06 January, 2025 07:42 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
બ્લડ ડોનેશન વિશે જેટલી વાતો આપણે ત્યાં થાય છે, જેટલી અવેરનેસ લાવવાના આજે પણ પ્રયાસો થાય છે એનાથી સાવ જ વિપરીત સિનારિયો સ્પર્મ ડોનેશનના ફીલ્ડમાં છે. બહુ અગત્યનું કહેવાય એવા સ્પર્મ ડોનેશન વિશે કોઈ જાહેરમાં વાત કરવા પણ રાજી નથી. કદાચ આવતાં પાંચ-દસ વર્ષમાં એવી હિંમત કોઈ બતાવશે પણ નહીં. જોકે હકીકતમાં એ દિશામાં આંખ મીંચીને આપણે સોસાયટીનું અહિત કરી રહ્યા છીએ.
આ સંદર્ભની વાત એક લેક્ચરમાં મેં હમણાં કરી. સેક્સોલૉજિસ્ટ આવવાના હોય તો વિષય પણ એ મુજબનો જ હોવાનો. એ લેક્ચર વેલ એજ્યુકેટેડ એવા પ્રોફેશનલ અસોસિએશન માટે ગોઠવાયું હતું. લેક્ચર પછી કેટલાક લોકો મને મળવા આવ્યા. આવીને તેમણે વાત કરતાં કહ્યું, ‘સર, તમારી વાત બહુ સારી છે, પણ જો અમે પોતે અમારી વાઇફને કહીએ કે આજે અમે સ્પર્મ ડોનેશન કરવા ગયા હતા તો પણ તેને એ ઘટના શરમજનક લાગે. આવું આપણે ત્યાં શું કામ છે?’
આ સવાલ અઢળક લોકોને થતો હશે અને એમાં તેમનો વાંક પણ નથી, કારણ કે આપણો સોસાયટીમાં ઉછેર જ એ પ્રકારે થયો છે કે જ્યાં આજે પણ ઇન્ટિમેટ રિલેશનથી જોડાતા પહેલાં ૯૯ ટકા લોકો લાઇટ બંધ કરવાનું પસંદ કરે છે. જ્યાં સુધી પર્સનલ રિલેશનશિપમાં પણ લાઇટ કે અજવાશ નડશે ત્યાં સુધી આ વિષય પર પ્રકાશ કોઈ નહીં પાડી શકે. અગાઉ કહ્યું છે અને આજે બીજી વાર કહું છું કે આર્કિટેક્ટ, ડૉક્ટર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ જેવા પ્રોફેશનલ્સ જો સ્પર્મ ડોનેશનની દિશામાં આગળ વધશે તો ભવિષ્યમાં સોસાયટીમાં બૌદ્ધિકોની સંખ્યા બહોળા પ્રમાણમાં વધશે. એથિકલી કરવું ન જોઈએ, પણ એમ છતાં અનેક સ્પર્મ-બૅન્ક છે. ત્યાંના ડોનરમાં જુઓ તો રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો છે, મજૂરવર્ગ છે અને એનું કારણ એ છે કે તેમને ડોનેશન માટે આર્થિક લાલચ મળે છે. તન, મન, ધનથી પછાત રહી ગયેલી પ્રજાના DNAનો વ્યાપ વધારીને આપણે સોસાયટીને શું કામ અધોગતિની દિશામાં આગળ વધારીએ? શું કામ આપણે સક્ષમ અને બૌદ્ધિક DNA દ્વારા તૈયાર થયેલી સોસાયટીનું નિર્માણ ન કરીએ? એવું તો જ બનશે જો આપણે સ્પર્મ ડોનેશનની વાતે નાકનું ટોચકું આઇફલ ટાવર જેવું ઊંચું નહીં કરીએ, એવું તો જ બનશે જો આપણે સ્પર્મ ડોનેશનને પણ એક ઉમદા ડોનેશનની પ્રક્રિયા તરીકે જ જોઈશું અને એને સેક્સ વિષયથી પર કરીશું.