મલેરિયા બાળકો પર કેમ ભારે પડે છે?

25 April, 2024 12:25 PM IST  |  Mumbai | Sejal Patel

૨૦૨૨માં વિશ્વમાં લગભગ ૨૪.૯૦ કરોડ લોકોને મલેરિયાનો ચેપ લાગ્યો હતો અને છ લાખથી વધુ મૃત્યુ થયાં હતાં. દુઃખની વાત એ છે કે મલેરિયાનો અકસીર ઇલાજ હોવા છતાં આ મોત થાય છે અને એથીયે વધુ ચિંતાની વાત એ છે કે આ મોતના આંકડામાં ૭૬ ટકા બાળકો છે.

પ્રતીકાત્મક તસવીર

૨૦૨૨માં વિશ્વમાં લગભગ ૨૪.૯૦ કરોડ લોકોને મલેરિયાનો ચેપ લાગ્યો હતો અને છ લાખથી વધુ મૃત્યુ થયાં હતાં. મોતના આંકડામાં ૭૬ ટકા બાળકો હતાં.  એ જોતાં લાગી રહ્યું છે કે ૨૦૩૦ સુધીમાં મલેરિયા નાબૂદ કરવાનું વર્લ્ડ હેલ્થ આૅર્ગેનાઇઝેશનનું સપનું દૂરનું દૂર જ રહી જશે અનેક વૅક્સિન્સની ટ્રાયલ્સ થઈ છે, પણ એ કેમ કામ નથી આવતી અને શા માટે બાળકો જ વધુ ભોગ બની રહ્યાં છે એ આજે જાણીએ

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ૨૦૧૫માં નક્કી કર્યું હતું કે ૨૦૩૦ સુધીમાં મલેરિયા નાબૂદ કરવો. આફ્રિકન દેશો અને એશિયાના જે ૩૫ દેશોમાં મલેરિયાએ કાળો કેર વર્તાવ્યો છે એને કાબૂમાં લેવા માટે અનેક પ્રયત્નો થયા છે. મલેરિયા ફેલાવતા મચ્છરોને નાબૂદ કરવા માટે પણ અનેક સંશોધનો થયાં છે અને એ મચ્છરો દ્વારા ફેલાતા પૅરેસાઇટ્સ સામે માણસોમાં ઇમ્યુનિટી તૈયાર કરવા માટે પણ અનેક સંશોધનો થયાં છે. એમ છતાં વૈશ્વિક આંકડાઓ જોઈએ તો આપણે ઠેરના ઠેર જ છીએ, રાધર પરિસ્થિતિ ઓર ખરાબ થવા જઈ રહી છે. ૨૦૧૩માં ૧૯,૮૦,૦૦,૦૦૦ લોકોને દુનિયામાં મલેરિયા થયો હતો અને એમાંથી ૫,૮૪,૦૦૦ લોકો મલેરિયાને કારણે મૃત્યુ પામ્યા હતા. ૨૦૨૨માં વિશ્વમાં લગભગ ૨૪.૯૦ કરોડ લોકોને મલેરિયાનો ચેપ લાગ્યો હતો અને છ લાખથી વધુ મૃત્યુ થયાં હતાં. દુઃખની વાત એ છે કે મલેરિયાનો અકસીર ઇલાજ હોવા છતાં આ મોત થાય છે અને એથીયે વધુ ચિંતાની વાત એ છે કે આ મોતના આંકડામાં ૭૬ ટકા બાળકો છે. એ પણ છ મહિનાથી લઈને પાંચ વર્ષથી વયની અંદરનાં. આપણે ધરપત લઈ શકીએ કે ભારતમાં મલેરિયાને કારણે થતાં મૃત્યુને ઘણા અંશે કાબૂમાં લઈ શકાયાં છે, પણ મલેરિયાને નાબૂદ કરવાની વાત કરીએ તો દિલ્હી હજીયે દૂર જ છે. જો કોરોના જેવા નોટોરિયસ વાઇરસની વૅક્સિન એક જ વર્ષમાં વિકસી શકતી હોય તો મલેરિયા માટે કેમ વૅક્સિનનું શીલ્ડ ઊભું નથી થઈ શક્યું? શા માટે બાળકો આ ચેપનો વધુ ભોગ બની રહ્યાં છે? આ સવાલોના જવાબ મેળવવાની સાથે મલેરિયા કેમ થાય છે એ પણ સમજી લઈએ. 

