આયુર્વેદ, રેકી, ઇએફટી, ઍક્યુપ્રેશર જેવી ૨૧થી વધુ થેરપીનો અભ્યાસ કરતા અને આજ સુધી દુનિયાભરમાં લોકોમાં સ્વસ્થ અને મસ્ત રહેવાના સંદેશ સાથે નિ:શુલ્ક પ્રોગ્રામ આપવા જતા એન્જિનિયર, બિઝનેસમૅન અને ઑલ્ટરનેટિવ થેરપી એક્સપર્ટ બલરામ તલરેજા કહે છે, ‘આ આખું બ્રહ્માંડ બીજું કંઈ જ નહીં પણ એક એનર્જી છે. એક પર્ટિક્યુલર ફ્રીક્વન્સી પર બ્રહ્માંડ કામ કરે છે. જે ઊર્જા બહાર છે એવી જ ઊર્જા શરીરની અંદર છે પરંતુ એની ફ્રીક્વન્સી જુદી-જુદી છે. તમારા પ્રત્યેક અવયવની એક ફ્રીક્વન્સી છે, તમારા અવાજમાં ફ્રીક્વન્સી છે, તમારી મૂવમેન્ટમાં ફ્રીક્વન્સી છે એમ તમારા વિચારોની પણ ફ્રીક્વન્સી છે. બીજી એક સુંદર વાત તમને કહું કે તમે જે ફ્રીક્વન્સીમાં છો એ જ પ્રકારનું તમે ઍટ્રૅક્ટ કરશો. તમે પૉઝિટિવ હશો તો વધારે પૉઝિટિવ એનર્જી જ તમારી તરફ ઍટ્રૅક્ટ થશે અને જે ઍટ્રૅક્ટ થશે એના જેવું વિશ્વ તમે બનાવશો. માનસશાસ્ત્રનો આ નિયમ છે અને મહર્ષિ પતંજલિના યોગશાસ્ત્રમાં પણ તમને આ નિયમ દેખાશે.’
કમ્પ્લીટ પૅકેજ
યોગથી માનસિકતામાં કેવી રીતે સુધાર આવી શકે એના જવાબમાં બલરામભાઈ કહે છે, ‘યોગ કમ્પ્લીટ પૅકેજ છે. એમાં દરેક સ્તર પર વ્યક્તિની ટ્રેઇનિંગ છે. તમે યોગનાં આઠ અંગ જ લઈ લો તો તમને એ કેટલા સાયન્ટિફિકલી ડિઝાઇન થયેલા છે એ સમજાશે. યમ, નિયમ એ પણ એક જાતની તમારી થૉટ પ્યૉરિફિકેશનની પ્રોસેસ છે. એ પછી આસન અને પ્રાણાયામ આવે છે, જેમાં તમારું શરીર અને મન પાછું કસોટીએ ચડે છે. એ તમે બરાબર કરી શકો એટલે એમાં ષટ્ કર્મનો ઉલ્લેખ આવે છે. એમાં વધુ આગળનું ચરણ એટલે ધારણા અને ધ્યાનની વાત આવે છે. યોગ બહુ જ વેલ ડિઝાઇન્ડ પ્લાન તમારી સામે મૂકે છે. જે તમને માઇન્ડને કન્ટ્રોલ કરતાં શીખવી દે છે અને એક વાર માઇન્ડને કન્ટ્રોલ કરતાં આવડી ગયું પછી તો એનું ફૂડ એટલે કે એને કેવા વિચારો કરવા દેવા અને કેવા નહીં એ તો તમારા પોતાના હાથની જ વાત રહીને.’
તમે જે ફ્રીક્વન્સીમાં છો એ જ પ્રકારનું તમે ઍટ્રૅક્ટ કરશો. તમે પૉઝિટિવ હશો તો વધારે પૉઝિટિવ એનર્જી જ તમારી તરફ ઍટ્રૅક્ટ થશે અને જે ઍટ્રૅક્ટ થશે એના જેવું વિશ્વ તમે બનાવશો.
બલરામ તલરેજા
પાંચ આસનો સાથે કરો પૉઝિટિવ થિન્કિંગ
આસન એટલે શરીરની સ્થિરતાને પ્રાપ્ત કરવાનો રસ્તો. જોકે આ શરીરની સ્થિરતા પ્રાપ્ત કરતી વખતે તમે ધારો તો મનની સ્થિરતાને પણ પ્રાપ્ત કરી શકો.
