તરબૂચની સાથે કયું ફળ ન ખવાય?

20 September, 2024 10:45 AM IST  |  Mumbai | Laxmi Vanita

કયાં ફ્રૂટ્સનું કૉમ્બિનેશન કરવાથી ફળો ગુણકારી નથી રહેતાં કે નુકસાનકર્તા બની શકે છે એ આયુર્વેદ-નિષ્ણાત પાસેથી જાણીએ

પ્રતીકાત્મક તસવીર

એક પણ નહીં. રસ, ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર ફળો રોજ ખાવાં જ જોઈએ; પણ જો કયાં ફળો મિક્સ કરીને ખવાય અને કયાં નહીં એની ખબર ન હોય તો ફળોથી પણ અપચો થઈ શકે છે. કયાં ફ્રૂટ્સનું કૉમ્બિનેશન કરવાથી ફળો ગુણકારી નથી રહેતાં કે નુકસાનકર્તા બની શકે છે એ આયુર્વેદ-નિષ્ણાત પાસેથી જાણીએ

હરિયાણામાં બાળકોએ જાણકારી વગરનું ફળ ખાધું જેને કારણે તેઓ હૉસ્પિટલમાં પહોંચી ગયાં. ગરમીની સીઝન હોય ત્યારે બિહારમાં લીચી વધુપડતી ખાઈ લેવાથી પણ બાળકો બીમાર પડતાં હોવાના સમાચાર ચમકે છે. ફ્રૂટ-બાઉલ્સ આજકાલ બહુ ફેમસ થઈ રહ્યા છે. રંગબેરંગી ફળોનું મિશ્રણ કરીને એમાં યૉગર્ટ કે ઓટમીલ્સ નાખીને ‘હેલ્ધી બ્રેકફાસ્ટ’ બનાવ્યો હોવાનો સંતોષ મળે છે, પણ જો આ મિશ્રણમાં વપરાનારાં ફળોનું કૉમ્બિનેશન એના ગુણોને ધ્યાનમાં રાખીને ન બનાવાયું હોય તો એ નુકસાનકારક બની શકે છે.

આપણે તો જાણતાં-અજાણતાં ફળો અને શાકભાજીનું કૉમ્બિનેશન કરીને એકદમ મસ્ત આરોગીએ છીએ એટલું જ નહીં, ફ્રૂટ-ડિશ ખાધા પછી એ વાતથી ખુશ થતા હોઈએ છીએ કે આપણા આહારમાં લીલાં શાકભાજી અને ફળો જ હોય છે. જોકે ક્યારેક માથું દુખતું હોય કે ઊબકા આવતા હોય કે જબરદસ્ત ઍસિડિટી થતી હોય તો આપણે એનું કારણ તળેલા અને બહારના ખાદ્ય પદાર્થોને માનતા હોઈએ છીએ. જોકે ફ્રૂટ્સનું ખોટું કૉમ્બિનેશન પણ શરીરને નુકસાન કરી શકે છે. આયુર્વેદ-નિષ્ણાત ડૉ. મહેશ સંઘવી પાસેથી જાણીએ કે કયાં ફળોને સાથે ખાવાં જોઈએ અને કયાં ફળોને સાથે ન ખાવાં જોઈએ જેથી આપણે એનો સંપૂર્ણ લાભ મેળવી શકીએ.

