10 April, 2023 02:50 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
જીવનશૈલી સંબંધિત રોગો, ઑટો ઇમ્યુન ડિસઑર્ડર હોય કે લાંબા ગાળાના રોગો હોય; આજના સમયના દરેક રોગ પહેલાં કરતાં વધુ જટિલ છે, કારણ કે એની સાથે આપણું દૈનિક સ્ટ્રેસ જોડાયેલું છે. વર્લ્ડ હોમિયોપથી દિવસ પર રોગોની આ જટિલતાને સમજીને એને જડથી દૂર કરવાનું કામ હોમિયોપથી કઈ રીતે કરી શકે છે એને ઊંડાણથી સમજીએ
હોમિયોપથી એક વિજ્ઞાન છે, જેની શરીર વિજ્ઞાનને જોવા-જાણવાની દૃષ્ટિ ઘણી જુદી છે. ઘણા એને ઑલ્ટરનેટિવ થેરપી તરીકે જુએ છે તો ઘણા આ પદ્ધતિ પર એટલો વિશ્વાસ ધરાવે છે કે તેમના માટે એનો બીજો કોઈ ઑલ્ટરનેટિવ નથી. હાલમાં જ દુનિયા કોવિડ પૅન્ડેમિકમાંથી પસાર થઈ, જેમાંથી બચવા માટે હોમિયોપથીએ લોકોની ઘણી મદદ કરી. કેમ્ફોરા, આર્સેનિક, બ્રાયોનિયા અને બેલાડોના જેવી હોમિયોપથીની દવાઓ લોકો લઈ શકે છે એવી સરકાર દ્વારા જ એની ભલામણ કરવામાં આવી હતી. આ દવાઓને કારણે કોરોનાનાં લક્ષણોને કાબૂમાં કરી શકાયાં હતાં અને જેને કોરોના નહોતો તેમને પણ એ રોગ સામે લડવાની શક્તિ મળી હતી. આજે વર્લ્ડ હોમિયોપથી દિવસ નિમિત્તે સમજવાની કોશિશ કરીએ કે હોમિયોપથી કઈ રીતે કામ કરે છે અને જાણીએ કે આજના સમયમાં આ વિજ્ઞાન આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે એમ છે.
ચાર સ્તર પર કામ
હોમિયોપથી કઈ રીતે કામ કરે છે એનો મૂળભૂત સિદ્ધાંત સમજાવતાં હોમિયોપૅથ ડૉ. રિશી વ્યાસ કહે છે, ‘હોમિયોપથીની દવાઓ શરીરમાં સાયકો-ન્યુરો-ઇમ્યુનો-એન્ડોક્રાઇનોલૉજિકલ લેવલ પર કામ કરતી હોય છે. એટલે કે માનસિક સ્તર પર, મગજના સ્તર પર, રોગપ્રતિકારક શક્તિ પર અને હૉર્મોનલ લેવલ પર એ કામ કરતી હોય છે. આ ચાર સ્તર પર જે પણ ડિસ્ટર્બન્સ સરજાય છે એને ઠીક કરવાનું કામ હોમિયોપથી કરે છે. દરેક રોગને આ ચાર સ્તર પર જ જોવામાં આવે છે. હોમિયોપથીની દવાઓ રોગ સામે લડતી નથી પરંતુ એ દવાઓ શરીરને એવું મજબૂત કરે છે કે શરીર ખુદ એ રોગ સામે લડી શકે છે. હોમિયોપથી માને છે કે માનવ શરીર પોતાના પ્રૉબ્લેમ્સ જાતે દૂર કરવાની ક્ષમતા ધરાવે છે અને એક હોમિયોપૅથ એ ક્ષમતાને વધારવાનું કામ કરે છે.’
દરેક દરદી અલગ
મૉડર્ન મેડિસિન કે ઍલોપથીના ઇલાજમાં મૂળ એ હતું કે એ ઇલાજ લક્ષણો પર કામ કરે છે. તાવ આવે તો પૅરાસિટામોલ દવા બનાવવામાં આવી, જે મદદરૂપ થઈ શકે. આ દવા લગભગ દરેક વ્યક્તિને તાવમાં મદદરૂપ થાય જ છે. પરંતુ શું આવું દરેક રોગમાં શક્ય છે? જે રીતે મૉડર્ન મેડિસિન ઍડ્વાન્સ થતી ગઈ, એ સમજાયું કે દરેક દવા દરેક વ્યક્તિ પર સરખી અસર કરતી નથી. એટલે આજે કીમોથેરપીમાં કૅન્સરનો ઇલાજ કરતી વખતે સૌથી મહત્ત્વનું એ હોય છે કે દરદી માટે ડૉક્ટર કયા કીમોની પસંદગી કરે છે; કારણ કે દરેક દરદીને જુદી-જુદી કીમો, જુદી-જુદી રીતે આપવી જરૂરી બને છે. ડૉક્ટર્સ કે વૈજ્ઞાનિકોને પૂછીએ કે મૉડર્ન મેડિસિન કે ઍલોપથી દવાઓનું ભવિષ્ય શું છે? તો જવાબ મળે છે કસ્ટમાઇઝ્ડ મેડિસિન. દરેક શરીર અલગ છે અને એની પર દવાઓની અસર પણ અલગ થતી હોય છે. આ સાયન્સ હોમિયોપથી વર્ષોથી સમજે છે. એટલા માટે જ દરેક દરદીની પોતાની રેમેડી હોય છે. એક જ રેમેડી દરેક વ્યક્તિ પર એકસરખી રીતે કામ નથી કરતી.
