રોટલી કે ભાખરી પર ઘી ચોપડવું કેમ જરૂરી છે?

29 November, 2023 08:40 AM IST  |  Mumbai | Sejal Patel

હવે ડાયટિંગના નામે કોરી રોટલી ખાવાનો ટ્રેન્ડ વધ્યો છે, પણ આયુર્વેદના નિષ્ણાતોનું કહેવું છે કે કોઈ પણ પ્રકારના અનાજને સુપાચ્ય બનાવવું હોય તો એની સાથે ઘી લેવું મસ્ટ છે

પ્રતીકાત્મક તસવીર

જે લોકો ડાયટ કરતા હોય છે તેઓ ક્વૉન્ટિટી મર્યાદિત કરવાની સાથે ફૅટ કન્ટેન્ટમાં પણ કાપ મૂકવા લાગ્યા છે. એની સીધી આડઅસર પડી છે આપણી થાળીમાં મુકાતી રોટલી પર. ઘી વિનાની રોટલી કે ભાખરી ખાવાનો જે ટ્રેન્ડ આજકાલ ફૂલ્યોફાલ્યો છે એ આયુર્વેદની દૃષ્ટિએ સાવ જ ખોટો છે એવું નિષ્ણાતોનું કહેવું છે. તમે એક રોટલી ખાઓ કે ત્રણ, એના પર ઘી ચોપડેલું હોવું જરૂરી છે. ઘી ખાવાથી ફૅટ વધી જાય છે અથવા તો વેઇટલૉસમાં તકલીફ પડે છે એ માન્યતા પ્રસરી રહી છે એ બહુ જ ખોટી છે એવું જણાવતાં આયુર્વેદના નિષ્ણાત વૈદ્ય પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘આજકાલ ભલે લોકો ઘીને વિલન ગણતા, પણ આપણે ત્યાં એક કહેવત હતી - ઘી તો દેવું કરીને પણ પીવું. આ કહેવત બતાવે છે કે આપણા શરીર માટે ઘી કેટલું મહત્ત્વનું છે.’

લૂખું-સૂકું ખાવાથી કૅલરીવાઇઝ તમે ડાયટ કન્ટ્રોલ કરી શકો છો, પણ એનાથી ખોરાકનું પાચન તેમ જ એમાંથી શરીરને મળતું પોષણ શોષાવાની ક્રિયા એટલી સહજ નથી રહેતી. રોટલી પર ઘી અવશ્ય ચોપડવું જ જોઈએ એનું કારણ સમજાવતાં પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘ઘી તો સપ્ત ધાતુવર્ધક છે. આપણે ત્યાં દાળ અને ધાન્યની સાથે ઘી ઉમેરવાનું કહેવાતું આવ્યું છે. દાળ-ભાત હોય કે ખીચડી, રોટલી હોય કે રોટલો, એની સાથે ઘી હોવું બહુ જરૂરી છે. દરેક ધાન્ય કે દાળમાં ચોક્કસ પ્રકારનાં પ્રોટીન્સ હોય છે. ધાન્યમાં કાર્બોહાઇડ્રેટ અને ફાઇબરનું પ્રમાણ પણ વધુ હોય છે. આ બધી જ ચીજોને સુપાચ્ય બનાવવા માટે સ્નેહ દ્રવ્યની જરૂર પડે છે જે ઘી અને તેલથી પૂરી થાય છે. રોટલી પર ઘી ચોપડવાથી ઘઉંમાં રહેલું ગ્લુટન પ્રોટીન સુપાચ્ય બની શકે છે.’

રોટલી ઝટપટ પચીને શુગર પેદા કરે છે, જ્યારે એના પર ઘી ચોપડવાથી એનું પાચન સરળ બને છે પણ શુગર છૂટી પડવાનું ધીમું પડે છે. એમાંય શિયાળામાં ડ્રાયનેસ વધતી હોય છે ત્યારે સ્નેહ દ્રવ્ય પૂરતી માત્રામાં શરીરને મળે એ બહુ જરૂરી છે એમ જણાવતાં પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘ઘી અમથું જ સ્નેહન દ્રવ્ય નથી કહેવાતું. ઘીનો પૂરતો વપરાશ હોય તો એનાથી રક્તવાહિનીઓ પણ સારી રહે છે અને શરીરના સાંધા પણ. ડ્રાયનેસને કારણે સાંધામાં દુખાવો થવાનું કારણ પણ સ્નેહ દ્રવ્યનો અભાવ હોય છે. હા, અલબત્ત તમે જે ઘી ખાઓ છો એ શુદ્ધ હોવું જરૂરી છે અને ગાયનું હોવું જરૂરી છે. આપણે બજારમાં મળતું ભેળસેળવાળું ઘી વાપરીએ છીએ અને પછી એનાથી કૉલેસ્ટરોલ વધે છે એવી ફરિયાદ કરીએ છીએ.’

રોજ સવારે નરણા કોઠે ઘી

પચાસની વયને આંબી રહેલી શિલ્પા શેટ્ટી અને મલાઇકા અરોરા જેવી  અભિનેત્રીઓ પણ તેમના રૂટીનમાં રોજ સવારે નરણા કોઠે એક ચમચી ગાયનું ઘી અથવા તો વર્જિન કોકોનટ ઑઇલ લે છે. શું આમ ખાલી પેટે ઘી પીવું ઠીક છે? એ મૂંઝવણનો જવાબ આપતાં પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘જો તમને પચતું હોય તો ખાલી પેટે ઘી જરૂર લેવું જોઈએ. ઘી ઓજ વધારનારું છે. ખાલી પેટે ઘી લેવાથી ત્વચા ચમકીલી બને છે. ત્વચાના લેયર્સમાં રહેલા પ્રોટીનને ઘીથી ઓજ પ્રાપ્ત થાય છે.’

health tips life and style columnists sejal patel