03 September, 2024 01:40 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
શું ખાવું અને શું ન ખાવું એની માહિતીનો અતિરેક એટલો છે કે આજની તારીખે નાનાં બાળકોથી લઈને વડીલો સુધી બધાને ખબર છે કે આ ખાવાથી વજન વધે, આ ખાવાથી શુગર વધે, મીઠું વધારે ન ખવાય, તળેલું ખાઓ તો કૉલેસ્ટરોલ વધે. આટલી માહિતી પછી પણ એવું તો નથી જ કે અનહેલ્ધી ખાવાનું આપણે છોડી દીધું હોય. જ્યારે પણ જીવ લલચાય અને મન ડામાડોળ થાય ત્યારે આપણે અનહેલ્ધી ખાઈ લઈએ છીએ. ખાવામાં ભલે મજા આવે, પણ ખાધા પછી અફસોસ કરીએ છીએ. ખોટું થયું, નહોતી ખાવાની જરૂર વગેરે. આ અફસોસ કે ગિલ્ટ સારો નથી, ખોરાકને આશીર્વાદરૂપે જોવાને બદલે આપણે એને બીમારીના રૂપે જોતા થઈ ગયા હોઈએ તો દૃષ્ટિ બદલવી જરૂરી છે.
બર્થ-ડે પાર્ટીમાંથી પાછા આવ્યા પછી ત્યાં કેટલી મજા આવી એને બદલે આજે કેક ખાઈ લીધી, હવે કાલે સવારે વજન કરીશું ત્યારે એક કિલો વધી જશેના વિચારોથી તમે હેરાનપરેશાન થઈ જાઓ છો?
મમ્મી જ્યારે તમારા ભાવતા ચૂરમાના લાડુ બનાવે ત્યારે તેના પર ગુસ્સે થઈ જાઓ છો કે કેમ બનાવ્યા? મારે નથી ખાવા લાડુ, મને શુગર નથી લેવી.
સવારથી કંઈ ખાધું નહોતું અને જમવામાં તમારું ભાવતું શાક હતું તો બે રોટલી વધુ ખવાઈ ગઈ, પણ એ ખાઈને તમે
દુખી છો કે કેમ ખાઈ લીધું? એટલુંબધું નહોતું ખાવાનું.
જો આમાંથી કંઈ પણ તમને થતું હોય તો કશું નવું નથી. આજના સમયમાં દરેક વ્યક્તિનો ખોરાક સાથેનો સંબંધ ખરાબ થઈ ચૂક્યો છે. આપરાં શાસ્ત્રોમાં અન્નને ભગવાનની પદવી આપવામાં આવેલી છે. એક સમય હતો કે અન્નનો એક કોળિયો પણ લોકો કૃતજ્ઞતાથી આરોગતા હતા. આજે જમવાનું મળ્યું છે એ એક મોટી બાબત હતી. ગરીબો માટે નહીં, સમૃદ્ધ લોકો પણ એને ભગવાનનો પ્રસાદ માનીને આરોગતા. અન્ન બને એટલે પહેલાં ભગવાનને ધરવાની અને પછી જ ઘરના લોકોને ખાવાની પરંપરા પણ આપણી સંસ્કૃતિનો ભાગ છે, જે સૂચવે છે કે અન્ન પ્રત્યે આપણે કેટલો આદર ધરાવીએ છીએ. પરંતુ આજકાલ અન્ન સાથે આપણે કૃતજ્ઞતા છોડીને અપરાધભાવ અને ડરનો સંબંધ વિકસાવી દીધો છે. આ ખાવાથી જાડા થઈ જશું, આ ખાવાથી શુગર વધી જશે, આ ખાવાથી કૉલેસ્ટરોલ વધી જશે જેવો ડર આપણા મનમાં એવો તો ઘર કરી ગયો છે કે જે ઘરે બનેલા ખીર કે લાડુ ખાઈને આપણને સ્વર્ગનો આનંદ મળતો હતો એ જોઈને આપણે એનાથી દૂર ભાગવા લાગ્યા છીએ. એને લીધે આજે જમીને તૃપ્તિ થઈ કે આજે જમીને આનંદ થઈ ગયો એ ભાવ આપણને આવતો જ નથી. હાલમાં ન્યુટ્રિશન વીક ચાલી રહ્યું છે ત્યારે અન્ન સાથેના બગડેલા આ સંબંધને ચાલો, સમજીએ અને સુધારીએ.
