midday

મૉઇશ્ચરાઇઝરના નામે બેબી ક્રીમ લગાવી રહ્યા હો તો ચેતી જજો

26 March, 2025 02:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે નિષ્ણાતોના મતે આવું ન કરવું જોઈએ અને આવું કરતા હોય એ લોકોએ તાત્કાલિક બેબી ક્રીમનો વપરાશ બંધ કરવો જોઈએ. સ્કિનકૅર રૂટીન બહુ ડેલિકેટ હોય છે એને મન ફાવે એમ કૅર ન કરી શકાય.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નાનાં બાળકો માટે માર્કેટમાં વેચાઈ રહેલી સ્કિનકૅર પ્રોડક્ટ્સ ત્વચાને નુકસાન પહોંચાડતી નથી. એ સ્કિનને સૉફ્ટ અને ફ્લૉલેસ બનાવે છે એ સમજીને મોટી ઉંમરના લોકો પણ એનો વપરાશ કરે છે. મોટા ભાગના લોકો મૉઇશ્ચરાઇઝરને બદલે બેબી ક્રીમ લગાવતા હોય છે. જોકે નિષ્ણાતોના મતે આવું ન કરવું જોઈએ અને આવું કરતા હોય એ લોકોએ તાત્કાલિક બેબી ક્રીમનો વપરાશ બંધ કરવો જોઈએ. સ્કિનકૅર રૂટીન બહુ ડેલિકેટ હોય છે એને મન ફાવે એમ કૅર ન કરી શકાય.

શું છે ફરક?

બેબી પ્રોડક્ટ્સ નાનાં બાળકોની સ્કિનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય છે, જ્યારે મોટી ઉંમરના લોકોની સ્કિનનું ટેક્સ્ચર તદ્દન જુદું અને મૅચ્યોર હોય છે. નવજાત શિશુની સ્કિન બહુ જ સૉફ્ટ તો હોય છે અને સાથે પાતળી પણ હોય છે. એ ઑઇલી હોતી નથી અને સ્કિનમાં પાણીનું પ્રમાણ પણ વધુ હોય છે. તેથી આ બધી ચીજોને ધ્યાનમાં રાખીને બાળકો માટે બેબી ક્રીમ બનાવવામાં આવે છે જે યુવાનોની મૅચ્યોર સ્કિન માટે જરાય સૂટેબલ નથી, કારણ કે ઉંમર મોટી થતાં ત્વચાનો થર જાડો થાય છે અને ઑઇલી પણ રહે છે. ઘરની બહાર નીકળતી વખતે પૉલ્યુશન અને સૂર્યનાં અલ્ટ્રાવાયલેટ કિરણોને લીધે ત્વચા ડૅમેજ પણ થતી હોય છે. તેથી એ ત્વચાને ધ્યાનમાં રાખીને મૉઇશ્ચરાઇઝર બનાવવામાં આવ્યું હોય છે જે ત્વચાને રક્ષણ પણ આપે ને હાઇડ્રેટેડ પણ રાખે.

બેબી ક્રીમ લગાવવાથી શું થશે?

નિષ્ણાતોના મત અનુસાર જો યુવાવર્ગ કે મોટી ઉંમરના લોકો બેબી ક્રીમ વાપરશે તો થોડા સમય સુધી સારું લાગશે પણ પછી સ્કિનનું મૉઇશ્ચર ધીરે-ધીરે ઓછું થતું જશે અને હાઇડ્રેશન પણ નહીં રહે તો એ ડ્રાય થશે અથવા એકદમ ઑઇલી થશે. આ બન્ને સ્થિતિમાં સ્કિન ડૅમેજ તો થશે. બેબી ક્રીમમાં સન ડૅમેજ, એજિંગ અને પિગમેન્ટેશનથી રક્ષણ આપતી ચીજો પણ નથી હોતી તેથી એ સૉફ્ટ થવાને બદલે રફ થતી જશે કારણ કે એમાં સ્કિનને પોષણ પૂરું પાડતાં તત્ત્વો હાયોલ્યુરૉનિક ઍસિડ, સેરામાઇડ્સ અ‌ને પેપ્ટાઇડ્સ નથી હોતાં. આ ત્રણેય તત્ત્વો સ્કિનને હાઇડ્રેટેડ રાખવાની સાથે પ્રોટેક્શન પણ આપે છે.

બાકી પ્રોડક્ટ્સ પણ આવી જ?

બેબી માટે બનાવાતાં શૅમ્પૂ પણ ઍડલ્ટ્સ વાપરી શકે એમ નથી, કારણ કે એ બહુ જ માઇલ્ડ હોવાથી સ્કૅલ્પને ક્લીન કરી શકતાં નથી. ખાસ કરીને જેનું સ્કૅલ્પ ઑઇલી હોય છે એ લોકોએ બેબી શૅમ્પૂ વાપરવાં નહીં. બેબી સોપ પણ શૅમ્પૂની જેમ બહુ જ માઇલ્ડ હોવાથી એ આપણી સ્કિન પરના પસીના, ઑઇલ અને પ્રદૂષણને દૂર કરી શકતા નથી, પરિણામે સ્કિન વધુ ડલ થતી જશે. નવજાત બાળકો માટે આવતા લોશનમાં પણ હાઇડ્રેશનનું પ્રમાણ ઓછું હોવાથી એ મોટી ઉંમરની વ્યક્તિ માટે સૂટેબલ નથી. જેમની ત્વચા ડ્રાય હોય એ લોકો માટે બેબી લોશન યુઝલેસ છે. જેમની સ્કિન બહુ સંવેદનશીલ હોય એ લોકો માટે બેબી પ્રોડક્ટ કામની ચીજ છે કારણ કે એમાં વધુ કેમિકલનો ઉપયોગ થતો નથી.

health tips fashion news fashion skin care life and style