02 September, 2024 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નારિયેળી એક એવું વૃક્ષ છે જેનાં પાંદડાંથી લઈને મૂળ, ફળમાંના પાણીથી લઈને મલાઈ-કોપરું અને કાચલી સુધ્ધાં આપણને ઉપયોગી થાય છે. જો કોપરું શાકાહારી પ્રોટીન અને ઉત્તમ પ્રકારની ચરબીનો ભંડાર છે તો નારિયેળનું પાણી મિનરલ્સ, વિટામિન્સ અને ખાસ તો નર્વ સિસ્ટમને ટકાટક રાખે એવાં ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર છે. આજે વર્લ્ડ કોકોનટ ડે છે ત્યારે જાણીએ આપણા આહારમાં કઈ રીતે નારિયેળ કે કોપરાનો સમાવેશ કરીએ તો ઇચ્છિત સ્વાસ્થ્ય મળી શકે
ભારતનાં ૨૦ રાજ્યોમાં નારિયેળનું ઉત્પાદન થાય છે ત્યારે વૈશ્વિક સ્તરે ભારત ઇન્ડોનેશિયા અને ફિલિપીન્સ બાદ ત્રીજ ક્રમાંકે આવે છે. આપણા દેશમાં સ્વાસ્થ્ય અને સંસ્કૃતિમાં નારિયેળનો સિંહફાળો રહ્યો છે. જોકે એનર્જીનો ઇન્સ્ટન્ટ સોર્સ ગણાતા આ નારિયેળના ફાયદા અપરંપાર છે. એ વિશે નાયર અને ગ્લોબલ જેવી હૉસ્પિટલમાં કામ કરી ચૂકેલાં મુલુંડનાં ડાયટિશ્યન સલોની ભટ્ટ કોરડિયા કહે છે, ‘નારિયેળપાણીમાં વિટામિન્સ અને મિનરલ્સની સાથે ભરપૂર પ્રમાણમાં પોટૅશિયમ હોય છે. એમાં કાર્બોહાઇડ્રેટ્સ, સોડિયમ, પ્રોટીન, આયર્ન અને વિટામિન C અને E પણ મળી રહે છે. ડાયાબિટીઝ અને હૃદયરોગીઓ માટે નારિયેળપાણીનું સેવન ગુણકારી હોય છે. બ્લડ-પ્રેશરના રોગીઓમાં સોડિયમના પ્રમાણને ઘટાડવા માટે પોટૅશિયમ મદદ કરે છે તેથી તેમને નારિયેળપાણી પીવાની સલાહ અપાય છે. એ સોડિયમને યુરિન વાટે બહાર કાઢે છે અને રક્તપ્રવાહને કન્ટ્રોલમાં રાખે છે. જે લોકોને બ્લડ-પ્રેશરની સાથે ડાયાબિટીઝ પણ હોય તો તેમણે મલાઈવાળું નારિયેળપાણી પીવું જોઈએ જે બન્ને રોગને બૅલૅન્સ રાખશે. જે લોકો સ્નાયુમાં ખેંચાણ કે મસલ્સ ક્રૅમ્પ્સ અનુભવે એ લોકો માટે નારિયેળપાણી નૅચરલ ઇલેક્ટ્રોલાઇટ છે. જિમમાં જતા લોકોએ વર્કઆઉટ બાદ માર્કેટમાં મળતી આર્ટિફિશ્યલ ઇલેક્ટ્રોલાઇટ બૅલૅન્સ કરતી પ્રોડક્ટ્સ કન્ઝ્યુમ કરવા કરતાં નારિયેળપાણીમાંથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે અને એ ઇલેક્ટ્રોલાઇટનું કામ કરે છે. એ ડીહાઇડ્રેશનની સમસ્યાને પણ દૂર કરે છે. આજકાલ લોકો શુગરના વપરાશ પ્રત્યે બહુ કૉન્શિયસ થઈ ગયા છે તો લીંબુપાણીના નૅચરલ વિકલ્પ તરીકે નારિયેળપાણી પી શકાય, કારણ કે એમાંથી શરીરને સોડિયમ, પોટૅશિયમ, સેલિનિયમ જેવાં વિટામિન્સ, મિનરલ્સ અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ મળી જાય છે, જે શરીરને જોઈતું પોષણ પૂરું પાડે છે. એક ગ્લાસ નારિયેળપાણીમાં કૅલરીનું પ્રમાણ અઢળક હોય છે, જે હાર્ટબર્નની સમસ્યામાં પણ ફાયદાકારક છે.’
