07 April, 2023 05:44 PM IST | Mumbai | Jigisha Jain
ચિરાગ સેજપાલ
વર્લ્ડ હેલ્થ ડે : યુવાનો બધા જન્ક ફૂડના રવાડે ચડી ગયા છે, બેઠાડુ જીવન જીવે છે, એક્સરસાઇઝ કરવાના આળસુ છે અને સ્મોકિંગ કે ડ્રિન્કિંગ જેવી લતના રવાડે ચડીને શરીરને બગાડી રહ્યા છે એવી છાપ જો તમારા મનમાં હોય તો મળો આ યુવાનોને. પ્લેસ્કૂલથી ન્યુટ્રિશનના પાઠ ભણનારી આજની પેઢી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે ઘણી જાગરૂક છે. આ પ્રેરણાદાયી પેઢી સાથે મેળવે છે જિગીષા જૈન
ઘરનું બનાવેલું ખાવાનું છે બેસ્ટ : ફ્રેયા શાહ
પાલક તેને ભાવતી નથી છતાં એ હોંશે-હોંશે ખાય છે, કારણ કે ૯ વર્ષની નાનકડી ફ્રેયા જાણે છે કે પાલકમાંથી મળતું આયર્ન શરીર માટે કેટલું જરૂરી છે. નાનપણથી ઘરનું જ ખાવાનું ખાતી આવેલી ફ્રેયા તેની જનરેશનની ઉદાહરણ આપી શકાય એવી છોકરી છે, કારણ કે જ્યાં બીજા છોકરાઓ જમવામાં પાણીપૂરી કે પીત્ઝાની ડિમાન્ડ કરતા હોય છે ત્યાં ફ્રેયા પૂછતી હોય છે કે ખીચડી નથી બનાવી? બપોરે જમવામાં રોટલી, શાક, સૅલડ સાથે બાફેલી સાવ ઓછા મસાલાની દાળ એનાં ફેવરિટ છે. જમવામાં આ પ્રકારનું દેશી ખાવાનું જ તેને ભાવે છે. પોતાની દીકરી વિશે વાત કરતાં તેનાં મમ્મી કવિતા શાહ કહે છે, ‘ફ્રેયાને મેં પાંચ વર્ષની ઉંમર સુધી બહારનું ખાવાનું ખવડાવ્યું જ નથી. છતાંય જવું જ પડે તો ભાગ્યે જ ખાવાનું અને એ પણ રોટલી-શાક કે પછી ઢોસા-ઇડલી, જન્ક નહીં જ. એટલે તેનો આવો ટેસ્ટ ડેવલપ થયો જ નથી. આજે જ્યારે બહાર ખાવાની ચૉઇસ પણ હોય તો તેને એ ખાવાનું મન જ નથી થતું.’ ફ્રેયા બર્થ-ડે પાર્ટીમાં જાય તો ઘરેથી કંઈક ખાઈને જ જાય છે, કારણ કે ત્યાં તે પાંઉભાજી હોય કે પીત્ઝા; કશું જ ખાતી નથી. ફોર્સ કરો તો ૨-૩ બાઇટ ખાય અને પછી ઘરે આવીને જ જમે. તેના ફ્રેન્ડ્સ તેને કશું કહેતા નથી? આ વાતનો જવાબ આપતાં કવિતા શાહ કહે છે, ‘હમણાં થોડા દિવસ પહેલાં તે ખૂબ દુખી હતી. તેના બધા ફ્રેન્ડ્સ તેને ચીડવી રહ્યા હતા કે કેમ તું ટિફિનમાં હંમેશાં હેલ્ધી જ લાવે છે. મેં તેને કહ્યું કે સારું, કાલે તને જન્ક આપીશ. બીજા દિવસે એ આખો ડબ્બો એમનેમ પાછો આવ્યો. ફ્રેયાએ એમાંથી કશું જ ખાધું નહોતું. એ દિવસે તેણે જ સમજીને મને કહ્યું, મમ્મી, તું તો મને હેલ્ધી જ આપ. હું આમાંથી કંઈ ખાઈ નહીં શકું.’ પોતાના મનની વાત જણાવતાં કવિતા શાહ કહે છે, ‘ક્યારેક મને એવું લાગે છે કે તેને બહારના કે જન્ક ફૂડથી સાવ પરે રાખીને મેં કંઈ ખોટું તો નથી કર્યું. થોડું ખાઈ પણ લે તો ચાલે. પણ પછી જ્યારે બધાં બાળકો માંદાં પડતાં હોય પણ ફ્રેયા એકદમ સ્વસ્થ હોય ત્યારે મને લાગે છે કે મેં સાચું જ કર્યું છે.’
