29 November, 2024 08:32 AM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
શિયાળો આવે એટલે સવાર અઘરી બનાવે. ખાસ કરીને ઊંઘમાંથી ઊઠીએ ત્યારે સાંધા સ્ટિફ થઈ જાય છે અને દુખાવો વધી જાય છે. શિયાળો હોય ત્યારે જ કેમ આવું થાય અને એ પણ સવારે જ કેમ આવું થાય એનાં કારણ આજે સમજીએ. સાથે-સાથે જાણીએ કે આ બાબતે ઘરગથ્થુ ઉપાય આપણે શું કરી શકીએ છીએ
શું સવારે ઊંઘ ઊડી ગયા પછી પણ પથારીમાંથી ઊઠવું તમને એક ટાસ્ક જેવું લાગે છે કારણ કે શરીર આખું અકડાઈ ગયું હોય એમ લાગે છે? હાથ કોણીથી વળતો નથી. પગની પાની તો જમીન પર મુકાતી જ નથી અને જેવો દિવસ ચડે, ધીમે-ધીમે બધું નૉર્મલ લાગવા લાગે છે.
રૂટીન તો પહેલાં જેવું જ છે પણ છતાં અચાનક ખબર નહીં કેમ ઘૂંટણમાં દુખાવો શરૂ થઈ ગયો છે. એવું લાગે છે કે શરીર કવે છે. પણ આ દુખાવો પાછો એક જેવો નથી. ક્યારેક એકદમ દુખે અને ક્યારેક લાગે જ નહીં કે દુખાવો હતો પણ ખરો કે નહીં. એટલે મૂંઝવણ એ રહે કે ડૉક્ટર પાસે જવું જોઈએ કે નહીં.
અત્યારે રાત્રે આટલી તો ઠંડક છે પછી પંખા કે ACની શું જરૂર છે? આ વાત સાથે આજકાલ પાર્ટનર સાથે લગભગ દરરોજ માથાકૂટ થાય છે? જે દિવસે AC-પંખા વગર સૂતા હો એ દિવસે સારું લાગે અને બાકી જે દિવસે તમારા પાર્ટનરનું ચાલ્યું હોય એની બીજી સવારે તમારી હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હોય. મગજથી તો તમે અકળાયેલા હો જ પણ શરીર પણ આખું અકડાઈ ગયું હોય એમ બને.
આ બધું થતું હોય તો શિયાળો આવી ગયો છે એ સમજી શકાય. આમ તો મુંબઈવાસીઓ માટે શિયાળાનો અર્થ એ છે કે તમારે રાત્રે AC ચાલુ કરવાની જરૂર નથી પડતી. વધુમાં ડિસેમ્બર મહિનામાં એવા અમુક દિવસો ચોક્કસ આવશે જ્યારે એકાદ જૅકેટ પહેરીને નીકળવાની જરૂર પડશે. મુંબઈમાં તમને જો શિયાળાની અસર દેખાવાની શરૂ થાય તો એ બે જ જગ્યા પર હોય છે, એક છે સ્કિન પર કારણ કે શિયાળામાં ચામડી એકદમ સૂકી થઈ જાય છે અને બીજી છે સાંધા પર. ઉપર જે પરિસ્થિતિ જોઈ એનો ભોગ સિનિયર સિટિઝન વધુ બને છે એ વાત સાચી પરંતુ એવું જરાય નથી કે આવું ફક્ત ઉંમરલાયક વ્યક્તિઓમાં જ થાય, યુવાનોને પણ સાંધાની તકલીફ હોઈ જ શકે છે. આજે સમજીએ કે આ તકલીફ પાછળનું વિજ્ઞાન.
