પાર્કિન્સન્સના દરદીઓ માટે મુંબઈમાં થવા જઈ રહ્યો છે આશાસ્પદ પાઇલટ સ્ટડી

11 April, 2023 04:21 PM IST  |  Mumbai | Sejal Patel

મુંબઈની જસલોક હૉસ્પિટલના ન્યુરોસર્જ્યન ડૉ. પરેશ દોશીના નેતૃત્વમાં અભ્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે આ શહેરના ૨૫થી ૭૦ વર્ષના પાર્કિન્સન્સના દરદીઓ એમાં ભાગ લઈ શકે એમ છે

પ્રતીકાત્મક તસવીર

અત્યાર સુધી ક્યાંક છૂટુંછવાયું સંભળાતું આવ્યું છે કે ન્યુરોડીજનરેટિવ ડિસીઝમાં મ્યુઝિક અને ડાન્સ થેરપીથી ફાયદો થાય છે પણ કોને, કેવી રીતે અને કેટલો ફાયદો થાય છે એ બાબતે મેડિકલ જર્નલમાં ક્યાંય પ્રમાણભૂત અભ્યાસ નથી નોંધાયો. મુંબઈની જસલોક હૉસ્પિટલના ન્યુરોસર્જ્યન ડૉ. પરેશ દોશીના નેતૃત્વમાં અભ્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે આ શહેરના ૨૫થી ૭૦ વર્ષના પાર્કિન્સન્સના દરદીઓ એમાં ભાગ લઈ શકે એમ છે

દર એક હજાર લોકોમાંથી બે જણને થતા પાર્કિન્સન્સ ડિસીઝ વિશે હવે તો ઘણી જાગૃતિ ફેલાઈ રહી છે. આ તો ઘરડા લોકોને થતો જ રોગ છે એ એક ભ્રમણા પણ તૂટી રહી છે. લગભગ મિડલ-એજથી વધુ માત્રામાં જોવા મળતો આ રોગ ભરજુવાનીમાં પણ જોવા મળે છે. મુશ્કેલી એ છે કે આ રોગને પ્રિવેન્ટ કરવાની કે પછી એને સંપૂર્ણપણે ક્યૉર કરવાની કોઈ ગુરુચાવી હજી સુધી હાથ નથી લાગી. પાર્કિન્સન્સ ડિસીઝ પર વૈશ્વિક ધોરણે સઘન સંશોધન કાર્યોમાં સંકળાયેલા જસલોક હૉસ્પિટલના ન્યુરોસર્જ્યન ડૉ. પરેશ દોશી કહે છે, ‘મેડિકલ સાયન્સમાં ૮૦ ટકા રોગો એવા છે જેને કન્ટ્રોલ કરી શકાય છે, ક્યૉર નહીં. પાર્કિન્સન્સ પણ એમાંનો એક છે. ઇન ફૅક્ટ, આ એવો પ્રોગ્રેસિવ રોગ છે કે એ ધીમે-ધીમે નૉર્મલ જીવનને ખોરવી નાખે છે. એટલે જ પાર્કિન્સન્સનું નિદાન થાય ત્યારે દરેક પેશન્ટનો પહેલો સવાલ હોય છે, આ વધશે તો નહીંને? એને રોકી શકાય એવું કંઈક કરોને. સર્જરી કરાવી લઈશું તો રોગ પ્રોગ્રેસ નહીં થાય? આ રોગ મગજના કોષોના ડીજનરેશનને કારણે થાય છે અને ઉંમર વધશે એમ એ ઘસારો તો ચાલુ જ રહેવાનો છે. અનફૉર્ચ્યુનેટલી આ માટે ડૉક્ટરો પાસે કોઈ મૅજિક પિલ નથી. હા, અમારું કામ છે રોગનું પ્રોગ્રેશન ઘટાડી કે સ્ટૉપ કરી શકીએ અથવા તો એક હદથી આગળ વધી ગયેલા ડિસીઝમાં લાઇફની ક્વૉલિટીમાં સુધારો લાવી શકીએ. જોકે આ બધું એવું છે કે દવા લો ત્યાં સુધી ઠીક રહે, દવાઓ બંધ એટલે અસર પણ બંધ.’

