થાકી જવાય ત્યાં સુધી નાચો, કૂદો, ગાઓ, રડો, હસો ચિલ્લાઓ; આવું બધું મેડિટેશનમાં કરવાનું હોય તો?

01 March, 2023 12:52 PM IST  |  Mumbai | Ruchita Shah

તમારા મનમાં રહેલી અજંપો, ડર, ભય, પીડા, ગુસ્સો, ઈર્ષ્યા, અસુરક્ષિતતા, લાલચ જેવી તમામ સપ્રેસ થયેલી  નેગેટિવ  લાગણીઓને  બહાર ફેંકી દેવા માટે વપરાતી મેથડ એટલે ડાયનૅમિક મેડિટેશન.  

પ્રતીકાત્મક તસવીર

આજે દુનિયાભરમાં ‘વર્લ્ડ સેલ્ફહાર્મ અવેરનેસ ડે’ ઊજવાઈ રહ્યો છે ત્યારે ઓશોએ ઇન્ટ્રોડ્યુસ કરેલી મેડિટેશનની આ યુનિક પદ્ધતિ વિશે વાત કરીએ

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના ડેટા પ્રમાણે દર નવમાંથી એક વ્યક્તિ કોઈને કોઈ મેન્ટલ ડિસઑર્ડરથી પીડાઈ રહી છે. વિશ્વનું લગભગ ૧૪ ટકા પૉપ્યુલેશન માનસિક અને બિહેવિયરલ સમસ્યાઓ ધરાવે છે. વ્યક્તિનાં વાણી, વિચાર અને વર્તન પર મેન્ટલ ડિસઑર્ડરને કારણે બહુ જ ઊંડો પ્રભાવ પડતો હોય છે અને માનસિક અસ્વસ્થતા જ કાળાંતરે શારીરિક દૃષ્ટિએ મેજર બીમારીઓને આમંત્રણ આપવાનું કામ પણ કરે છે. આ માનસિક રોગોમાંથી બહુ જ ઝડપથી રાહત આપવાનું કામ યોગ કરી શકે છે. યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનના અભ્યાસથી વ્યક્તિની માનસિક સ્થિતિ સુધરી હોવાના, સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટી જેવા મેન્ટલ ડિસઑર્ડરમાં રાહત મળ્યાના અઢળક અભ્યાસો આજ સુધી થઈ ચૂક્યા છે. માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ માટે જોકે ધીમે થતા અભ્યાસોને બદલે જેમાં ઝડપ હોય એવા અભ્યાસથી શરૂઆત થાય તો તેમને વધુ લાભ મળી શકે છે એવું કેટલાક નિષ્ણાતો માને છે. આવા જ એક સ્પીડ અને એ પછી સ્લોનેસના કૉમ્બિનેશનવાળા ઓશોના ડાયનૅમિક મેડિટેશન વિશે આજે આપણે વાત કરવાના છીએ. ડાયનૅમિક અથવા તો ઍક્ટિવ મેડિટેશનની ઇફેક્ટ્સ પર અત્યાર સુધી ઘણા સંશોધકોએ અભ્યાસ કર્યો છે. આ મેડિટેશન ટેક્નિક સ્ટ્રેસ રિડક્શનથી લઈને ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશનના દરદીઓને પણ લાભકારી નીવડી હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું છે. જેમ કે બાવીસ યુનિવર્સિટી સ્ટુડન્ટ પર ચિલીની યુનિવર્સિટીના સંશોધકોએ કરેલો અભ્યાસ કહે છે કે સ્ટુડન્ટના સ્ટ્રેસ હૉર્મોન્સના લેવલમાં નોંધનીય બદલાવ જોવા મળ્યો હતો. આજે મેન્ટલ ડિસઑર્ડરના પગલે જાતને નુકસાન પહોંચાડી દેવાની ટેન્ડન્સી વિશે જાગૃતિ લાવવાના આશય સાથે દુનિયાભરમાં ‘વર્લ્ડ સેલ્ફહાર્મ અવેરનેસ ડે’ ઊજવાઈ રહ્યો છે ત્યારે આચાર્ય રજનીશ એટલે કે ઓશોએ ઇન્ટ્રોડ્યુસ કરેલું ડાયનૅમિક મેડિટેશન શું છે અને એ કઈ રીતે કામ કરે છે, એનાથી બ્રેઇન પર શી અસર પડે છે જેવા પ્રશ્નોના જવાબ મેળવીએ.