આ પણ વાંચો: ધ્યાન વિના ઉદ્ધાર નથી
૧- વૃક્ષાસન : શારીરિક સંતુલન જાળવવામાં ઉપયોગી એવા આ આસન કરતી વખતે તમે માનસિક રીતે પણ સંતુલિત થઈ રહ્યા છો. તમારા વ્યવહારમાં, સંબંધોમાં, કાર્ય કરવાની રીતભાતમાં, તમારી લાગણીઓમાં, તમારા ભોજન અને દિનચર્યામાં અને અન્ય વ્યક્તિ માટેના તમારા દૃષ્ટિકોણમાં તમે સંતુલનનો ભાવ ઉમેરીને સમત્વની સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છો. તકલીફો આવી તો બહુ દુખી નહીં અને ગમતું કરવા મળ્યું તો એમાં છકી જવાપણું નહીં એ સંતુલન માનસિક અને વૈચારિક દૃષ્ટિએ વ્યક્તિની સ્વસ્થતામાં ઉમેરો કરશે.
૨- પર્વતાસન : પર્વત જેમ અડગ અને નિશ્ચલ છે એમ હું પણ મારા ઇરાદામાં અડગ છું અને કપરા સંજોગોમાં પણ જાતને ટકાવી રાખવા માટે સમર્થ છું.
૩- ભુજંગાસન : હાર્ટ ઓપનિંગ આ આસનમાં હૃદયની મોકળાશથી સહુ પ્રત્યે પ્રેમ અને અહોભાવની લાગણી રાખવાના વિચારો
કેળવી શકાય. કોઈની ભૂલને ભૂલીને દિલ મોટું રાખવાની
અને નકારાત્મકતાથી દૂર
રહેવાની ક્ષમતા આ આસનમાં પૉઝિટિવ થિન્કિંગ દ્વારા મેળવી શકાય છે.
૪- વીરભદ્રાસન : એક વીર યોદ્ધાની જેમ આપણી અંદર ઈશ્વરે અનંત શક્તિઓનો ભંડાર આપ્યો છે અને એ શક્તિઓનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવાની આવડત મારામાં છે. સ્ટ્રેંગ્થ અને પાવર વચ્ચે પણ નરમાશને અકબંધ રાખવાના વિચારોને આ આસનમાં કરી શકાય.
૫- શશાંકાસન : દરેક સંજોગની એક હકારાત્મક બાજુ હોય છે. શશાંકાસન અંદરની તરફ ઝૂકીને જાત સાથે રહેવાની તક અને દરેક ક્ષણની હળવાશને અનુભવવાની મોકળાશ આપે છે. નબળા સમયે પણ હું મારા વિચારોથી જ સબળો બની શકું છું એવી થિન્કિંગ પ્રોસેસ આ આસનની ઇફેક્ટિવનેસને વધારશે.
ટ્રાય કરો આ મેડિટેશન
ધ્યાનની પદ્ધતિઓ મનની નબળાઈઓને હરવા માટે બહુ જ ઉપયોગી સાબિત થતી આવી છે. વિચારોને ઓળખવા અને વિચારોને સાચી દિશામાં કેળવવા માટે તમે વિચારોમાં વહ્યા વિના એના પ્રત્યે જાગૃતિ કેળવવાનો અભ્યાસ કરી શકો છો. જેમ કે તમને અનુકૂળ હોય એવા કોઈ આસનમાં આંખ બંધ કરીને બેસી જાઓ. નવા-નવા હશો તો જેવી આંખો બંધ કરશો એવું જ વિચારોનું જાણે ઘોડાપૂર આવશે. મનમાં જાણે વિચારોએ તોફાન મચાવ્યું હોય એવો અનુભવ પણ થશે. જોકે એ દરમ્યાન એની અંદર પ્રવાહિત થવાને બદલે ધીમે-ધીમે એક-એક વિચારની નોંધ લેવાનું શરૂ કરો. ધારો કે પચાસ વિચાર આવ્યા તો પચાસ વિચારની નોંધ લો, સો વિચાર આવ્યા તો સો વિચારની નોંધ લો. મનમાં એક નોટબુક હોય અને તમે એની વિગતો ટપકાવી રહ્યા હો એ રીતે. તમે જોશો કે જેમ-જેમ તમે એક-એક વિચાર પર અટકીને એની નોંધ લેવાનું શરૂ કર્યું એમ-એમ વિચારોની માત્રા ઘટવા માંડી છે. પછી એક અવસ્થા આવશે કે વિચારો સાવ શૂન્ય થઈ ગયા હોય. માઇન્ડની કેળવણી માટે આ બહુ જ અદ્ભુત અભ્યાસ થઈ શકે છે.