ખુશ રહેવાની થેરપી

પ્રિવેન્શન કે ક્યૉર સંભવ ન હોવા છતાં અનેક વિકલ્પો એવા શોધાઈ ગયા છે કે જેનાથી તમે મગજના કોષોના ડીજનરેશનની પ્રક્રિયા ધીમી પાડી શકો કે ઑલમોસ્ટ સ્ટૉપ કરી દઈ શકો. આ વિકલ્પોમાં મેડિસિન અને સર્જરી ઉપરાંત એક વિકલ્પ ગમતી હૉબીઝમાં રત રહીને ખુશ રહેવું એ પણ હોઈ શકે છે. ગયા વર્ષે ડૉ. પરેશ દોશીએ વેબિનાર કરેલો; જેમાં મ્યુઝિક, ડાન્સ અને અન્ય કોઈ પણ હૉબીઝ કઈ રીતે પાર્કિન્સન્સ ડિસીઝમાં મદદરૂપ થઈ શકે એની વાત કરેલી. તેઓ કહે છે, ‘આ બાબતે ઊંડો અને ઑથેન્ટિક કહી શકાય એવો અભ્યાસ થવો જરૂરી છે એવું મને લાગતું હતું. સ્વીડનમાં એક સ્મૉલ સ્ટડીમાં જોવા મળેલું કે ડાન્સ થેરપીથી બ્રેઇનનાં ન્યુરોકેમિકલ્સમાં ચેન્જિસ જોવા મળે છે. છૂટાંછવાયાં બીજા કેટલાક અભ્યાસો પણ જોયા, જે ફિઝિયોથેરપિસ્ટ્સ દ્વારા કે ડાન્સ થેરપિસ્ટ દ્વારા થયા હતા પણ જેમાં ન્યુરોસાયન્ટિસ્ટ્સ ઇન્વૉલ્વ હોય એવું નહોતું. જસલોક હૉસ્પિટલમાં જોડાયેલા અન્ય કેટલાક નિષ્ણાતોને પણ આ બાબતે રિસર્ચમાં રસ હતો એટલે ગયા વર્ષના ઑક્ટોબરથી એના પ્લાનિંગમાં લાગ્યા અને માર્ચ મહિનામાં જ પાઇલટ સ્ટડી લૉન્ચ થયો.’

સ્ટડીમાં શું થશે?

મ્યુઝિક અને ડાન્સ થેરપીના આ પાઇલટ અભ્યાસમાં લગભગ ૪૦ દરદીઓનો સમાવેશ કરવામાં આવશે. ડૉ. પરેશ દોશી કહે છે, ‘અમારો ઇરાદો ફર્સ્ટ અભ્યાસ ૩૦ દરદીઓ પર કરવાનો છે, પણ કદાચ આઠ-દસ લોકો અધવચ્ચેથી ડ્રૉપઆઉટ થઈ જાય તોય ૩૦ જણ તો મળે જ એ માટે અમે ૪૦નો આંકડો પસંદ કર્યો છે. આ દરદીઓને તેમને ગમતી થેરપી આપવામાં આવશે. હેતુ એ છે કે બ્રેઇનના પ્લેઝર સાથે સંકળાયેલા સેલ્સને સ્ટિમ્યુલેટ કરવા. કોઈને ડાન્સ ગમતો જ ન હોય અને તેને નચાવો તો એ કડવી દવાની મીઠી અસર ન જ થાય. દરેક દરદીની હૉબી અને લાઇકિંગને સમજીને એને આધારે તેમને પ્રવૃત્તિ કરાવવામાં આવશે. મ્યુઝિકમાં પણ બે ભાગ છે, ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવું અને ગાવું. દુનિયામાં કોઈ એવો માણસ નહીં હોય જેને મ્યુઝિક સાંભળવું ન ગમતું હોય, પરંતુ માત્ર સાંભળવાથી દરદીનું ઇન્વૉલ્વમેન્ટ એટલું ઊંડું નહીં થાય એટલે અમે કરાઓકે સિસ્ટમ સાથે ગવડાવવાનો પ્રયોગ કરવાના છીએ. મેડિટેશન પણ ન્યુરોલૉજિકલ કન્ડિશન્સમાં ફાયદાકારક બની શકે છે એટલે એક ગ્રુપને એ પણ કરાવીશું. આ દરેક ઍક્ટિવિટી માટે નિષ્ણાત વ્યક્તિઓ અમે પસંદ કરી છે જે ડૉક્ટર હોવાની સાથે ડાન્સ, મ્યુઝિક કે મેડિટેશનમાં એક્સપર્ટ હોય. દરદીને ગમતો હોય એવો ડાન્સ કરાવવાનો. ગરબા ગમતા હોય તો એ અને વેસ્ટર્ન કે કપલ ડાન્સ ગમતો હોય તો એ. જરૂર છે પ્લેઝર સાથે સંકળાયેલા બ્રેઇન સેલ્સ સ્ટિમ્યુલેટ થાય.’

