યુરેકા... યુરેકા...: કેમ નહાતી વખતે જ સારામાં સારા આઇડિયા આવે છે?

09 January, 2025 08:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માણસ જ્યારે કોઈ ચીજ વિશે વિચારવા અને સમજવાની શરૂઆત કરે ત્યારે તેને જાતજાતના વિચારો આવે છે.

પ્રતીકાત્મક તસવીર

ગ્રીક ગણિતજ્ઞ અને ભૌતિક વિજ્ઞાની આર્કિમીડિઝે જે રીતે નહાતાં-નહાતાં સોનાના મુગટમાં મળેલી ભેળસેળ પકડી પાડવાનો સિદ્ધાંત શોધી કાઢ્યો અને એની ખુશીમાં નંગુપંગુ અવસ્થામાં ‘યુરેકા યુરેકા’ ચિલ્લાતાં-ચિલ્લાતાં રાજાના દરબારમાં દોડી ગયેલ. યુરેકા યુનાની શબ્દ છે જેનો અર્થ થાય ‘મને જવાબ મળી ગયો...’ આવું જ કંઈક ક્યારેક તમારા જીવનમાં પણ બન્યું છે? કોઈક સવાલ બહુ સમયથી સતાવતો હોય અને શું કરવું એ  સમજાતું ન હોય, પણ અચાનક નહાવા જાઓ ત્યારે જ તમને એ સમસ્યાનો હલ કઈ રીતે કાઢવો એનો મસ્ત ક્રીએટિવ આઇડિયા મળી ગયો હોય? નહાતી વખતે યુરેકા મોમેન્ટ ઘણા લોકોએ અનુભવી હશે, પણ એવું કેમ થાય છે એનું કારણ જાણો છો?

માણસ જ્યારે કોઈ ચીજ વિશે વિચારવા અને સમજવાની શરૂઆત કરે ત્યારે તેને જાતજાતના વિચારો આવે છે. ક્યારેક એ સારા પણ હોય અને ક્યારેક તમે વિચાર્યું પણ ન હોય એવા અણધાર્યા વિચારો હોય. નહાતી વખતે હંમેશાં બેસ્ટ આઇડિયા આવે છે એવું તમે ઑબ્ઝર્વ કર્યું છે? ન કર્યું હોય તો હવે કરજો. જો તમે આ બાબતે સભાન ન હો તો મોટા ભાગે નહાઈને બહાર નીકળો ત્યાં સુધીમાં એ આઇડિયા ભુલાઈ પણ જાય છે. આવું કેમ? કેમ નહાતી વખતે આપણું મગજ અલગ જ વેવલેન્ગ્થ પર ફંક્શન કરવા લાગે છે?

યુનિવર્સિટી ઑફ વર્જિનિયાના કૉગ્નિટિવ સાયન્સ ઍન્ડ ફિલાસૉફીના અસિસ્ટન્ટ પ્રોફેસર જૅચરી ઇર્વિંગ આ વિષય પર ઊંડું સંશોધન કરી રહ્યા છે. અત્યાર સુધીના તેમના અભ્યાસનો નિષ્કર્ષ કહે છે કે જ્યારે દિમાગ બીજી કોઈ દિશામાં વિચાર ન કરી રહ્યું હોય ત્યારે જ એને અલગ અને હટકે કહી શકાય એવા વિચારો આવે છે. નહાવાનું એક રૂટીન કામ થઈ ગયું હોવાથી વ્યક્તિ યંત્રવત રીતે રૂટીન કામ કરતી હોય છે. એ વખતે મગજ અને શરીર વચ્ચે સભાન કો-ઑર્ડિનેશનની જરૂર નથી પડતી. એક રીતે જોઈએ તો મગજ નિષ્ક્રિય થઈ જતું હોવાથી મગજમાં ક્રીએટિવ વિચારો આવવા લાગે છે. જૅચરી ઇર્વિંગનું કહેવું છે કે તમે જેટલું વધુ નિઃરસ કામ કરતા હો, સાવ વિચાર કર્યા વિના ખાલી બેઠા હો ત્યારે પણ ક્રીએટિવ થિન્કિંગ આપમેળે થઈ જાય છે. નહાવું એવી રૂટીન ઍક્ટિવિટી છે જે શરીર-મનને રિલૅક્સ કરે છે. એટલે જ મગજની ક્રીએટિવિટી એના ચરમ પર હોય છે.  બીજું, નહાતી વખતે મગજમાંથી સારીએવી માત્રામાં ડોપમાઇન ન્યુરોટ્રાન્સમીટર રિલીઝ થાય છે. રિલૅક્સેશનની સાથે આ કેમિકલની હાજરીને કારણે ક્રીએટિવ આઇડિયા સહજતાથી આવે છે.

life and style health tips columnists