મિકી મહેતા
માહિતીનો અતિરેક
શું ખાવું, શું ન ખાવું એ માહિતીનો અતિરેક આજકાલ એટલો છે કે પહેલાં આપણે દૂધને ગાયનો પ્રસાદ કે ભાવતી વસ્તુ તરીકે જોતા હતા, આજે પૉઝિટિવ દૃષ્ટિએ પ્રોટીન અને કૅલ્શિયમ સોર્સ તરીકે જોઈએ છીએ અને નેગેટિવ દૃષ્ટિએ લૅક્ટોઝ ઇન્ટૉલરન્સ કે ઍલર્જીના સોર્સ તરીકે જોઈએ છીએ. તો શું આ અધધધ માહિતીને કારણે આપણી આ પરિસ્થિતિ છે? જે વાતને નકારતા કરતાં ધ યોગ ઇન્સ્ટિટ્યૂટ, સાંતાક્રુઝનાં યોગગુરુ, લેખક અને રિસર્ચર હંસા યોગેન્દ્ર કહે છે, ‘આપણે ત્યાં હજારો વર્ષોથી આખું સાયન્સ ડેવલપ થયેલું છે. આજનું ન્યુટ્રિશન સાયન્સ આવ્યું એ પહેલાંથી આયુર્વેદ અને સાત્ત્વિક આહાર પરંપરામાં આહાર કે અન્ન પર અતિ ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને તારણો આપવામાં આવ્યાં છે. માહિતી અને જાણકારી પહેલાં પણ હતી અને આજે પણ છે, પરંતુ પહેલાં જે માહિતી હતી એ પૂરી હતી; છીછરી નહોતી. આજે લોકો માનતા થયા છે કે અવાકાડો ખવાય અને કેરી ન ખવાય, આવી અધૂરી માહિતી લોકોને ખોટી દિશામાં લઈ જઈ રહી છે.’
ગિલ્ટ છોડો
જેવું અન્ન એવું મન એમ કહેવાય. જેવું ખાઈએ એવા જ આપણા વિચારો થાય. એની સાથે-સાથે જેવું આપણે વિચારીએ એની પૂરી અસર આપણા અન્નના પાચન પર થાય છે એમ સ્પષ્ટ કરતાં હંસા યોગેન્દ્ર કહે છે, ‘કોઈ પણ વસ્તુ તમે ખાઓ ત્યારે એ વાત સાચી કે તમને ખબર છે કે આ શરીર માટે સારું નથી. જેમ કે વધુપડતી ગળાશ, વધુ તીખું કે તળેલું અન્ન તમને નુકસાન પહોંચાડી શકે છે. પણ આ સમજ ખાવાનું બનાવતી વખતે કે પ્લેટમાં લેતા પહેલાં અનિવાર્ય છે. ઘણી વાર એવું થાય કે તમારે જન્ક ખાવું પડે કે એવું કંઈક ખાવું પડે જેને આપણે હેલ્ધીની કૅટેગરીમાં મૂકતા નથી, પરંતુ એને ગિલ્ટ સાથે ખાઓ કે ખાધા પછી ગિલ્ટ કરો એ બિલકુલ ઠીક નથી. એનાથી એ અન્ન તમારા શરીરની અંદર જઈને તમને વધુ નુકસાન પહોંચાડશે. અન્ન પ્રત્યે કૃતજ્ઞતા અનિવાર્ય છે. જે મળ્યું છે ભોજન એ મારા માટે શ્રેષ્ઠ છે એમ સમજીને જ ખાવું જોઈએ. ડર કે ગિલ્ટ સાથે ખાવામાં આવતું સાત્ત્વિક ભોજન પણ અસાત્ત્વિક બની જાય છે એ ધ્યાન રાખો.’
