ચોમાસામાં તરસ લાગે કે ન લાગે, પાણી પીતા રહેજો

16 July, 2024 09:53 AM IST  |  Mumbai | Heena Patel

ડીહાઇડ્રેશનનું જોખમ ફક્ત ગરમીની સીઝનમાં જ હોય એવું તમે માનતા હો તો આ તમારી ભૂલ છે, કારણ કે ગરમી કરતાં ઠંડીમાં ડીહાઇડ્રેશનનો ખતરો વધુ હોય છે

પ્રતીકાત્મક તસવીર

ડીહાઇડ્રેશનનું જોખમ ફક્ત ગરમીની સીઝનમાં જ હોય એવું તમે માનતા હો તો આ તમારી ભૂલ છે, કારણ કે ગરમી કરતાં ઠંડીમાં ડીહાઇડ્રેશનનો ખતરો વધુ હોય છે. ગરમીમાં આપણને પરસેવો વળે એટલે તરસ પણ વધુ લાગે, પણ વરસાદના ઠંડા વાતાવરણમાં તરસ એટલી લાગે નહીં એટલે આપણે પાણી પણ ન પીએ. એટલે તરસ લાગે પછી જ પાણી પીવું જોઈએ એવી આદત છોડીને દર કલાકે થોડું-થોડું પાણી પીતા રહેવું જોઈએ.

ગરમીમાં તડકાને કારણે શરીરમાંથી ખૂબ જ પરસેવો નીકળે છે, પરિણામે શરીરમાં પૂરતા પાણીની અછતને કારણે ડીહાઇડ્રેશનની સમસ્યા થાય છે. ડીહાઇડ્રેશનની સમસ્યા ફક્ત ઉનાળામાં જ થાય એવું નથી, ચોમાસામાં પણ એ થઈ શકે છે જો તમે પૂરતું પાણી પીતા ન હો. ઉલટાનો ડીહાઇડ્રેશનનો ખતરો ઉનાળા કરતાં ચોમાસામાં વધુ હોય છે. જનરલી આપણે ઉનાળામાં તરસ લાગે ત્યારે પાણી પી લઈએ છીએ. જોકે ચોમાસામાં તો આપણે તરસ પણ ઓછી લાગે એટલે પીવું જોઈએ એટલું પાણી પીતા નથી.

બીજી બાજુ ચોમાસામાં હાઈ હ્યુમિડિટીને કારણે શરીરમાંથી પરસેવાના માધ્યમથી ફ્લુઇડ-લૉસ તો થવાનો જ છે.

શું કામ જરૂરી?

ચોમાસામાં પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું શા માટે જરૂરી છે એ વિશે સમજાવતાં ડાયટિશ્યન મેઘના પારેખ શેઠ કહે છે, ‘જનરલી બે ટાઇપનાં ઍનિમલ હોય છે. હૉટ-બ્લડેડ અને કોલ્ડ-બ્લડેડ. મનુષ્યો હૉટ-બ્લડેડ ઍનિમલ કહેવાય. આપણા શરીરમાં ૩૭ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર મેઇન્ટેન રહે છે, ભલે પછી બહાર ઠંડી હોય કે ગરમી હોય. આપણું શરીર બહારના તાપમાનના હિસાબે બૉડીનું ટેમ્પરેચર મેઇન્ટેન રાખે છે. જેમ કે બહાર ગરમી વધુ હોય તો એને કારણે તમારા શરીરમાં પણ ગરમી વધી શકે છે. એટલે બૉડીનું ટેમ્પરેચર ઠંડું રાખવા માટે તમારું શરીર વધુ પરસેવો કરશે. પરસેવો શરીરમાંથી નીકળે ત્યારે એની સાથે હીટ એનર્જી પણ નીકળે છે જેથી તમારું બૉડી કૂલ રહે. હવે ચોમાસામાં આમ વાતાવરણ ઠંડું હોય, પણ હ્યુમિડિટીને કારણે પરસેવો તો થાય છે. શરીરમાંથી ફ્લુઇડ-લૉસ ફક્ત પરસેવાથી જ થાય એવું નથી, યુરિનેશનમાં પણ આપણા બૉડીમાંથી ફ્લુઇડ-લૉસ થતો હોય છે. આપણા બૉડીનું મોટામાં મોટું ઑર્ગન સ્કિન છે. સ્કિનની ઉપર જે નાના પોર્સ એટલે કે છિદ્રો છે એમાંથી કન્ટિન્યુઅસલી ગમે એ રીતે ફ્લુઇડ-લૉસ થતો જ હોય છે. બસ, આપણને ઘણી વાર એની ખબર પડતી હોતી નથી.’