તાપમાનની અસર
જ્યારે બહારનું તાપમાન ઘટે છે ત્યારે શરીરમાં આમ તો દરેક સાંધા પર થોડીઝાઝી અસર થાય જ છે. આ અસર વિશે વાત કરતાં ધ ની ક્લિનિક, મુલુંડના ની સ્પેશ્યલિસ્ટ ડૉ. મિતેન શેઠ કહે છે, ‘સાદી ભાષામાં સમજીએ તો જ્યારે સાંધાઓમાં પાણી ભરાઈ જાય ત્યારે એમાં દુખાવો વધે છે. જ્યારે વાતાવરણમાં ઠંડી વધે છે ત્યારે વાતાવરણનું પ્રેશર ઘટે છે અને એને કારણે સાંધામાં જે ખાલી જગ્યા છે એ વિસ્તરે છે, જેને લીધે એમાં પાણી ભરાય છે. આ સિવાય જ્યારે ઠંડી વધે છે ત્યારે લોહીની નળીઓ હોય એના કરતાં પાતળી થાય છે કારણ કે ઠંડીને કારણે એ સંકોચાય છે, જેને કારણે લોહી જેટલું પહોંચવું જોઈએ એનાથી ઓછું સાંધાઓમાં પહોંચે છે અને આ કારણ પણ હોઈ શકે છે દુખાવો વધવાનું. જોકે વાતાવરણની સાંધા પર અસરનાં વૈજ્ઞાનિક કારણો ખાસ જ્ઞાત નથી. અથવા તો કહીએ કે સાબિત થયેલાં નથી.’
સવારે જ કેમ?
આખા દિવસ દરમિયાન માણસ ઠીક રહે અને અચાનક સવારે જ સાંધા અકડાઈ જવાનું શું કારણ છે એ જણાવતાં મિતેન શેઠ કહે છે, ‘અહીં સમજવાનું એ છે કે જો તમને દિવસ દરમિયાન કે રાત્રે સાંધા અકડાઈ જતા હોય તો એનું કારણ આખા દિવસનો થાક છે. એવા લોકો રાત્રે સૂએ એટલે તેમનો દુખાવો ઓછો થઈ જાય છે. પરંતુ આખી રાત સૂતા પછી સવારે સાંધામાં દુખે કે સાંધા અકડાઈ જાય તો એની પાછળનું કારણ થાક નથી. રાત્રે સૂઈ જઈએ એ દરમિયાન શરીરનું રિપેરિંગ કામ ચાલુ થાય છે અને એટલે એ અમુક કેમિકલ્સ પ્રોડ્યુસ કરે છે જે શરીરમાં થતા સંપૂર્ણ ઇન્ફ્લમૅશન એટલે કે જે આંતરિક સોજો છે એને રોકવાનું કામ કરે છે પરંતુ જ્યારે આ કામ બરાબર થાય નહીં ત્યારે અમુક પ્રકારનાં કેમિકલ્સ સાંધા પર જ અસર કરે છે અને એને કારણે સાંધા અકડાઈ જાય છે. દિવસ ચડે એમ આ સોજા ઊતરે એટલે પછી ઠીક લાગે છે. આ એકદમ શરૂઆતી લક્ષણો છે આર્થ્રાઇટિસનાં. ખાસ કરીને જો તમને સવારે ઊઠીને ૬૦ મિનિટ સુધી આ અકડાયેલી અવસ્થા રહે તો તમને રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસ હોઈ શકે છે. અને જો તમારી ઉંમર વધુ હોય તો ઘસાઈ ગયેલાં હાડકાંને કારણે પણ આ થઈ શકે છે જેને ઑસ્ટિયોઆર્થ્રાઇટિસની શરૂઆત ગણી શકાય.’