માદા મચ્છરથી ફેલાવો 
સહુ જાણે છે કે કેટલાક રોગો મચ્છર દ્વારા ફેલાય છે. ડેન્ગી, ચિકનગુનિયાની જેમ મલેરિયા પણ એમાંનો એક છે. મલેરિયા ફેલાવા માટે જવાબદાર મચ્છરનું નામ છે ઍનાફીલી. માદા ઍનાફીલી મચ્છર મોટા ભાગે રાતે જ કરડે છે. આ મચ્છરની અંદર ચારેક પ્રકારનાં પૅરેસાઇટ્સ રહેલાં છે. પ્લાઝમોડિયમ વાઇવેક્સ નામનો જંતુ એ કૉમન મલેરિયાનો પ્રકાર છે. મચ્છર લોહી પીવાની સાથે હેલ્ધી વ્યક્તિના લોહીમાં આ જંતુ છોડી આવે છે. મલેરિયાના દરદીને કરડે ત્યારે એના લોહી થકી આ જંતુઓનો ફરી વાહક બને છે. મચ્છર કરડ્યો એટલે મલેરિયા થઈ ગયો એવું નથી હોતું. દહિસરના ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘મલેરિયાના પૅરેસાઇટ્સ માણસના લોહીમાં ભળીને લિવર સુધી પહોંચે છે. ત્યાં સુધી એ સુષુપ્ત અવસ્થામાં હોય છે. લિવરમાં પૅરેસાઇટ્સનાં ઈંડાં એકઠા થાય છે અને પછી એમાંથી જંતુઓ પેદા થઈને ફરી લોહીમાં ભળીને શરીરનાં વિભિન્ન અંગો સુધી પહોંચે છે. મચ્છરનું કામ માત્ર વાહકનું છે. એક મલેરિયાના દરદી પાસેથી બીજા સુધી પહોંચાડવાનું કામ કરે છે.’ મલેરિયાના ચાર પ્રકાર છે. ભારતમાં બે મુખ્ય મલેરિયા જોવા મળે છે, પ્લાઝમોડિયમ વાઇવેક્સ અને પ્લાઝમોડિયમ ફાલ્સીપારમ. આ બીજા પ્રકારને ઝેરી મલેરિયા કહેવાય છે. 

બાળકો કેમ વધુ ભોગ બને?
૬ લાખ મૃત્યુમાં પાંચ વર્ષથી અંદરની વયનાં બાળકોનું પ્રમાણ ૭૬ ટકા જેટલું છે એનાં સંભવિત કારણો વિશે વાત કરતાં પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘લોકો માને છે કે બાળકોને વધુ મચ્છર કરડે છે એટલા માટે તેમને વધુ ઇન્ફેક્શન લાગે છે, પણ એવું નથી. જે મચ્છર કરડવાથી લાલ ચાઠાં પડી જાય એ ભાગ્યે જ મલેરિયા ફેલાવનારા ઍનાફીલી મચ્છર હોય. માદા ઍનાફીલી મચ્છર મોટા ભાગે ત્વચા પર ખબર પણ ન પડે એ રીતે સાઇલન્ટ્લી પોતાનું કામ કરીને જતા રહે છે. મચ્છર કરડવાનું પ્રમાણ તો બાળકો અને પુખ્તોમાં લગભગ સરખું જ હોય છે, પરંતુ સૌથી મોટું કારણ એ છે કે બાળકોની રોગપ્રતિકારક શક્તિ હજી ડેવલપ નથી થઈ હોતી. છ મહિના પછી માનું દૂધ પીવાનું ઓછું કરી નાખવાથી નૅચરલ ઇમ્યુનિટીનું શીલ્ડ ઓછું થઈ જાય છે. બાળકોમાં મલેરિયાનું નિદાન મોડું થાય છે કેમ કે એનાં લક્ષણો સમજવામાં માબાપ થાપ ખાઈ જાય છે. તેમને લાગે છે કે આ તો સામાન્ય ફ્લુ હશે, તાવ ઉતારવાની દવાથી ચાલી જશે; પણ એમ થતું નથી. વળી પ્લાઝમોડિયમ ફાલ્સીપારમ એટલે કે ઝેરી મલેરિયા જો બાળકોને થાય તો એ બહુ સરળતાથી મગજને અસર કરે છે અને એની દવાઓ બાળકોમાં જોઈએ એટલી અસરકારક નથી રહેતી. બાળકોની રોગપ્રતિકારક શક્તિ હજી ડેવલપ થઈ નથી હોતી એટલે પૅરેસાઇટ્સને કારણે તેમના અવયવોની કામગીરી જલદી ખોરવાઈ જાય છે.’

