ડૉક્ટર પાસે જઈએ ત્યારે તેઓ કહેતા હોય છે- ચાલો જીભ બતાવો અને બોલો આ...

03 September, 2024 12:45 PM IST  |  Mumbai | Kajal Rampariya

આરોગ્ય ક્ષેત્રે ટેક્નૉલૉજીનો વ્યાપ અને વપરાશ વધી રહ્યો હોવાથી શરીરના રોગોનું નિદાન કરી શકે એવાં મશીન્સ અસ્તિત્વમાં આવી રહ્યાં છે.

પ્રતીકાત્મક તસવીર

હાલમાં જીભના કલર પરથી રોગનું નિદાન કઈ રીતે કરાય એનો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ધરાવતો કમ્પ્યુટર પ્રોગ્રામ વિકસિત થયો છે. જોકે એક સમય હતો જ્યારે અનુભવી વૈદ્યો જીભ, આંખ, નખ અને નાડી જોઈને તમને શું સમસ્યા છે એ કહી બતાવતા હતા. હજી પણ ફૅમિલી ડૉક્ટર આ ત્રણેય ચીજો તપાસે છે ત્યારે શું જુએ છે અને કયાં લક્ષણો પરથી શું થયું હાઈ શકે એનું નિદાન કરે છે એ જાણીએ

આરોગ્ય ક્ષેત્રે ટેક્નૉલૉજીનો વ્યાપ અને વપરાશ વધી રહ્યો હોવાથી શરીરના રોગોનું નિદાન કરી શકે એવાં મશીન્સ અસ્તિત્વમાં આવી રહ્યાં છે. માનવ જીભનું વિશ્લેષણ કરીને રોગનું નિદાન કરી શકે એવો કમ્પ્યુટર પ્રોગ્રામ ઇરાક અને ઑસ્ટ્રેલિયાના સંશોધકોએ વિકસિત કર્યો છે અને એની ટ્રાયલ દરમિયાન ૯૮ ટકા જેટલું ઍક્યુરેટ રિઝલ્ટ મળ્યું હતુ. મશીન લર્નિંગ અલ્ગોરિધમને તાલીમ આપવા માટે જીભની ૫૦૦૦ કરતાં વધુ તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. AIમાં તો હવે ક્રાન્તિ આવી છે, પણ તમે નોંધ્યું છે કે જ્યારે આપણે માંદા પડીએ અને ડૉક્ટર પાસે જઈએ તો ફૅમિલી ડૉક્ટર સૌથી પહેલાં કેમ જીભ, આંખ અને નખ ચેક કરે છે. શરીરના આ ત્રણેય હિસ્સામાં ડૉક્ટર શું જોતા હશે? તો ચાલો આ સવાલનો જવાબ ડૉક્ટર્સ પાસેથી જ જાણીએ.