દરેક સ્તર પર અસર એ વિશે વાત કરતાં ધ અધર
સૉન્ગ-ઇન્ટરનૅશનલ ઍકૅડેમી ઑફ ઍડ્વાન્સ હોમિયોપથીનાં ડીન ડૉ. મેઘના શાહ કહે છે, ‘મોટા ભાગે ઘરોમાં ફૅમિલી ડૉક્ટરને મહત્ત્વ એટલા માટે આપવામાં આવે છે, કારણ કે લોકોને લાગે છે કે તેમને અમારી હિસ્ટરી અને પ્રકૃતિ બંને વિશે ખ્યાલ છે એટલે એ અમારો ઇલાજ સારો કરી શકે છે. હોમિયોપથીમાં પણ દરેક વ્યક્તિને પૂરી રીતે જાણવી અત્યંત મહત્ત્વનું છે. વ્યક્તિને જાણ્યા બાદ જ એક હોમિયોપૅથ એને કઈ રેમેડી માફક આવશે એ સમજીને પસંદ કરે છે અને બીજો મહત્ત્વનો સિદ્ધાંત એ છે કે હોમિયોપથીમાં સંપૂર્ણ શરીર એક જ છે. જેમ કે કોઈ દરદીને ઘૂંટણમાં દુખાવો હોય તો કોઈ દવા ખાવાથી એ મટી જાય એટલું પૂરતું નથી, એ દુખવા પાછળ ઘણાં કારણો હોય છે અને આ તકલીફ શરીરના જુદા-જુદા સ્તર પર અસર કરતી હોય છે. એ સ્તરો પર રેમેડી કામ કરે છે અને એને જડથી દૂર કરે છે.’
આ પણ વાંચો : મારો એ પહેલો મોબાઇલ...
જટિલતાને સમજી શકે
આજના સમયમાં આ સિસ્ટમ કઈ રીતે ઉપયોગી સાબિત થઈ શકે? આ પ્રશ્નના જવાબમાં ડૉ. મેઘના શાહ કહે છે, ‘આજના સમયના રોગો વધુ ને વધુ કૉમ્પ્લેક્સ બનતા જાય છે. જન્મજાત આવતા રોગો, ખૂબ નાની ઉંમરથી કૅન્સર, રૂમેટૉઇડ આર્થ્રાઇટિસ, ડાયાબિટીઝ કે એન્ડોક્રાઇન કન્ડિશન વગેરે થોડાં વર્ષો પહેલાં આટલા પ્રમાણમાં વ્યાપક નહોતા. આજના સમયમાં નાનીથી લઈને મોટી બીમારી પાછળ એમનું સ્ટ્રેસ લેવલ કે માનસિક સ્તર પર આવેલું કોઈ અસંતુલન પણ એટલું જ જવાબદાર હોય છે. જે કોઈ પણ રોગને વધુ કૉમ્પ્લેક્સ બનાવે છે. આ જટિલતા હોમિયોપથી સમજી શકે છે અને દરેક સ્તર પર એકસાથે કામ કરીને એક સંપૂર્ણ રિઝલ્ટ આપી શકે છે. જેમ કે જો તમને ડાયાબિટીઝ છે અને તમે ફક્ત પૅન્ક્રિયાસ પર જ કામ કરો કે શરીરના શુગરના બૅલૅન્સ પર જ કામ કરો તો એટલું પૂરતું નથી. એ રોગના મૂળ સુધી પહોંચવું અને એને ત્યાંથી ઠીક કરવું જરૂરી છે, જે હોમિયોપથી કરી શકે છે.’