યોગગુરુ, હંસા યોગેન્દ્ર
સજાગતા અનિવાર્ય
બધા સાથે થાય એમ જો તમે કોઈ વાર હેલ્ધીની કૅટેગરીમાં ન આવતી વસ્તુ ખાઈ લો કે વધુપડતું જમી લો તો પણ શરીર એને મૅનેજ કરશે. એ ખાધાનો આનંદ માણો, અપરાધભાવ છોડો. પણ એનો અર્થ એ પણ નથી કે બહારનું ખાવાનું કે જન્ક ભરપૂર આનંદ સાથે ખાઈ લીધું. એ વિશે સમજાવતાં મિકી મહેતા કહે છે, ‘પૉઝિટિવ રહેવાનો એ અર્થ પણ નથી કે કંઈ પણ ખાઈ શકાય. આ પ્રકારનું ઑપ્ટિમિઝમ કે હકારાત્મક અભિગમ તમને દૂર સુધી નહીં લઈ જઈ શકે. હોંશપૂર્વક ખાઓ, પણ સજાગતા સાથે ખાઓ. પેંડા ચાર ખાઓ કે એક, આનંદ સરખો જ આવવાનો છે. જાગૃત બનો. અંધાધૂંધ ખાઈ લીધા પછી અફસોસ કરવાનો અર્થ નથી. ખાતાં પહેલાં તમને કેટલી ભૂખ છે, તમારા માટે શું ખાવાનું સારું છે એ સમજીને સજાગતાથી નિર્ણય લો. એનાથી ખાવાનો આનંદ ઓછો નહીં થાય. પહેલું સ્ટેપ છે સજાગતા વધારો અને આ રીતે ધીમે-ધીમે મનોબળ વધશે. પછી કોઈ વસ્તુ ભૂલથી ખવાઈ નહીં જાય, જે ખાશો એને પૂરી રીતે માણીને ખાઈ શકશો.’
ભાવ અને ભોજન
જો ઘરમાં કોઈને મેટાબોલિક ડિસઑર્ડર હોય, ડાયાબિટીઝ કે બ્લડ-પ્રેશર હોય અને ભૂલથી તે એક રોટલી વધુ માગી લે તો ઘરની સ્ત્રીને ગુસ્સો આવે છે. કાં તો તે ના પાડી દેશે અને જો ના ન પાડી શકે અને રોટલી આપશે તો પણ પરાણે ગુસ્સામાં આપશે. શું આ નાની બાબતની પણ કોઈ અસર હોઈ શકે? અમેરિકામાં એક રિસર્ચ થયેલું, જેમાં કૉલેસ્ટરોલ રિચ ફૂડ બે ઉંદરોને આપવામાં આવ્યું. એકને એકદમ પ્રેમથી, પસવારીને જમાડવામાં આવતો અને એકને બસ ભોજન રાખી દેવામાં આવતું. જેને પ્રેમથી ભોજન અપાતું હતું એનું કૉલેસ્ટરોલ વધ્યું નહીં, બીજાનું વધી ગયું. આ ઉદાહરણ સમજાવતાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ઍમ્બૅસૅડર, લાઇફ કોચ મિકી મહેતા કહે છે, ‘આપણે ત્યાં કહેવાય છે કે ઝેર પણ પ્રેમથી અને વિનમ્રતાથી ગ્રહણ કરવામાં આવે તો એ અમૃતની ગરજ સારે છે. ભોજન સાથેના ભાવનું ઘણું મહત્ત્વ છે. મોટા ભાગે જે લોકો અપરાધભાવ અનુભવે છે એ આ ભાવ અનુભવવા સિવાય કશું કરતા નથી. આજે મેં ૪ રસગુલ્લા ખાધા અને મને ખૂબ અફસોસ છે કે મારે એ નહોતા ખાવાના પણ એ ફક્ત તમે અત્યારે અનુભવો છો. પછી બીજા દિવસે તમે એ નહીં ખાઓ એની કોઈ ગૅરન્ટી નથી, કારણ કે ૪ રસગુલ્લા ખાવા પાછળ તમારું કમજોર મન છે જેને તમારે કાબૂમાં કરવાનું છે. અફસોસ કરવાને બદલે મન પર કાબૂ કરતાં શીખીએ તો કંઈક સારાં રિઝલ્ટ આવે.’