ડૉ. છાયા ધંધુકિયા, 
ફિઝિશ્યન

હેલ્થ-ઇન્ડિકેટર

જીભ, આંખ અને નખને હેલ્થનાં મુખ્ય ઇન્ડિકેટર માનવામાં આવે છે એમ જણાવતાં ઘાટકોપરમાં રહેતા અને ૨૪ વર્ષનો અનુભવ ધરાવતાં ૫૬ વર્ષનાં ફિઝિશ્યન ડૉ. છાયા ધંધુકિયા કહે છે, ‘તેથી ડૉક્ટર સૌથી પહેલાં શરીરના આ ત્રણ ભાગ જોઈને તેમની સમસ્યા શરીરના કયા ભાગમાં છે એ સમજવાની કોશિશ કરે છે અને પછી ટ્રીટમેન્ટ ચાલુ કરે છે. જીભના રંગ પરથી જાણી શકાય છે કે શરીર સ્વસ્થ છે કે નહીં. ગુલાબી રંગની જીભ હોય તો શરીર એકદમ સ્વસ્થ છે એવું કહી શકાય. દરદીની જીભ જો બ્લુ અથવા પર્પલ હોય તો તેના શરીરમાં ઑક્સિજનનું પ્રમાણ ઓછું હોવાની શક્યતા છે. ખાસ કરીને અસ્થમા કે શ્વસન સંબંધિત અન્ય કોઈ બીમારી થવાની શક્યતા રહેલી હોય છે. શરીરમાં હાઇજીનનું ધ્યાન રખાતું ન હોવાથી જીભ પીળી થઈ જાય છે. ડીહાઇડ્રેશન અથવા કમળાની અસર અથવા પિત્તને કારણે આ‍વું થઈ શકે. શરૂઆતમાં પરીક્ષણ કરીને દરદી પાસેથી એની સમસ્યા જાણ્યા બાદ સારવાર કરવામાં આવે છે. નખની વાત કરીએ તો એ ગુલાબી હોવા જોઈએ. લાલાશ પડતા નખ હૃદય સંબંધિત સમસ્યાઓ હોવાનો વરતારો આપે છે. નબળા નખ પ્રોટીન અને કૅલ્શિયમની કમી હોવાનું ઇન્ડિકેટ કરે છે. નખમાં સીધી લાઇન્સ દેખાય તો એ શરીરમાં વિટામિન્સની કમી દર્શાવે છે. ખાસ કરીને વિટામિન B12 અને D3ની કમી હોય એવા લોકોના નખ આવા હોય છે અને એ નબળા પણ હોય છે. આંખોથી પણ જાણી શકાય છે કે શરીર કેટલું સ્વસ્થ છે. થાઇરૉઇડની સમસ્યા ધરાવતા દરદીની આંખો વારંવાર ડ્રાય થઈ જાય છે. આંખોમાં લાલાશ પડતા ડૉટ્સ દેખાય તો એ ડાયાબિટીઝ થવાનો ખતરો સૂચિત કરે છે. આંખોનું વિઝન અચાનક બ્લર થાય તો એ બ્લડ-પ્રેશરને કારણે થાય છે.’

આયુર્વેદ નિષ્ણાત  વૈદ્ય જૈના પટવા

પેટનું દર્પણ છે જીભ

ટેક્નૉલૉજી વિકસી રહી છે તો એનો ઉપયોગ કરવો ખોટું નથી, પણ એના પર જ નિર્ભર રહેવું મૂર્ખતા ગણાય એમ જણાવતાં વિલે પાર્લે, ખાર રોડ અને લોઅર પરેલમાં આયુર્વેદિક પ્રૅક્ટિસ કરતાં ૩૮ વર્ષનાં વૈદ્ય જૈના પટવા કહે છે, ‘સામાન્યપણે આયુર્વેદમાં રોગનું નિદાન દર્શન, સ્પર્શન અને પ્રશ્નેહી એમ ત્રણ તબક્કે થાય છે. દર્શનમાં આંખ, જીભ અને નખને ચેક કરવામાં આવે છે. સ્પર્શન એટલે હાથથી નાડી અને નાભિનું ચેકઅપ થાય છે અને પછી પ્રશ્નો પુછાય છે. તો અહીં વાત શરૂઆતના તબક્કાની કરવી છે. જ્યારે દરદી અમારી પાસે આવે છે ત્યારે સૌથી પહેલાં જીભ ચેક થાય છે. જો જીભ સફેદ દેખાય અને એની ફરતે વાઇટ કોટિંગ જેવું દેખાય એટલે પાચનતંત્રમાં સમસ્યા હોઈ શકે છે. આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે પાચનતંત્ર સ્વસ્થ ન હોવાથી જ બધા ઇશ્યુ થઈ રહ્યા છે. એવી જ રીતે નખનો કલર જો ભૂરો હોય અથવા લોહી ઊડી ગયું હોય એવું દેખાય તો એનીમિયાની બીમારી થઈ હોવાનો અંદાજ લગાવવામાં આવે છે. આ પ્રાથમિક પૂછપરછ હોય છે, ફક્ત આ જ તબક્કાને આધારે ટ્રીટમેન્ટ કરી શકાય નહીં. આંખ, જીભ અને નખ પીળાશ પડતાં હોય તો એને કમળાની અસરનાં એંધાણ પણ મળે છે. લિવર સંબંધિત સમસ્યાઓ હોય તો પણ જીભ અને ત્વચા યલોઇશ દેખાય છે. આવી સ્થિતિમાં અમે ટેસ્ટ કરાવવાની ભલામણ કરીએ છીએ, પણ રિપોર્ટ્સ જો નૉર્મલ આવે તો પિત્ત પણ હોઈ શકે છે. જો શરીરની પ્રકૃતિ એવી જ હોય તો એ નૉર્મલ કહેવાય છે. ઘણા લોકોની જીભ કાળાશ પડતી હોય છે. મોટા ભાગના કેસમાં એ વારસાગત હોય છે તો એમાં ગભરાવાની જરૂર નથી હોતી, એ પણ નૉર્મલ જ હોય છે. પણ જો આવું ન હોય તો એ વાત ઇમ્બૅલૅન્સને કારણે થાય છે. જેમ પિત્તની પ્રકૃતિ હોય છે એમ વાતની પણ હોય છે. વિટામિન B3ની કમી હોય અને ધૂમ્રપાન કરતા હોય એવા લોકોની જીભ કાળાશ પડતી દેખાય છે, પણ આવા કેસ બહુ ઓછા આવતા હોય છે. જીભના કલરની સાથે કઈ જગ્યાએ કલર ચેન્જ થયો છે એ પણ જોવામાં આવે છે. જો જીભ પાછળ છાલાં પડ્યાં હોય તો એ આંતરડાં અસ્વસ્થ હોવાનું ઇન્ડિકેટ કરે છે. આગળ હોય તો હૃદય અને પેટ સંબંધિત સમસ્યાઓને દર્શાવે છે. સાઇડમાં હોય તો ફેફસાં અને કિડની પ્રભાવિત થઈ રહ્યાં હોવાનું ઇન્ડિકેશન આપે છે. એ બધાં જ ઑર્ગનને પ્રભાવિત કરી રહ્યું છે કે નહીં એ પણ અમે જીભના માધ્યમથી જ ચેક કરી શકીએ છીએ. ટૂંકમાં કહીએ તો શરીરમાં થતી સમસ્યાને જીભ સૂચિત કરે છે.’