શરીરની જરૂરિયાત

આપણા શરીર માટે પાણી કેટલું મહત્ત્વનું છે એ વિશે જણાવતાં મેઘના પારેખ શેઠ કહે છે, ‘પાણી આપણા બૉડીનું એક ખૂબ જ મહત્ત્વનું ન્યુટ્રિઅન્ટ છે. તમારા શરીરના દરેક સેલ અને ઑર્ગનને કામ કરવા માટે પાણી જોઈએ છે. આપણા બૉડીનું ટેમ્પરેચર મેઇન્ટેન કરવામાં, બૉડીના દરેક સેલ સુધી ઑક્સિજન અને ન્યુટ્રિઅન્ટ્સ પહોંચાડવામાં, મિનરલ્સ અને બીજાં ન્યુટ્રિઅન્ટ્સને ડિઝૉલ્વ કરવામાં, શરીરમાંથી ટૉક્સિન્સ બહાર કાઢવામાં, જૉઇન્ટ્સની લવચિકતા જાળવી રાખવામાં એની મહત્ત્વની ભૂમિકા હોય છે. આપણા શરીરના કુલ વજનમાંથી આશરે ૬૫ ટકા પાણી જ હોય છે જેમ કે બ્લડમાં ૮૦ ટકા, મસલ્સમાં ૭૫ ટકા, લંગ્સમાં ૭૦ ટકા, સ્કિનમાં ૬૪ ટકા, ઈવન હાર્ટ અને બ્રેઇનમાં પણ ૭૦ ટકા વૉટર હોય છે. આપણાં જેટલાં પણ મેજર બૉડી ઑર્ગન્સ છે એમાં ઑલમોસ્ટ ૬૦-૭૦ ટકા ભાગ પાણીનો છે. આપણા શરીરના બધા અવયવો સરખી રીતે કામ કરે એ માટે ખૂબ જ જરૂરી છે કે આપણે પૂરતા પ્રમાણમાં પાણી પીએ. જનરલી આપણે બીજાં વિટામિન્સ અને મિનરલ્સ લેવાનું ધ્યાન રાખીએ છીએ પણ પૂરતું પાણી પીવા પર ધ્યાન આપતા નથી.’

રોગો રહેશે દૂર

આપણી બૉડીમાં પૂરતા પ્રમાણમાં પાણી નથી એ કઈ રીતે જાણી શકાય એ વિશે વાત કરતાં મેઘના પારેખ શેઠ કહે છે, ‘ચોમાસામાં પાણીજન્ય રોગો અને ઇન્ફેક્શન થવાનો ખતરો વધુ હોય છે. બૉડી હાઇડ્રેટેડ હશે તો તમારા શરીરના બધા ઇમ્યુન સેલ્સ પણ સરખી રીતે કામ કરી શકશે જે તમને બીમારીઓ સામે રક્ષણ આપશે. એ સિવાય પાણી ખોરાક પચાવવામાં અને પેટમાંથી કચરો સાફ કરવામાં પણ મદદ કરે છે એટલે ચોમાસામાં જે પાચન સંબંધિત અપચો, કબજિયાત, ગૅસ્ટ્રિક જેવી સમસ્યામાંથી છુટકારો જોઈતો હોય તો પાણી પીતા રહેવું જોઈએ. ચોમાસામાં તમારી સ્કિન ડ્રાય ન થાય અને એની ફર્મનેસ અને મૉઇશ્ચર જળવાઈ રહે એવું ઇચ્છતા હો તો ​પાણી પીતા રહેવું જોઈએ. આપણું શરીર જ્યારે ડીહાઇડ્રેટેડ હોય ત્યારે એ આપણને કેટલીક સાઇન્સ આપે છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે. જેમ કે તમારા યુરિનનો રંગ લાઇટ યલો હોવો જોઈએ. જો એ વધારે ડાર્ક યલો હોય તો સમજી જવું કે તમે ડીહાઇડ્રેટેડ છો. એ સિવાય તમે અનુભવ્યું હશે કે ચોમાસામાં તમારી સ્કિન અને હેર ડ્રાય અને ડલ થઈ જાય છે. ઘણી વાર તમને થાક અને ચક્કર જેવું લાગે. આ બધી કૉમન લક્ષણો છે જે દર્શાવે છે કે તમે પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી.’

આ રીતે રહો હાઇડ્રેટેડ

ચોમાસામાં તરસ લાગે નહીં એટલે પાણી પીવાનું પણ યાદ આવે નહીં તો આવી સિચુએશનમાં શું કરવું જોઈએ એ વિશે વાત કરતાં મેઘના પારેખ શેઠ કહે છે, ‘તમારે તરસ લાગવાની રાહ જોવાની જ નથી. તમે એમ વિચારો કે તરસ લાગી છે તો હવે હું પાણી પીઉં તો એ ખોટું છે. તમને તરસ ત્યારે જ લાગે જયારે તમારું બૉડી ઑલરેડી થોડું ડીહાઇડ્રેટેડ થઈ ગયું હોય. તમારે સવારે ઊઠતાની સાથે જ એક ગ્લાસ ગરમ પાણી પીવાનું. દિવસ દરમિયાન તમારે એક-એક કલાકે થોડું-થોડું પાણી પીતા રહેવાનું. કામની વચ્ચે પાણી પીવાનું યાદ ન રહે તો મોબાઇલમાં અલાર્મ સેટ કરો. થોડા દિવસ બાદ આપોઆપ થોડી-થોડી વારે પાણી પીવાની તમારી હૅબિટ થઈ જશે. આખા દિવસમાં તમારે અઢી લીટર તો પાણી પીવું જ જોઈએ. એ સિવાય વરસાદમાં વારંવાર ગરમાગરમ ચા-કૉફી પીવાની ઘણાને હૅબિટ હોય છે, પણ એને કારણે તમારું બૉડી ડીહાઇડ્રેટ થઈ શકે છે એને બદલે તમે હર્બલ ટી, કાવો, હળદરવાળું દૂધ પી શકો છો. બૉડીને હાઇડ્રેટેડ રાખવા માટે પાણી સાથે તમારે સીઝનલ ફળો તરબૂચ, સંતરા, જાંબુ, લિચી, પ્લમ, પેઅર તેમ જ કાકડી, કારેલાં, દૂધી, તૂરિયાં જેવી શાકભાજીનો ડાયટમાં સમાવેશ કરવો જોઈએ.’

health tips life and style columnists