ગરમીની સાથે ગુસ્સો ખૂબ વધી જાય છે

03 April, 2023 05:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘણા લોકોને લાગે છે કે ગરમી કે ઠંડી સહન કરવી એક આદત માત્ર છે. એ ફક્ત આદત નથી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હું ૪૫ વર્ષનો છું. મારો સ્વભાવ પહેલેથી જ થોડો ગરમ છે. હું નાની-નાની વાત પર ગુસ્સે થઈ જતો હોઉં છું એવું મારી આજુબાજુના લોકો માને છે. જોકે ઉંમર સાથે હું ગુસ્સા પર કાબૂ રાખતા શીખ્યો છું, પરંતુ ઉનાળામાં મારો પારો પણ ઉપર જતો રહે છે. એ વાત સાચી છે કે મારાથી ગરમી સહન નથી થતી. એ મને અકળાવે છે, પણ ગરમીમાં ગુસ્સાને કન્ટ્રોલ કઈ રીતે કરું એ મને સમજાતું નથી. શું આનો કોઈ ઉપાય છે? મારા ધંધા પર પણ એની અસર પડે જ છે. ગરમી તો દૂર થવાની નથી, પરંતુ મારે ગુસ્સા પર કાબૂ રાખતા શીખવું છે. 

કયાં પરિબળો આપણા પર ક્યારે હાવી થાય એ સમજવા જેવું છે. જો આપણને મુંબઈની ચીપ-ચીપી ગરમીમાં કામ કરવા બહાર રખડવું પડે તો મનમાં ગુસ્સો આવે છે, પરંતુ રાજસ્થાનની ગરમીમાં પણ આપણે વેકેશનમાં ફરવા ગયા હોઈએ તો ગરમીનો ત્રાસ થાય, પરંતુ ગુસ્સો આવતો નથી. જોકે એવું પણ છે કે લગ્નમાં તૈયાર થઈને જાઓ, અંદરથી ખુશી હોય, પરંતુ જે જગ્યાએ ગયા ત્યાં એસીની વ્યવસ્થા ન હોય તો લગ્નમાં મહાલવાની ખુશી જલદી ઓગળી જાય છે. આમ, સ્ટ્રેસમાં ન હોઈએ ત્યારે પણ ગરમી એક ફિઝિકલ સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે, જેની અસર મન પર થાય જ છે. વળી, જ્યારે આપણે અંદરથી સ્ટ્રેસમાં હોઈએ જ, ૫૦ કામ એકસાથે પતાવવાના હોય અને એમાં બાહ્ય પરિબળ તરીકે ગરમી મોટો ભાગ ભજવે છે અને સ્ટ્રેસમાં ઉમેરો કરે છે, જેને લીધે મૂડ સ્વિંગ્સ થાય, ગુસ્સો આવે, ઝઘડા થાય.હોમિયોપથી એક એવું સાયન્સ છે જેમાં એક ડૉક્ટર માટે એ જાણવું અત્યંત જરૂરી છે કે વ્યક્તિ માટે કયું તાપમાન અનુકૂળ છે. માણસથી ગરમી સહન થાય છે કે ઠંડી, એ માણસની પ્રકૃતિ પર નિર્ભર કરે છે. ઘણા લોકોને લાગે છે કે ગરમી કે ઠંડી સહન કરવી એક આદત માત્ર છે. એ ફક્ત આદત નથી. ધ્યાનથી જોઈએ તો સમજાશે કે આ વસ્તુ દરદીના વ્યક્તિત્વનો એક ભાગ હોય છે. એ જાણીને જ અમે તે વ્યક્તિ માટે દવા પસંદ કરીએ છીએ. જો આ પરિસ્થિતિ તમારા કામ અને રોજિંદા જીવનને અસર કરવા લાગે અને તમારા મનની સ્થિતિ પણ એનાથી બગડવા લાગે તો ચોક્કસ એને ઠીક કરી શકાય છે. એમાં સુધાર લાવી શકાય છે. ગરમી જે તમારાથી અસહ્ય છે એને હોમિયોપથીના ઇલાજ દ્વારા સહ્ય બનાવી શકાય છે. એમાં પ્રકૃતિને બદલવાની વાત નથી, પરંતુ બહારનાં પરિબળોને માફક આવવાની વાત છે.

columnists health tips life and style