કઈ રીતે યુનિક?

સામાન્ય રીતે મેડિટેશનમાં એક જગ્યાએ આંખ બંધ કરીને બેસવાની અને કૉન્સન્ટ્રેટ કરવાની મેથડ કૉમન છે પરંતુ ઍક્ટિવ મેડિટેશન એ રીતે જુદું છે અને મેન્ટલ ડિસઑર્ડરમાં એટલે જ એ ખૂબ ઇફેક્ટિવ છે એની સ્પષ્ટતા કરતાં એઇમ્સ રાયપુરના અસિસ્ટસ્ટ પ્રોફેસર ઑફ ઍનૅટમી ડૉ. મૃત્યુંજય રાઠોર કહે છે, ‘જ્યારે તમે માનસિક રીતે વ્યગ્ર હો, કોઈને પૅનિક અટૅક આવતા હોય, અતિશય લેવલની ઍન્ગ્ઝાયટી હોય એવા સમયે તમે તેમને સીધો જ સ્થિરતાનો અભ્યાસ કરાવો તો એ નુકસાન કરનારું પણ સાબિત થઈ શકે છે. તેમનું રેસ્ટલેસ બ્રેઇન વધારે રેસ્ટલેસ બની શકે છે. ધારો કે ડિપ્રેશનમાં વ્યક્તિ છે તો તેની સુસાઇડલ ટેન્ડન્સી વધુ સ્ટ્રૉન્ગ બની શકે છે, તેની નકારાત્મકતામાં વધારો થઈ શકે છે. આવી વ્યક્તિને યોગ થેરપીમાં પહેલાં ડાયનૅમિક એક્સરસાઇઝ કરાવવાનું કે ઍક્ટિવ મેડિટેશન કરાવવાનું વધુ પરિણામદાયી અત્યાર સુધીના રિસર્ચમાં નીવડ્યું છે. ઓશોએ ઇન્ટ્રોડ્યુસ કરેલી પાંચ તબક્કાની ધ્યાનની પ્રૅક્ટિસ એટલે જ ઘણા અંશે લોકોને મદદ કરનારી સાબિત થઈ છે. બ્રેઇનના ઇન્સ્યુલર કોર્ટેક્સના એટલે કે ભાવનાત્મક બ્રેઇનના હિસ્સાને ઍક્ટિવ કરવામાં તબક્કાવાર આગળ વધનારા લોકોમાં જોવામાં આવ્યું છે. અમારી પાસે આવતા પેશન્ટને અમે ત્રણ તબક્કામાં ડાયનૅમિક મેડિટેશન કરાવીએ છીએ, જેમાં પહેલાં થોડુંક ફાસ્ટ મ્યુઝિક હોય જેમાં લોકો ભસ્ત્રિકાની જેમ ઝડપી શ્વાસ લે અને છોડે. એ પછી બીજા તબક્કામાં આંખ પર પટ્ટી બાંધીને વ્યક્તિના મનમાં આવતા તમામ નકારાત્મક ઇમોશનને પોતાની ઇચ્છા અનુસાર એક રૂમમાં બહાર કાઢવાની પરમિશન આપીએ છીએ જેમાં લોકો ચિલ્લાવે, રડે, હાથ પછાડે, કૂદકા મારે પણ અંદર રહેલી એ નકાત્મકતાને શરીરના માધ્યમથી આવી પ્રક્રિયાથી બહાર કાઢે. એ પછી ત્રીજા સ્ટેજમાં કોઈ પણ સૂધિંગ રાગવાળું ક્લાસિકલ મ્યુઝિક લગાવીને લોકોને શાંત બેસાડીને સ્થિર થવા કહીએ છીએ. આ તબક્કામાં તેઓ પૉઝિટિવ થિન્કિંગની દિશામાં, ફરગિવ કરવાની દિશામાં, અનુગ્રહ અને અહોભાવનો અનુભવ કરવાની દિશામાં સરળતાથી સક્રિય થઈ શકે છે. આ ત્રણ તબક્કાના મેડિટેશનમાં અમને ખૂબ સારાં પરિણામ મળ્યાં છે.’

