31 December, 2024 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જો શરીરને ખડતલ રાખવું હોય તો જરૂરી છે કે તમે તમારાં હાડકાંનું ધ્યાન રાખો કારણ કે જો ખરેખર ઍક્ટિવ લાઇફ જીવવી હશે તો હાડકાં મજબૂત જોઈશે. જાગ્યા ત્યારથી સવાર સમજવું અને હાડકાંની હેલ્થ માટે કામે લાગી જવું. નવા વર્ષે તમે જે પણ રેઝોલ્યુશન લીધાં હોય એમાં આવનારા વર્ષમાં હાડકાંની કાળજી રાખીશું એ રેઝોલ્યુશનનો પણ સાથે-સાથે ઉમેરો કરજો.
એ માટે કૅલ્શિયમ અને ફૉસ્ફરસ રિચ ફૂડ ખાવું જરૂરી છે. શાકાહારી લોકોમાં ખાસ કરીને એ દૂધ અને દૂધની બનાવટોમાંથી મળે છે. જો દૂધ તમને ન સદતું હોય તો પ્લાન્ટ બેઝ્ડ ઘણાં દૂધ મળે છે. આ સિવાય નાચણી, લીલાં પાંદડાંવાળી શાકભાજી ખાવાં જોઈએ. લીલાં પાંદડાંવાળી શાકભાજીમાંથી વિટામિન K મળે છે જેમાંથી મળતાં ઘન તત્ત્વો હાડકાંને મજબૂત કરે છે. શાકાહારી લોકો પ્રોટીન ઓછું ખાતા હોય છે. બોન ટિશ્યુને રિપેર કરવા માટે એ જરૂરી છે. તમારા દરેક ટંકના ખોરાકમાં થોડા પ્રમાણમાં પ્રોટીનનો ઉમેરો કરશો તો આ કમી પૂરી થશે. આ સિવાય આખાં ધાન્ય, નટ્સ, સીડ્સ અને દાળ-કઠોળમાંથી મૅગ્નેશિયમ અને ફૉસ્ફરસ મળે છે જે હાડકાંની ઘનતા માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. આમ યોગ્ય ખોરાક અપનાવવો જરૂરી છે.
આ સિવાય હાડકાંની હેલ્થ માટે જરૂરી છે સૂર્યપ્રકાશ. દરરોજ સવારે ૪૦-૪૫ મિનિટ તમે ગાર્ડનમાં કે ખુલ્લામાં ચાલવા જાઓ, તડકો લો એ જરૂરી છે. વિટામિન Dનાં સપ્લિમેન્ટ ખાવા કરતાં એ વધુ ફાયદાકારક છે. આ સિવાય દરરોજની ૧ કલાકની એક્સરસાઇઝ પણ મહત્ત્વની છે. ઘણા લોકો આ ૪૦-૪૫ મિનિટની વૉકથી સંતુષ્ટ હોય છે. જો ખરેખર હાડકાં મજબૂત કરવાં છે તો વજન ઉપાડવું પડશે. વેઇટ-ટ્રેઇનિંગનું મહત્ત્વ ઘણું છે. એનાથી હાડકાંની ઘનતા વધે છે, જે નિષ્ણાતના ગાઇડન્સ હેઠળ ધીમે-ધીમે શ- કરવી. હાડકાંની હેલ્થ માટે શરીરમાં પાણીની પૂરતી માત્રા અનિવાર્ય છે એ ઘણા ઓછા લોકો સમજે છે.
જેમ સારી આદતો પાળવી જરૂરી છે એમ ખરાબ આદતો છોડવી પણ જરૂરી છે. આલ્કોહોલ અને કૅફીનનું સેવન છોડવું અને છોડી ન શકો તો એનું પ્રમાણ ઘટાડવું જરૂરી છે. સ્મોકિંગ હાડકાંની ઘનતા ઓછી કરે છે એ સંપૂર્ણ રીતે છોડવી જરૂરી છે. જે લોકો ઓબીસ છે તેમણે વજન ઉતારવું જરૂરી છે કારણ કે એ તમારાં હાડકાંને નબળાં કરી રડ્યું છે. મેનોપૉઝ આવી ગયા પછી દરેક સ્ત્રીએ તેની હાડકાંની ઘનતા એટલે કે બોન ડેન્સિટી ચેક કરવી.
- ડૉ. અમિત મહેતા