આંખો આરોગ્યનું દર્પણ

પુણેના આયુર્વેદા હબથી BAMHની ડિગ્રી મેળવી ચૂકેલાં જૈના જણાવે છે, ‘જે લોકોની નિસ્તેજ આંખો હોય અથવા વાઇટિશ આઇઝ હોય એવા લોકોને આયર્ન ડેફિશિયન્સી હોય છે. લિવર સંબંધિત સમસ્યા હોય એવા લોકોની આંખો પીળાશ પડતી દેખાશે. જીભ અને નખને બાદ કરતાં ફક્ત આંખો જ જો પીળાશ પડતી દેખાય તો પિત્ત હોઈ શકે છે અને એ શરૂઆતનો તબક્કો હોવાથી લિવરને પ્રભાવિત નથી કર્યું એમ માનવામાં આવે છે અને તાત્કાલિક સારવાર કરીને સમસ્યાને મૂળથી કાઢી શકાય છે. બાકી આઇ ચેકઅપ આંખ સંબંધિત સમસ્યાઓ માટે થાય છે.’

બ્યુટી લાઇઝ વિધિન

આમ તો જીભ અને નખનાં ઇન્ડિકેશન્સ એકસમાન જ હોય છે. નખ પણ બ્લુ અથવા પર્પલ શેડના દેખાય તો એનો અર્થ એ થાય છે કે લોહીને પૂરતો ઑક્સિજન મળી રહ્યો નથી. નખ એકદમ સ્મૂઇ અને ગુલાબી હોવાનો મતલબ તમે એકદમ સ્વસ્થ છો. કહેવાય છેને કે ‘બ્યુટી લાઇઝ વિધિન’ એમ નખની સુંદરતા તમારું સ્વાસ્થ્ય દર્શાવે છે. તમારા નખ બરાબર નથી એટલે કે શેપ ખરાબ થઈ ગયો હોય, વચ્ચેથી તૂટી જતા હોય, કાળા થઈ જતા હોય કે પછી ટેક્સ્ચર અલગ થઈ ગયું છે એને કુનખ કહેવાય છે. આ વાતની દુષ્ટિ હોવાને કારણે થઈ રહ્યું છે એમ કહી શકાય. શરીરમાં રહેલાં ટૉક્સિન્સની હાજરી ચામડી અને નખના માધ્યમથી દેખાય છે. નખ પર ઘણી વાર સફેદ ડાઘ દેખાતા હોય છે એ શરીરમાં કૅલ્શિયમની ઊણપ હોવાનું દર્શાવે છે અથવા શરીરમાં કૃમિ હોઈ શકે. જે લોકો ગળ્યું વધુ ખાતા હોય તેમને કૃમિની સમસ્યા ઉદ્ભવી શકે છે. આ અંદાજ લગાવી શકાય છે પણ દરદી પાસેથી તમામ લક્ષણો જાણ્યા બાદ જ ખબર પડે છે.

health tips life and style