મૂળ રીત શું છે?

ઓશો દ્વારા ઇન્ટ્રોડ્યુસ થયેલા ડાયનૅમિક મેડિટેશનના ઓરિજિનલી પાંચ તબક્કા છે. લગભગ ૬૦ મિનિટના ઍક્ટિવ ધ્યાનનો આ અભ્યાસ ખૂબ જ ઇન્ટેન્સ હોય છે; જેનું મુખ્ય ધ્યેય છે તમારી વિચારવાની ઓલ્ડ પૅટર્નને બ્રેક કરવાનું, ભૂતકાળના બંધિયાર બની ગયેલા અનુભવોથી મુક્ત થવાનું અને પછી ધીમેથી નવા અનુભવને ગ્રહણ કરવા માટે જાતને તૈયાર કરવાનું. જનરલી ધ્યાનના આ અભ્યાસને વહેલી સવારે કરવાનું કહેવામાં આવે છે જ્યારે કુદરતનું સ્વરૂપ ખીલી રહ્યું હોય અને સૂર્યની સવારી આવવાની તૈયારી હોય અને આખી પ્રકૃતિ તેના ઇન્તેજારમાં હોય. બીજું, આ ધ્યાનનો અભ્યાસ ગ્રુપમાં અને શરૂઆતમાં અનુભવી શિક્ષકની નિગરાણીમાં જ કરવાનું અનિવાર્ય છે અને એમાં વપરાતું સંગીત પણ મેડિટેશનની જરૂરિયાત મુજબનું ડિઝાઇન કરવામાં આવ્યું છે એટલે ઓરિજિનલ મ્યુઝિક જ લેવામાં આવે તો વધુ બહેતર રહેશે. આખા મેડિટેશન દરમ્યાન આંખો બંધ રાખવી અથવા તો આંખો પર પટ્ટી બાંધવી. પાંચ તબક્કાના મેડિટેશનના અભ્યાસમાં ચોથા તબક્કામાં વ્યક્તિ એક જ જડવત પણ છતાં અલર્ટ સ્ટેટમાં હોય છે.

કયા પાંચ તબક્કા?

૧. ડાયનૅમિક મેડિટેશનના દસ મિનિટના પહેલા તબક્કામાં વ્યક્તિ ખૂબ જ ઇન્ટેન્સ બ્રીધિંગ કરે છે. કોઈ પણ જાતની રિધમ વિના, એકદમ આડેધડ અને ઝડપી શ્વાસ લેવાનો અને છોડવાનો. વધારે પડતું ફોકસ શ્વાસ છોડવા પર રાખવાનું હોય. શ્વાસ ફેફસાંમાં પૂરેપૂરા ભરાય એટલા ડીપ હોવા જોઈએ. જાણે તમે પોતે જ શ્વાસ બની ગયા હો એટલું ઝડપથી અને જોરથી શ્વાસોચ્છ્વાસ ચાલતા રહેવા જોઈએ. શ્વાસની આ પ્રક્રિયા માટે શરીરને જો હલાવવાનું મન થાય કે શરીરમાં સહજ રીતે હલનચલન થાય તો એ પણ કરી શકાય.

૨. એક્સપ્લોડ તરીકે ઓળખાતા ધ્યાનના બીજા તબક્કામાં પણ દસ મિનિટનો સમય આપવાનો છે, જેમાં તમારે બધું જ જતું કરવાનું છે. શરીર પરનો કન્ટ્રોલ છોડીને એને અનુરૂપ વહેતા જવાનું. શરીરને નાચવું, કૂદવું, બૂમો મારવી, હસવું, રડવું એમ જે કરવું હોય એ કરવાની ખુલ્લી છૂટ આપી દેવાની. લોકો ગાંડા સમજે તો ભલે સમજે, પણ શરીર મુક્ત અવસ્થામાં છે. આખું શરીર ઍક્શન મોડમાં છે. ઍક્શનમાં તમે શું કરી રહ્યા છો એમાં તમારો કોઈ કન્ટ્રોલ નથી. લોકો શું કહેશે એની પરવા કર્યા વિના શરીરને મુક્ત થવામાં મદદ કરો, જાણી જોઈને ગાંડા થવાનું હોય છે આ સ્ટેજમાં.

