13 March, 2023 06:13 PM IST | Mumbai | Dr. Himanshu Mehta
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારી ઉંમર ૪૨ વર્ષ છે. વીસેક વર્ષથી એક આંખે માઇનસ પાંચ અને બીજી આંખે માઇનસ સાડા પાંચ નંબર છે. સાથે સિલિન્ડ્રિક ઍન્ગલ પણ છે. વચ્ચે ત્રણેક વર્ષ મેં લાઇટિંગ અને વેલ્ડિંગનું કામ ખૂબ કર્યું હતું, પણ આંખો નબળી પડતી હોવાથી એ કામ છોડી દીધું. અત્યારે મારી સમસ્યા એ છે કે રાતના અંધારામાં વિઝન જાણે છે જ નહીં એવું લાગે છે. પહેલાં પણ મને રાતના સમયે ડ્રાઇવિંગ કરવામાં તકલીફ પડતી હતી, પણ હવે તો અંધારા ઓરડામાં ડિમ લાઇટના આછા અજવાળામાં પણ કંઈ દેખાતું નથી. મને નથી બ્લડપ્રેશર કે નથી ડાયાબિટીઝ. હમણાં જ ચેક કરાવ્યું છે. ચશ્માંની ફ્રેમવાળાને ત્યાં નંબર ચેક કરાવ્યા તો બન્ને આંખે થોડોક નંબર વધ્યો છે. નવા ચશ્માં કરાવ્યા પછી પણ રાતના વિઝનમાં એ જ તકલીફ છે. મને લાગે છે કે મારે હવે નંબર ઉતારવાની સર્જરી કરી લેવી જોઈએ. આ સર્જરીથી રાતે થતી તકલીફ પણ દૂર થઈ જાય કે નહીં?
તમે જે લક્ષણો વર્ણવ્યાં છે એ પરથી ચોક્કસ નિદાન થઈ શકે એમ નથી. તમે ચશ્માંના નંબર પણ ફ્રેમવાળાની દુકાને કરાવી લીધા છે ત્યારે એમાં તમને માત્ર વિઝન કેટલું છે કે નહીં એ જ ખબર પડી હશે. આંખમાં અંદર કોઈ તકલીફ છે કે કેમ એ આંખના નિષ્ણાત પાસેથી જ ખબર પડી શકશે. અપૂરતી માહિતી છતાં બે શક્યતાઓની અહીં વાત થઈ શકે.
આ પણ વાંચો: વધુ સ્ક્રીન ટાઇમને કારણે થતી ડ્રાય આઇઝનો ઉપાય શું?
એક છે નાઇટ વિઝન એટલે કે રતાંધળાપણું ને બીજી છે રેટિનાઇટિસ પિગ્મેન્ટોઝાની તકલીફ. આ એક જિનેટિક પ્રૉબ્લેમ છે ને એમાં આંખના પડદાને જ નુકસાન થાય છે ને ધીમે-ધીમે દૃષ્ટિ ઘટતી જાય છે.
તમને અત્યારે માત્ર રાતે જ જોવામાં તકલીફ પડે છે એટલે શક્યતા છે કે રતાંધળાપણાને કારણે જ એમ હોય. જો બૉડીમાં વિટામિન એની કમીને કારણે આ હશે તો વિટામિન્સ સપ્લિમેન્ટ્સ લેવાથી ઘણો જ ફાયદો વર્તાશે, પણ જો પડદાને નુકસાન શરૂ થયું હશે તો તમારે વધુ સાવધાન રહેવું પડશે.
લેસિકથી તમે જે નંબર ઉતારવાની વાત કરો છો એમાં માત્ર ચશ્માંના નંબર જ ઊતરશે, નાઇટ વિઝનમાં કોઈ જ ફરક નહીં વર્તાય. તમે એમ જ ચિંતામાં સમય વિતાવો છો એના બદલે આંખના નિષ્ણાત ડૉક્ટર પાસે સંપૂર્ણ આઇ ચેક-અપ વહેલી તકે કરાવી લો.