midday

કૉલેસ્ટરોલ કે થાઇરૉઇડની ટેસ્ટ કરતાં પહેલાં ૧૨ કલાકનું ફાસ્ટિંગ જરૂરી કેમ છે?

23 July, 2024 07:30 AM IST  |  Mumbai | Yogita Goradia

નૉન-ફાસ્ટિંગ ફેઝમાં લીધેલા લોહીના રિપોર્ટમાં હાર્ટ-અટૅક અને સ્ટ્રોકનું રિસ્ક વધુ નોંધાયું હોય એવું બન્યું છે
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ઓબેસિટી, કૉલેસ્ટરોલ ઘટાડવા માટે કે પછી થાઇરૉઇડની તકલીફ માટે ડાયટ-પ્લાન શરૂ કરો એ પહેલાં બૉડીની હાલની કન્ડિશન માપવી જરૂરી હોય છે. એટલે જ કોઈ પણ ડાયટ શરૂ કરવાનો હોય ત્યારે પહેલાં બ્લડ-ટેસ્ટનું રીડિંગ થતું હોય છે. જોકે આ ટેસ્ટિંગ માટે બ્લડ આપવાનું હોય ત્યારે એક કૉમન ઇન્સ્ટ્રક્શન હોય છે. એ છે ૧૨ કલાકનું ફાસ્ટિંગ. હેલ્થનાં વિવિધ પરિમાણો માપવાનાં હોય ત્યારે બૉડીને પૂરતો રેસ્ટ મળ્યો હોય એ બહુ જરૂરી છે. મારા ઘણા પેશન્ટ્સ પૂછતા હોય છે કે ફાસ્ટિંગ ન કરીએ તો ચાલે? રાતે મોડેથી જમતા લોકોને સવારે ઊઠીને જૉબ પર જવાની ભાગમભાગ હોવાથી લોહી આપવાના સમયે ૧૨ કલાક પૂરા નથી થતા એને કારણે તેમને સ્ટ્રેસ આવી જાય છે.

આવા લોકો માટે જવાબ એ છે કે ૧૨ કલાકનું ફાસ્ટિંગ કરીને લોહી આપ્યું હશે તો તમારું બૉડી, લોહી અને હૉર્મોન્સ બને એટલાં નૉર્મલ સ્ટેટમાં હશે. દિવસ દરમ્યાન તમે જેકંઈ પેટમાં નાખો છો કે સ્ટ્રેસફુલ કન્ડિશનમાં જીવો છો એ બધું જ રાતના આઠ-દસ કલાકમાં શાંત થઈ જાય છે. રાતના સમયે બૉડીની ટૉક્સિન્સ ક્લીન કરવાની પ્રક્રિયા પણ આરામથી પૂરી થયેલી હોય છે. આ આઇડિયલ સમય છે લોહીનાં પરિમાણોને ચકાસવાની. ફાસ્ટિંગ વિના બ્લડ-ટેસ્ટિંગ થાય ત્યારે લોહીમાં રહેલા ખરાબ કૉલેસ્ટરોલ એટલે કે લો-ડેન્સિટી લિપોપ્રોટીનના પ્રમાણમાં ગરબડ હોવાની સંભાવના વધી જાય છે. તમે જે ખાધું છે એ તરત જ લોહીમાં રિફ્લેક્ટ થાય છે.

નૉન-ફાસ્ટિંગ ફેઝમાં લીધેલા લોહીના રિપોર્ટમાં હાર્ટ-અટૅક અને સ્ટ્રોકનું રિસ્ક વધુ નોંધાયું હોય એવું બન્યું છે.

આમ તો દરેક લૅબોરેટરીની પોતાની બ્લડ-ટેસ્ટિંગની પદ્ધતિઓ હોય છે. હવે તો ઘણી લૅબોરેટરીઓ તમે ફાસ્ટિંગ નહીં કર્યું હોય તોય ચાલશે એવું કહે છે. જો તેમના પરીક્ષણનાં સાધનો ઍડ્વાન્સ્ડ હોય તો કદાચ ચાલી જાય, પરંતુ ટ્રેડિશનલી જોઈએ તો બૉડી રિલૅક્સ્ડ મોડમાં હોય, પેટ ખાલી હોય ત્યારે જ થાઇરૉઇડ અને લિપિડ પ્રોફાઇલની ટેસ્ટિંગ થાય એ જરૂરી છે. એનાથી ચોક્કસ નિદાન થઈ શકે છે.

હું તો એટલે સુધી કહીશ કે જો કોઈને કોઈ વ્યસન હોય તો ટેસ્ટ કરાવતાં પહેલાંના બે દિવસ પહેલાંથી એ વ્યસન છોડીને પછી જ બ્લડ ટેસ્ટ કરાવશો તો વધુ ઍક્યુરેટ રિઝલ્ટ મળશે. ઍક્યુરસી નિદાનમાં હશે તો ટ્રીટમેન્ટમાં વધુ સારું પડે.

health tips life and style columnists