હાઇજીન એ જ પ્રિવેન્શન 
મલેરિયાનાં જંતુઓ સામે શરીરની રોગપ્રતિકારક શક્તિ ડેવલપ કરવાના અનેક પ્રયાસો થયા છે. નાઇજીરિયા અને આફ્રિકન દેશોમાં મલેરિયાની વૅક્સિન્સની ટ્રાયલ્સ પણ થઈ છે, પરંતુ એકેયમાં પૂરી સફળતા મળી નથી. ડૉ. પંકજ પારેખ કહે છે, ‘આમ જોઈએ તો મલેરિયાને નાથવા માટે વૅક્સિન આવી જાય એ બહુ જરૂરી છે. અનેક કંપનીઓએ વૅક્સિન બનાવ્યાનો દાવો પણ કર્યો છે, પરંતુ એની અસરકારતા ૫૦-૬૦ ટકાથી વધુ નથી રહી. એનું કારણ એ છે કે ઍનાફીલી મચ્છર દ્વારા ફેલાતા મલેરિયાના જીવાણુઓ શરીરમાં જઈને અલગ-અલગ છથી સાત પ્રકારના તબક્કામાંથી પસાર થઈને ડેવલપ થાય છે. લોહીમાં પ્રવેશે ત્યારે આ જીવાણુઓ અપરિપક્વ અવસ્થામાં હોય છે. લાલ રક્તકણો સાથે મળીને એ મૅચ્યોર થાય છે. લિવરમાં જઈને મલ્ટિપ્લાય થાય છે ને એમાંથી એ ફરી લોહીમાં ભળે છે અને આ તમામ પ્રક્રિયા દરમ્યાન જીવાણુઓના બંધારણમાં ફરક આવે છે. સમસ્યા એ છે કે જીવાણુઓના કયા તબક્કાને નાથવા માટે વૅક્સિન તૈયાર કરીએ તો એ લગભગ ૯૯ ટકા અસરકારક બને એ શોધવાની મથામણ ચાલી રહી છે. જ્યાં સુધી વૅક્સિન નથી આવતી ત્યાં સુધી તો હાઇજીન એક જ ઉપાય છે. સ્વચ્છતા જાળવીશું તો મચ્છર ઓછા થશે અને તો એનાથી મલેરિયા કે એના જેવા ચેપોનું પ્રમાણ કાબૂમાં લઈ શકાશે.’

વહેલું નિદાન જરૂરી
અત્યાર સુધી મલેરિયાના નિદાન માટે જે ટેસ્ટ આવતી હતી એમાં પણ હવે ઍડ્વાન્સ્ડ ટેક્નૉલૉજી આવી ગઈ છે એની વાત કરતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘પહેલાં સ્મીઅર ટેસ્ટ આવતી હતી એને કારણે જ્યારે દરદીને તાવ હોય એ વખતે જ જો લોહીનું સૅમ્પલ લીધું હોય તો જ મલેરિયાના પૅરેસાઇટ્સ પકડાતા હતા, પરંતુ હવે મલેરિયલ ઍન્ટિજન ટેસ્ટ આવી છે જે નૉર્મલ ટેમ્પરેચર હોય ત્યારે પણ મલેરિયલ ઇન્ફેક્શન છે કે નહીં એ પકડી પાડે છે.’

મલેરિયા વિશે આ જાણો છો?
મલેરિયા એ ગ્રીક શબ્દ છે, એનો અર્થ થાય છે ખરાબ હવા. ૧૮૯૭ની સાલ પહેલાં લોકો એવું માનતા હતા કે ખરાબ હવા શ્વાસમાં લેવાને કારણે આ રોગ થાય છે એટલે એનું નામ મલેરિયા પડ્યું હતું. મચ્છર કરડ્યા પછી ચારથી ૪૦ દિવસ સુધીમાં મલેરિયાનાં લક્ષણો દેખાઈ શકે છે.  કેટલાક અભ્યાસો કહે છે કે જીવાણુઓ લોહીમાં પ્રવેશી ગયા હોય એ પછી જો બિઅર પીવામાં આવે તો એની ખાસ ગંધને કારણે મલેરિયાના જીવાણુઓ તાકાતવર થઈ જાય છે.

આટલી તકેદારી મસ્ટ છે
ઘરની આસપાસમાં ક્યાંય પાણીનું ખાબોચિયું ભરેલું ન રહેવું જોઈએ. પાણીની ટાંકીમાં પણ નહીં અને એની આજુબાજુમાં પણ નહીં. પ્લાન્ટને પાણી નાખતા હો અને વધારાનું પાણી નીચેની તાસકમાં પડ્યું રહેતું હોય તો એ પાણી પણ ભરાયેલું ન રહેવું જોઈએ. 

કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ખુલ્લી જગ્યામાં પાણી ભરાયેલું હોય છે એ મલેરિયાના મચ્છર માટેનું મોટું બ્રીડિંગ ગ્રાઉન્ડ છે. 

ઘરની અંદર ઍરકૂલર રાખ્યું હોય તો એનું પાણી બદલતા રહેવું. ઉનાળામાં મલેરિયા થવાનું કારણ ઍરકૂલર્સ હોઈ શકે છે.

બાળકને લગાતાર બે દિવસ માટે તાવ આવે તો ફ્લુ માનીને બેસી ન રહેવું. તરત ડૉક્ટર પાસે લઈ જવું અને લોહીની તપાસ કરાવવી.

મચ્છરોથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરી શકાય. મચ્છરોથી બચવા મૉસ્કિટો રેપલન્ટ ક્રીમ લગાવવી એ સૌથી સુરક્ષિત ઉપાય છે. 

તમારા ઘરની બારીઓ પર નેટ જરૂરથી લગાવડાવો. ઘરમાં કૉઇલ લગાડો કે સ્પ્રે છાંટો એના કરતાં આ વધુ સારો ઉપાય છે. મચ્છરને મારવાની જગ્યાએ એને ઘરમાં આવતાં જ રોકો. જો કોઈ કારણોસર મચ્છરો ઘરમાં ઘૂસી જ જાય તો ઘરમાં સૂકા લીમડાનાં પાન અને હળદરનો ધુમાડો કરી શકાય. 

life and style columnists world health organization sejal patel health tips baby