પેટ ભરેલું રાખે
ડાયયિશ્યન ક્ષેત્રે નવ વર્ષનો અનુભવ ધરાવતી સલોની વધુમાં ઉમેરે છે, ‘નારિયેળપાણીની સાથે લીલું કોપરું પણ ગુણોથી ભરપૂર છે. દક્ષિણ ભારતના લોકો તેમના આહારમાં નારિયેળનો સૌથી વધુ ઉપયોગ કરે છે. સામાન્યપણે આપણે એનો સૌથી વધુ ઉપયોગ ચટણી બનાવવામાં કરીએ છીએ. ફ્રેશ કોકોનટમાં MCT (મીડિયમ ચેઇન ટ્રાયગ્લિસરાઇડ) ફૅટ હોય છે જે શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરે છે, જેની શરીરને તાત્કાલિક જરૂર હોય છે. જે લોકોને પેટ સંબંધિત સમસ્યા હોય તેમને કોપરું ખાવાથી કોઈ તકલીફ થશે નહીં. કોઈ પણ વ્યક્તિ કોપરું, કોકોનટ ઑઇલ અને નારિયેળપાણી ખાઈપી શકે છે. એ કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડતાં નથી. કોપરાના નાના ટુકડાને એક ચમચી ગોળ સાથે ખાવામાં આવે તો એનાથી શુગર ક્રેવિંગ તો ખતમ થશે, પણ વારેઘડીએ લાગતી ભૂખને રોકે છે. ગોળમાં કાર્બોહાઇડ્રેટ હોય છે અને કોપરામાં ગુડ ફૅટ હોય છે અને એના સેવનથી પેટ ભરાય છે. આ દિવસમાં એક જ વાર ગમે ત્યારે લઈ શકાય છે. આ ઉપરાંત કૉલેસ્ટરોલના દરદીઓ માટે સૂકું કોપરું ગુણકારી હોય છે. એનું સેવન કૉલેસ્ટરોલ લેવલને નિયંત્રણમાં રાખે છે.’
કોકોનટની કમાલ
કોકોનટમાંથી મળતો વિટામિન્સનો ખજાનો અનેક રીતે ફાયદાકારક છે એમ જણાવતાં સલોની કહે છે, ‘સૂકા કોપરામાં કોકોઆ પાઉડર અને ખજૂર મિક્સ કરીને એના નાના લાડુ બનાવી લો અને બહાર જતી વખતે હેલ્ધી ખાવાનું મન થાય તો આ એક લાડુ તમારું પેટ ભરી દેશે. ચાર કલાક સુધી તમને ભૂખ લાગશે નહીં. આપણે વેજિટેરિયન્સ લોકોની ફરિયાદ હોય છે કે પેટ નથી ભરાતું અને તેને કારણે કાર્બ્સ અને જન્ક ફૂડ વધુ પ્રમાણમાં ખાઈએ છીએ. આજકાલ લોકો અવાકાડો પાછળ ભાગે છે, પણ એ વિદેશી ચીજ મધ્યમ વર્ગીય પરિવારો માટે પરવડે એવી નથી. એના બદલે ભારતીય ડાયટમાં એનો શ્રેષ્ઠ વિકલ્પ છે કોપરું. જો અલગથી કોપરું પસંદ ન હોય તો એની વાનગીઓ ખાવા કરતાં શાક, દાળ, સૂકી ભેળ કે ચટણી ઉપર ભભરાવી દેવું જેથી કોપરાના ગુણો પણ મળી જાય. પ્રસૂતિ પછી મહિલાઓને અને અન્ય દરદીઓને ઑપરેશન પછી ફાસ્ટ બ્રેક કરવા માટે સૌથી પહેલાં નારિયેળપાણી આપવામાં આવે છે.’
કલ્પવૃક્ષ કેમ?
વર્ષોથી નારિયેળને આપણે ત્યાં કલ્પવૃક્ષ કહેવામાં આવ્યું છે. આયુર્વેદિક ક્ષેત્રે ચાર દાયકાથી પણ વધુનો અનુભવ ધરાવતા વૈદ્ય પ્રબોધ ગોસ્વામી આની પાછળની સમજ આપતાં કહે છે, ‘આમ તો ઘણાં વૃક્ષને કલ્પવૃક્ષ કહેવાય છે. લોકોના જીવનમાં એનું દરેક અંગ એટલે કે ફળ, પાંદડાં, થડ અને મૂળ બધું જ ઉપયોગમાં આવતું હોઈ એને કલ્પવૃક્ષ કહેવાય છે. જ્યારે પ્લાસ્ટિક અસ્તિત્વમાં નહોતું ત્યારે નારિયેળના થડમાંથી દોરડાં બનાવાતાં હતાં અને આજેય એનો ઉપયોગ થાય છે. રોજિંદા જીવનમાં વપરાતી સાવરણી એટલે કે ઝાડુ પણ નારિયેળના વૃક્ષમાંથી જ બને છે. આમ વૃક્ષનાં તમામ અંગોનો ઉપયોગ થતો હોય એવું નારિયેળીનું ઝાડ કલ્પવૃક્ષ કહેવાય છે.’