લોકોને સ્મોકિંગ કરતા અટકાવવા એ મને મારું કર્તવ્ય લાગે છે : અનુજ દેસાઈ
૧૪ વર્ષની નાની ઉંમરે પોતાના પિતાને સ્મોકિંગ કરતા જોઈને રડી પડેલા અનુજે પપ્પાને કહ્યું હતું નો સ્મોકિંગ પાપા, નો સ્મોકિંગ બિકૉઝ આઇ લવ યુ. બાળકની આ હાલત જોઈને તેના પપ્પાએ એ જ ક્ષણે સિગારેટ છોડી દીધી. પણ ત્યાંથી વાત અટકી નહીં. નાનકડા અનુજે વિચાર્યું કે મારી જેમ બીજાં બાળકોના પિતાને પણ સ્મોકિંગ છોડાવવું જરૂરી છે. પણ એના માટે કરવું શું? અનુજને લાગ્યું કે પપ્પાઓને જાગૃત કરવા કરતાં બાળકોને આ બાબતે જાગૃત કરવાં જોઈએ જે તેની જેમ પોતાના પપ્પાની સિગારેટની આદત છોડાવવા સક્ષમ બનશે. ૨૬૦ વિદ્યાર્થીઓએ તમાકુ અને કૅન્સરની જાગૃતિ માટે રાખાયેલી ડ્રોઇંગ કૉમ્પિટિશનમાં ભાગ લીધો હતો. અનુજે વિચાર્યું કે જન-જન સુધી આ સંદેશ પહોંચાડવા માટે એક ગીત બનવું જોઈએ. એ વિશે વાત કરતાં અનુજે કહ્યું કે હું એ સમયે માંડ ૧૬ વર્ષનો હતો પણ હું જે કરવા માગતો હતો એ વાત ગાયક શાનને હૃદયસ્પર્શી લાગી, જેને કારણે તેણે ફ્રીમાં અમારા માટે ‘નો સ્મોકિંગ પાપા’ એક ગીત રેકૉર્ડ કર્યું. આ ગીતને અમે યુટ્યુબ દ્વારા લોકો સુધી પહોંચાડ્યું. અનુજે લગભગ ૧૪થી લઈને ૧૮ વર્ષ સુધીના ચાર વર્ષ નો સ્મોકિંગ પાપા કૅમ્પેન ચલાવ્યું. પોતે એક યુટ્યુબર બન્યો અને લોકો સુધી જુદા-જુદા વિડિયોઝના માધ્યમથી સ્મોકિંગ ન કરવું જોઈએ એવો સંદેશ તેણે ફેલાવ્યો. એ વિશે વાત કરતાં અનુજ કહે છે, ‘મેં જોયું કે મીડિયાના માધ્યમથી આપણે જરૂરી સંદેશ ખૂબ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. એટલે જ મેં ફિલ્મમેકિંગ માટે સિનેમૅટોગ્રાફી શીખવાની ઇચ્છા રાખી. હું ભવિષ્યમાં મારા આ કૅમ્પેનને ફિલ્મો દ્વારા વધુ સ્ટ્રૉન્ગ કરી આગળ લઈ જઈશ. હાલમાં ૨૨ વર્ષની ઉંમરે હું તો આ કુટેવથી દૂર જ છું પણ લોકો સમજે કે સ્મોકિંગથી દૂર રહેવું ખૂબ જરૂરી છે એ મારા જીવનની પ્રાથમિકતા બની ગઈ છે. એટલે આ દિશામાં હું કાર્યરત રહેવા માગું છું.’