એક એવી માન્યતા પણ છે કે હોમિયોપથી લાંબા ગાળાના ગંભીર રોગો પર કામ નથી કરતી, જેમ કે કૅન્સર. પણ એ વાત મિથ્યા છે એમ સમજાવતાં કૅન્સરના ઇલાજ માટે ઘણા જાણીતા સિનિયર હોમિયોપૅથ ડૉ. સુજિત ચૅટરજી કહે છે, ‘કૅન્સર જેવા રોગોનો ઘણો સારો ઇલાજ હોમિયોપથી પાસે છે. પહેલા અને બીજા સ્તરના કૅન્સરને સંપૂર્ણ રીતે હોમિયોપથી દ્વારા ક્યૉર કરી શકાય છે. જો ઍડ્વાન્સ સ્ટેજનું કૅન્સર હોય તો પણ હોમિયોપથી ઘણી મદદરૂપ થતી હોય છે. જો તમે કૅન્સરનો ઍલોપૅથિક ઇલાજ કરતા હો તો એની સાથે હોમિયોપથી પણ સામેલ કરો તો એ બંને મળીને પણ ઘણું સારું રિઝલ્ટ આપે છે, કારણ કે કીમોથેરપીની આડઅસરોને હોમિયોપથી રેમેડી દ્વારા ઘટાડી શકાય છે. કીમોથેરપી દ્વારા જે રોગપ્રતિકારક શક્તિ ખતમ થઈ જાય છે એને હોમિયોપથી દ્વારા ફરી બેઠી કરી શકાય છે. આમ દરેક રોગનો સંપૂર્ણ ઇલાજ હોમિયોપથી કરી શકે છે.’
હોમિયોપથી સંબંધિત કેટલીક માન્યતાઓ
૧. હોમિયોપથી ફક્ત એક પ્લેસીબો છે.
જવાબ : દુનિયામાં કેટલાક લોકો માને છે કે આ ઝીણી નાની ગોળીઓ ફક્ત મનને બહેલાવવા માટે છે કે એ આપણને ઠીક કરે છે આમ એ પ્લેસીબો માત્ર છે. એની સામે દુનિયામાં લાખો લોકો એવા છે જે આ સાયન્સને અજમાવી ચૂક્યા છે અને એનાં પરિણામો જાણે છે. આ માન્યતામાં વિશ્વાસ કરતાં પહેલાં ખુદ એક વાર હોમિયોપથી અજમાવી જુઓ એ જ યોગ્ય રહેશે.
૨. હોમિયોપથીની અસર ઘણી ધીમી થાય
જવાબ : ઘણા લોકો માને છે કે હોમિયોપથી અકસીર તો છે પણ એમાં વાર લાગે છે. મહિનાઓ નીકળી જાય ઠીક થતાં. હકીકતે એવું નથી. રોગની જટિલતા પર ઇલાજ નિર્ભર કરે છે, પરંતુ હોમિયોપથી દ્વારા ઠીક થતાં વાર લાગે એવું નથી. ઘણી પરિસ્થિતિઓમાં એનાથી ઝડપી અસર શક્ય હોતી નથી. જેમ દરેક વ્યક્તિદીઠ રેમેડી જુદી હોય એમ દરેક પરિસ્થિતિદીઠ એની અસરની ઝડપ નક્કી થઈ શકે.
૩. હોમિયોપથી સારવાર લેતા હોય ત્યારે ઍલોપથી ન લેવાય
જવાબ : એક સમય હતો જ્યારે બે પ્રકારના વિજ્ઞાનને સાથે ભેગા કરીને ઇલાજ કરવામાં લોકો માનતા નહીં, પરંતુ હવે એવું નથી રહ્યું. બે વિજ્ઞાન સાથે મળીને ઘણી વાર ખૂબ સારાં પરિણામ લાવી શકે છે. આજકાલ દરેક ડૉક્ટર પછી એ હોમિયોપૅથ હોય કે ઍલોપૅથિક હોય કે આયુર્વેદિક, પોતે જે પ્રૅક્ટિસ કરે છે એના સિવાયના બીજા વિજ્ઞાનની કદર કરતા થયા છે. એટલે બંને વિજ્ઞાનને સાથે કામે લગાડી શકાય છે. બસ, ડૉક્ટરને એની જાણ કરવી જરૂરી છે કે તમે કઈ દવાઓ લો છો.
તમને ડાયાબિટીઝ છે અને તમે ફક્ત પૅન્ક્રિયાસ પર જ કામ કરો કે શરીરના શુગરના બૅલૅન્સ પર જ કામ કરો તો એટલું પૂરતું નથી. એ રોગના મૂળ સુધી પહોંચવું અને એને ત્યાંથી ઠીક કરવું જરૂરી છે, જે હોમિયોપથી કરી શકે છે. - ડૉ. મેઘના શાહ