ઔષધિય ગુણોથી ભરપૂર
મૂળ જૂનાગઢના વતની અને આયુર્વેદાચાર્ય વૈદ્ય પ્રબોધભાઈ કહે છે, ‘નારિયેળ શરીરની સપ્ત ધાતુઓ (રસ, રક્ત, મળ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર)ને પોષણ આપે છે. પાંચ દિવસના બાળકથી લઈને ૯૦ વર્ષના વડીલ નારિયેળનું સેવન કરી શકે છે. નારિયેળની પ્રકૃતિ ઠંડી હોય છે. એ શરીરને શીતળતા પ્રદાન કરે છે. લીલું નારિયેળ નૅચરલી શ્રેષ્ઠ પીણું માનવામાં આવે છે. આર્ટિફિશ્યલ અને કેમિકલયુક્ત પીણા પીવા કરતાં નારિયેળપાણી પીવું સૌથી સારું માનવામાં આવે છે. એના ઔષધિય ગુણોની વાત કરીએ તો આયુર્વેદિક દૃષ્ટિએ નારિયેળનું પાણી ઉત્તમ શીતળ માનવામાં આવે છે, જે લોહીના પ્રવાહને નિયમિત બનાવે છે. કોઈને યુરિન સંબંધિત સમસ્યાઓ હોય તેમના માટે પણ આ પાણીનું સેવન કારગર માનવામાં આવે છે. ઝીણી-મોટી પથરી હોય એવા લોકોને પણ નારિયેળપાણી પીવાની સલાહ અપાય છે. શરીરની અંદર ઍસિડનું લેવલ ઓછું કરવામાં પણ એ મદદરૂપ છે. હાઇપરઍસિડિટીની તકલીફ થાય તો બીજી દવાઓ લેવા કરતાં નારિયેળપાણી પીવામાં આવે તો તાત્કાલિક રાહત મળશે, કારણ કે નારિયેળપાણીમાં પિત્તશામક ગુણો હોય છે. આ તો થઈ નારિયેળપાણીની વાત. લીલા કોપરાને ઉત્તમ પોષક માનવામાં આવે છે. શરીરની શક્તિ વધારવા તથા આયુર્વેદિક ભાષામાં કહીએ તો બૃહણ એટલે કે પોષણ વધારવા માટે લીલું કોપરું ખાવાની સલાહ અપાય છે. પ્રસૂતિ પછી મહિલાઓને લીલું અને સૂકું કોપરું ખાવાની ભલામણ કરાય છે જેથી બાળકને પૂરતું દૂધ અને પોષણ મળી રહે. ક્ષીણ થયેલી વ્યક્તિ હોય તેને વજન વધારવા માટે પણ કોપરું બેસ્ટ માનવામાં આવે છે. બાળકોના વિકાસ માટે પણ નારિયેળ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.’
સ્કિન અને હેરને રાખે હેલ્ધી
ત્વચા સંબંધિત રોગ અને વાળની સમસ્યાઓ માટે પણ નારિયેળને સર્વોત્તમ ઔષધિ માનવામાં આવે છે. શિયાળાની ઋતુમાં નારિયેળના તેલથી માલિશ કરવાથી ચામડી માટે એ નૅચરલ મૉઇશ્ચરાઇઝરનું કામ કરે છે. ડ્રાય સ્કિનથી છુટકારો મેળવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. કોઈને ખંજવાળ આવતી હોય, છાશવારે ચીરા પડતા હોય, વાઢિયા થતા હોય, શરીરમાં વારંવાર ઇન્ફેક્શન થતું હોય, કોઈ જંતુ કરડી જવાથી સોજા આવતા હોય તો નારિયેળ તેલમાં થોડું ભીમસેન કપૂર મિક્સ કરીને માલિશ કરવામાં આવે તો ફાયદો થશે. એ જ રીતે વાળ માટે નારિયેળનું સેવન અને તેલનો મસાજ ગુણકારી છે.
ખાઓ મગર ધ્યાન સે
ડાયાબિટીઝના દરદીઓને સામાન્યપણે ગળપણ પચવામાં મુશ્કેલી થાય છે તેથી કોપરાનું અતિરિક્ત સેવન બ્લડ-શુગર લેવલને વધારી શકે. દરેક વ્યક્તિની પ્રકૃતિ પ્રમાણે એના સેવનનું પ્રમાણ નિર્ભર કરે છે.
ગોળ અને કોપરું સાથે ખાવાથી શુગર સ્પાઇક ઓછું થાય છે અને ડાયાબિટીઝના દરદીઓ અડધી ચમચી ગોળ સાથે લઈ શકે છે.
છાશવારે ગૅસની સમસ્યા ઉદ્ભવતી હોય એવા લોકોએ ખાલી પેટે નારિયેળપાણીનું સેવન ન કરવું જોઈએ.
નારિયેળના પાણીની જેમ એના દૂધમાં લૉરિક ઍસિડ હોય છે જે ઍન્ટિસેપ્ટિક ગુણધર્મો ધરાવે છે, જેે બૅક્ટેરિયા, વાઇરસ અને ફૂગથી થતા ચેપ સામે લડવામાં મદદ કરે છે પણ એનું સેવન એક ગ્લાસ કરતાં વધુ ન કરવું.