આ ફળોને સાથે ખાવાની ભૂલ ન કરવી

૪૫ વર્ષથી આયુર્વેદની પ્રૅક્ટિસ કરતા નિષ્ણાત ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘વૉટરમેલન સાથે અન્ય કોઈ ફળ ન ખાવું. એનું કારણ એ છે કે આ ફળમાં ૯૫ ટકા ભાગ પાણીનો હોય છે અને એ પચવામાં એકદમ હળવું હોય છે. અન્ય ફળો એની સાથે ખાવામાં આવે તો એના કોઈ ગુણોની અસર શરીરને ન થાય. ઊલટાનો અપચો થાય અને આમ્લ એટલે કે ઍસિડ ઉત્પન્ન થાય કાં તો કહી શકાય કે ટૉક્સિન પેદા થાય. સ્ટાર્ચવાળાં ફળોને હાઈ પ્રોટીન ધરાવતાં ફળો સાથે ન ખાવાં. ઍસિડિક ફ્રૂટ સાથે ગળ્યાં ફળોનું મિશ્રણ ન કરવું. ઍસિડિક ફ્રૂટ્સમાં દ્રાક્ષ, સ્ટ્રૉબેરી, દાડમ, સફરજન, પીચનો સમાવેશ થાય છે; જ્યારે સ્ટાર્ચવાળાં ગળ્યાં ફળોમાં કેળાં અને ચીકુ જેવાં ફળોનો સમાવેશ કરી શકાય. ઍસિડની સાથે શુગરનો સમન્વય નુકસાનકારક છે. જો આ કૉમ્બિનેશન ખાવામાં આવે તો ઘણી વાર નોસિયા, માથાનો દુખાવો, ઊલટી જેવો અહેસાસ થાય કે ઍસિડિટી થઈ શકે છે. જમરૂખ અને કેળાં સાથે ન ખાવાં. પપૈયું અને લીંબુ એકસાથે ન ખાવું. લીંબુ એટલે વિટામિન C અને ઍસિડ. જો એ પપૈયા સાથે ખાવામાં આવે તો પપૈયામાં રહેલા ઉત્સેચકો નષ્ટ કરે એટલે એના કોઈ ગુણો શરીરને ન મળે. આ સિવાય ફ્રૂટ્સ અને દૂધ પણ સાથે ન ખાવાં જોઈએ એટલે કે ફ્રૂટસૅલડ ન ખાવું જોઈએ, કારણ કે એ વિરોધી આહાર કહેવાય છે.’

આ ફળો સાથે ખાવાં જોઈએ

સ્ટાર્ચવાળાં ફ્રૂટ્સમાં આમ્લતા હોય છે એટલે કે એનો આલ્કલાઇન બેઝ હોય છે. રસાયણશાસ્ત્રમાં ભણવામાં આવતું કે ક્ષાર-આલ્કલાઇન અને ઍસિડ બન્ને ભેગા કરો તો ડિસ્ટિલાઇઝેશન (એટલે કે પ્રવાહીને શુદ્ધ કરવાની પ્રક્રિયા) થઈ જાય. વિરોધી ફળો ખાઓ તો એની અસર ઝીરો થઈ જાય એમ સમજાવતાં ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘ચેરી, પાઇનૅપલ અને બ્લુબેરીનું મિશ્રણ તમે સાથે ખાઈ શકો છો. આમાં વિટામિન C હોય છે અને એક ખાસ પ્રકારના ઉત્સેચકો હોય છે જે આંતરડાંનો સોજો ઓછો કરે છે. એટલે ખાલી પેટે ખાવાનાં આ ફળોમાં ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ગુણધર્મો હોય છે તેમ જ ઍન્ટિ-ઑક્સિડન્ટ પણ હોય છે એટલે એ રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે. કેળાં અને ઍવકાડોને સાથે ખાઈ શકાય. આ ફળોમાં કૅલ્શિયમ, સપોર્ટિવ મિનરલ્સ અને ફાઇબર હોવાથી વજન વધારવામાં મદદરૂપ થાય છે. કિવી, પપૈયું અને જામફળ આ ત્રણેય ફળોની PH એકસમાન છે એટલે સાથે ખાઈ શકાય. આ ફળો વિટામિન A, C અને E તેમ જ પોટૅશિયમ અને ઍન્ટિ-ઑક્સિડન્ટ ધરાવે છે. એને કારણે બ્લડ-પ્રેશરને નિયંત્રણમાં રાખે છે તેમ જ આંખોની હેલ્થને સુધારે છે. આ ફળો તમે સાથે ખાઓ ત્યારે તમારા શરીરમાં કૅલ્શિયમ સપ્લિમેન્ટ લેતા હો તો એનું શોષણ સારું થાય છે. દ્રાક્ષ, કિવી અને સ્ટ્રૉબેરીના રસ પ્રકૃતિમાં એકસમાન હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સૌથી સર્વશ્રેષ્ઠ ફળ છે એ આપણાં જાંબુ છે. બધાં જ ફળો દરરોજ ન ખાઈ શકાય, પરંતુ સફરજન દરરોજ ખાઈ શકો છો. તમારે શરીરમાં ડીટૉક્સિફિકેશન કરવું હોય તો લાલ દ્રાક્ષ અને દાડમ ખાઈ શકાય.’

