દીકરો બે વર્ષે પણ હજી કેમ બોલતો નથી થયો?

14 April, 2023 05:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સતત તેની સાથે ભાષા દ્વારા કમ્યુનિકેશન બનાવીને રાખે. ખાસ કરીને જોવા મળે છે કે સંયુક્ત પરિવારમાં ઘણા બધા લોકો વચ્ચે બાળક ખૂબ જલદીથી બોલતા શીખી જાય છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મારો દીકરો બે વર્ષનો થઈ ગયો છે. તેનું વજન અને હાઇટ બધું સારું છે. જમે પણ વ્યવસ્થિત છે. બસ, તેને આજનાં બાળકોની જેમ ટીવી સામે ખોડાઈ રહેવું ગમે છે. હું મારું કામ કરતી હોઉં ત્યારે જો ટીવી ચાલુ હોય તો તે શાંત રહે છે એટલે તેની આદત છોડાવવાની કોશિશ પણ મેં નથી કરી. તકલીફ એ છે કે તેણે બોલવાનું શરૂ નથી કર્યું. ઇશારામાં સમજાવ્યા કરે છે. સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરના કહેવા મુજબ જીભમાં કે સાંભળવામાં કશી જ તકલીફ નથી, છતાં બોલવાનું શરૂ નથી કર્યું એ સમજાતું નથી. 

આજના સમયમાં બાળકો વધુ પડતાં ગૅજેટ્સ કે ટીવીના એક્સપોઝર હેઠળ છે, કારણ કે માતા-પિતા પાસે સમય ઘણો ઓછો છે. તમારી મજબૂરી સમજી શકાય, પરંતુ તમે જે રીતે કહો છો એ મુજબ તમારા બાળકના નહીં બોલવા પાછળ જો કોઈ શારીરિક કારણો જવાબદાર ન હોય તો એક કારણ ખાસ જવાબદાર છે અને એ છે વધુ પડતી ટીવી જોવાની આદત. ટીવીના એક્સપોઝરથી બાળક બોલતા મોડું શીખે છે. એનાથી લાંબા ગાળે તેને મેમરી અને અટેન્શન પ્રૉબ્લેમ પણ થાય છે માટે બાળકને ટીવીથી જેટલું દૂર રાખી શકાય એટલું વધુ સારું છે. 

આ પણ વાંચો  : હાઇપોથાઇરૉઇડ બૉર્ડરલાઇન પર છે

સમજવાનું એ છે કે કોઈ પણ બાળકને બોલતા કે ભાષા સમજતા ત્યારે જ આવડે જ્યારે તેની સાથે વ્યક્તિ અને ખાસ કરીને કોઈ તેની સાથે વાતો કરે. સતત તેની સાથે ભાષા દ્વારા કમ્યુનિકેશન બનાવીને રાખે. ખાસ કરીને જોવા મળે છે કે સંયુક્ત પરિવારમાં ઘણા બધા લોકો વચ્ચે બાળક ખૂબ જલદીથી બોલતા શીખી જાય છે, પરંતુ આજકાલ કુટુંબો વિભક્ત થઈ ગયાં છે. તમારી જેમ ઘણી એવી સ્ત્રી પણ છે જે ઘરે જ રહે છે, પરંતુ ઘરનાં અને બીજાં કામોમાં વ્યસ્ત રહેવાને કારણે બાળક સાથે વાતો કરવી, તેની સાથે રમવું, તેના માટે અલગથી સમય ફાળવવો જોઈએ એ ફાળવી શકતી જ નથી, જેને કારણે બાળકને ભાષાનું કોઈ એક્સપોઝર મળતું નથી અને એને જ કારણે તે બોલતા મોડું શીખે છે. જો બાળકને બોલતું કરવું હશે તો એની સાથે વાતો કરવી ખૂબ જ જરૂરી છે. એ સમજો અને પ્રયાસ કરો. એના ઇશારા ભલે સમજાય, પણ તમને એ નથી સમજાતું અને બાળકે બોલવું જ પડશે એવો ભાર આપશો તો તે કમ્યુનિકેશન કરવા માટે બોલવા પ્રેરાશે.

- ડૉ. ઝીનલ ઉનડકટ

columnists health tips life and style