ફેડ ડાયટ્સ નહીં, હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવી લીધી છે : ધ્વનિ શાહ
જીવન અને હેલ્થ બંનેનું મૂલ્ય કોરોનાએ ઘણા લોકોને સમજાવ્યું છે અને મુલુંડમાં રહેતી ૨૧ વર્ષની ધ્વનિ શાહ એમાંની એક છે. પહેલાં બહારનું ખાધા વગર જેને ચાલતું નહોતું તે એકદમ જ હેલ્થ માટે વિચારવા લાગી અને તેણે પોતાની ફૂડ ચૉઇસિસ એકદમ હેલ્ધી કરી દીધી. આમ તો એક ગુજરાતી ઘરમાં ઊછરેલી ધ્વનિની ફૂડ ચૉઇસિસ દેશી ઘણી હતી અને ઘરના નિયમ પ્રમાણે સવારનો હેવી નાસ્તો કર્યા વગર ઘરેથી નીકળતી નથી. એ નાસ્તામાં પણ નાચણી કે જવારના રોટલા જ હોય છે. કોશિશ હંમેશાં એવી કે ઘરનાં બનેલાં ફરસાણ જ ખવાય. પણ કોરોનાએ જે કમાલ કરી એ વિશે વાત કરતાં ધ્વની કહે છે, ‘પહેલાં કરતાં હું શાકભાજી, ફળો અને પ્રોટીન વધુ ખાવા લાગી. હું સમજી કે રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રૉન્ગ કરવી ખૂબ જરૂરી છે. હોમ રેમેડીઝ વિશે મેં ઘણું નૉલેજ ભેગું કર્યું. હવે કંઈ પણ થાય તો દવા વિશે નથી વિચારતી. પહેલાં રસોડામાં ઘરગથ્થુ ઉપચાર જ ટ્રાય કરું છું.’ વજન ઉતારવા માટે આ કે તે ડાયટ હું નથી અપનાવતી એમ જણાવતાં ધ્વનિ કહે છે, ‘આજે પ્રોટીન વધુ ખાવાનું અને કાલે શાકભાજી વધુ ખાવાનાં એમ નથી હોતું. હું જાણું છું કે સારી હેલ્થ બૅલૅન્સ્ડ ડાયટથી જ મળે છે. એટલે ફેડ ડાયટ્સના રવાડે હું ચડતી નથી. ઊલટું મારા ફ્રેન્ડ્સ પણ મને જોઈને પ્રેરણા લે છે.’
છેલ્લાં ૬ વર્ષથી દરરોજ નિયમિત યોગ કરું છું : ચિરાગ સેજપાલ
૧૬ વર્ષની ઉંમરે જ્યારે બીજા ટીનેજરની જેમ ચિરાગને લાગ્યું કે તેને જિમ જૉઇન કરવું છે ત્યારે તેના પપ્પાએ કહ્યું કે જિમ માટે તું ઘણો નાનો છે. ફિઝિકલ ઍક્ટિવિટી કરવી જ હોય તો તારે યોગ શીખવા જોઈએ અને ચિરાગને સાંતાક્રુઝની ધ યોગ ઇન્સ્ટિટ્યૂટમાં એક કોર્સ કરવા મુક્યો. યોગ એને ગમશે કે નહીં કે કરવા જોઈએ કે નહીં એ બધાં જ કન્ફ્યુઝન એક કોર્સે મિટાવી દીધા અને એક પછી એક અઢળક કોર્સ કરીને આજે ૨૨ વર્ષની યુવાન વયે ચિરાગે યોગને પોતાના જીવનનું મહત્ત્વનું અંગ બનાવી દીધું છે.
ઘણા યુવાનોને જિમ કૂલ અને યોગ બોરિંગ લાગે છે તો તને એવું ન થયું? એનો પ્રત્યુત્તર આપતાં ચિરાગ કહે છે, ‘૧૬ વર્ષની ઉંમરે મને પણ એવું જ લાગેલું પણ અમારાં ગુરુ હંસામા કહે છે કે જ્યાં સુધી તમે કોઈ વસ્તુનો ખુદ અનુભવ નથી કરતા ત્યાં સુધી તમે કોઈ નિર્ણય પર ન પહોંચો. અનુભવ પછી મને લાગે છે કે યોગ વગર મારું જીવન નિરર્થક છે. યોગ જ નહીં, હું ધ્યાન પણ કરું છું. જો જિમ જતો હોત તો કદાચ મસલ્સ બની જાત પરંતુ શરીર, મન અને આત્માનું કલ્યાણ ન થાત. હું અત્યારે ફક્ત શરીરથી જ નહીં, મનથી પણ સ્વસ્થ છું.’
છેલ્લાં છ વર્ષથી એક પણ દિવસ એવો નથી જ્યારે ચિરાગે યોગ ન કર્યા હોય. એક પણ દિવસ યોગ પ્રૅક્ટિસ વગર ન નીકળે એવી ડિસિપ્લિન કઈ રીતે અચીવ કરવી એ બાબતે વાત કરતાં ચિરાગ કહે છે, ‘૨૪ કલાક બધાને સરખા ભાગે મળે છે. કોઈ એમાંથી સમય કાઢી શકે છે, કોઈ નહીં. મને લાગે છે કે જો તમારી પ્રાથમિકતા સ્વાસ્થ્ય હોય તો ચોક્કસ એ થાય. હું એટલે જ એ કરી શકું છું, કારણ કે મારું સ્વાસ્થ્ય અને મારી યોગસાધના મારી પ્રાથમિકતા છે.’