ભરાવદાર સ્તન હોય એવી સ્ત્રીઓને કૅન્સરનું રિસ્ક ૪-૫ ગણું વધી જાય છે

05 June, 2024 09:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્તન ભરાવદાર હોવાને લીધે કૅન્સર કે બીજી કોઈ પણ ગાંઠ થાય તો એ સરળતાથી એ ભરાવાની અંદર છુપાઈ શકે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આમ તો દરેક સ્ત્રીનો બાંધો અલગ હોય છે જેને લીધે એનાં સ્તનની સાઇઝ પણ અલગ રહે છે. સ્તન નાનાં છે કે મોટાં એ સ્ત્રીના બાંધા પર નિર્ભર કરે છે. ઉંમર પણ એમાં પોતાનું ભાગ ભજવે છે. ભારતીય સ્ત્રીઓનું શરીર જુદું છે. ભારતમાં લગભગ ૨૦-૨૫ ટકા સ્ત્રીઓનાં સ્તન ભરાવદાર હોય છે. જેટલાં સ્તન ભરાવદાર એટલું બ્રેસ્ટ-કૅન્સરનું રિસ્ક વધુ અને એટલું જ એનું નિદાન પણ અઘરું. સ્તનનો ભરાવો એ ફાઇબ્રો ગ્લેન્ડ્યુલર એટલે કે જે સફેદ ટિશ્યુ છે એની સાથે સંકળાયેલો છે. ફૅટી ટિશ્યુ એ દેખાવમાં ડાર્ક હોય છે. આ ફાઇબ્રો ગ્લેન્ડ્યુલર ટિશ્યુ એ સ્તનમાં દૂધ બનાવવાનું કામ કરે છે એટલે જ સ્ત્રી મા બને પછી એનાં સ્તનનો ભરાવો વધે છે. સ્તનનો ભરાવો જેટલો વધુ એટલું જ એક રેડિયોલૉજિસ્ટ માટે કૅન્સરનું નિદાન કે ગાંઠને શોધવાનું કામ અઘરું બને છે, કારણ કે જો મૅમોગ્રામ કરીએ તો આ ટિશ્યુનો રંગ સફેદ દેખાય છે અને કૅન્સરના કોષો પણ સફેદ જ દેખાય છે. આમ જે ગાંઠ છે એ કૅન્સરની હોય તો એ પણ સફેદ દેખાય છે અને એ ગાંઠને ઘેરીને બેઠેલાં ટિશ્યુ પણ સફેદ દેખાય છે જેને કારણે નિદાન ટેક્નિકલી ચૅલેન્જિંગ છે.

સ્તન ભરાવદાર હોવાને લીધે કૅન્સર કે બીજી કોઈ પણ ગાંઠ થાય તો એ સરળતાથી એ ભરાવાની અંદર છુપાઈ શકે છે. આ ગાંઠની આજુબાજુ જ્યારે આ ભરાવદાર ટિશ્યુઓ આવી જાય ત્યારે એ સરળતાથી સ્ત્રીના હાથમાં આવતી નથી એટલે ગાંઠનું નિદાન જલદી થવાની શક્યતા ઓછી થઈ જાય છે.

જે સ્ત્રીઓને ભરાવદાર સ્તન હોય છે તેમને કૅન્સર હોવાની શક્યતા ૪-૫ ગણી વધુ હોય છે. જેના સ્તન ભરાવદાર હોય એ વ્યક્તિને ક્યા પ્રકારની મૅમોગ્રાફી કરાવવી જોઈએ એ પ્રશ્ન મોટા ભાગે લોકો પૂછતા હોય છે. ડિજિટલ મૅમોગ્રાફી વિથ થ્રીડી ટોમોસિન્થેસિસ આ એ પ્રકાર છે જે આ પ્રકારની સ્ત્રીઓને મદદરૂપ થઈ શકે એમ છે. જે લગભગ બ્રેસ્ટના સી.ટી. સ્કૅન જેવું પરિણામ આપે છે. આ પ્રકારની મૅમોગ્રાફીથી સ્તનના દરેક સ્તરને વ્યવસ્થિત પારખી શકાય છે જેને કારણે કૅન્સરની એકદમ જ શરૂઆત પણ હોય તો એ પણ પકડી શકાય છે. 
બ્રેસ્ટ-મૅન્સર એક એવું કૅન્સર છે જેનું શરૂઆતમાં જ નિદાન થયું તો દરદીને સંપૂર્ણપણે કૅન્સરરહિત કરી શકાય છે. સ્તન જો ભરાવદાર હોય તો તે સ્ત્રીએ લક્ષણો આવવાની રાહ જોવી જ નહીં. લક્ષણો વગર પણ ખાસ ધ્યાન રાખવું કે ૪૦ વર્ષની ઉંમરથી તેણે દર વર્ષે એક મૅમોગ્રામ કરાવી જ લેવો જેનાથી કૅન્સરને જલદી સ્ટેજ પર પકડી શકાય અને એનો ઇલાજ પણ શક્ય બને. 

health tips cancer gujarati mid-day columnists life and style