30 January, 2025 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડાયાબિટીઝમાં લોહીમાંની શુગર વધવાને કારણે ઘણાં કૉમ્પ્લીકેશન્સ સર્જાતાં હોય છે. સામાન્ય રીતે શરીરમાં કાપો પડે તો લોહી થોડા સમયમાં બંધ થઈ જાય છે, પરંતુ ડાયાબિટીઝના દરદીને જલદીથી લોહી બંધ થતું નથી એટલું જ નહીં, એ કાપ પર રૂઝ આવતાં પણ સમય જાય છે. નાનકડો ઘાવ પણ તેમના માટે મોટી સમસ્યા બની જતો હોય છે. વાગેલી જગ્યાએ ઇન્ફેક્શન થઈ જવું પણ ડાયાબિટીઝના દરદીઓ માટે ખૂબ જ સામાન્ય છે. ડાયાબિટીઝ ધરાવતી વ્યક્તિ હંમેશાં એ તકેદારી રાખે છે કે તેને કોઈ પણ પ્રકારે ઘા ન થાય,પરંતુ અમુક પરિસ્થિતિ એવી આવે છે જ્યારે ડાયાબિટીઝના દરદીને સર્જરીમાંથી પસાર થવું પડે છે. ડાયાબિટીઝના દરદીઓના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવો સમય આવે જ છે જ્યારે તેમણે સર્જરી કરાવવી પડે છે અને આ સમયે એક સામાન્ય વ્યક્તિ કરતાં તેમના પર આ સર્જરીનું રિસ્ક વધુ જ રહે છે. આવા સમયે દરદીએ આ રિસ્કને સમજવાં જરૂરી છે. જો તે રિસ્ક વિશે જાણતા હોય તો આ બાબતે સજાગ રહે અને સાચા નિર્ણયો લઈ શકે છે.
ડાયાબિટીઝના દરદીઓ પર સર્જરી સમયે વધુ રિસ્ક કેમ રહે છે? લોહીમાં શુગર હોવાને કારણે બૅક્ટેરિયા તેના તરફ આકર્ષાય છે અને ઇન્ફેક્શન થવાનું રિસ્ક વધે છે. સર્જરી પછી જો ઇન્ફેક્શન થાય તો એને દવાઓ દ્વારા કન્ટ્રોલ કરવું જરૂરી બને છે. કન્ટ્રોલમાં ન રહેતું ડાયાબિટીઝ ઇન્ફેક્શનને વધારે છે અને વધેલું ઇન્ફેક્શન ડાયાબિટીઝને કન્ટ્રોલ બહાર કરે છે. આમ પરિસ્થિતિ ક્યારેક ગંભીર બની જતી હોય છે. વળી જે લોકોને ૨૦-૨૫ વર્ષથી ડાયાબિટીઝ છે તેમના માટે આ રિસ્ક વધુ ગહેરું બને છે. ડાયાબિટીઝ જેને પણ હોય તેની ઇમ્યુનિટી ઘણી જ ઓછી હોય છે અને રોગ સામે લડવાની તાકત ધીમે-ધીમે ક્ષીણ થતી જતી હોય છે. એટલે પણ સર્જરી પછીના ઇન્ફેક્શનનું રિસ્ક વધુ રહે છે. મહત્ત્વનું એ છે કે કોઈ પણ સર્જરી કરતી વખતે એ જોવામાં આવે કે આ સર્જરીથી મળતો ફાયદો એની સાથે જોડાયેલા રિસ્કથી વધુ છે કે નહીં. જો એ હોય તો જ સર્જરી કરવાનો નિર્ણય લેવો જોઈએ. ડાયાબિટીઝ હવે કન્ટ્રોલમાં રાખવો એટલું અઘરું નથી. જે પણ વ્યક્તિને ડાયાબિટીઝ છે તે આ રોગ બાબતે ગંભીર બને અને એને કન્ટ્રોલમાં રાખવા માટે જરૂરી નિયમોનું પાલન કરે તો ભવિષ્યમાં આવતા સર્જરી સાથે જોડાયેલા રિસ્કને નહીંવત્ કરી શકાય છે. આમ જરૂરી છે કે ડૉક્ટરને તમારા ડાયાબિટીઝની હિસ્ટરી વિશે દરેક માહિતી આપવી.
- ડૉ. મીતા શાહ
(ડૉ. મીતા શાહ અનુભવી ડાયાબેટોલૉજિસ્ટ છે.)