27 November, 2023 01:57 PM IST | Mumbai | Dr. Sushil Shah
પ્રતીકાત્મક તસવીર
હું ૫૬ વર્ષનો છું અને મારા મિત્રો સાથે લદાખ ફરવા જઈ રહ્યો છું. હાલમાં ત્યાં ખૂબ જ ઠંડી હશે. અમારા ગ્રુપમાં ૧૦ લોકો છે જેમાંથી ત્રણ જણને એક વાર હાર્ટ-અટૅક આવી ચૂક્યો છે. બે જણ ઓબીસ છે. લગભગ પાંચેક જણને ડાયાબિટીઝ છે. લદ્દાખ જતાં પહેલાં બધાએ ફુલ બૉડી હેલ્થ ચેક-અપ કરાવ્યું છે. એમાં બધા સ્ટેબલ છે. બધા પોતપોતાની દવાઓ પણ લઈ જ રહ્યા છે. મેં સાંભળ્યું છે ઠંડીમાં હાર્ટ-અટૅક આવવાની શક્યતા છે. મને મારા મિત્રો માટે ચિંતા થાય છે. જો તેમને ત્યાં કશું થયું તો અમે શું કરીશું? માર્ગદર્શન આપવા વિનંતી.
તમારો ડર સાવ ખોટો નથી. દરેક વ્યક્તિનું હેલ્થ ચેક-અપ કરાવી લીધું એ સારું. જરૂરી છે કે દરેક પોતાના ડૉક્ટરને ઇન્ફૉર્મ કરીને જાય. કોઈ દવાઓ પહેલાં જરૂરી હોય તો એ દવાઓ લઈને જાય. તમારા બધાની ફિટનેસ પણ એક વાર જોઈએ લેજો. આશા છે કે દરરોજ એક કલાકની એક્સરસાઇઝ કે સામાન્ય વૉકિંગ તો તમે બધા કરતા જ હશો. એ જરૂરી છે. ઠંડા વાતાવરણથી હાર્ટના દરદીઓ અને મોટી ઉંમરના લોકોએ બચવું જરૂરી છે. ઓબીસ, જેમની ફૅમિલી હિસ્ટરીમાં આ રોગ હોય, જેમનું કૉલેસ્ટરોલ વધુ હોય અને બ્લૉકેજનું રિસ્ક વધુ હોય એવા લોકોએ પણ સખત ઠંડીથી પોતાને બચાવીને રાખવા જરૂરી છે. ક્યારેય ફરવા જાઓ એ પહેલાં બધી ટેસ્ટ કરીને અને ડૉક્ટરની સલાહ લઈને જાઓ. ત્યાં ઠંડી સહન ન કરવી પડે એવી બધી તૈયારી સાથે જ જાઓ. ગરમ કપડાં, હીટર વગેરે વસ્તુઓ હેલ્પ કરે છે. તમે જ્યાં જાઓ છો ત્યાંની હૉસ્પિટલ્સ વિશે પણ માહિતી સાથે રાખો, ઇમરજન્સી હોય તો સરળતા રહે એ માટે. ઠંડીમાં લોકો દારૂ વધુ પીએ છે, પરંતુ દારૂ શરીરને ગરમ કરતો નથી. એ એક ખોટી માન્યતા છે. ફક્ત એ શરીરને લાગતા ઠંડીના અનુભવને ઓછો કરે છે. દારૂ શરીરને વધુ ડીહાઇડ્રેટ કરે છે જેને લીધે હાર્ટ-પ્રૉબ્લેમ થવાનું રિસ્ક ઘણું વધી જાય છે. હાર્ટનાં ચિહનોને સમજો અને જો થોડીક પણ તકલીફ લાગે તો તાત્કાલિક હૉસ્પિટલ ભાગો. લદ્દાખ જતાં પહેલાં તમારી ટીમમાંથી કોઈ એક અથવા તો બધા જ સભ્યોએ CPR શીખી લેવું જોઈએ. અચાનક ત્યાં કશું થયું તો CPRની મદદથી તમે કોઈ પણ વ્યક્તિનો જીવ બચાવી શકો છો. એ તમારા માટે એક મોટી હેલ્પ સાબિત થશે.