ફળો વિશે જાણવા જેવું

- ટમેટાં શાકભાજીમાં નહીં પણ ફળની શ્રેણીમાં આવે છે. એ વિશ્વનું સૌથી પ્રખ્યાત ફળ છે.

- જાણીને કદાચ નવાઈ જ લાગે કે આજ સુધી જે કાકડીને દરરોજ ખાઓ છો એ શાકભાજી નહીં પણ વિજ્ઞાનની વ્યાખ્યા મુજબ ફળ છે. એની સાથે જ પમ્પકિન એટલે કે કોળું, ઑલિવ, શિમલા
મરચાં-કૅપ્સિકમ પણ ફળોની યાદીમાં સામેલ થાય છે.

- હવે સ્ટ્રૉબેરી એ બેરી નથી; કારણ કે બેરી ફળની વ્યાખ્યા પ્રમાણે ફળનાં બી અંદર હોવાં જોઈએ, જ્યારે સ્ટ્રૉબેરીનાં બી બહારની બાજુએ હોય છે.

- આજ સુધી ક્યારેય દાડમના દાણા ગણ્યા નથી, પરંતુ મધ્યમ કદના દાડમમાં ૬૦૦થી ૧૬૦૦ બી હોઈ શકે છે.

- દરકે સંતરું નારંગી રંગનું ન પણ હોય. બ્રાઝિલમાં વાતાવરણને કારણે સંતરાની છાલનો રંગ નારંગી નહીં પરંતુ લીલો કે પીળો પણ હોય છે. ભારતમાં પણ સંતરાં વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે.

ખાલી પેટે કયાં ફળ ન ખવાય?

‘બિગિનર્સ ગાઇડ ઍન્ડ જર્નલ ટુ હોલિસ્ટિક અપ્રોચ ટ્રાયસૂત્ર’ બુકનાં લેખક અને જુહુમાં છેલ્લાં ૮ વર્ષથી પ્રૅક્ટિસ કરતાં ઇન્ટિગ્રેટિવ ન્યુટ્રશનિસ્ટ અને હેલ્થ સાઇકોલૉજિસ્ટ કરિશ્મા શાહ કહે છે, ‘સામાન્ય રીતે તમે બધાં જ ફળો ભૂખ્યા પેટે ખાઈ શકો છો, પરંતુ બધાની તાસીર અલગ હોય છે એટલે ચોક્કસ કહેવું મુશ્કેલ છે કે કોણે કયાં ફળો અવગણવાં જોઈએ. એમ છતાં સવારે ખાટાં ફળો એટલે કે સિટ્રસ ફ્રૂટ અવગણવાં જોઈએ, કારણ કે ખાલી પેટે આ ફળો ઍસિડિટી કરી શકે છે. એ સિવાય ફ્રૂટ-જૂસ પણ ખાલી પેટે અવગણવું જોઈએ. તમે ફળોને દિવસ દરમ્યાન મીલની વચ્ચેના સમયમાં ખાઈ શકો છો. ફળોને મિક્સ-મૅચ કરીને ખાવા કરતાં એને એકલું ખાવામાં આવે તો વધારે ગુણકારી છે. જો સવારમાં ફળો ખાવાં હોય તો તમે નટ એટલે કે ડ્રાયફ્રૂટ સાથે ખાઈ શકો છો. જેમ કે એક કેળાં સાથે ૬-૭ બદામના દાણા વધુ ગુણકારી છે. એક સફરજન સાથે ૪ અખરોટ ખાઈ શકાય છે. ફળોને ડ્રાયફ્રૂટ સાથે ખાવામાં આવે ત્યારે એ એકદમ ધીરે-ધીરે ઇન્સ્યુલિન રિલીઝ કરે છે જે ઓવરઑલ હેલ્થ માટે સારું છે.’

ફળો ખાવાનો સમય ધ્યાન રાખવો

સૂર્યાસ્ત પછી ફળોનું સેવન ન કરવું. રાત્રે શારીરિક શ્રમ ઓછો થતો હોવાથી પાચનતંત્રને કાર્બોહાઇડ્રેટ અને શુગર ધરાવતાં ફળોને પચાવવાનું ભારે પડે છે, જેને કારણે બ્લડ-શુગર વધવાનું જોખમ રહે છે અને એને કારણે ઊંઘમાં ખલેલ આવી શકે છે.

health tips life and style columnists