૩. દસ મિનિટના જ ત્રીજા તબક્કામાં હાથને માથાની ઉપર લઈ જઈને કૂદકા મારવાના છે અને સાથે જ જોરથી ‘હો.... હો.... હો’ ની બૂમો પાડવાની છે. નાભિમાંથી આ અવાજ બહાર આવે એ રીતે કૂદકા સાથે એને અલાઇન કરવાનું છે. પૂરેપૂરા થાકી જવાય ત્યાં સુધી વગર અટકે આ પ્રોસેસ દસ મિનિટ સુધી કરતા રહેવાની છે.

૪. પંદર મિનિટના ચોથા સ્ટેજમાં એકદમ સ્થિર થઈ જાઓ. તમે જે પોઝિશનમાં છો એ જ પોઝિશનમાં બસ, મૂર્તિમંત બની જાઓ. એકદમ સ્થિર. શરીર પરનો કોઈ કન્ટ્રોલ તમારા હાથમાં નથી. સંપૂર્ણ વિટનેસ બનીને શરીરને જુઓ. એકદમ સ્થિરતાપૂર્વક. ધારો કે બગાસું કે ખાંસી પણ કુદરતી રીતે આવતા હોય તો એને પણ જુઓ. પંદર મિનિટ માટે જાણે કે તમે પથ્થરની મુરત હો એ રીતે એકદમ સહજ પણ છતાં સ્થિર.

૫. ડાયનૅમિક મેડિટેશનનો પાંચમો અને છેલ્લો પંદર મિનિટનો ફેઝ સેલિબ્રેશન ફેઝ ગણાય છે. તમે સંપૂર્ણ જીવંત અવસ્થામાં વર્તમાન ક્ષણમાં બૅકગ્રાઉન્ડમાં વાગી રહેલા શાંત અને સૂધિંગ સંગીતને માણી રહ્યા છો અને આનંદની ચરમસીમાનો અનુભવ કરી રહ્યા હશો.

ઓશો શું કહેતા?

આ ડાયનૅમિક મેડિટેશનની પદ્ધતિ માટે ઓશોએ કહ્યું છે કે આ આખા ધ્યાનના અભ્યાસ દરમ્યાન શક્ય હોય એટલા સાક્ષીભાવને કેળવવાનો અભ્યાસ કરો. તમે ઝડપી શ્વાસ લેતાં-લેતાં શ્વાસ બની ગયા હો એ સમયે પણ તમે શરીરથી જુદા છો અને એક દૃષ્ટા તરીકે આખી પ્રોસેસને બાજુમાં ઊભા જોઈ રહ્યા છો એ ભાવ અકબંધ રહેવો જોઈએ. એક દર્શક તરીકે શરીરની નકારાત્મકતા બહાર નીકળી રહી હોય ત્યારે પણ અને શરીર સંપૂર્ણ સ્થિર થઈ ગયું હોય ત્યારે પણ એને જુઓ. ઑબ્ઝર્વ કરો.

ડૉ. મૃત્યુંજય રાઠોર કહે છે, ‘વ્યક્તિ જ્યારે કોઈ મેન્ટલ ડિસઑર્ડરમાંથી પસાર થઈ રહ્યું હોય, પ્રિયજનને ગુમાવ્યાનો કે હાર્ટબ્રેકનો ટ્રૉમા હોય ત્યારે તેમનું બ્રેઇન સીધેસીધું મેડિટેટિવ સ્ટેટમાં નહીં જાય. આ રીતે તબક્કાવારનો અભ્યાસ વ્યક્તિના બ્રેઇનને રીબૂટ કરવાની દિશામાં લઈ જશે. બધાનું સારું થાય, જીવન જીવવા લાયક છે એનો અનુભવ ત્યારે બિલ્ડઅપ કરી શકાશે જ્યારે જૂના અનુભવોની પકડ ઢીલી અથવા તો સંપૂર્ણ નાબૂદ થઈ ગઈ હશે. પછી તમે અહોભાવ અને જીવન પ્રત્યેની હકારાત્મકતાને ઑટો સજેશન અથવા તો માત્ર સંગીત દ્વારા પણ સરળતાથી વ્યક્તિના મનમાં પેદા કરી શકશો.’

 

life and style health tips yoga ruchita shah