આ પણ વાંચો : બાળકોમાં છુપાયેલી પ્રતિભાને પ્લૅટફૉર્મ પૂરું પાડવાનું કામ કર્યું છે આ બે સખીઓ એ

શું નોંધવામાં આવશે?

છ મહિનાના આ સઘન અભ્યાસ દરમ્યાન વિવિધ નિષ્ણાત થેરપિસ્ટો દ્વારા સેશન અપાશે અને વચ્ચે-વચ્ચે દરદીનાં લક્ષણોમાં આવતા ફરકને નોંધવામાં આવશે. છ મહિનાના અંતે પાર્કિન્સન્સ સાથે સંકળાયેલા ન્યુરોટ્રાન્સમીટર્સની ગતિવિધિ તપાસવામાં આવશે. ડૉ. પરેશ દોશી કહે છે, ‘આ અભ્યાસમાં ઘણાબધા આસ્પેક્ટ્સ મૉનિટર થશે. આ દરદીઓ ડિપ્રેશનમાં સરી પડતા હોય એવું બહુ બને છે એટલે આ થેરપીથી સાઇકોલૉજિકલ હેલ્થમાં કેટલો સુધારો થયો? ક્વૉલિટી ઑફ લાઇફમાં શું બદલાવ આવ્યો? લક્ષણોમાં શું ફરક આવ્યો? તેમના કૅરટેકર્સના બર્ડનમાં કેટલો ફરક પડ્યો? જેવી મલ્ટિપલ બાબતો તપાસવામાં આવશે. ’ 

અભ્યાસમાં જોડાવું હોય તો શું?

જ્યારે પાર્કિન્સન્સમાં પ્રોગ્રેશનને ધીમું પાડવું કે અટકાવવું એ જ સૌથી મોટો ગોલ છે ત્યારે મ્યુઝિક, ડાન્સ થેરપીના આ અભ્યાસમાં જો કોઈ દરદીએ જોડાવું હોય તો હજી પણ એમાં જોડાઈ શકાય એમ છે. અલબત્ત, અભ્યાસમાં જોડાવું હોય તો વીકમાં ત્રણ સેશન્સ લેવાની તૈયારી હોવી જોઈએ. બે વાર હૉસ્પિટલ પર ફિઝિકલ સેશનમાં જવું પડે અને એક ઑનલાઇન સેશન હશે. 

પાર્કિન્સન્સ ડિસીઝ શું છે?

મગજની સેન્ટ્રલ નર્વ્સ સિસ્ટમમાં ડોપમાઇન નામનાં ન્યુરોટ્રાન્સમીટર્સના સ્રાવમાં ગરબડ થવાને કારણે ખૂબ ઝડપથી સ્નાયુઓનું સંકોચન અને વિસ્તરણ થાય છે એને કારણે વ્યક્તિ ઇચ્છે તો પણ તેના હાથ-પગ જેવા અવયવો સ્થિર નથી રહી શકતા. ડોપમાઇનને કારણે મજ્જાતંતુઓની કામગીરી ખોરવાતી હોવાથી મગજથી શરીરના અન્ય અવયવો તરફ લાવવાના સંદેશાઓ પર મગજનો કાબૂ ઘટે છે. જ્યારે ડોપમાઇનમાં ૮૦ ટકા જેટલી ગરબડ થાય એ પછીથી પાર્કિન્સન્સનાં લક્ષણો દેખાવાનું શરૂ થાય. આ લક્ષણો ખૂબ જ ધીમી ગતિએ વધે છે. માત્ર હાથ-પગમાં કંપન આવે એ જ લક્ષણ નથી. દરેક વ્યક્તિએ લક્ષણોમાં વિવિધતા હોઈ શકે છે અને દરેક વ્યક્તિના રોગના પ્રોગ્રેશનની ગતિ પણ અલગ-અલગ હોય છે.

columnists health tips sejal patel life and style