શિયાળામાં પાંપણ પર ખોડો થાય છે?

28 November, 2024 12:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિયાળામાં આંખમાં ડૅન્ડ્રફની સમસ્યાનું જોખમ ઓછું કરવા માટે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

ડૅન્ડ્રફ માત્ર વાળમાં જ નહીં, આંખોની પાંપણમાં પણ થતો હોય છે. આ કન્ડિશનને બ્લેફરાઇટિસ કહેવાય છે. ડૅન્ડ્રફને કારણે આંખો લાલ થઈ જવી, સૂજી જવી, ખંજવાળ આવવી વગેરે જેવી સમસ્યા થાય છે. એટલે શિયાળામાં આંખમાં ડૅન્ડ્રફની સમસ્યાનું જોખમ ઓછું કરવા માટે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે

વાળમાં ખોડો થવો એ ખૂબ સામાન્ય સમસ્યા છે પણ આ સમસ્યા આંખોની પાંપણમાં પણ થઈ શકે છે. આને બ્લેફરાઇટિસ કહેવાય છે. આ એક કૉમન આઇ કન્ડિશન છે જેમાં આંખનાં પોપચાં લાલ થઈ જાય, સોજો આવી જાય, ખંજવાળ આવે તેમ જ આંખની પાંપણ પર ડૅન્ડ્રફ થઈ જાય છે. ખાસ કરીને શિયાળાની સીઝનમાં આ થવાનું જોખમ વધી જાય છે.

બ્લેફરાઇટિસનું કારણ

આ કન્ડિશન ત્યારે થાય છે જ્યારે પાંપણ અને પોપચાં પર ખૂબ બૅક્ટેરિયા જમા થઈ ગયા હોય. ત્વચા પર બેક્ટેરિયા હોવા સામાન્ય બાબતે છે, પણ વધુપડતા બૅક્ટેરિયા સમસ્યાનું કારણ બની શકે છે. જો તમાી આંખનાં પોપચાંમાં ઑઇલની ગ્રંથ‌િઓ બૂરાઈ જાય અથવા ઇરિટેડ થઈ જાય તો પણ બ્લેફરાઇટિસ થઈ શકે છે.

ક્યારે જોખમ વધે?

 બ્લેફરાઇટિસ થવાનું જોખમ એ લોકોને વધુ હોય જેમને સ્કૅલ્પમાં ડૅન્ડ્રફ હોય

 રોઝેશા જેવી ત્વચાની બીમારી હોય

 ઑઇલી સ્કિન હોય

 ઍલર્જિસ જે તમારી પાંપણને અફેક્ટ કરી શકે

પ્રકાર

બ્લેફરાઇટિસ બે પ્રકારના હોય છે, એક જે બહારથી આંખનાં પોપચાં પર પાંપણ હોય ત્યાં થાય છે. આ થવાનું કારણ સ્ક‌િન પર રહેલા બૅક્ટેરિયા અથવા સ્કૅલ્પ અથવા આઇબ્રોના ડૅન્ડ્રફને કારણે થાય છે. બીજો, પાંપણની અંદર એટલે કે પોપચાંની અંદરના ભાગને અસર કરે છે જે આંખના ભાગને સ્પર્શતો હોવાથી વધુ હેરાન કરે છે. આ પ્રકારના બ્લેફરાઇટિસથી પોપચામાંની તેલની ગ્રંથ‌િઓ ભરાઈ જાય. રોઝેશા, સ્કૅલ્પ ડૅન્ડ્રફ જેવી કૉમન સ્ક‌િન-કન્ડિશનને કારણે પણ એ થાય છે. આંખના નિષ્ણાત ડૉ. હિમાંશુ મહેતા કહે છે, ‘આ સ્કિન-કન્ડિશનમાં આંખોને ચોળવાની ભૂલ ક્યારેય ન કરવી. આ ડૅન્ડ્રફ થતો હોય તો આંખોને હાઇડ્રેટેડ રાખો. રાતે સૂતાં પહેલાં પોપચાં સાફ કરીને ઉપર આમન્ડ ઑઇલ લગાવી લેવું.’

શું કાળજી રાખવી?

 ગરમ પાણીમાં થોડું જેન્ટલ બેબી શૅમ્પૂ મિક્સ કરીને આંખોને હળવા હાથેથી ઘસી એને પાણીથી ધોઈ કૉટનના કપડાથી લૂછી નાખો.

 જૂની એક્સપાયર થયેલી મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ ટાળો. તમારા મેકઅપ ઍપ્લિકેટર્સ જેમ કે બ્રશ, સ્પન્જ બીજા સાથે શૅર કરવાનું ટોળો. રાત્રે સૂતાં પહેલાં આંખો પરથી મેકઅપ હટાવીને સૂઓ.

 માથામાં ડૅન્ડ્રફ હોય તો એનો ઇલાજ કરાવો, કારણ કે એ આંખોની પાંપણોને પણ અફેક્ટ કરે છે.

 આંખોની પાંપણોને સાફ કરવા માટે આઇલિડ વાઇપ્સનો ઉપયોગ કરો.

 અઠવાડિયામાં એકથી બે વાર રાત્રે સૂતા પહેલાં આંખોની પાંપણ અને પોપચાં પર બદામનું અથવા ટીટ્રી ઑઇલ લગાવી શકો.

જો આટલું કર્યા પછી પણ સમસ્યામાંથી રાહત ન મળે તો ડર્મેટોલૉજિસ્ટ પાસે જાઓ.

life and style health tips columnists gujarati mid-day