યુવાનોએ પણ ધ્યાન રાખવું
જે યુવાનો શિયાળામાં એક્સરસાઇઝ કરે છે તેમણે થોડા સાવધાન રહેવાની જરૂર છે કારણ કે શિયાળામાં વાતાવરણને લીધે શરીર પર જે અસર થાય છે એને કારણે ઇન્જરી થવાની શક્યતા વધી જાય છે. જેમ કે જે લોકો સવારે સાઇક્લિંગ, જૉગિંગ કે સ્પોર્ટ્સ માટે જાય છે તેમણે જો વ્યવસ્થિત વૉર્મ-અપ ન કર્યું તો ઇન્જરી થવાનું રિસ્ક ઘણું વધી જાય છે. શિયાળામાં સ્નાયુઓને ગરમ થતાં વાર લાગે છે. એમાં જો તમે એક્સરસાઇઝ કરો તો ઇન્જરી થઈ શકે છે. આ ઉપરાંત જો સવારમાં તમે સ્વિમિંગ માટે જતા હો તો આપણે ત્યાં ગરમ પુલની વ્યવસ્થા ખાસ હોતી નથી. આ પરિસ્થિતિમાં સાંધાનો દુખાવો શરૂ થઈ શકે છે. આમ સ્વિમિંગ કરવું હોય તો બપોર પછી જવું, એકદમ સવારે ન જવું.’
ખોરાકથી ફાયદો
જ્યારે કોઈ પણ વ્યક્તિને સાંધાની તકલીફ હોય છે ત્યારે તેને લાગે છે કે કૅલ્શિયમયુક્ત ખોરાક ખાવાથી ફાયદો થશે, પણ એવું નથી એમ સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘કૅલ્શિયમ માટે તલ ખાવા જોઈએ. બે ચમચી તલ રાત્રે સૂતાં પહેલાં પલાળી દેવા અને સવારે ઊઠીને પહેલાં એ ખાઈ લેવા અથવા એ જ તલને પીસી લેવા અને એની પેસ્ટ બે ચમચી ખાઈ લેવી. એક વિન્ટર શૉટ પણ ઉપયોગી છે જેમાં ૧ સંતરું, એક નાનો ટુકડો આદું, આંબા હળદર, આમળું, પેરુ અને મીઠો લીમડો પીસીને દરરોજ સવારે ૫૦ મિલીલીટર જેટલો જૂસ પી લેવો. આ સિવાય બાજરાની રાબ પણ ખૂબ જ ગુણ કરશે. જે લોકોને આ તકલીફ હોય તેમણે દહીં રાત્રે ન ખાવું. દિવસ દરમિયાન પણ દહીં વઘારીને જ ખાવું અને દૂધ દિવસ દરમિયાન ન પીવું. રાત્રે સૂંઠ અને પીપરીમૂળ નાખીને પીવું.’
એક્સરસાઇઝ અને સપ્લિમેન્ટ
સાંધામાં તકલીફ હોય તો સપ્લિમેન્ટ લેવાં કે નહીં, લેવાં તો કયાં લઈ શકાય એ બાબતે ખાસ લોકોને મૂંઝવણ હોય છે. એ વિશે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘ઘણી વાર શરીરમાં કૅલ્શિયમ હોય પણ એ સારી રીતે ઍબ્ઝૉર્બ નથી થતું હોતું એટલે તકલીફ હોય છે. આ કૅલ્શિયમ સાંધામાં જઈને ડિપોઝિટ થઈ જતું હોય એટલે કે જમા થઈ જતું હોય તો પણ સાંધાનો દુખાવો થાય. આવામાં સાંધા અને સ્નાયુની ફ્લેક્સિબિલિટી વધારવી જરૂરી છે. એ માટે એકદમ વહેલી સવારે નહીં, દિવસ દરમિયાન એકસરસાઇઝ કરવી અને નિયમિત જ કરવી. જો સપ્લિમેન્ટની વાત કરીએ તો મૅગ્નેશિયમનાં સપ્લિમેન્ટ કામ લાગે છે કારણ કે એ કૅલ્શિયમના ઍબ્સૉર્પ્શનમાં કામ લાગે છે. મૅગ્નેશિયમ ઇન્ફ્લૅમૅશન એટલે કે સોજો ઓછો કરે, સ્નાયુને રિલૅક્સ કરે છે. શાકાહારી ખોરાકમાં ઑમેગા 6 વધારે હોય અને ઑમેગા 3 ઓછું મળે. તો આ તકલીફ હોય ત્યારે ઑમેગા 3નાં સપ્લિમેન્ટ બે મહિના લઈ શકાય.’